jump to navigation

શું લખું? જુલાઇ 27, 2007

Posted by ઊર્મિ in સર્જનક્રિયા.
18 comments

ગયા શુક્રવારે મેં એક પંક્તિ આપી હતી… આપણો સંબંધ ખૂટ્યો, શું કરું?”… એ જ છંદ, કાફિયા અને ‘શું કરુ?’ રદીફ લઈને ગઝલ, શેર કે પંક્તિ લખવાનું આમંત્રણ હતું…  પરંતુ એક સ્નેહી મિત્રએ મને જણાવ્યું કે ‘શું કરું?’ ‘શું કરું?’ માં ઘણું મગજ ઘુમાવ્યુ પરંતુ કશું લખાયું જ નહીં… અને મેં એમને જવાબ પણ આપ્યો કે, ‘લખવાનું મને કંઇ સુઝતું નથી, શું કરું?’ એવું જ કંઇક લખી દ્યો ને મિત્ર?!  🙂  જો કે, એ મિત્રનાં કહેવા સાથે હું પણ સન્મત છું કે ઘણીવાર મારી મચડીને આયાસો કરવાથી કશું લખાતું જ નથી… અને જે લખાય છે એ કદાચ એટલું અસરકારક નથી હોતું… પરંતુ કાંઇ નહીં મિત્રો, આ તો આપણી પોતાની જ પોએટ્રી વર્ક-શોપ છે એટલે કોઈ સખત બંધન નથી… આપેલા વિષયમાં તમે છંદ, અને કાફિયાની થોડી છૂટછાટ પણ લઈ શકો છો!  બસ, તમારી કવિતા આપેલા વિષયથી બહુ અળગી ન થાય, એનું બને એટલું ધ્યાન રાખવાની કોશિશ કરવી… પછી તો જેવી કવિતામાતાની ઈચ્છા કે એમણે કેવી રીતે અને ક્યાં પધરામણી કરવી છે!! 🙂

હા, તો એ મિત્રની ન લખી શકવાની દુવિધાને લીધે મને આજે વિચાર આવ્યો કે આ વિષય પણ બહુ જ મજાનો છે હોં… કે ‘શું લખું?’ !!!  આપણને સૌને ઘણીવાર કશુંક ન લખી શકવાની દુવિધા અને એની પીડા પણ ક્યારેક થતી હોય છે… મને પણ ઘણીવાર થાય છે 😦  … અને તમને પણ ક્યારેક ક્યારેક તો થતી જ હશે…. તો આજે આપણે આપણી એ દુવિધા અને પીડાને જ વાચા આપવાની એક કોશિશ કરીએ તો…?

મને બરાબર યાદ છે કે મિત્ર વિવેકે એકવાર ‘શું લખું?’ ની દુવિધામાં આખી એક ગઝલ લખી નાંખેલી…

નવા વર્ષની હું કથા શું લખું ?
શરીર એ જ, વસ્ત્રો નવાં, શું લખું ?

આખી ગઝલ અહીં વાંચો

મિત્રો, શું તમને પણ ક્યારેક કંઈક ન લખી શકવાની દુવિધા સતાવે છે ખરી??  તો ચાલો, એ જ વિષય પર આજે આપણે કંઇક લખી નાંખીએ…  કોઇ પણ બંધારણની છાંદસ – અછાંદસ રચના…

પણ મને વિચાર આવે છે કે આ ‘શું લખું?’ વિષય ઉપર આખરે હું શું લખું? 😕 …
(કારણ કે મેં આ વખતે બિલકુલ અંચઈ નથી કરી હોં… પહેલેથી ખરેખર કંઈ જ લખી નથી રાખ્યું!)

* * *

એક પંક્તિ: “આપણો સંબંધ ખૂટ્યો, શું કરું?” જુલાઇ 20, 2007

Posted by ઊર્મિ in સર્જનક્રિયા.
15 comments

મિત્રો, આજે એક પંક્તિ આપું છું… જેવી રીતે મુશાયરાઓમાં આપવામાં આવે છે ને, બસ એવી જ રીતે… 🙂

પંક્તિ:  “આપણો સંબંધ ખૂટ્યો, શું કરું?”
છંદ: ગાલગાગા ગાલગાગા ગાલગા 
કાફિયા: ખૂટ્યો, લાગ્યો, તૂટ્યો, જીવ્યો, વગેરે જેવા શબ્દો…
રદીફ: શું કરું?

જે મિત્રો છંદના અભ્યાસુ છે એઓ આ છંદમાં અને આજ રદીફ અને કાફિયાઓ લઇને લખવાનો પ્રયત્ન કરે…!  જેઓને નથી આવડતો એ સૌ છંદને અવગણી એટલીસ્ટ આજ કાફિયા અને રદીફને લઈને ગઝલ, શેર કે મુક્તક લખે… અને જેઓને છંદ શીખવું છે પણ છંદનાં નામથી ડરે છે, એમને હું મારા નિજ અનુભવ પરથી કહું છું કે મિત્રો, એટલું બધું અઘરું પણ નથી આ છંદ શીખવાનું હોં… હા, એકદમ સરળ પણ નથી, પરંતુ મારા હિસાબે પહેલાં ખાસ જરૂરત છે છંદને ગઝલમાંથી ઓળખી શકવાની અને એને માટે આપણા કવિઓની સારી સારી ગઝલોનો અભ્યાસ કરવાની… જે માટેનો મારો અભ્યાસ તો હજી પણ ચાલુ જ છે અને હંમેશા ચાલુ જ રહેવાનો છે… કારણ કે મને જે એક-બે છંદો આવડ્યાં છે એમાં મેં સાચ્ચે જ કોઇ એવી મોટી ધાડ નથી મારી, પરંતુ આટલું આવડવાથી આ છંદ (જે મને એક સમયે એલીયન જેવો લાગતો હતો!) નાં રસ્તે આગળ જવાની ધગશ હજી એવી જ રહી છે જે મારે માટે ઘણી મોટી વાત છે…!!  અને એ માટે મારા છંદ-શિક્ષક-મિત્રોને મારા સ્નેહવંદન…!!

કવિ શ્રી આર.જે. નિમાવતનો એક શેર છે…

લો રહ્યાં અકબંધ સ્વપ્નાં આંખમાં;
આપણો સંબંધ ખૂટ્યો શું કરું !

આ આખી ગઝલ કોઇ પાસે હોય તો અહીં જણાવશો…

આપણા કવિ-મિત્ર વિવેકનું કહેવું છે કે…

જિંદગીનો પથ હજી બાકી હતો,
આપણો સંબંધ ખૂટ્યો, શું કરું?

વિવેકની આ આખી ગઝલ અહીં વાંચો

મિત્ર વિવેકની પાસેથી આ પંક્તિ લઈને મેં પણ એક ગઝલ લખી છે… એ ય પાછી છંદમાં હોં…  🙂

(હા, આ વખતે પણ મેં જરા અંચઈ જ કરી છે… વિષય આપવા પહેલાં જ આ ગઝલ લખી દઈને… )

આપણો સંબંધ ખૂટ્યો, શું કરું?
સ્નેહનો આ તાર તૂટ્યો, શું કરું?

મારી આ આખી ગઝલ અહીં વાંચો..

મિત્રો, તૈયાર છો ને તમે?   ભૂલી તો નથી ગયા ને આપણા કાવ્ય-સર્જનની પ્રેક્ટિસ…??

તો ચાલો લખવા માંડો… 
‘શું કરું?’ રદીફ  પરની કોઈ પણ રચના…
બની શકે તો આ જ છંદમાં…
આ જ રદીફ અને કાફિયાઓની સાથે…

* * *

અંજલિ જુલાઇ 13, 2007

Posted by ઊર્મિ in સર્જનક્રિયા.
12 comments

નાશવંત શરીર છોડીને જનારા સ્વજનોની પાછળ અમર થઈ જનારા ઘણાં શાશ્વત ગીતો અને યાદગાર કવિતાઓ રચાયાં છે…! 

જેમ કે, કવિશ્રી નરસિંહરાવ દિવેટીયાની આ અમર રચના… જે આવા દુ:ખદ પ્રસંગે કદાચ બધાં જ એને સૌ પ્રથમ ગાય છે…loose-flowers.gif

મંગલ મંદિર ખોલો,
દયામય ! મંગલ મંદિર ખોલો !

કરસનદાસ માણેકની એક અમર રચના…

જીવન અંજલિ થાજો !
મારું જીવન અંજલિ થાજો !

બીજું મને ખૂબ જ ગમતું એક અંજલિગીત… પરંતુ એના કવિ વિશે મને કંઇ જ ખબર નથી.

હે નાથ! જોડી હાથ પાયે પ્રેમથી સહુ માંગીએ,
શરણું મળે સાચું તમારું એહ હૃદયથી માંગીએ;
જે જીવ આવ્યો આપ પાસે, ચરણમાં અપનાવજો,
પરમાત્મા, એ આત્માને શાંતિ સાચી આપજો.

મિત્રો… તમને થશે કે આજે તમને આ અંજલિ ગીતો હું કેમ યાદ કરાવું છું?  તો એ એટલા માટે, કે આજનો આપણો કવિતાસર્જનનો વિષય છે, અંજલિ… કોઈકને અંજલિ આપવા માટે આજે આપણે અંજલિકાવ્યો લખીએ… આપણા બધાના જીવનમાં કોઇ ને કોઇ તો એવું હશે જ કે જે હવે આ દુનિયામાં હયાત નહીં હોય, જેની ગેરહાજરી તમને વારે-તહેવારે જરૂર સતાવતી હશે…  કોઇ સ્વજન, કોઇ મિત્ર અથવા નિરાલી જેવું કોઇ એકદમ અજાણ્યું જણ જે આપણા હૃદયને જરૂર ક્યાંક સ્પર્શી ગયું હશે…  તો એ સૌને આપણે આજે કાવ્યાંજલિ આપીએ તો?!    તમે કોઇને માટે લખેલી રચના પણ અહીં મૂકી શકો છો… નહીંતર આપણે તો અહીં કવિતા-સર્જનની પ્રેકટીશ કરવાની જ છે ને… એટલે નવી જ કોઇ રચના લખી દઈએ…

લ્યો, સૌપ્રથમ શરૂઆત આજે હું જ કરું છું… (જો કે મેં થોડું ચીટીંગ તો કર્યુ જ છે… કારણ કે પ્રથમ આ રચના લખી છે અને એના પરથી આ વિષય આપવાની બુદ્ધિ આવી છે… 🙂 )

નિરાલી નાયકને શબ્દાંજલિ આપવા માટે આ રચનાઓ મેં લખી છે… જે નિરાલીનાં પ્રશ્નો અને પ્રભુનાં ઉત્તરરૂપે લખી છે!

નિરાલી પૂછે છે કે…

તારા આંગણની હતી, નાજુક કોમળ-શી કળી,
મારી ડાળથી નાથ મારે, કેમ અલગ થાવું પડ્યું?
 

પ્રભુ ઉત્તર આપે છે કે…

હે સુકોમળ-શી કળી!  ના તેં કર્યા કો’ પાપ છે,
આવિયા’તા સંગ તારી, ગત જનમનાં કર્મ છે.

રીડગુજરાતી પર કમલેશ પટેલની એક રચના આપણા પ્રિય કવિ સ્વ. શ્રી ર.પા. માટે…

ઓ રમેશ ! તે કેવો લીધો છે વેશ !
કોઈને કહ્યા વિના, તેં સ્વર્ગમાં કર્યો પ્રવેશ !

આપણા હરીશકાકાની મુક્તપંચિકાઓ આપણા પ્રિય કવિ સ્વ. શ્રી ર.પા. માટે…

પાન ફરકે
અને સઘળા
પ્રસંગ યાદ આવે!
પણ, રે! હવે
રમેશ નથી!

તો મિત્રો, ચાલો આપણે કાવ્યસર્જન કરી આપણા વ્હાલુડાંઓને આપીએ… અંજલિ… શ્રદ્ધાંજલિ… પ્રેમાંજલિ… શબ્દાંજલિ… કાવ્યાંજલિ… (કે પછી આપણા ચિરાગભાઈની જેમ અંજલિરૂપે આખો બ્લોગ જ-) સ્વરાંજલિ…!!

* * *

સંકલિત: રદીફ-કાફીયા એક… ‘પ્રકારે પ્રકારે’! જુલાઇ 11, 2007

Posted by ઊર્મિ in ગઝલો, સંકલિત.
add a comment

આ વિષય ઉપર હજી પણ બીજા મિત્રોએ રચના લખવી હોય તો અહીં નીચે કોમેંટમાં લખી શકે છે!

આગળની પોસ્ટ:  રદીફ-કાફીયાને એક જ રાખી, ગઝલ લખીએ ‘પ્રકારે પ્રકારે’!  

* * * (વધુ…)

સંકલિત: દેશભક્તિ અને શહીદી જુલાઇ 11, 2007

Posted by ઊર્મિ in ગીત, તઝમીન, મુક્તકો, સંકલિત.
3 comments

આ વિષય ઉપર હજી પણ બીજા મિત્રોએ રચના લખવી હોય તો નીચે કોમેંટમાં લખી શકે છે!

આગળની પોસ્ટ:  દેશભક્તિ અને શહીદી

* * *  (વધુ…)

સંકલિત: કેમ છો? જુલાઇ 11, 2007

Posted by ઊર્મિ in ગીત, મુક્તકો, લધુકાવ્યો, સંકલિત.
5 comments

આ વિષય ઉપર હજી પણ બીજા મિત્રોએ રચના લખવી હોય તો નીચે કોમેંટમાં લખી શકે છે!

આગળની પોસ્ટ:  કેમ છો?!

* * *  (વધુ…)

બાળગીત, બાળકોને જન્મદિવસની શુભેચ્છા આપતા ગીત.. જુલાઇ 6, 2007

Posted by ઊર્મિ in સર્જનક્રિયા.
10 comments

આજે મારા વિશાલનો ‘હેપ્પી બર્થ ડે’ છે 🙂 એટલે આજે કવિતા હોય કે કિચન, વિશાલને લગતું અને વિશાલને ગમતું જ દેખાય ને મને તો…!! તો ચાલો, તમને પણ મારી સાથે બાળગીત જ લખવાનું આમંત્રણ આપું ને..!!

 જન્મદિવસની શુભેચ્છા આપતું કોઇ ગુજરાતી ગીતના મળ્યું, એટલે હમણા તો આ હિન્દી ગીતથી જ શરૂઆત કરું.

જનમદિન મુબારક મુબારક તુમ્હેં…
જનમદિન મુબારક મુબારક તુમ્હેં…

બાળગીતોનું એક અલગ જ વિશ્વ છે.. એમ પણ કહેવત છે ને, જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ. અને કવિ જ્યારે બાળકોને ધ્યાનમાં રાખીને કલ્પનાના ઘોડા દોડાવે, ત્યારે તો જે ન થાય એ ઓછું…!!

રમેશ પારેખનું આ ગીત બાળપણમાં કેટલું ય ગાયું હશે બધા એ :

 

એકડો સાવ સળેખડો, બગડો ડિલે તગડો
બંન્ને બથ્થંબથ્થા બાઝી, કરતા મોટો ઝગડો

તગડો તાળી પાડે, ને નાચે તાતાથૈ
ચોગડાની ઢીલી ચડ્ડી સરરરર ઉતરી ગઇ

અને બાળપણ એટલે ધિંગા-મસ્તી અને મનમાની કરવાનો પણ વણલ્ખ્યો હક મળે..!! અને એમાં પછી મમ્મી-પપ્પાઓ કક્કો ઘુંટવા કે એ.બી.સી.ડી. લખવા બેસાડે, તો બાળક કંઇક આવું જ કહે ને –

દાદા, મને વાંચવાનું કહેશો નહીં.
રૂડી રૂપાળી ચોપડીને
પૂંઠૂં ચડાવી દઉં
તમને ગમે તો સરસ મજાનું
સ્ટીકર લગાડી દઉં.
દાદા, મને વાંચવાનું કહેશો નહીં. 

અને ચલો ધારી લો કે સામ-દામ-દંડ-ભેદ માંથી એકાદ ઇલાજ કામે લાગે, તો પછી નોટબુકમાં જોવા શું મળે ?

મનજીભાઈની નોટબુકમાં ઈચ્છાઓના લીટા,
થોડા ત્રાંસા, થોડા સીધા, થોડા આડા-ઊભા.

દિ’ ઉપડે ને મનજીભાઈ તો
નીકળે સેર-સપાટે;
ના પાડો ત્યાં પહેલાં પ્હોંચે,
માને ના કોઈ કાળે,
સાંજ પડે ને થાક્યા-પાક્યા આવી પહોંચે પાછા…

અને બાળપણમાં મિત્રો અને ભાઇ-બહેન સાથે ઇટ્ટા-કિટ્ટા કરવાની, ફિલમ ફિલમ રમવાની અને એવી તો કેટલીય મજા છે, જે મોટેરાઓને નથી મળતી…

તો બાળકો (!!), તૈયાર છો ને બાળગીત લખવા માટે.. ?? જો જો હોં.. આપણે ‘कोइ लौटा दे मेरे बीते हुए दिन..’ કે પછી ‘મારુ બચપણ ખોવાણું’ એવા ઉદાસ ગીતો નથી લખવાના… બાળકો માટે, અને બાળકોને લગતા બાળગીત લખવાના છે… !!

 

આવજો, પ્રિય દાદા! જુલાઇ 3, 2007

Posted by ઊર્મિ in પ્રકીર્ણ.
4 comments

પ્રિય મિત્રો,

જ્યારે આ બ્લોગ મેં શરૂ કર્યો હતો ત્યારે નિલમ આંટી અને પછી સુરેશ દાદા મારી સાથે હતા… લગભગ બે જ મહિનામાં નિલમ આંટીએ તો એમના અંગત કારણોસર આ બ્લોગ છોડવો પડ્યો હતો…  પણ દાદા મને આ સહિયારા કાર્યમાં હંમેશા સાથ આપતા રહ્યા હતા અને એ માટે હું એમની ઘણી જ આભારી છું.  પરંતુ ઊંઝાના રંગે રંગાયેલા આપણા દાદાને હવેથી અહીં સાર્થ-જોડણીમાં લખવું ફાવ્યું નહીં અને એ જ કારણોસર એમણે આ બ્લોગ પરથી જૂન 26નાં રોજ રાજીનામું આપ્યું છે, જેનું મને ખૂબ દુ:ખ હોવા છતાં એમની માન્યતાને માટે મને માન છે… અને આ બે જોડણીમાં લખવાનું એમનું સંકટ હું ખૂબ સારી રીતે સમજી શકું છું… અને એટલે જ અંતરથી એમની ઈચ્છાને માન આપ્યું છે. 

મને ખબર છે કે ‘સહિયારું સર્જન’ એ દાદાનો અતિ પ્રિય બ્લોગ છે એટલે એનાથી અલગ ભલે થયા હોય પણ દાદા અહીંથી દૂર તો બિલકુલ રહી શકવાના જ નથી એની મને ખાત્રી છે જ.  અને હું તો ઈચ્છું જ છું કે દાદા પરોક્ષ રીતે મારી સાથે જ રહે… અન્ય સલાહ સૂચનો તથા કાવ્ય-સર્જનનાં વિષયો માટેનાં સૂચનો પણ મને હંમેશા આપતા રહે! 

આજે ભલે હું આ બ્લોગનાં સંચાલનમાં એકલી પડી ગઈ છું, પરંતુ મને એ ખ્યાલ પણ છે જ કે ગયેલા સાથીઓનો પરોક્ષ સાથ અને મારા પ્રિય વાંચક-મિત્રોનો સાથ તો મને કાયમ રહેવાનો જ છે!

વ્હાલા દાદા, ગુજરાતી બ્લોગ-જગતમાં તમારું યોગદાન તો નોંધપાત્ર છે જ અને રહેવાનું જ… સાથે સાથે તમે જે પણ કાર્ય કરો એમાંથી આપણને સૌને દુર્લભ એવો આત્મસંતોષ અને આનંદ હંમેશા તમને મળતાં રહે એવી આ દીકરીની શુભેચ્છાઓ સહ… પ્રણામ!! 

અસ્તુ.