jump to navigation

શું લખું? July 27, 2007

Posted by ઊર્મિ in સર્જનક્રિયા.
trackback

ગયા શુક્રવારે મેં એક પંક્તિ આપી હતી… આપણો સંબંધ ખૂટ્યો, શું કરું?”… એ જ છંદ, કાફિયા અને ‘શું કરુ?’ રદીફ લઈને ગઝલ, શેર કે પંક્તિ લખવાનું આમંત્રણ હતું…  પરંતુ એક સ્નેહી મિત્રએ મને જણાવ્યું કે ‘શું કરું?’ ‘શું કરું?’ માં ઘણું મગજ ઘુમાવ્યુ પરંતુ કશું લખાયું જ નહીં… અને મેં એમને જવાબ પણ આપ્યો કે, ‘લખવાનું મને કંઇ સુઝતું નથી, શું કરું?’ એવું જ કંઇક લખી દ્યો ને મિત્ર?!  🙂  જો કે, એ મિત્રનાં કહેવા સાથે હું પણ સન્મત છું કે ઘણીવાર મારી મચડીને આયાસો કરવાથી કશું લખાતું જ નથી… અને જે લખાય છે એ કદાચ એટલું અસરકારક નથી હોતું… પરંતુ કાંઇ નહીં મિત્રો, આ તો આપણી પોતાની જ પોએટ્રી વર્ક-શોપ છે એટલે કોઈ સખત બંધન નથી… આપેલા વિષયમાં તમે છંદ, અને કાફિયાની થોડી છૂટછાટ પણ લઈ શકો છો!  બસ, તમારી કવિતા આપેલા વિષયથી બહુ અળગી ન થાય, એનું બને એટલું ધ્યાન રાખવાની કોશિશ કરવી… પછી તો જેવી કવિતામાતાની ઈચ્છા કે એમણે કેવી રીતે અને ક્યાં પધરામણી કરવી છે!! 🙂

હા, તો એ મિત્રની ન લખી શકવાની દુવિધાને લીધે મને આજે વિચાર આવ્યો કે આ વિષય પણ બહુ જ મજાનો છે હોં… કે ‘શું લખું?’ !!!  આપણને સૌને ઘણીવાર કશુંક ન લખી શકવાની દુવિધા અને એની પીડા પણ ક્યારેક થતી હોય છે… મને પણ ઘણીવાર થાય છે 😦  … અને તમને પણ ક્યારેક ક્યારેક તો થતી જ હશે…. તો આજે આપણે આપણી એ દુવિધા અને પીડાને જ વાચા આપવાની એક કોશિશ કરીએ તો…?

મને બરાબર યાદ છે કે મિત્ર વિવેકે એકવાર ‘શું લખું?’ ની દુવિધામાં આખી એક ગઝલ લખી નાંખેલી…

નવા વર્ષની હું કથા શું લખું ?
શરીર એ જ, વસ્ત્રો નવાં, શું લખું ?

આખી ગઝલ અહીં વાંચો

મિત્રો, શું તમને પણ ક્યારેક કંઈક ન લખી શકવાની દુવિધા સતાવે છે ખરી??  તો ચાલો, એ જ વિષય પર આજે આપણે કંઇક લખી નાંખીએ…  કોઇ પણ બંધારણની છાંદસ – અછાંદસ રચના…

પણ મને વિચાર આવે છે કે આ ‘શું લખું?’ વિષય ઉપર આખરે હું શું લખું? 😕 …
(કારણ કે મેં આ વખતે બિલકુલ અંચઈ નથી કરી હોં… પહેલેથી ખરેખર કંઈ જ લખી નથી રાખ્યું!)

