jump to navigation

ગુજરાતી બ્લોગ, બ્લોગર અને બ્લોગીંગ સપ્ટેમ્બર 28, 2007

Posted by ઊર્મિ in સર્જનક્રિયા.
20 comments

મિત્રો, થોડા દિવસ પહેલાં 23મી સપ્ટેમ્બરે ગુજરાતી બ્લોગર-મિત્રોની સૌપ્રથમ મિટીંગ અમદાવાદ ખાતે યોજાઈ હતી… જ્યાં જુગલકાકાએ સૌ મિત્રોને પ્રેમથી કચોરી, સમોસાં અને આઈસ્ક્રીમ પણ ખવડાવ્યા હતા (અમારું પાર્સલ હજી મળ્યું નથી જુકાકા!)… મિટીંગમાં મળેલા સૌ મિત્રોને હાર્દિક અભિનંદન અને (મારા જેવા) ન મળી શકનારાઓને ભવિષ્યમાં મળી શકવા માટે તેમ જ ભવિષ્યનાં મહાસંમેલન માટે શુભકામનાઓ!  મિટીંગનો અહેવાલ તો આપણને પિંકી, જુગલકાકા અને અન્ય મિત્રોએ સમયસર આપ્યા જ કર્યો હતો… અને એની પૂરી વિગતો આપ સૌ જુગલકાકાના બ્લોગ પર વાંચી શકો છો.

આજે અહીં કવિતાનાં વિષયની જગ્યાએ હું ગુજરાતી બ્લોગ, બ્લોગર અને બ્લોગીંગની વાત કેમ કરવા બેસી ગઈ હશે… એવું જ વિચારો છો ને તમે?!!  🙂  તો મિત્રો, એ એટલા માટે કે આજનો વિષય જ મેં એ રાખ્યો છે… ગુજરાતી બ્લોગ, બ્લોગર અને બ્લોગીંગ!!  હવે એના વિશે શું લખવું અને કેવી રીતે કવિતા-જેવું-કંઇ લખી શકાય એવું તમે મને ના પૂછતા હોં… આ તો મને જેવો વિચાર આવ્યો એવો જ મેં એને અહીં ટપકાવી દીધો… બાકી, મારી પણ આજ મૂંઝવણ છે!! 

હા, પણ કવિતા-સર્જન માટે જેવો આ વિષય સૂઝ્યો, એવી જ મને યાદ આવી… આપણા પ્રિય બ્લોગર-મિત્ર નીલમ આંટીએ ગયા વર્ષે લખેલી ‘વિશ્વગુજરાતી’ નામની એક કવિતા…

શુભેચ્છાઓનો કૃત્રિમ વરસાદ
અને વહેવારિયા શબ્દોનું વહાલ
ન ખપે મને………
હું તો ઝંખુ “
અંતરની વાણી”
કરી “
સર્જન સહિયારૂ”
થનગની રહું ભૂલકાઓના “કલરવ” થી
“હાસ્યના દરબાર” થી રહું મલકી,
“રીડ ગુજરાતી” રીડ કરી
શિવશિવા ની કરું ઝાંખી
“જયદીપ ના જગત” થી
કરું સહેલ કાશ્મીરની….
“મારું જામનગર” તો રહ્યું સદા પોતીકું
નજરોને “વિશાલ”કરી,
“લયસ્તરો”માં ડૂબકી મારું
“વાતચીત” કે “સંમેલન” સાથે સંકળાઇ
“અમીઝરણા” માં “ઉર્મિસાગર”થી છલકાઇ
“વિવેક”ની નીરક્ષીર વૃતિ સાથે
“વિજય” પ્રસ્થાન કરી…
“મોરપિચ્છ” નો કરી સંગાથ..
કરું પ્રયત્ન પહોંચવાના સદા…….
“પરમ સમીપે”.

બીજી એક રચના પણ મને યાદ આવે છે, આપણા વ્હાલા બ્લોગર-મિત્ર જુગલકાકાની

સુત્રે મણિગણા ઈવ (અનુષ્ટુપ છંદ)

‘નેટ’ની દોરીએ કેવાં પ્રોવાયાં આપણે  સહુ
માળાના મણકા જેવા, સ્નેહના બંધને  બહુ !

