jump to navigation

દેશભક્તિ અને શહીદી જાન્યુઆરી 26, 2007

Posted by ઊર્મિ in સર્જનક્રિયા.
trackback

ગણતંત્ર દિવસની સૌ મિત્રોને ખુબ ખુબ શુભેચ્છાઓ!

આ અઠવાડિયામાં બે મહત્વનાં દિવસો…
26 જાન્યુ. એટલે કે આજે ભારતનો ગણતંત્ર દિવસ અને 30 જાન્યુ. એ ગાંધીબાપુનો નિર્વાણદિન!

તો પછી આપણે પણ આ અઠવાડિયાનો વિષય કંઇક આવો જ રાખીએ તો??

આ અઠવાડિયે આપણે દેશભક્તિ અને શહીદી વિશે કંઇક લખીએ! 

આમ તો શહીદી અને દેશભક્તિ વિશેનાં ગીતો આપણે હિન્દીમાં જ વધુ સાંભળીએ છીએ… અને દરેક ગીત લગભગ દરેક ભારતીયની આંખ ભીની કરી જતું હોય છે… પણ આપણે તો અહીં ગુજરાતીમાં જ લખવાનું છે હોં!!!

કવિ શ્રી ઝવેરચંદ મેઘાણીની ‘છેલ્લી પ્રાર્થના’ કવિતાની પંક્તિ…

નથી જાણ્યું અમારે પંથ શી આફત ખડી છે,
ખબર છે આટલી કે માતની હાકલ પડી છે !

(આખી રચના વાંચો ઊર્મિનો સાગર પર…)

એમની જ બીજી એક કવિતા ‘લાડકવાયો’ ની એક ઝલક….

રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે,
કેસરવરણી સમરસેવિકા કોમલ સેજ બિછાવે;
ઘાયલ મરતાં મરતાં રે! માતની આઝાદી ગાવે.

આખી કવિતા માણો… ‘કવિલોક’ પર…

તો ચાલો, આજે આપણે આપણાં કાવ્યસર્જનોમાં થોડાં દેશભકિત, શહીદી અને ત્રિરંગાના રંગો મેળવીએ…

rajdhat_gandhi_smruti.jpg
(Oct 19, ’06…. રાજઘાટ, દિલ્હી)

flag_troops.jpg

*

દેશ અને દેશની આઝાદીને ખાતર કુરબાન થનારા સર્વે વીરો-શહીદોને કોટિ કોટિ નમન!

* * *

ટિપ્પણીઓ»

1. વિશ્વદીપ બારડ ( Vishwadeep Barad) - જાન્યુઆરી 26, 2007

દૂર બેઠા દશૅન કરીયે આજ વતનને યાદ કરીયે
ભલે રહ્યા દૂર વતન થી , મા !અમે સંતાન તમારા.
આજ વતનને યાદ કરીયે…

સરહદ અમારી સલામત રહે ,પ્યારું છે વતન અમારૂ,
ભેદ-ભાવ ભુલી બધા ચાલો દેશનું જતન કરી યે.
આજ વતન ને યાદ કરીયે.

ધમૅ-કમૅ છે દેશ-ભક્તિમાં, બાકી રહે દૂર ગગનમાં,
જગમાં રહે ” ભારત ” નામ મોખરે,
આજ વતનને યાદ કરીયે.

હાકલ દેજે, મા તું જો મુશ્કીલ માં,
હાજર થાશું મા તારા ચરણ માં,
આજ વતન ને યાદ કરીયે.

– વિશ્વદીપ બારડ ( મા-ભોમ ખાતીર)

2. chetu - જાન્યુઆરી 26, 2007

આપણા દિલ મા દેશ પ્રેમ ની જ્યોત હમેશ પ્રજ્જ્વલિત રહે એ અભ્યર્થના..!