* * *

Advertisements

Comments»

1. jayshree - July 27, 2007

-: લખવો છે એક પ્રેમપત્ર :-

ઝાકળના ટીપાંની
કરું સ્યાહી,
ઝળકે જેમાંથી
પારદર્શકતા લાગણીની…
ગુલાબની પાંખડીઓ પર
લખું કંઇક એવું,
પરબિડીયું ખુલે,
ને અસ્તિત્વ મહેંકે…

વળી,
પહેરાવું કવિતાના વાઘા
મારા એ શમણાંને એવા,
કે ભેગા ભાળી આપણને
સૂર્ય સવારનો રોજ મલકે…

પણ લખું તો યે શું લખું ?
ક્યાં છે લાગણીની એ ઉત્કટતા સમજનાર ?
ક્યાં છે શબ્દોની એ સુંદરતા મૂલવનાર ?

અને તો યે
લખવો છે મારે
લાગણીભીનો
એક પ્રેમપત્ર…!!

2. bagewafa - July 27, 2007

તલવાર પર શું લખું? __મોહંમદાલી’વફા’
ગઝલ

તૂટી ગયે લા તાર પર શું લખું?
ભટકી ગયેલા પ્યાર પર શું લખું?

શબ્દોતણી આખી જમાત ક્રોધશે,
તુજ પાંપણોની ધાર પર શું લખું?

વાવી દીધી હોઠો ઉપર વારતા
આંખો તણા અણસાર પર શું લખું?

ઉતરી ગયું કો’ તીર આવી સોસરું,
એતો કહો તલવાર પર શું લખું?

ફૂલો ઉપર ખૂશ્બુ બધી ચીતરી,
બાકી રહેલા ખાર પર શું લખું.?

જીતો ઉપર પણ કોદિ લખ્યું નહી,
મુજને કહો આ હાર પર શું લખું.?

એતો રહે પરદા તણી ઓઠે ‘વફા’
અદમ વ અઝલ દિલદાર પર શું લખું.?

27July2007-07-27

અદમ=જે હમેશાથી છે(ખુદા) વ=અને અઝલ= જે હમેશા રહેશે(ખુદા)

ગાગાલગા,ગાગાલગા.ગાલગા

3. Himanshu Kikani - July 28, 2007

`સહિયારું સર્જન`ને ઘણી ઘણી શુભેચ્છાઓ અને આપ સૌ સાચા કવિમિત્રો પ્રત્યે થોડા ઇર્ષાભાવ સાથે, હળવા હૈયે આટલું…

લખવાના વિચાર માત્રથી આવે જ્યાં લખલખું,
કલમ બોળું કે જાત ઝબોળું, લખું તો શું લખું?

અમથું, જરી, હેતથી કોઈ પૂછે તોય ધખધખું,
મનડું દોડે આડું ને અવળું, લખું તો શું લખું?

થોડું ગબડે આ ગાડું, ત્યાં ફરી આવે ડખડખું,
જરા અજવાળું ત્યાં ફરી ધબ્બ કાળું, શું લખું?

ભીંસ વધે, રીસ ચડે, કલમ ને કાગળ બેય કરડે,
પણ મૂળમાં જ બધું ડહોળું ત્યાં લખું તો શું લખું?

4. Pravin H. Shah - July 29, 2007

જમીન લખું?
દોલત લખું?
શું લખું? તારા નામે
લખું સૂરજ,
ચંન્દ્ર ને તારા.

5. Pravin H. Shah - July 29, 2007

મન મુંઝાય,
દિલ દુભાય,
શું લખું તને કાન?
બંસી-નાદે તું
ગોકુળ આવ.

6. Pradip Brahmbhatt - July 29, 2007

શું લખું?
શું લખું? શું લખું? મનમાં એવું થયા કરે,
આજે લખુ કાલે લખીશ એવું મન કાયમ કહ્યા કરે.
લખુ લખાશે કે લખાયું એવું કાંઈક બની ગયું,
મનનું મનમાં ના રહેતા કાંઈક આજે કહી જવાયું.
ઉર્મીબેનનો અણસાર ને વિજયભાઈ નો પ્રેમ,
લાવ્યા સર્જકોની સંગાથે હૈયે રાખી કાયમ હેત.
મનમાં લાગી માયા ને કલમ બનાવે કાયા,
પ્રદીપ,પ્રદીપ કરતાં આજે હું પરદીપ બની રહું.
હેત માગું હામ ધરી હું પ્રેમ કાયમ મળ્યા કરે,
વર્ષા હેતની વરસ્યા કરેને પ્રેમ સૌનો મળ્યા કરે.

7. Chiman Patel "CHAMAN" - July 29, 2007

પત્ની ઝગડી ગઈ પિયર શું લખું?
પડે છે ખાવાની તકલિફ શું લખું?
વિચારો આવે ઘણા બંઘ બારણે પણ
ક્લમ રિસાઈ ગઈ ‘ચમન’ શું લખું?
ચીમન પટેલ ‘ચમન’

8. vijayshah - July 30, 2007

રીસામણાં

વહે નયનોથી આંસુ તે ખાળ તું
લખે અક્ષરો શું જાણુ કે’ શું લખુ?

સખી મનની સંવેદના જાણ તું
મને સમજાયે ના હવે શું લખુ?

મળે હ્ર્દયે આઘાત જે માન તું
અજ્ઞાન વ અંધારે તુ કે’ શું લખું?

સખી અમને ના શીખ પ્રીત્યુંની
નડે અમને રીસામણું શું લખુ?

લગાલ લગાગા ગાલગા ગાલગા

9. જય - July 30, 2007

આખો દિવસ ઘણું કામ રહે છે, શું લખું?
ઘરે બધાંની સેવા કરવી પડે છે, શું લખું?
છોકરાંઓને હોમ વર્ક કરાવવું પડે છે, શું લખું?
નવું બધાં કરતાં મોટું ઘર લેવું છે, શું લખું?
રાત્રે ટી.વી. પર સીરીયલો તો જોવી જ છે, શું લખું?
‘મીસ યુનીવર્સ’ જોવાનું તો ભૂલાય કેમ? શું લખું?
વેકેશન તો લેવું જ રહ્યું, ડીનરે તો જવું જ રહ્યું, શું લખું?
સાસુ, વહુ અને નણંદની વાતો તો કરવી જ રહી, શું લખું?
બેસબોલ અને ક્રિકેટની મેચો જોયાં વગર તો ચાલે કેમ, શું લખું?
હવે તમે જ કહો કે હું ક્યારે લખું, શું લખું?

10. શું લખું? « Aalekhan - July 30, 2007

[…] સહિયારું સર્જન (https://sarjansahiyaaru.wordpress.com/2007/07/27/sarjankriya46_shu_lakhu/ ) ખરેખર કેવી મજાની પ્રવૃત્તિ છે, એનો […]

11. pravinash1 - July 31, 2007

હાથમાં કલમ છે અને સામે કોરો કાગળ
બસ તમારા ખ્યાલમાં ખોવાઈ છું શું લખું

તમને મળવાની આશા પુર્ણ થઈ
હૈયાના ભાવ દર્શાવવા શું લખું

12. પરેશ વ્યાસ - August 1, 2007

જાત ઓગળે, શ્વાસ ઓગળે,
આસ ઓગળે, પાસ ઓગળે
તોય કશું ના ખાસ ઓગળે
શું લખું…

એક આપણી વાત ઓગળે
અને સમંદર સાત ઓગળે
તોય કશું ના ખાસ ઓગળે
શું લખું…

આકાશે અંધાર ઓગળે
ભીતરનો અજવાસ ઓગળે
તોય કશું ના ખાસ ઓગળે
શું લખું

વર્ષો જૂનો સાદ ઓગળે
ઓચિંતિ કોઇ યાદ ઓગળે
તોય કશું ના ખાસ ઓગળે
શું લખુ

13. કુણાલ - August 2, 2007

ન લખ્યું લખવાટાણે, આ અ-ટાણે શું લખું?
ન જીવાયું જીવવાટાણે, આ શ્વાસે શું લખું?

જેના નામે ભવ તરું, એના નામે શું લખું ?
જેના નામે નભ નભે, નામ એનું શું લખું ?

યાદ એને કોણ કરે? એની યાદ શું લખું ?
આ લખ્યું મારે માટે, એને માટે શું લખું ?

પળ આવી પળ ગઈ, પળ માટે શું લખું ?
જે થયું દરમિયાનમાં, એના માટે શું લખું ?

વહ્યા’તા, હવે સુકાયા, સ્વ. અશ્રુ શું લખું ?
તું જ કારણ બંનેનું, બોલ, કારણ શું લખું ?

શબ્દો કહે બહુ થયું, વધું હવે તો શું લખું ?
ઓ મનડાં, જીદ છોડ, બહુ થયું, શું લખું ?

– કુણાલ

14. Maurika (mayuma) - August 2, 2007

વર્ષોના હિસાબ પળવારમાં
શું લખું

જૂઠની આ દુનિયામાં સચ્ચાઇ
શું લખું

કલમના કાજળ મને અભડાવે
શું લખું

દિલથી જલાવ્યા તે દીપ દઝાડે
શું લખું

લાગણીના દરિયા ડૂબાડે
શું લખું

મારી આશાનું કિરણ અંધારે
શું લખું

સંબંધોના સમીકરણો ના સમજાયે
શું લખું

15. Pravin H. Shah - August 4, 2007

એક પછી એક દિવસ ને રાત
ઊગે છે ને આથમે છે, ને
સમય એમ જ વહી જાય છે.
રોજ વિચારું છું તને કઈંક લખું,
પણ શું લખું? શું લખું!
જ્યાં કલમ જ સાથ દેતી ના હોય!
રોજ કલમ હાથમાં ઊપાડું છું
ને જેવું તારું લખું છું,
મારી કલમ બની જાય છે પીછી!
જેવું તારા ગામનું નામ લખું છું,
આ કલમ બની જાય છે રસ્તો!
તને મન ગમતી મોસમ યાદ કરું,
ને કલમ બની જાય છે વસંત!
તને ગમતાં ફૂલનું નામ લખતાં,
એ બની જાય છે સુગંધ!
અને આપણી જુદાઇની એ પળ
યાદ કરતાં એ બની જાય છે આંસું!
લાખ ચાહું, તોય તને શું લખું?!

16. Saryu Parikh - August 4, 2007

જીવનનો હેતુ
July 10, 2007 Edit

શું મારા લખવાથી કવિતાને ફેર પડશે?
શું મારા જોવાથી ફૂલોને ફેર પડશે?
શું મારા સુણવાથી સૂરોને ફેર પડશે?
શું મારી ભક્તિથી ભગવનને ફેર પડશે?

તોય કોણ મને દોરે આ અણજાણે આરે!
ને કોણ મને ખેંચે છે અંતર અંધારે!
ને કોણ મને બોલાવે શાંતિના સૂરે!
ને કોણ મને બહેકાવે ભીની સુગંધે!

હું જ એક સૂક્ષ્મ અંશ પ્રકૃત્તિ ધારાની
હું જ એક મુખ્ય અણું સર્જન કરનારાની
મારા આ જીવતરમાં સર્જકતા ભરવાની
અમૂલ આ જીવનનો રસથાળ ધરવાની

17. તલવાર પર શું લખું? __મોહંમદઅલી’વફા « બાગે વફા*ગુજરાતી - March 2, 2009

[…] તૂટી ગયે લા તાર પર શું લખું? રૂઠી ગયેલા પ્યાર પર શું લખું https://sarjansahiyaaru.wordpress.com/2007/07/27/sarjankriya46_shu_lakhu/ […]

18. jashvant DESAI - July 30, 2009

shu lakhu shu lakhu maza aavi.


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: