jump to navigation

સૂર્ય, સુરજ જૂન 8, 2007

Posted by સુરેશ in સર્જનક્રિયા.
trackback

આપણે ચન્દ્ર અને ધરતી શબ્દો વાપરી રચનાઓ બનાવી અને માણી.
હવે આ બન્નેના જનક સૂરજદાદાને ભૂલી જઇએ તે કેમ ચાલે?
પૃથ્વી પરની સમગ્ર જીવસૃષ્ટિ અને પર્યાવરણના એ તો ચાલક છે.

કવિશ્રી. પૂજાલાલ કહે છે –

સૂરજદેવે આંખ ઉઘાડી, હિંગળોકશી ઉગતે પ્હોર.
બીવડાવીને રાત ભગાડી, મૂકી કાજળકાળી ઘોર. ”

અને રાજવી કવિ કલાપી …

અધુના કળી જે વિકસી રહી છે,
ઘડી બે ઘડીમાં મરતી દિસશે.
સુમહોજ્વલ આ કિરણો રવિનાં,
પ્રસરે હજુ તો નભ ઘુમ્મટમાં;

અને કિશોરસિંહ સોલંકીનું તાન્કા વાંચો –

વસંત આવી
ઝાંખરને ડાળે ! ત્યાં
સુક્કા પરણે
ઓસબિંદુમાં સૂર્ય
બેઠો સેવે રણને.

અને આપણા લાડીલા શ્રી. અવીનાશ વ્યાસ ને સાંભળો –

માડી તારુ કંકુ ખર્યું ને સુરજ ઊગ્યો
જગ માથે જાણે પ્રભુતાએ પગ મૂક્યો.

અને મનોજ મુની કહે છે –

પો’ ફાટે ને સૂરજ ઊગે, ઝાકળમાં થઇ લાલંલાલ,
ઝળહળતી આભાદેવી સારી, રાતની વેદના અપરંપાર,
આંખ રાતના કરી જાગરણ, આશ કિરણને શોધે રે!
પાંપણથી જ્યાં સ્વપ્ન રાત્રિના, ઓગળવા તરફડતા રે !

હવે જુઓ આપણા બ્લોગર ભાઇઓ શું કહે છે –

સુરજ થવાને મથતું એક રજકણ છે મારી અંદર
ખુદથીય અજાણ્યું એવું એક જણ છે મારી અંદર
    – પ્રણવ ત્રિવેદી

પ્રાત:કાળે આવશે ઉગતો સુરજ
દિલ મહીઁ કિરણોના બીબાં ઢાળીયે.
    –  મહમ્મદઅલી ભેડુ ‘વફા’

આ સમયની ગીચતા, ઇંતજારીમાં ભળે
તો સમયનો સૂર્ય પણ ખૂબ મોડેથી ઢળે 
–  નીરજ મહેતા

તું ઝગમગાટ રોશની, ઘોર તમસમાં ય તું,
તું તાપ સૂર્ય નું ધોમધખ ,શીતળ ચાંદની  ય તું.
–  ચેતન ફ્રેમવાલા

ચાલો મિત્રો , આ અઠવાડીયે આપણે સુર્યદેવનું આહ્વાન કરીએ – રચનાઓ બનાવીએ

સુરજ, સૂર્ય, રવિ, ભાનુ ….. શબ્દો વાપરીને.

અને બનાવતાં ન ફાવે તો …..  ફરીથી નવી ……   ખજાના શોધ ……

ટિપ્પણીઓ»

1. કુણાલ - જૂન 8, 2007

કિરણો બની ઝળહળું સૂર્યના હું, જો !!!
બ્રહ્માંડ સમો ઘોર અંધાર તો પ્રભુ દે.

કહે છે, ઘડાય છે જણ ઘસાઈને, જો !!!
ખાંડણીદસ્તાં વચ્ચે જગા તો પ્રભુ દે.

જણાશે હાડ-માંસનું જોર તને, જો !!!
રમકડું નામે સંકટ જરા તો પ્રભુ દે.

ગામનાં ખેતરે બેસી રડે કોઇ, જો !!!
“ધાન ન દે મને, ઝેર તો પ્રભુ દે”.

– કુણાલ.

2. Devika Dhruva - જૂન 9, 2007

પૂરવનો જાદુગર આવે,
છાબ કિરણની વેરે
હળવે હાથે ધીમુ સ્પર્શે;
પડદા પાંપણના ખોલે.
અંગ મરોડે કાલની વાતે
આશ નવી કો’ લાવે,
મંચ આકાશે નર્તન કરતે;
રંગ અનોખા વેરે.
કોમળ સવારે,તપ્ત મધ્યાન્હે,
શીળો બને સમી સાંજે,
સુદૂર સાગરે ડૂબી અંતે,
પુન: પ્રભાતે પધારે.
જાદુગરનો ખેલ અનેરો,
ખુબ ખૂબીથી ખેલે;
પૂરવ દિશાનો સૂરજ ઉગે,
છાબ કિરણની વેરે.

3. સુરેશ જાની - જૂન 10, 2007

આદીત્ય?
શાર્દુલ વીક્રીડીત
————————
ચોમાસે ઘનઘોર વાદળ થકી, છલકાવીયાં સૌ સરો.
જેમાંથી જળવીજળી નીપજતી, સસ્તી ઘણીયે વળી…

દ્રુમો આ પ્રગટ્યા મહાન વનમાં પાણી અને તેજથી.
યુગોના યુગ હા! ગયા સરકતા, તેના બન્યા કોલસા..

લીલુડી ધરતી રસાળ લણતી ધાન્યો તણા પાકને.
તૃણોના ઢગલા અગાધ બનતા, ઘી દુધના સર્જકો…

લાખો જાનવરો દબાઇ ખડકો વચ્ચે બન્યા ઇંધણો.
ચાલે ચક્ર બધાય વાહન અને ઉદ્યોગના તે થકી…

ઘુ ઘુ સાગર ઘુઘવે સતત ને ગર્જે ઘણા દર્પથી.
હોંકારા ભણતો સમીર ચલવે ચક્કી બધી તાનથી…

શક્તી સુરજની લઇ મલપતાં કેવાં ઘણાં સાધનો!.
હીસાબો ચપટી મહીં કરી દીયે, બુધ્ધી ભર્યા યંત્ર સૌ….

ક્યાં સુધી ટકશે બધાં ય ઝરણાં શક્તી તણાં આ અરે!
સંસ્કૃતી અતીવેગમાં સરકતી, વીનાશના માર્ગમાં,..

આશા એક જ એ રહી જગતને અસ્તીત્વની દોટમાં.
વ્હાલા સુરજદેવ! આજ જગવો વીસ્ફોટ નાના કણે…

————————————-
સુર્યની સપાટી અને ગર્ભમાં, અબજો વર્ષોથી, સતત ચાલુ રહેતા પ્રચંડ વીસ્ફોટો જ પૃથ્વી પરની બધી જ શક્તીના, સજીવોના, જીવનના પાયામાં રહેલા છે.
આ કવીતાને ‘આદીત્ય ?’ એ નામ આપ્યું છે, કારણકે તે નામના ‘ટોકોમેક’ પર ભારતમાં સંશોધન ચાલી રહ્યું છે – વીશ્વના ઘણા દેશોમાં પણ. થર્મોન્યુક્લીયર શક્તીનો આ અખુટ સ્રોત જ માનવજાતના અસ્તીત્વ માટેનો છેવટનો વીકલ્પ છે. એ પ્રક્રીયા પૃથ્વી ઉપર અત્યંત નાના પાયા પર, પરમાણુની ય અંદર, નીયંત્રીત રીતે સર્જાવી શકાય તે માટેની આ આશાભરી પ્રાર્થના છે.

4. Pravin Shah - જૂન 10, 2007

પૂરવના દ્વાર ખૂલ્યા ને સૂરજ દિસ્યો,
અંધારા ઓસર્યા ને ચાંદો રિસ્યો.

5. dhavalrajgeera - જૂન 10, 2007

VERY GOOD THOUGHTS ON,

SURAJ
SURYA
RAVI
BHANOO
ADITYA

SURYA NARAYAN NARAYAN NARAYAN.

6. Dilip Patel - જૂન 10, 2007

ના ઊંઘ લો કુંભકર્ણો આ ઉગતો સોનલવર્ણો રવિ છે

એંઠવાડિયા શા અઠવાડિયામાં મજ્જેદાર દિ રવિ છે

છે સ્વયં રવિ છતાંયે ના રવિવાર કેરો દિવસ કદી છે

એ જ હવા ને એ જ ધરા વીતી છોને સદીની સદી છે

અરિ આળસને ભગાડવા કિરણફોજ કેસરી ભરી છે

ફરી વળે રોજ ખૂણે ખાંચરે જગા જાણે નવી નવી છે

આપે સહુને સરખો પ્રકાશ રાતરાણી કે સૂરજમુખી છે

ઉદય અસ્તે વળી મેઘધનુષે કેવોક કુદરતનો કવિ છે

અગનઝાળે બળતાં વારિધિ વૃક્ષવેલ ને ધરા લૂખી છે

વાદળ ઓઝલે પર્જન્ય થૈ પડતો જાણે રડતો રવિ છે

અળગો રહી ગ્રહતો જગમાં જે ખરાબી ખારાશ ભરી છે

સબરસ સોનેરી વેરતો પિતા કર્ણનો માલદાર રવિ છે

7. Mohammedali Bhaidu'wafa' - જૂન 10, 2007

સુરજ_મોહંમદઅલી’વફા’
સંધ્યા પળે આ હાથ થી છટકી ગયો સુરજ.
એ રાતની છાતીમહીં ચિપકી ગયો સુરજ.

તાજી ગુઠેલી કેશમાં વેણી બળાપો કરે
મેંદી ભરેલા હાથને બટકી ગયો સુરજ.

ઉત્તરતણાં શ્રુગને હિમાળા ઝરણા મહી
કોક દિ આવી ને ધમકી ગયો સુરજ.

કેમ આજે દિવસે અંધાર છે ભાસી રહ્યો,
ક્યાંક તારા રૂપનો ભટકી ગયો સુરજ.

રૂપે મઢેલી રાત્રિ પહેલું મિલન બે કાળજે
ને પ્રાત:ના આકાશમાં ખટકી ગયો સુરજ.

ટાઢો ‘વફા’કરવો રહ્યો ,દાટી બરફ ના મહીં
થઇ આંખમાં રાતો પીળો સરકી ગયો સુરજ

_મોહંમદઅલી’વફા’ (10જુન2007)

8. આદીત્ય? - સુરેશ જાની « કાવ્ય સુર - જૂન 11, 2007

[…] 10, જુન – 2007 ના રોજ ‘ સર્જન સહીયારું ‘ પર પહેલી વાર […]

9. જય - જૂન 14, 2007

અમર પાલનપુરીનું એક મુક્તક

અડધી રાતે સૂરજ લાવે
ચાંદ હથેળીમાં બતલાવે
પ્રેમીજનનું કાંઈ ન પૂછો
પાંપણથી પણ પહાડ ઉઠાવે

ન્હાનાલાલ દલપતરામ કવિ – જોગીઓનું ગીત

પરમ ધન પ્રભુનાં લેજો, લોક !
નહીં સૂરજ, નહીં ચન્દ્ર,
હો અબધૂત ! નહીં વીજળી ચમકાર
હો અબધૂત ! નહીં વીજળી ચમકાર
અગમનિગમની યે પાર અપાર એ
બ્રહ્મ તણા ભંડાર;

10. gdesai - જુલાઇ 3, 2007

રાખે છે સૂરજ ઘમંડ પ્રકાશનો,
તેથી ભાગે તેનાથી તારા
હશે ઘમંડ તમને કોઇ પ્રકારનો
તો થશે નહીં કોઇ મિત્ર તમારા


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: