jump to navigation

પ્રેમમાં પડેલી એક છોકરીને પ્રશ્નો પૂછીએ… ઓક્ટોબર 26, 2007

Posted by ઊર્મિ in સર્જનક્રિયા.
36 comments

મિત્રો, ગયા અઠવાડિયાની આપણી સહિયારી રજા કેવી લાગી? એ જરૂર જણાવશો…

ખબર નહીં કેમ, આજે મને થયું કે પ્રેમમાં પડેલી કોઇ છોકરી મને સામે મળે તો, પહેલાં તો એને જોઈને જ ખબર પડી જાય, કે આ બેન કેમ હવામાં ઉડે છે, પણ મારે એનાં હૈયાની વાત જાણવી હોય તો હું કેવી રીતે જાણી શકું?  એને જ પૂછું?? હા, કદાચ એને જ પૂછું કે… બેન, તું તારી સંવેદનાઓ મને થોડીવાર ઉછીની આપ, તો હું એને જરા મારા કાગળ પર કંડારી લઉં… પણ પછી થયું કે એના કરતાં તો હું એ છોકરીને કવિતા લખીને જ બધા પ્રશ્નો પૂછુ…. જેવાં કે- ‘સખી, તને પ્રેમમાં શું શું થાય છે? કેવું કેવું લાગે છે?  શું દિવસ દિવસ જેવો લાગે છે ખરો? રાત રાત જેવી લાગે છે ખરી? દિવસ અને રાતનાં અંતરમાં તને ખબર પણ પડે છે ખરી?  અલી, તું કેમ આવી થઈ ગઈ છે?  અને કારણ વગર પાગલની જેમ કેમ મલકાયા કરે છે?  આટલા વર્ષોથી સંભાળી રાખેલું બિચારું પેલું તારું દલડું… એને કોઇ લઈ ગયું છે ને તોયે તું મલકે છે? સાવ ડોબી છે તું તો… ‘  વગેરે વગેરે… 🙂   આ તો મારા મનમાં ઉભા થયેલાં પ્રશ્નો છે, તમે કોઇ બીજા પ્રશ્નો પણ પૂછી શકો છો… 

અને તમને મારા આવા સવાલો વાંચીને થોડી થોડી ગુદગુદી તો થવા જ માંડી હશે, મિત્રો… (મને ય થાય છે!)  🙂 પણ પ્રેમ છે જ એક એવી અદભૂત અને દિવ્ય અનૂભુતિ કે એનું નામ માત્ર લેવાથી જ જાણે મેઘધનુષ્યનાં રંગો અંદર-બહાર ચોતરફ વેરાઈ જાય… તો પછી પ્રેમમાં પડેલી પેલી છોકરીની હાલત શું થતી હશે?  બસ, આપણે એ જ વાત એ જ છોકરી ને કવિતા લખીને પૂછવાની છે… અને આજે તો આપણે એ છોકરીને માત્ર સવાલો જ પૂછવાનાં છે હોં…  એ છોકરી બનીને એના જવાબો પણ  આપણે જ કોઇ વખત આપીશું, બરાબર ને?!!ek_chhokari.jpg

મને યાદ છે, કે કોલેજનાં દિવસોમાં (કોઇ લૌટા દે મેરે બીતે હુએ દિન!) મારી એક પ્રિય સખી એક છોકરાનાં પ્રેમમાં પડી ગઈ હતી… પણ ત્યારે મને શ્રી માધવ રામાનુજનાં આ ગીત વિશે ખબર જ ન્હોતી, નહીંતર પ્રેમમાં પડેલી એ સખીને હું સીધા સાદા પ્રશ્નો પૂછવાની જગ્યાએ મારો સ્પેશ્યલ રાગડો તાણીને આ ગીતથી જ પ્રશ્નો પૂછતે કે…

સૈયર, તારા કિયા છુંદણે, મોહ્યો તારો છેલ, કહેને? 
સૈયર, તારા કિયા ફૂલની લૂમીઝૂમી વેલ, કહેને?

આખું ગીત સાંભળો… ‘ગાગરમાં સાગર’ પર…

તો ચાલો મિત્રો, આજે પ્રેમમાં પડેલી એ છોકરીને આપણે પ્રશ્નો પૂછીએ… કવિતામાં સ્તો!  પણ શું પૂછીએ?  એ તો હવે તમારે જે પૂછવું હોય એ તમે તમારી કવિતામાં જ પૂછો ને..!!   હું યે કોશિષ કરું…!!

ગઝલ કે ગીત કાંઇ પણ લખી શકો છો…!

આજે સહિયારી-રજા…!! ઓક્ટોબર 19, 2007

Posted by ઊર્મિ in સમાચાર.
2 comments

આજે સહિયારું સર્જન પર સહિયારી-રજા રાખી છે…!  🙂

કેમ?  (અરે, આવો અઘરો સવાલ તે કંઇ પૂછાતો હોય? શું તમે પણ…)
બસ, એમ જ….!!!
માની લ્યો ને, કે આવતી વિજયાદશમીની જ આજે રજા છે!! 

ખાનગીમાં કહું? નવરાત્રીમાં (મનમાં ને મનમાં જ) ગરબે ઘૂમી ઘૂમીને આ અઠવાડિયે મને હોશ જ નથી રહ્યા… કંઇ પણ લખવાનાં! 🙂

તમે સૌ નવરાત્રીમાં ગરબે ઘૂમવા જાવ છો ખરા ને? 

સૌ મિત્રોને (બાકી રહેલી) શુભ નવરાત્રી…
અને એડવાંસમાં, શુભ વિજયાદશમી…  શુભ ઘારી પડવો… આઇ મીન, શુભ ગુડી પડવો!  🙂

ચાલો મિત્રો, આવતા અઠવાડિયે મળીએ… ફરી અહીં… એક નવા જ વિષય સાથે…!

* * *

પાંદડુ…પાન…પર્ણ… ઓક્ટોબર 12, 2007

Posted by ઊર્મિ in સર્જનક્રિયા.
16 comments

અમેરીકામાં અત્યારે પાનખરે પગરણ માંડી દીધા છે… હવે માત્ર લીલાં-લીલાં નહી, પરંતુ લાલ-પીળાં-કથ્થાઈ પાંદડાંઓ રસ્તા પર પણ ઉડાઉડ કરવા માંડ્યા છે…!  અને રંગબેરંગી પર્ણોથી સજ્જ વૃક્ષો જાણે કે (કમ સે કમ મને તો) દીક્ષા લેવા પહેલાં સોળે-શણગાર અને ભવ્ય-અલંકારોથી સજ્જ થયેલી સુંદર જૈન-કન્યા જેવા લાગે છે… કારણ કે ટૂંક સમયમાં જ આ પર્ણો વિનાના વૃક્ષો પર માત્ર એક જ રંગ હશે- પાનખરનો રંગ!   (કોઇ જૈન-મિત્ર આનું બીજું કંઇ અર્થઘટન ના કરે!) 

મિત્રો, ‘પાનખર’ વિષય આપણે ગયા વર્ષે જ આપ્યો હતો… એટલે આ વખતે આપણે વિષય રાખીએ- પાંદડુ…પાન…પર્ણ…!

જો કે, જ્યારે આ બ્લોગ શરૂ કર્યો હતો ત્યારે નીલમઆંટીએ એમનાં બ્લોગ પર એક પંક્તિ આપી હતી- “હું તો પીળું થયેલ એક પાંદડું“, એનું સંકલિત ત્યારે મેં ઉદાહરણરૂપે આ સહિયારું સર્જન પર સૌપ્રથમ પોસ્ટ કર્યુ હતું… કોઇ પણ નવો વિષય આપવાની શરૂઆત કરવા પહેલાં!  આ તો માત્ર મને એ ‘પીળું પાંદડુ’ યાદ આવ્યું, એટલે અહીં ટપકાવી દીધું… નહીંતર આજનાં વિષયને એ પોસ્ટ સાથે કોઇ લેવાદેવા નથી હોં… આપણે તો આજે કોઇ પણ રંગનાં પાંદડા રંગીએ…!

fall_view2.jpg

અને પાનખરનું નામ આવે અને મને આ પંક્તિઓ તરત જ યાદ આવે…. 

પીપળ પાન ખરંતા હસતી કુંપળીયા,
મુજ વીતી તુજ વિતશે ધીરી બાપુળીયા…

(આ કવિતાને શોધવાની ઘણી કોશિષ કરી, પરંતુ ક્યાંય મળી નહીં… તમને કોઇને મળે તો મને જરૂરથી મોકલાવશો! )

અને પાંદડુ કે પાન માટે પણ ઘણા કાવ્યો લખાયા છે…

જેમ કે, શ્રી અવિનાશ વ્યાસનું એક ગીત…

પાંદડુ લીલું ને રંગ રાતો
હે જી મારી મહેંદીનો રંગ મદમાતો….

અને શ્રી ર.પા.ની ગઝલનો એક શેર…

પાંદડું કેવી રીતે પીળું થયું કોને ખબર ?
એટલે કે ઝાડમાંથી શું ગયું કોને ખબર ?

તો મિત્રો, આપણે સૌ પણ આ પાનખરનાં રૂપાળાં, લોભામણાં અને અલ્પજીવી રંગોમાંથી થોડી પ્રેરણા લઈ… આપણા આ કવિતાનાં ઝાડને (કે છોડને) રંગબેરંગી શબ્દોથી શણગારીશું ને?!! 

તો ચાલો સૌ શબ્દોની પીંછી લઈને…

ચાલો આજે દરિયે જઇએ… ઓક્ટોબર 6, 2007

Posted by ઊર્મિ in સર્જનક્રિયા.
18 comments

હમણા થોડા દિવસો પહેલા જ આપણે અહીં મેહુલીયો બોલાવ્યો હતો, યાદ છે ને ?

તો મેહુલીયો જ્યાંથી આવે, એ દરિયાને ભુલી જઇએ એ ચાલે ?

મોરી ગાગરમાં દરિયો છલકાયો,
કે બેની મારે રુદિયે ધોધમાર મેહુલીયો આયો…

કોઇક જ એવું હશે કે જેને દરિયો વ્હાલો ના હોય, ભલે હોય એ કિનારો કે મધદરિયો. ( જો કે મધદરિયે એટલુ આસાનીથી નથી જવાતું કે જેટલી આસાનીથી દરિયાકિનારે જવાય છે 🙂 )

મારા જેવા કેટલાય એવા હશે, જેના માટે દરિયો એ પાણી, રેતી, છીપ અને પવનથી કંઇક વિશેષ છે.

beautiful-ocean.jpg
‘ડી’ નું આ સુંદર લઘુકાવ્ય કંઇક એવું જ કહી જાય છે.

મારો પરિવાર એટલે
સાંજ…

દરિયો…
રેતી…

ઉદાસી..

અને
હું..

દરિયાને કવિતામાં ઢાળવામાં કવિઓએ પણ જરાય કંજૂસઇ નથી કરી. કેટલીક કવિતાઓ દરિયા પર જ લખાઇ છે… કહેવાય છે ને, જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ. એક દરિયા માટે આપણા કવિઓએ કેવી કેવી કલ્પનાઓ કરી છે !

કોઇને દરિયો જોઇને સાંવરિયો યાદ આવે…

અમે દરિયો જોયો ને તમે યાદ આવ્યા,
અમે દરિયો ખોયો ને તમે યાદ આવ્યા.

( કવિ : ભાગ્યેશ જહા )

તો કોઇ તો દરિયાને જ સાંવરિયો કહી દે…

દરિયો રે દરિયો રે મારો સાંવરિયો
દરિયામાં ડૂબી ડૂબી જાઉં,
હું તો બાવરી… બાવરી ઓ…

( કવિ : મહેશ શાહ )

આમ ભલે રણ અને દરિયો દૂર દૂર રહ્યાં… પણ આપણી કવિતામાં ઘણીવાર એ ભેગા જોવા મળે હોં..beautiful-ocean2.jpg

ક્યાંક દરિયો અને ક્યાંક રણની કથા
જિંદગી એટલે, આવરણની કથા.

( કવિ : ડો. મહેશ રાવલ )

આંખોમાં દરિયો થઇ છલકાવું હોય
અને સહરાની જેમ પછી બળવું પડે

( કવિ : રવિન્દ્ર પારેખ )

અને કવિ દત્તાત્રય ભટ્ટ તો રણ ને જ રેતનો દરિયો કહે છે.

રેતનો દરિયો અહર્નિશ વિસ્તરે,
ઝાંઝવાં ટોળે વળે મારી ભીતર.

પ્રણયગીતોમાં તો દરિયો કેવો સરસ રીતે છલકાય છે…

દરિયાના મોજાં કંઇ રેતીને પૂછે, ‘તને ભીંજાવું ગમશે કે કેમ ?’;
એમ પૂછીને થાય નહીં પ્રેમ.

( કવિ : તુષાર શુક્લ )

સાંવરિયો રે મારો સાંવરિયો
હું તો ખોબો માગું ને દઈ દે દરિયો !

( કવિ : રમેશ પારેખ )

અને ઝવેરચંદ મેઘાણીના આ હાલરડામાં તો દરિયાને સૂતા બાળક સાથે સરખાવ્યો છે.

દરિયો ડોલે રે માઝમ રાતનો, હે….ઝૂલે જાણે પારણે મારો વીર રે,
મધરાતે માતા રોતા વીરાની દોરી તાણતી.

ચલો… બહું થયું… આમ જ જો એક એક કરીને દરિયાના ગીતો અહીં મુકી દઇશ તો ક્યાંક આ કમ્યુટર સ્ક્રીન ભીનો થઇ જશે…. 😀

હવે આગળનું કામ તમારું.. એટલે કે તમને દરિયાના ગીતો ભેગા કરવાનું નથી કહેતી, દરિયા પર ગીત, કવિતા, ગઝલ, શેર લખવાનું કહું છું. પણ યાદ રાખજો હોં, કે આપણે દરિયો શબ્દ પકડી રાખ્યો છે. આમ તો સાગર, સમુદ્ર, સિંધુ, જલધી… કેટલાય નામો છે.. પણ એ બધાની વાત પછી ક્યારેક…

આજે તો બસ…. દરિયો … દરિયો… દરિયો…. હો દરિયો….