‘વેબ’નું વિસ્તર્યું જાળું તાંતણા તાંતણા થકી,
વિશ્વને ભરડો લેતું, હૈયાં સૌ સાંધતું  નકી.

સમયો સૌના નોખા, નોખી નોખી ઋતુ,અને
નિયમો, સહુને નોખા રીવાજો, દેશ-દેશને.

છોને વ્યવસાયે  વ્યસ્ત, ત્રસ્ત  સંસારસાગરે,
તો ય આ ”નેટડે” મસ્ત સૌ છલકે નિજ-ગાગરે!

વિવિધા આટલી ઝાઝી, ટેન્શનો આટલાં નર્યાં;
તો ય આ “વેબડો” સૌને રાખે ઉલ્લાસથી ભર્યાં!

વિસ્તર્યાં વિશ્વમાં આ સૌ, ઈલેક્ટ્રોનીક્સનાં જીવ
સંધાયાં એક સૌ ભાષા-સુત્રે મણિગણા ઇવ !!

હવે આ પ્રકારની કવિતા બીજા કોઇએ લખી હોય એવું મને તો યાદ નથી આવતું…

અને યાદ કરવા કરતાં, ચાલો ને મિત્રો, આપણે જ લખવા માંડીએ…

ગુજરાતી બ્લોગ, બ્લોગર અને બ્લોગીંગ વિષય પર…. 

મેહુલીયો સપ્ટેમ્બર 21, 2007

Posted by ઊર્મિ in સર્જનક્રિયા.
14 comments

મિત્રો, આમ તો આપણે આગળ મેઘરાજાનાં આગમન વખતે જૂનમાં જ ‘વરસાદ’ વિષય આપ્યો હતો… અને આપણા બધા કહ્યાગરાં અને પ્યારા મિત્રોએ ખરેખર અહીં આપેલા શબ્દ ‘વરસાદ’ને જ બરાબર પકડી રાખ્યો હતો… આભાર મિત્રો!   🙂   એટલે આજે મને થયું કે અહીં પહેલા જો ઝરમર ઝરમર વરસાદ વરસ્યો હોય તો આજે ધોધમાર મેહુલીયો કેમ ના વરસે ?!!   ખબર નહીં કેમ, પણ જ્યારે હું વરસાદ શબ્દ બોલું છું ત્યારે મને એ જરા ધીરગંભીર વડીલ જેવો લાગે છે, અને જ્યારે મેહુલીયો શબ્દ બોલું છું તો મને એ એકદમ બાળક જેવો તોફાની, નખરાળો અને ધોધમાર લાગે છે…!!  તમને શું લાગે છે મિત્રો??  😕

ચોમાસાની ઋતુ જ્યારે હવે વિદાય થવાની તૈયારીમાં જ છે ત્યારે મેઘરાજાને વિદાય આપવા માટે આપણે આજે ફરીથી અહીં વરસાદની જ કવિતા લખીએ, પરંતુ ગંભીર વરસાદની નઇં હોં… તોફાની, નખરાળા ને ધોધમાર મેહુલ કે મેહુલીયાની કવિતા… ચાલશે ને?!  (એમ તો તમે પણ મને ભવિષ્યનાં વિષયો વિશે સૂચન આપી શકો છો હોં મિત્રો!)

આજે જ મેં મારા ગાગરમાં સાગર બ્લોગ પર કવિ કિરણ ચૌહાણનું મેહુલીયો આયો ગીત મૂક્યું છે… અને એનું સંગીત પણ મેહુલીયાએ જ… આઇ મીન, મેહુલ સુરતીએ આપ્યું છે… 🙂

મોરી ગાગરમાં દરિયો છલકાયો, 
કે બેની મારે રુદિયે ધોધમાર મેહુલીયો આયો…

આખું ગીત અહીં વાંચો અને સાંભળો…

હમણાં થોડા દિવસ પહેલાં જ મેં નખરાળા મેહુલીયા પર એક ગીત લખ્યું હતું… (હા, આ વખતે મેં જરા અંચઈ કરી લીધી છે!)

ઓ મેહુલીયા…
તું બહુ નખરાળો…

ક્યારેક ઝરમર વરસે…
ક્યારેક ધોધમાર વરસે…

આખું ગીત અહીં વાંચો…

મિત્ર વિવેકે એક મજાનું વરસાદી બાળગીત લખ્યું છે… એમાં એણે તોફાની મેહુલીયાને તો નથી બોલાવ્યો, પણ બાળકો સાથે એમાં રમતાં-રમતાં ભીંજાવાની મજા તો તમને જરૂર આવશે!

ચાલ ને ભેરુ ન્હાવાને, વરસાદની મોસમ છે,
ધરતી સાથે વાદળના સંવાદની મોસમ છે.

છરાવાળી તારી હોડી,
મારી સીધી-સાદી;
કોની હોડી આગળ જાશે,
ચાલીએ છાતી કાઢી

આખું ગીત અહીં વાંચો…

અને મેહુલીયાનું નામ આવે ત્યારે કવિ શ્રીઅવિનાશ વ્યાસનું આ ગીત તો શેં ભૂલાય?!  ‘વરસાદ’ વખતે યાદ કરાવ્યું જ હતું પણ આજે ફરીથી યાદ કરાવી દઉં…

કાનમાં પવન કહીને ચાલ્યો- કે હે આવે મેહુલિયો રે!
ધીખરતી ધરતીને માથે ભીનો ભીનો વીંઝણલો ઢાળ્યો.
દૂર દૂર દૂર દખ્ખણના ઢોલ વાગ્યાઃ મસ્ત મેહુલિયો આયો રે !

તો ચાલો મિત્રો, તૈયાર થઈ જાવ… બાળક બની મેહુલીયા સાથે થોડું તોફાન કરવા માટે… અને હા, તમે જો પૂરતો પ્રયત્ન કરશો તો મેહુલીયો અવશ્ય તમારી કવિતામાં પણ પધારશે જ હોં… અને એમ તો ભીંજાવાની મજા જ કંઇ ઓર હોય છે પરંતુ જો તમારે ભીંજાવું ના હોય તો છત્રી ખોલીને કવિતા લખવા બેસજો… કારણ કે આ તોફાની મેહુલીયાનો કાંઇ ભરોસો નઇં… એ તમારી કવિતામાં ધોધમાર વરસે ય ખરો…!  અને જ્યારે વરસે ત્યારે ય કાંઇ ભરોસો નઇં કે કવિતાનાં કયા સ્વરૂપે વરસે…?!!  🙂

ઉંદર…મૂષક… સપ્ટેમ્બર 14, 2007

Posted by ઊર્મિ in સર્જનક્રિયા.
6 comments

સૌ મિત્રોને સહિયારું સર્જન તરફથી ગણેશચતુર્થીની હાર્દિક શુભકામનાઓ… શ્રી ગણપતિ બાપ્પા આપ સૌના વિઘ્નો હંમેશા દૂર કરતા રહે એવી શુભેચ્છાઓ!

આજે ગણેશચતુર્થી હોય અને આપણે આપણા વિઘ્નહર્તા ભગવાન શ્રી ગણેશજીને યાદ ન કરીએ તે કેમ ચાલે?  પણ આજે આપણે એમના કરતાં વધારે એમનાં પ્રિય વાહન મૂષક મહારાજને યાદ કરીએ…  હા, ઉંદરભાઇને સ્તો! 🙂 

intro_ganesha.gif

આજનો વિષય રાખીએ… ઉંદર!   હવે તમને જરૂર પ્રશ્ન થશે કે આ ભાઇ આ ઉંદર પર હવે શું લખવું?  વાર્તા કહું તો આપણને પેલી ‘ઉંદર સાત પૂછડીયો’ વાળી વાર્તા તરત જ યાદ આવે… પરંતુ ઉંદર પર વળી કવિતા લખાય ખરી??   મિત્રો, તમને ખબર જ હશે કે આપણા બાળગીતોમાં તો દરેક પ્રાણીઓ વિશે કાવ્યો આવે છે, તો આપણા ઉંદરભાઇ કેમ બાકી રહે?!… (પણ મને હમણાં એકે ય યાદ નથી આવતું હોં!   જો તમને યાદ આવે તો અહીં જરૂર જણાવજો.)  હા, વિષય જરૂર અઘરો છે પણ આજે તો વિઘ્નહર્તા પ્રભુ આપણને જરૂર મદદ કરશે જ… હા, તમારે થોડા લાડુ પ્રસાદમાં વધારે ચઢાવવા પડશે… ખાવા નહીં, ચઢાવવા પડશે !!  😀

આપણાં એક સુરતી કવિમિત્ર વિવેકે… અરે, આપણાં વિવેક ટેલર નહીં હોં… બીજા સુરતી કવિમિત્ર શ્રી વિવેક કાણે ‘સહજ’એ ‘ઉંદરડા’ શબ્દને રદીફ તરીકે લઈ ખૂબ જ મજાની ગઝલ લખી છે… લ્યો, જુઓ… (હવે અહીં સુરતનો કમાલ છે કે પછી કવિનાં નામનો કમાલ છે એ તો તમે જ વાંચીને નક્કી કરજો હોં મિત્રો! 🙂 )

ગમે તો ઠીક, અને ના ગમે તો તારા ભોગ
આ જિંદગી એ ફરજીયાત હોડ ઉંદરડા.

આખી ગઝલ અહીં લયસ્તરો પર વાંચો

તો ચાલો મિત્રો, આજે આપણે ઉંદરભાઇને આપણી કવિતામાં જ દોડાદોડી કરાવીએ… કોઇપણ કાવ્યપ્રકાર લઇને…

* * *

બાળકૃષ્ણ સપ્ટેમ્બર 7, 2007

Posted by ઊર્મિ in સર્જનક્રિયા.
16 comments

થોડા દિવસ પર જ જન્માષ્ટમી હતી… અને સૌ મિત્રોએ ખૂબ પ્રેમ અને ભાવથી ઉજવી જ હશે… અને અહીં આપણે પણ શ્રાવણ મહિનામાં શિવજીની શબ્દપૂજા કરી હતી, તો પછી આપણા નટખટ કન્હૈયાને કેમ ભૂલાય?  આજે આપણે કન્હૈયાને આપણા શબ્દોમાં બાંધવાનો પ્રયત્ન કરીએ તો?!… જો કે, આમ તો એ નખરાળો કાનુડો યશોદામૈયાએ બાંધેલા બંધનમાં પણ બંધાયો નથી, પણ આપણે કમ સે કમ પ્રયત્ન તો કરીએ જ ને… ન બંધાય તો કાંઇ નહીં કે પછી કદાચ એવું પણ બને ને, કે એ આવીને એની મેળે જ આપણા કાવ્યમાં બંધાઈ જાય?!!  🙂

તો ચાલો આજે આપણે લખીએ… બાળ કન્હૈયા અને એની બાળલીલા વિશેની કવિતાઓ… તમારે એને જે નામથી બોલાવવો હોય એ નામથી બોલાવી શકો છે… કૃષ્ણ, કાળીયો, કા’નો, કન્હૈયો, ઘનશ્યામ, નંદકિશોર, યશોદાનંદન… અરે, એના એટલા નામો છે કે એના બધ્ધા નામો લખવાથી જ એક કવિતા લખાઇ જશે… 🙂janmashtami.gif

અને આમ તો કાનાને યાદ કરો એટલે રાધારાણી પણ એની મેળે જ આપણી યાદમાં રૂમઝૂમ કરતાં આવી જાય છે…  પરંતુ બની શકે તો આપણે આજે માત્ર બાળ કન્હૈયાની જ કવિતાઓ જ લખીએ… કૃષ્ણ-રાધાનાં પ્રેમનો વિષય આપણે ફરી કોકવાર જરૂરથી રાખીશું.

નરસિંહ મહેતાનાં આ અત્યંત લોકપ્રિય કૃષ્ણગીતથી કોણ અજાણ્યું હોય શકે? જે આપણે સૌ નાનપણમાં શાળાઓમાં ભણ્યા જ છીએ…

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે
જાગશે તને મારશે મને બાળ હત્યા લાગશે…

આખું ગીત ટહુકા પર વાંચો અને સાંભળો

બાળ કન્હૈયાનું એક મને ખૂબ જ ગમતું ગીત…

કાનજી તારી મા કે’શે પણ અમે કાનુડો કે’શું રે
એટલું કે’તા નહીં માને તો ગોકુળ મે’લી દેશું રે

આ વખતે આનાથી વધારે રચનાઓ હું શોધી કરી શકી નથી… સોરી હોં!  🙂  પરંતુ તમને બાળકૃષ્ણની વધુ રચનાઓ મળે કે ખબર હોય તો અહીં જરૂરથી મૂકી શકો છો…

આગળ એકવાર મેં કન્હૈયા પર થોડી મુક્તપંચિકાઓ લખી હતી… જેમાંની એક,

કરે તું મને
પગપ્રહાર,
બનાવે જો સુંદર
ફરી, તો બનું
હું પણ કુબ્જા!

તો ચાલો મિત્રો, હવે તમે પણ કાનુડાનું આવાહન કરો… તમારી કલમમાં (કે કી-બોર્ડમાં)!!  અને લખો કોઇ લઘુકાવ્ય, મુક્તપંચિકા, હાઇકુ કે કાંઇ પણ… 

જય શ્રીકૃષ્ણ!

ચાલો ઉજવીએ… ‘સહિયારું સર્જન’ બ્લોગની પ્રથમ વર્ષગાંઠ!! સપ્ટેમ્બર 2, 2007

Posted by ઊર્મિ in પ્રકીર્ણ, સમાચાર.
13 comments

મિત્રો, આજે આપણા આ ‘સહિયારું સર્જન’ બ્લોગની પ્રથમ વર્ષગાંઠ છે…!!  તો કંઇક સ્પેશ્યલ તો હોવું જ જોઈએ ને?  હા, હા… કંઇક વધારે સ્પેશ્યલ જ પેશ કરું છું હું આજે, પરંતુ એ પહેલાં હું મારું થોડું લેક્ચર પણ આપી દઉંને જરા..!   બસ થોડુંક જ લાંબુ… વધારે નહીં હોં, (લગભગ) પ્રોમિસ!  🙂 

આજે હું મારા તમામ વાંચકમિત્રો, ભાવકમિત્રો અને સર્જકમિત્રોનો અંતરની ઊર્મિથી ખૂબ ખૂબ આભાર માનું છું, કે આપણા આ સહિયારા સર્જનમાં આપ સૌ હંમેશા મારી સાથે રહ્યા… મૌલિક સર્જન કરતાં રહ્યાં… અને મને તથા બીજા સર્જકોને હંમેશા પ્રોત્સાહન આપતા રહ્યા… આપ સૌના સાથ વગર આ બ્લોગની સફળતા બિલકુલ શક્ય જ ન’હોતી.  આશા રાખું છું કે આપ સૌનો સાથ મને હંમેશા આવી જ રીતે મળતો રહેશે. 

સૌપ્રથમ હું મારા મિત્ર નીલમબેન દોશીનો આભાર માનું છું કારણ કે એમના લીધે જ મને આ બ્લોગ બનાવવાની પ્રેરણા મળી હતી… એમણે એમનાં બ્લોગ પર વાંચકોને સર્જન કરવાનું આમંત્રણ આપતી એક પંક્તિ મૂકી હતી… ‘હું તો પીળું થયેલ એક પાંદડુ’ … જેના પરથી મને આ બ્લોગ બનાવવાનો વિચાર આવ્યો હતો… અને શરૂ શરૂમાં તો એમણે મારા સાથી તરીકે સાથ પણ આપ્યો હતો… અને હજી પણ ભાવક અને સર્જકમિત્ર બની સાથ અને પ્રોત્સાહન આપે જ છે… આભાર નીલમઆંટી!   શ્રીસુરેશભાઈ જાનીએ અહીં આપેલા યોગદાનને પણ નજર-અંદાજ કરી શકાય એમ નથી… 9-10 મહિનાનાં એમનાં અવિરત સહયોગ બદલ હું એમની ખૂબ જ આભારી છું!!

મિત્રો, તમને યાદ તો હશે જ કે ‘સહિયારું સર્જન’ થીમ ઉપર પંચમભાઈએ મને એક પંક્તિ આપી હતી… (આભાર પંચમભાઈ!) જેના પરથી મેં સૌને એક-એક પંક્તિ લખવાનું આમંત્રણ આપ્યું હતું અને ઘણા મિત્રોએ ખૂબ સરસ છાંદસ-અછાંદસ પંક્તિઓ પણ લખી હતી… એનું સંકલિત બનાવવાનું અને એમાંથી એક ગીત બનાવવાનું કામ ઘણા વખતથી મેં જાણી જોઈને જરા અભરાઈ પર મૂકી દીધુ હતું.  કારણ? 

આમ પૂછો તો કારણ કાંઈ જ નહીં, અને આમ પૂછો તો કારણ નહીં જ આપું, કારણ મને ગમે છે!  (ઉછીનો લીધેલો ડાયલોગ! ) અરે નહીં નહીં… હું કારણ પણ જરૂર આપીશ.  મુખ્ય કારણ તો એ જ હતું કે હું અત્યારે છંદ શીખું છું એટલે મને થયું હતું કે જ્યારે હું પૂરું શીખી લઈશ, ત્યારે જાતે જ થોડી પંક્તિઓને છંદમાં મઠારીશ અને એક સહિયારું-ગીત બનાવીશ… અને હવે થોડો થોડો આ છંદનો કાંઠો ચડ્યો છે ખરો, પરંતુ ઘડો તો હજી ઘણો જ કાચો છે… હજી તો ઘણો તપાવવાનો મારે એને… અને પાકો બનાવવાનો છે!  

હા, તો હું આપણા સહિયારા ગીતની વાત કરતી હતી…  પહેલાં તો મિત્રોએ મોકલેલી ઘણી બધી પંક્તિઓ(લગભગ 26-27 કુલ પંક્તિઓ)માંથી મેં થોડી પંક્તિઓને છંદમાં ગોઠવીને મઠારી હતી… અને આમા મુખ્ય વાત તો એ હતી કે મેં ઘણા વખત આગળથી જ (લગભગ 5-6 મહિના પહેલાંની) આ બધી પંક્તિઓને કોઈનાં પણ નામ લખ્યા વગર જ એક જગ્યાએ એકઠી કરી હતી… પરંતુ કામ થઈ શક્યું ન’હોતું એટલે થોડા દિવસ પહેલાં જ એને મઠારી અને એટલી બધી પંક્તિઓ હતી કે ગીતને ટુંકાવવા થોડી કડીઓ પસંદ કરવી જરૂરી હતી… કડીઓની પસંદગી કરતી વખતે 1-2 પંક્તિ સિવાય એ ખ્યાલ રહ્યો ન’હોતો કે પસંદગી પામેલી કઈ પંક્તિ કોની છે… મતલબ કે દરેક પંક્તિને પૂરો ન્યાય આપવાની પ્રામાણિક કોશિશ કરી છે… અને એમાંય વળી એકદમ સાચ્ચું તો એ જ છે કે પસંદગી પામેલી મોટા ભાગની પંક્તિઓની સૂરત બદલાઈ ગયેલી છે અને એટલે એક જ પંક્તિમાં કદાચ બીજી ઘણી પંક્તિઓનો વિચાર સમાયો હોય એવું પણ બને!  અને આમ આ ગીત ભાગ લીધેલા સૌ સર્જકમિત્રોનું, વાંચક-મિત્રો કે ભાવકમિત્રોનું… એટલે કે આપણા સૌનું સહિયારું જ ગીત છે!  છાંદસ કરેલી પંક્તિઓ મેં ફાઇનલ કરવા માટે મિત્ર વિવેકને બતાવી ત્યારે એમણે મને થોડી પંક્તિઓને જરા વધુ સારી રીતે મઠારી આપી અને પોતાની એક પંક્તિ પણ આપી… તેમ જ આ ગીત-ગઝલની કડીઓ પસંદ કરવામાં પણ એમણે એમનો થોડો સમય આપીને મને ઘણી જ મદદ કરી છે…  એ માટે હું મિત્ર વિવેકનો જેટલો આભાર માનું એટલો ઓછો જ છે… આભાર મિત્ર વિવેક!

તો મિત્રો, આજે સંકલિત-પોસ્ટની સાથે સાથે આ રહ્યું આપણું સહિયારું ગીત… ‘સર્જન સહિયારું’ !! 

* * *

સહિયારું ગીત: કરીએ સર્જન સહિયારું સપ્ટેમ્બર 2, 2007

Posted by ઊર્મિ in ગીત.
9 comments

~ કરીએ સર્જન સહિયારું ~

થોડું તારું, થોડું મારું કરીએ સર્જન સહિયારું,
આમ અલગ ને આમ અડોઅડ ભમીએ વનવન સહિયારું.

શબ્દોની લ્હાણી કરીએ તો મળે કાવ્યના નજરાણાં,
શબ્દો શબ્દો પંક્તિ પંક્તિ, થાશે સર્જન સહિયારું.

દે ચપટી અલ્લાહ તું તારો, લે થોડો મારો તું ઈશ્વર,
થોડી-થોડી બંદગી કરીએ, થોડું કીર્તન સહિયારું.

તબલાંનું તક્-ધિન્ છે કોઈ, કોઈ સિતારના તાર અલગ,
તાલ, સૂર ને રાગ અલગ છે પણ છે ગુંજન સહિયારું.

એક બાગના છોડ અલગ છે, છોડ છોડ પર ફૂલ અલગ,
એક છે ખુશ્બૂ પવન-પવનમાં, એક છે ઉપવન સહિયારું.

ભૂમિ અલગ-અલગ હો તો પણ માથે તો એક જ આકાશ,
તન છો જોજન દૂર વસ્યા પણ ભીતર છે મન સહિયારું.

હાથ હાથમાં, શ્વાસ શ્વાસમાં, સૂરમાં સૂર મળે સૌનો,
મૃત્યુ મરવા ચાહે, એવું જીવીએ જીવન સહિયારું.

* * *

‘સહિયારું સર્જન’ બ્લોગ પર રચાયેલું પ્રથમ સહિયારું ગીત…

છંદવિધાન: ગાગાગાગા ગાગાગાગા ગાગાગાગા ગાગાગા

*

સંકલિત: ‘સર્જન સહિયારું’ સપ્ટેમ્બર 2, 2007

Posted by ઊર્મિ in ગીત, સંકલિત.
7 comments

‘સર્જન સહિયારું’ વિષય પર સૌ મિત્રોની મૂળ પંક્તિઓ માણો…

આગળની પોસ્ટ: ‘સહિયારું’ રદીફ અને કાફિયા સાથે એક સહિયારું ગીત(ગઝલ) બનાવીએ…

* * * 

થોડું તારું, થોડું મારું કરિયેં સર્જન સહિયારું,
આમ અલગ ને આમ અડોઅડ ભમિયેં વનવન સહિયારું.

(પંચમ શુક્લ)

તું તારું જીવે, હું મારું એ તે કેવું અલગારું?
તું જીવ મારું ને હું તારું જીવિયેં જીવન સહિયારું.

શબ્દોની લ્હાણી કરશું તો મળશે કાવ્ય-સાલિયાણું,
શબ્દો શબ્દો પંક્તિ પંક્તિ, થાશે સર્જન સહિયારું.

(ઊર્મિસાગર)

ચપટી તારો ખુદા દે, ચપટી મારો ઇશ્વર લે,
થોડી બંદગી કરીએ, થોડું ભજન સહીયારુ

(વિશાલ મોણપરા)

થોડું સારું,થોડું માઠું કરિયે વર્તન મજિયારું,
આમ અલગ ને આમ હારોહાર જીવીયે જીવન સહિયારું.

તારું શું? ને મારું શું? આખર સઘળું સહિયારું,
સાવ સમીપે આવ હરિહર, ધરીયે જીવન સહિયારું.

(રાજેશ્વરી શુક્લ)

અનંતની વાટે ચાલતા,લાવ કરીએ કંઇક નિરાળું
ફૂલો તારા,મારા હો ભલે, છે ઉપવન તો સહિયારૂ.

(નીલમ દોશી)

ભુલી જઈએ સૌ વેર ઝેર, વર્તન કરીએ સૌ ન્યારુ,
અંધકાર ગયો ! હાલ ભેરુ ! હવે તો થયુ છે ઊજીયારું.

જીવનના દુઃખોનો લાલ રંગ, અને ખુશીઓનો હરિયાળો,
ભેગા રંગો બન્ને ભરિયે, કરીએ ચિત્ર-સર્જન સહિયારું.

ઘરના ચાર ખુણા અલગ, અલગ બધાની વાતો,
ઓરડા ભલે હો જુદા જુદા, રસોડુ તો છે સહિયારું.

કોક નું સાચું, કોક નું ખોટું, પણ ગુંજન છે સહિયારું,
સરગમના સુર-તાલ અલગ છે, ૫ણ સંગીત તો છે સહિયારું.

(ભાવિન ગોહીલ)

મારું મારા બાપનું, ને તારું મારું સહિયારું
એમ વિચારું, ક્યાંથી થાશે આપણું સર્જન સહિયારું?

તારું સૌ તારું જ રહે, ને મારું પણ હો તારું જી;
એમ વિચારું ત્યારે થાશે, આપણું સર્જન સહિયારું.

(સુરેશ જાની)

આવો, બેસો, પીવો પાણી, ગુજરાતીનું નજરાણું ;
સત્ય, અહિંસા એકાદશ વ્રતો, છે ભારતનું સહિયારું.

(મનવંત પટેલ)

થોડું થોડું હૈયે હેત, થોડું થોડું હસીયે,
ધીરે ધીરે જીવીયે સખી છે જીવન સહિયારું.

આવાગમ ને હીંચતો શ્વાસોનો હીંડોળા શો,
ઠીંસ ધીરેરે દેજે સખી છે જીવન સહિયારું.

(વિજય શાહ)

ખેંચાઈ ના જાય લકિરો આ ધરતી ઉપર તું-તું-મૈ-મૈ માં –
ખોવાય ના જાય યુવા એ ત્રિરંગા ના ત્રણ અલગ અલગ ટુક્ડાઓમાં –
ક્યારેક ખાધી હતી આપણે જેની કસમો –
ત્રિરંગાના એ ત્રણે રંગોને મીલાવી ચાલો બનાવિયે એક અખંડ ભારત, સહિયારું.

(હિતાર્થ જાની)

તારા મનથી હું જાડો, મારા મનથી તું જાડી,
ચાલો કરીએ હળી-મળીને, ઓછું વજન સહિયારું.

(મનોજ મહેતા)

જોજનો દૂર છતાંય આપણે એ રીતે બંધાયા છીએ
જુદી જુદી ધરતી ભલે હો, છે આસમાન સહિયારું

(જયશ્રી ભક્ત)

ટૂકડા ટૂકડા ભેગા કરિયેં, બનશે મહેલો સપનાના,
હૂસ્ન ઈશ્ક ના કાચો માથી થાશે દર્પણ સહિયારું.

થોડા છાંટા ભેગા કરિયેં હેતલની મીઠી વાવે,
ના મારું ને ના તારું પણ એ છે અર્પણ સહિયારું.

ભેગા કરશું પથ્થર સાથે નાના હો કે મોટા,
બનશે પ્યારનું નાનું ઝુપડું કરિયેં ચરતણ સહિયારું.

(મુહમ્મદઅલી ભૈડુ’વફા’)

વન વન ભમશું ભોમિયા વિના,પંથે હોય ભલે કંટક કંકર,
તારી મારી મંઝિલ એક જ, ચાલ વગાડ તું સર્જનનું જંતર

(કલ્પનાબેન સ્વાદિયા)

પુરુષોએ યુગોથી સ્ત્રીઓને છેતરી છે,
એની મીલ્કત એની ને મારી સહીયારી છે !!

(ને ઈશ્વરે પણ ક્યાં બાકી રાખ્યું છે)

પરમ આનંદની ક્ષણો હતી અમારી સહીયારી,
ને પ્રસુતી ની પીડા ફકત મારી એકલીની છે.

(ભરત પંડ્યા)

હાથ હાથમાં, શ્વાસ શ્વાસમાં, સૂરમાં સૂર મળે સૌનો,
મૃત્યુ મરવા ચાહે, એવું જીવીએ જીવન સહિયારું.

(ડૉ. વિવેક મનહર ટેલર)

* * *

સર્જનમાં ભાગ લેવા માટે સૌ સર્જકમિત્રોનો ખૂબ ખૂબ આભાર…!

*