3. રાષ્ટ્રગીત -રવીન્દ્રનાથ ટાગોર « ઊર્મિનો સાગર - જાન્યુઆરી 26, 2007

[…] સહિયારું સર્જન પર દેશભક્તિ અને શહીદી … […]

4. ઊર્મિસાગર - જાન્યુઆરી 26, 2007

શ્રી પ્રવિણભાઇ શાહનો ઘણો ઘણો આભાર… કે એમણે મને સાચી પંક્તિઓ ઇમેલ કરીને મારી પોસ્ટમાં ટાંકેલી પંક્તિઓની ભુલ સુધારવા માટે સ્નેહથી ટકોર કરી… અને ઘણી સારી માહિતી પણ એ કાવ્ય વિશે આપી, જે હું અહીં બધા સમક્ષ મુકુ છું જેથી આપ સૌ પણ એને માણી શકો! આ આખી રચના કોઇ પાસે હોય તો જણાવશો…

આભાર પ્રવિણકાકા!!

================================

[૧] “છેલ્લી પ્રાર્થના” ૧૯૩૦ માં આયરીશ વીર મેક્સ્વીનીના એક ઉદગાર પરથી સૂઝેલું આ કાવ્ય છે.
“હજારો વર્ષની જૂની અમારી વેદના”” એ આ કાવ્યની પ્રથમ પંક્તિ….
એના ચોથા ચતુષ્ટકની પહેલી આ બે પંક્તિઓ આ પ્રમાણે છે:

નથી જાણ્યું અમારે પંથ શી આફત ખડી છે.
ખબર છે આટલી કે માતની હાકલ પડી છે.

અને એની છેલ્લી બે પંક્તિઓ આ પ્રમાણે છે:

જીવે મા માવડી એ કાજ મરવાની ઘડી છે:
ફિકર શી જ્યાં લગી તારી અમો પર આંખડી છે?

[૨] સત્યાગ્રહના પ્રથમ સંગ્રામમાં મેઘાણી ઉપર પાયા
વગરના આરોપસર ધંધુકાની કોર્ટમાં કેસ ચાલેલો.
મેજિસ્ટ્રેટ મિ. ઈસાણીએ બે વર્ષની સજા ફટકારેલી.
તે વખતે મેઘાણીએ જજશ્રીની પરવાનગી માગી અને
એમની અનુજ્ઞા મેળવી આ ગીત કોર્ટમાં ગાયેલું.
ગીત પૂરું થયું છેલ્લી આ બે પંક્તિ” સાથે:

“સમર્પણની છતાં વહેશે સદા અણખૂટ ધારા.
મળે નવ માવડીને જ્યાં લગી મુક્તિ-કિનારા”

મેઘાણી પોતાના આસને બેઠા ત્યારે માનવમેદની
ચોધાર આંસુએ રોતી હતી.દસેક મિનિટતો કોર્ટનું મકાન
ડૂસકાં અને આર્તનાદોથી કંપતું રહ્યું.

[૩] તમે યાદદાસ્તમાંથી પંક્તિઓ ટાંકી છે તે બરાબર
ન ગણાય એવું મને લાગ્યું એટલે સાચું અવતરણ
મેં મૂક્યું છે.
“નથી જાણ્યું અમારે પંથ શી આફત ખડી છે,
ખબર છે આટલી કે માતની હાકલ પડી છે.”
=========

પ્રવીણભાઈના સ્નેહવંદન.

5. Shah Pravinchandra Kasturchand - જાન્યુઆરી 28, 2007

“છેલ્લી પ્રાર્થના” મેઘાણી-રચિત ઈ-મેલથી રવાના કરેલ છે.
બેત્રણ દિવસમાં નહીં મુકાય તો ઈ-મેલ નથી મળ્યો એમ
માનીને હું અહીં મોકલીશ.

શાહ પ્રવીણચન્દ્ર કસ્તુરચન્દ.

6. wafa - જાન્યુઆરી 31, 2007

આફત ખડીછે

નથી જાણ્યું અમારે પંથ શી આફત ખડી છે,
ખબર છે આટલી કે માતની હાકલ પડી છે !(ઝવેરચન્દ મેઘાણી)

તઝમીને ‘વફા’

અમે હાથે ગુલામીની અજબ બેડી જડી છે
પરાધીન અમ આ આંખો રઝળતી થઇ રડીછે
હથેળી જાનને લઇ હવે રણમાઁ ચડી છે

નથી જાણ્યું અમારે પંથ શી આફત ખડી છે,
ખબર છે આટલી કે માતની હાકલ પડી છે !

*મોહમ્મદાઅલી ભૈડુ’વફા’

1931માઁ રાઁદેરના પ્રથમ અને ઐતિહાસિક ગુજરાતી મુશાયરામાઁ જ. નિસાર અહમદ શેખ’શેખચલ્લી’એ રજુ કરેલ આ કાવ્ય એ ગુજરાતીનુઁ રાષ્ટ્રગીત ગણાય છે

રાષ્ટ્રગીત(નઝમ)

ચમન છે પૂષ્પના કાજે અનેપૂષ્પો ચમન કાજે
વતન મારાજ માટે છે અને હુઁ પણ વતન કાજે
અમારુઁ જીવવુઁ મરવુઁ વતન કેરા જતન કાજે
મરીને પણ વતન માગુઁ કફન કજે, દફન કાજે
અડગ નિશ્ચય કરી એવો જગાડો રાષ્ટ્ર શક્તિને
વિલાસો વૈભવો ત્યાગી ગ્રહો સૌ દેશ ભક્તિને
વધુ માટે નીચેના url કલીક કરો
http://bagewafa.blogspot.com/2007/01/blog-post_25.html

7. ઊર્મિસાગર - ફેબ્રુવારી 5, 2007

-મુક્તક-

સ્નેહનાં એક જ તારે કોણે દેશને લીધો બાંધી?
લાવ્યું કોણ આ સત્ય અને અહિંસાની આંધી?
મારનારા યે ઢળી પડ્યા પ્રથમ જેનાં ચરણોમાં,
બીજો ન હોઇ શકે કો’, એક જ તાત એ ગાંધી!!

8. સંકલિત: દેશભક્તિ અને શહીદી « સહિયારું સર્જન - પદ્ય - જુલાઇ 11, 2007

[…] આગળની પોસ્ટ:  દેશભક્તિ અને શહીદી […]

9. Ramesh Patel - જાન્યુઆરી 26, 2008

પુણ્ય ભૂમિ
ધન્ય ધરાતલ પુણ્ય ભૂમિ તું,નીપજ્યા મહા અવતાર
સપ્ત ખંડે ગાજે ગરિમા, ભારત ભૂમિ મહાન

ગંગા જમના નર્મદા કાવેરી,વહેતી પુનિત પ્રેમની ધારા
ક્ષીપ્રા સરયુ મહા બ્રહ્મપુત્રા,સીંચી ધરા ભરે ભંડારા

તપો ભૂધરા હિમાલય સહ,સાગર કરે રખવાળી
સીંચ્યા જગે સંસ્કાર સહિષ્ણુતાના,કલ્યાણ કેડી કંડારી

યુગો યુગોથી વહેતી હૈયે,શ્રી રામ યોગેશ્વરની ભક્તિ
સત્ય દયા ધર્મ તપે પ્રગટી ,માનવ ધર્મની જ્યોતિ

બુધ્ધ મહાવીર નાનકજીએ,દીધા ઉપદેશ વિશ્વ ક્ષિતિજે
રાહબર બન્યા કલ્યાણ પથના,દેવત્વ પ્રગટાવ્યું જગતે

મન મંદિરે જ્ઞાન દીપે,દીધા વિચાર ઓજશ વિશ્વે
સમય સીમાના બંધન તોડી,વહી વાણી જગ કલ્યાણે

પૂજી પ્રકૃતિ સૂરજ જલધિ,ગાયાં કવન મન ભાવન સાદે
અહિંસા આદર સત્કાર પિછાણ્યા,જીવન મહેક્યું માનવતાએ
રમેશ પટેલ(આકાશદીપ)

10. Ramesh Patel - જાન્યુઆરી 26, 2008

રમેશપટેલ(આકાશદીપ)શોધવા છે બાપુ
ભૂલ્યા છે પથ આ ધરતીના છોરુ
ખુદ માનવીએ માર્યું માનવતાને તાળું
પ્રગટાવવા દિલડામાં દયાનું મોજું
મારે શોધવા છે બીજા એક બાપુ
ધર્મને સંકુચિત કરી સપડાયો માનવી
ભાવનાની વાતો ભૂલ્યો રે પૃથ્વી વાસી
તવ ચીંદ્યા મારગે માનવતાને માપું
મરે શોધવા ચે બીજા એક બાપુ

શાસકો ભૂલ્યાછે નીતિ રીતિની વાતુ
વિષાદના વંટોળના વાયાછે વાયુ
મૂરઝાયેલા સનાતન મૂલ્યો કેમ હવે ગોતું
મારે શોધવાછે બીજા એક બાપુ
સેવા સાદગી નો મંત્ર છે કીંમતી સોનું
અહિંસાના મારગે જ છે સુખ સાચું
હિંસાથી ત્રસ્ત વિશ્વને જોઇ હું દાજું
મારે શોધવાછે બીજા એક બાપુ

સરજનહારનાં છે સૌ વહાલાં સંતાનો
વિપરીત વિચાર ધારાના ઉઠ્યાં છે તોફાનો
તારા પડછાયાનો છાયો હવે શોધું
મારે શોધવાછે બીજા એક બાપુ.

રમેશપટેલ(આકાશદીપ)
મારા ઉપાસના કાવ્ય સંગ્રહમાંથી= મહાત્માગાંધી બાપુની યાદમાં

11. Ramesh Patel - માર્ચ 3, 2008

ભારતને ભારત રહેવા દો

મનની શાન્તી સકળ સુખદાતા,
જગ ચેતના જગવવાદો
આવો બંધુ અવાજ ઉઠાવો
ભારતને ભારત રહેવા દો

પુણ્ય ભૂમિએ પ્રગટ્યું દેવત્ત્વ
સારા જગે મલકવા દો
અહીંસા એ આધાર જગતનો
કરુણાથી છલકવા દો

હીંસા અત્યાચાર અકલ્યાણી
માનવને માનવ રહેવા દો
ઉપકારોના મેઘ અવની એ સીંચો
વનરાજીને મ્હોંરવા દો
પશુ પક્ષી અબોલા જીવડા
પુરક બનશે પથરાવા દો
સૌના સુખે થાશો સુખીયા
ભાવ ઉરે છલકાવા દો
સરીતામાંથી સાગર થૈ મ્હાલો
સપ્ત ખંડે સંવરવા દો
મીઠા બોલે દો આવકારો
સુધા સ્મીત રેલાવા દો
બુધ્ધી બળથી વિકાસ કેડીએ
સુખ શાન્તી પથરાવા દો
પાપ મારગેથી પાછા વળો
પ્રતિક્રમણને પ્રગટવા દો

અખીલ બ્રહ્માંડનો એકજ ઈશ્વર
બની સંતાન શોભા દો
સારું સારું ગ્રહણ કરીને
અનંત સુખને સથવારો દો

રમેશ પટેલ ‘આકાશદીપ’

12. Ramesh Patel - માર્ચ 3, 2008

ભારત- રમેશ પટેલ ‘આકાશદીપ’
હું ભારતનો, ભારત મારો,ઋણ મોંઘેરું માથે
ધબાંગ ઢોલ ધબૂકે જે દી, ઉછળે રક્ત તવ કાજે.

સાવજ દહાડે અશ્વ હણહણે,મરદ મૂછાળા મ્હાલે
રણે ઘૂમતા દુશ્મન સામે,જંગ જીતવા કાજે.

રંગ-બેરંગી,પુષ્પોસુગંધી,વનરાવન વૃક્ષો શોભે
ધરતી-ઉર્વરા નદી સરોવર, વિહંગના કલરવ માણે.

સાગરની ભરતી ચરણ પખાળે,ગાયે હિમાલય ગાથા
દાન-ધર્મ,આદર ભાવે,વહે પ્રેમની ગંગા

માનવ મેળા,વનના મોરલા,ધબકે ધરતી સંગે
ગિરિ કંદરા, મેરુ શિખરો શ્રધ્ધા જ્યોત જગાવે

સંતોની વાણી જન કલ્યાણી,વહે સંસ્કાર સરવાણી
રિધ્ધિ સિધ્ધી,કરુણા તારી, વરસી અમ પર ભારી

ભક્તિ શક્તિ,શૌર્ય સમર્પણ, નિષ્ઠા અમારી શોભા
વિદ્યા વિનય,અહિંસા અંતરે, સંસારે અમ આભા

પૂર્વ-પશ્મિમ,ઉત્તર-દક્ષિણ,ફરકે ત્રિરંગો ન્યારો
એક અવાજે આકાશે ગાજે, ‘જયહિંદ’ નો નારો

ગૌરવવંતા તવ સંતાનો,માભોમને કરે પ્રણામ
આન અમારી,શાન તમારી, ત્રિરંગાને કોટિ સલામ.

રમેશ પટેલ ‘આકાશદીપ’

રમેશ પટેલના

13. Ramesh Patel - માર્ચ 3, 2008

ભૂમિ ભારતી – રમેશ પટેલ ‘આકાશદીપ’ (Ramesh Patel)
ભૂમિ ભારતી

ભૂમિ ભારતી, કરું આરતી, તવ ચરણે ધરીએ વંદન
ખીલી સંસ્કૃતિ, પ્યાર બંધને, કણકણમાં મહેકે આજ ચંદન

વતન અમારું, સૌથી પ્યારું, ગાજે જયઘોષ અવનિ અંબર
જોશ અમારા, જગે ઉછાળશું, સાત સમંદરે કરશું બંદર

પ્ હો ફાટતાં, પંખી ગાયે, ઉષા ખીલતી લઈ સોન સૂરજ
પુષ્પ પમરાટ, મહેકે મનડા, જીવન મધુરાઈ સંગે ઝૂમે પંકજ

મહેનતકશ હાથ કિસાનના, રતન સવૈયા થઈ રમતા
જવાન અમારા, પહેરો દેતા, થઈ રખવૈયા ચરણે નમતા

પુણ્ય ધરા, પુનિત જલધારા, સંચરે રક્તે લઈ વતન માયા
આઝાદી અમારી અણમોલ વિરાસત, નહીં પડવા દઈએ શત્રુની છાયા

આકાશે ઊડી, ચંદ્રને ચૂમી, સ્વપ્ન લઈ વિહરશું આભે
નવયુગના થઈ સિપાઃઈ, વિજ્ઞાન વિદ્યાથી ચઢશું અમે સોપાને

લઈ ત્રિરંગો, શાંતિ સંદેશો, વિશ્વે અમે ઝળહળશું રંગે
સહજ ભાવે, પરખી પ્રભુને, કલ્યાણ પંથે રમશું સંગે

રમેશ પટેલ ‘આકાશદીપ’
ઉપાસના કાવ્યસંગ્રહમાંથી સાભાર.

14. Ramesh Patel - માર્ચ 4, 2008

વતનને આંગણે

આ માયુડી માટીના કણકણ મને ઓળખે
વતનના વગડે વિહંગોના વહાલ મને સાંભળે

હૃદયના બંધનથી બંધાયો નાતો મીઠડો
માટીના કણકણથી રંગાયો મારો મનખો

શિશુવયે આલિંગન દીધાં મને વહાલથી
પામ્યો સાચો સથવારો અંતરના સ્નેહથી

દલડાએ ઝીલ્યો તારો પ્રેમ દિવ્ય ટોપલે
એવા દિન પછીના ભાળ્યા અમે આયખે

કીધા અગણિત ઉપકાર છલકાવી કરુણતા
પ્રભૂ પછી વતનના, ઋણ દીઠાં મોટડાં

હશે જગને કિંમત હીરા માણેકની
મારા માંહ્યલાને માટીની મહેંક સવા લાખની

છોડી સથવારો જ્યારે સૌ થયા વેગળા
પાળ્યો,પોષ્યો ને અંતે સમાવ્યો મીઠી ગોદમાં

મારે થાવું રે ઓળઘોળ વતનને આંગણે
આ વાલુડી માટીના કણકણ મને ઓળખે
રમેશ પટેલ(આકાશદીપ)

15. Ramesh Patel - માર્ચ 20, 2008

જંગ ખેલીએ
આવો આવો જુવાન જંગ ખેલીએ
પ્રગતીના પાવન પંથે પુરુષાર્થ પલાણીએ

હાથધરીએ સુદર્શન ચક્ર વિગ્યાનનું
રણે રમીએ બાણ લઈ વિકાસનું

શૌર્યના શણગારે પાર્થ થઈ ઘૂમીએ
જગના જૂઠા વ્યવહાર ભ્રમણા ભાંગીએ

બાંધી કફન શીરે નવયુગને આવકારીએ
ભયના ઓથારને ભડવીર થઈ ભેદીએ

ના છીએ કાયર અધર્મીઓને પડકારીએ
સદાચારના હથીયાર સજી સંસારે ઘૂમીએ

કુસંગ ત્યાગી સત્સંગની રાહે દોડીએ
વિશ્વ કલ્યાણે સાહસના સથવારે ઝઝૂમીએ

આવો આવો જુવાન જંગ ખેલીએ
ત્યજી લાચારી નફરતને રણે રોળીએ

રમેશ પટેલ(આકાશદીપ)

16. Ramesh Patel - માર્ચ 22, 2008

વહાલું વતન
બાંધતી ભાવે ભારતી પાવન બંધન
અવતરતા શ્રીપતિ છોડી ગગન
ધીંગી ધરાએ નીપજ્યા અમૂલખ રતન
વહાલું વતન મારું વહાલું વતન

પૂર્યા શ્રધ્ધાથી અમે પથ્થરમાં પ્રાણ
ગાયાં અમે સંસારે ગીતાનાં જ્ઞાન
કરુણા અહિંસાથી સીંચ્યાં સ્નેહનાં સીંચન
વહાલું વતન મારું વહાલું વતન

સાગરની ભરતી પખાળતી ચરણ
પંખીડાં ગીત ગાઇ કરતાં રંજન
પ્રગટાવ્યાં પૃથ્વી પર પ્રેમનાં સ્પંદન
વહાલું વતન મારું વહાલું વતન

હેતથી હિમાળો ગાતો પુનિત કવન
સંપદાથી શોભતાં વગડાને વન
પાવન સરિતાને કરીએ વંદન
વહાલું વતન મારું વહાલું વતન

સંતોને વીરોની ભૂમિ આ મહાન
કરતા રખવાળી માની જોશીલા જવાન
સીંચતો ત્રિરંગો કણકણમાં શૂરાતન
વહાલું વતન મારું વહાલું વતન

પ્રાણથીય પ્યારી પુનિત ધરતી મંગલ
કરશું વંદન શીરે બાંધી કફન
વટને વચનથી કરશું જતન
વહાલું વતન મારું વહાલું વતન

પંદરમી ઓગસ્ટે જૂમે ત્રિરંગો ગગન
અહિંસા આદરથી રેલાવીએ અમન
સંસ્કૃતિની શોભાથી વિશ્વ થાતું મગન
વહાલું વતન મારું વહાલું વતન

રમેશ પટેલ(આકાશદીપ)

17. Ramesh Patel - એપ્રિલ 27, 2008

યશવંતી ગુજરાત
ગુણીયલ ગુર્જર ગીરા અમારી, ગૌરવવંતા ગાન
સ્નેહ સમર્પણ શૌર્ય શાન્તીના દીધા અમને પાઠ
રાજવી સાક્ષર સંત મહાજન , ધરે રસવંતા થાળ
જય જય યશવંતી ગુજરાત ,શોભે યશચંદ્ર તવ ભાલ

જનમ્યા ગુર્જર દેશ ,સંસ્કૃતિના ખીલ્યા છે ગુલદસ્ત
તવ રંગે સોડ્મે ખીલ્યાં, મઘમઘતાં માનવ પુષ્પ
વિશ્વ પથ દર્શક ગાંધી ગરવો, ગુર્જર સપૂત મહાન
ધન્ય ધન્ય ગુર્જરી માત ,તવ ચરણે મલ્યો અવતાર

રમ્ય ડુંગરા સરિતા મલકે, ધરતી ઘણી રસાળ
ગરબે ઝગમગે જીવન દીપને, જગત જનની નો સાથ
ધરતી મારી કુબેર ભંડારી,ભરશું પ્રગતિ સોપાન
જય જય રંગીલી ગુજરાત, શોભે યશચંદ્ર તવ ભાલ

રત્નાકર ગરજે ગુર્જર દ્વારે, કરે શૌર્ય લલકાર
મૈયા નર્મદા પુનિત દર્શિની, ભરે અન્ન ભંડાર
માત મહિસાગર મહિમાવંતી, તાપી તેજ પ્રતાપ
જય જય રસવંતી ગુજરાત,ધન્ય ધન્ય ગુર્જરી માત

પાવન તીર્થ ,તીર્થંકરની કરુણા,અર્પે ગ્યાન અમાપ
અનુપમ તારી શાખ ઝગમગે,જાણે તારલિયાની ભાત
સહજાનંદ યોગેશ્વર વસે અંતરે,સુખદાતા મીરાં દાતાર
વહાલો વલ્લભ સરદાર ,ગજવે ગગને જય સોમનાથ
ધન્ય ધન્ય ગુર્જરી માત , શોભે યશચંદ્ર તવ ભાલ

ભારતવર્ષે પરમ પ્રકાશે, જાણે હસ્તી પર અંબાડી
સપ્ત સમંદર સવારી અમારી, દરિયા દિલ વિશ્વાસી
ધન્ય ધીંગી ધરા સલૂણી, પુણ્ય પ્રતાપી રંગ
‘આકાશદીપ’ વંદે ગિરા ગુર્જરી છાયો પ્રેમ અનંત
તારે ચરણે નમીએ માત,આશિષ માગે તારાં બાળ
ધન્ય ધન્ય ગુર્જરી માત, શોભે યશચંદ્ર તવ ભાલ(૨)

રમેશ પટેલ(આકાશદીપ)

Leave a Comment

18. Ramesh Patel - એપ્રિલ 28, 2008

On the eve of gujarat Day, dedicated ‘Yashavanti Gujarat’
With proud as Gujarati.
Ramesh Patel(Aakashdeep)

19. Chandra Patel - એપ્રિલ 30, 2008

Very much enjoyed ‘Yashavanti Gujarat’. Really a poem thats
touches each Gujarati ,on eve of Gujarat Day.Congratulation.

20. Gujrati Poem | Short SMS -: Hindi shayari, Sms shayari,Funny shayari, Romantic shayari, Love shayari : love104.org - એપ્રિલ 9, 2009

[…] સર્જન’ પર દેશભક્તિ અને શહીદà…ના વિષય પર […]


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: