મહાદેવ… શંકર… નીલકંઠ… શિવ… ઓગસ્ટ 31, 2007
Posted by ઊર્મિ in સર્જનક્રિયા.5 comments
ગયા વખતે આપણે શ્રાવણ વિષય આપ્યો હતો… અને શ્રાવણમાં મહાદેવજીને યાદ ન કરીએ તો કેમ ચાલે?
એટલે કે આજનો આપણો કવિતાસર્જનનો વિષય છે… મહાદેવ… શંકર… નીલકંઠ… કે શિવ… શંકર ભગવાનનાં કોઈ પણ નામ પરથી લઘુકાવ્ય કે કોઇ પણ પ્રકારનું કાવ્ય અથવા પ્રાર્થના કે સ્તુતિ જેવું જ કંઇક લખીએ… ગુજરાતી બ્લોગ જગતમાં મહાદેવજીનું નામ આવે એટલે આપણને નીલાબેન કડકિયાનું ‘મેઘધનુષ’ અચૂક યાદ આવે જ…
નીલાઆંટીએ મહાદેવજી પર લખેલી મુક્તપંચિકા…
હે ગંગાધારી,
હે ત્રિપુરારી,
પૂછું શિશ નમાવી
હું નમનની
છું અધિકારી?
મારી એક રચનાની એક પંક્તિ…
મહાદેવ થઇને જે પૂજાય છે પાયણાં,
માનવ મથાળે એજ કૂટાય છે પાયણાં.
તો ચાલો મિત્રો… મહાદેવજીનાં કાવ્યો લખી આપણે એમને પ્રસન્ન કરીએ…
શ્રાવણ ઓગસ્ટ 24, 2007
Posted by ઊર્મિ in સર્જનક્રિયા.8 comments
મિત્રો, આજે એક શબ્દ આપું છું…. શ્રાવણ!
આજે શ્રાવણ શબ્દનો કોઇ પણ રીતે ઉપયોગ કરી એક કાવ્ય લખીએ… શ્રાવણ શબ્દ સાંભળીને તમને જે કાંઇ પણ (કે જે કોઇ પણ) યાદ આવે એને આજે કાવ્યમાં કેદ કરી જ લ્યો!
શ્રાવણ શબ્દની સાથે મને તો પેલું બાળગીત જ પેલ્લું યાદ આવે છે…
અડકો દડકો દહીં દડૂકો
પીલુ પાકે શ્રાવણ ગાજે ઊલ મૂલ ધંતૂરાનું ફૂલ સાકર શેરડી ખજૂર… (બસ, આટલું જ યાદ છે અત્યારે!)
શ્રી બાલમુકુંદ દવે કહે છે કે…
આ શ્રાવણ નીતર્યો સરવડે કોઈ ઝીલો જી
પેલાં રેલી ચાલ્યાં રૂપ હો કોઈ ઝીલો જી.
આ કપૂર-કાયા સરી જશે કોઈ ઝીલો જી,
પેલા ઊડી ચાલ્યા ધૂપ હો કોઈ ઝીલો જી.
તો ચાલો, લખવા માંડો મિત્રો… શ્રાવણ વિશે કંઈક… લખવાની કોઈ પ્રેરણા ન મળતી હોય તો જરા વરસાદમાં ભીંજાઈ આવજો… જરૂર પ્રેરણા મળી જશે હોં! (હું પણ આજકાલ વરસાદની જ રાહ જોઉં છું… દેશનાં ચોમાસી વરસાદની નહીં, અમેરીકાના બારમાસી વરસાદની! 🙂 )
* * *
કોને ખબર? ઓગસ્ટ 17, 2007
Posted by ઊર્મિ in સર્જનક્રિયા.17 comments
મિત્રો, તમને યાદ હશે જ કે એકવાર અહીં “કોણ માનશે?” ની પોસ્ટ આપવામાં આવી હતી, જેમાં ઘણાં મિત્રોએ ભાગ પણ લીધો હતો… (ન લીધો હોય તો હજીયે ભાગ લઈ શકો છો!)
આજે હું ‘કોને ખબર?’ શબ્દો આપું છું… જેનાં પરથી આપણે કાવ્યો/ગઝલો લખવાનાં છે… (હા, મેં ય કાંઇ નથી લખ્યું હજી!)
‘કોને ખબર?’ રદીફવાળી શ્રી ર.પા. ની એક ખૂબ જ સ-રસ ગઝલ છે, જે મોટેભાગે બધાએ વાંચી જ હશે…
પાંદડું કેવી રીતે પીળું થયું કોને ખબર ?
એટલે કે ઝાડમાંથી શું ગયું કોને ખબર ?
આ રદીફ આપવાની ઈચ્છા સાથે આપણાં બ્લોગ-મિત્ર બિમલ(બાબુ) દેસાઈ ‘નારાજ’ એ એમની આ રચના પણ મોકલાવી હતી… આભાર બિમલ!
કોણ કોને ઝંખે છે કોને ખબર?
હું તને કે તું મને કોને ખબર?
કોણ આવે છે રદીફ કાફીયા બની?
કોણ ગઝલમાં ઝળહળે કોને ખબર?
લ્યે હથીયાર મેં નીચે મુકી દીધા.
તોયે જીત્યો કોના બળે કોને ખબર?
બંધ મુઠ્ઠીમાં હજારો રાઝ છે છુપાવ્યા
શું શું છે આ પગતળે કોને ખબર?
આ ગઝલનું ઝરણું નાભિથી વહયું છે.
સાગરમાં ભળે કે ના ભળે કોને ખબર?
હું પાર્થના તીરે વીંધાયેલ માછલીની આંખ
કોણ આ પાંચાલીને કહે કોને ખબર?
જે હું શોધું યાદના લીલાવન મહીં
“નારાજ” મળે કે ના મળે કોને ખબર?
આ રચના ખરેખર ખૂબ જ સુંદર છે… પરંતુ જો આને છંદમાં ઢાળવામાં આવી હોત તો કદાચ એ વધુ ખીલી ઉઠત..!!
તો ચાલો મિત્રો, આપણે પણ ‘કોને ખબર?’ ની અટકળો શરૂ કરીએ… ‘કોને ખબર?’ શબ્દોને તમે રદીફ તરીકે પણ લઈ શકો છો અથવા ‘કોને ખબર?’ ની અટકળ કરતું કોઈ અછાંદસ કાવ્ય પણ લખી શકો છો…. ગુડ લક! 🙂
* * *
સંકલિત: ‘પરીચય’ ઓગસ્ટ 17, 2007
Posted by ઊર્મિ in કાવ્યો, ગઝલો, મુક્તકો, મુક્તપંચિકા, સંકલિત.4 comments
આ વિષય ઉપર હજી પણ બીજા મિત્રોએ રચના લખવી હોય તો નીચે કોમેંટમાં લખી શકે છે!
આગળની પોસ્ટ: તમારો ‘પરિચય’ આપશો?
* * * (વધુ…)
સંકલિત: ‘ધારો કે…’ ઓગસ્ટ 17, 2007
Posted by ઊર્મિ in કાવ્યો, મુક્તકો, સંકલિત.add a comment
આ વિષય ઉપર હજી પણ બીજા મિત્રોએ રચના લખવી હોય તો નીચે કોમેંટમાં લખી શકે છે!
આગળની પોસ્ટ: ‘ધારો કે…’
* * * (વધુ…)
સ્વાતંત્ર્ય… આઝાદી… ઓગસ્ટ 10, 2007
Posted by ઊર્મિ in સર્જનક્રિયા.14 comments
મિત્રો, બુધવારે 15 મી ઑગષ્ટ છે… ભારતનો સ્વાતંત્ર્ય દિવસ. એ માટે સૌ મિત્રોને આગળથી હાર્દિક વધાઈ અને આપણને સૌને સ્વાતંત્ર્ય દિવસની ખૂબ ખૂબ મંગલ શુભકામનાઓ…!!
ગણતંત્ર દિવસ નિમિત્તે આગળ જાન્યુઆરીમાં મેં અહીં દેશભક્તિ અને શહીદી વિષય આપ્યો હતો… પરંતુ, ઘણા મિત્રોને કદાચ “શું લખું?” ની મુંઝવણ થઈ હશે, એટલે માત્ર 2-3 રચનાઓ જ મળી હતી. કાંઈ વાંધો નઈં… હોતા હૈ, હોતા હૈ…. કાયમ જ કાંઈ કવિતાદેવી આપણા ઉપર થોડા રીઝાઈ જતા હોય? મારા પર પણ નથી રીઝાતા ઘણીવાર…
આજે હું દેશભક્તિ અને શહીદી તો નહીં (એ વિષય પર લખવું હોય તો ઉપર આપેલી લિંક પર ક્લિક કરો!) પરંતુ થોડો રીલેટેડ વિષય જ આપું છું… સ્વાતંત્ર્ય અથવા આઝાદી !! અને આ આઝાદી કે સ્વાતંત્ર્યતા માત્ર દેશની જ નહીં હોં… કોઈની કે કંઈની પણ હોઈ શકે… વ્યક્તિગત પણ હોઈ શકે અને દેશની પણ હોઈ શકે…
કવિલોકનાં દિલીપભાઈ પટેલ આઝાદી વિશે કહે છે કે…
બહાર ખાદી અંદર ગાદી કાં વદે વાણી ‘હું ગાંધીવાદી’ ?
હીંસક મીજાજી સ્વાર્થ તેજાબી દેખ દાઝી દેશ આઝાદી
મિત્ર વિવેકની બે ગઝલોમાંથી આઝાદી શબ્દોનાં ત્રણ શેર મળ્યાં છે, એ મમળાવીએ…
ન હોય કોઈ જ્યાં બંધન ત્યાં કેવી આઝાદી ?
જો વહેવું હોય તો કાંઠા વગર શું છૂટકો છે ?
એક શંકામાં બરફ થઈ જિંદગી થીજી ગઈ,
શક્ય આસ્થાના કિરણમાં બસ હવે આઝાદી છે.
સોયમાં દોરો થઈ આજન્મ સંગાથે રહ્યાં,
કેવું બંધન છે, ખરી જ્યાં બંનેને આઝાદી છે !
તો ચાલો, મિત્રો તૈયાર છો ને? અને આ વખતે આપણે માત્ર લઘુકાવ્યો જ લખીએ તો..?!! આજે આપણે આઝાદી કે સ્વાતંત્ર્યનાં શબ્દો ઉપર કોઈ પણ શેર, પંક્તિ, મુક્તક, હાઇકુ કે મુક્તપંચિકા જેવા નાના જ કાવ્યો લખીએ… ગુડ લક (ટુ મી ટુ!)!!
* * *
મિત્ર એટલે? ઓગસ્ટ 3, 2007
Posted by ઊર્મિ in સર્જનક્રિયા.34 comments
મિત્રો, આ રવિવારે 5મી ઑગષ્ટે ઇંટરનેશનલ ફ્રેંડશીપ ડે છે…એ માટે આપ સૌ મિત્રોને ‘સહિયારું સર્જન’ તરફથી આગળથી જ ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ… Wishing you a very Happy Friedship Day!! આશા છે કે આપણી આ સહિયારી મિત્રતા આપણા સહિયારા સર્જનો વડે બસ આવી જ રીતે કાયમ ટકી રહે…!!
આજનો વિષય આપવા માટે પણ મને ખૂબ જ નજીકનાં એક મિત્રએ જ યાદ દેવડાવ્યું છે… એ માટે એ મિત્રનો પણ ખૂબ આભાર!
તો આજનો વિષય છે: તમારે માટે મિત્ર એટલે શું? તમે મિત્ર કોને કહો છો? …. અને આમ તો આવા પ્રશ્નો આપણને કોઈ પૂછે એટલે આપણે તરત જ બોલી ઉઠીએ કે… જે સુખ અને દુ:ખ- બંનેમાં કાયમ સાથે રહે એ સાચો મિત્ર!
શેરીમિત્રો સો મળે, તાળીમિત્ર અનેક,
જેમાં સુખ-દુઃખ વામીએ, સો લાખનમાં એક. (કવિ?? ખબર નથી…)
અને આ પંક્તિઓ તો હું નાનપણથી સાંભળતી આવી છું…
મિત્ર એવો શોધવો ઢાલ સરિખો હોય,
સુખમાં પાછળ પડી રહે, દુ:ખમાં આગળ હોય…. (સ્મરણથી લખ્યું છે)
પરંતુ શું સાચો મિત્ર આટલી વ્યાખ્યામાં બંધાઈ જાય છે ખરો? અને ખરું પૂછો તો જેટલાં મિત્રો હોય એટલી મિત્રતાની વ્યાખ્યાઓ પણ હોઈ શકે… મિત્ર કૃષ્ણ અને રામ જેવો રાજા પણ હોઈ શકે, તો સુદામા અને ગુહ જેવો રંક પણ… કે પછી દુર્જનોમાં પણ દૂર્યોધન અને કર્ણ જેવી મૂલ્યવાન મિત્રતા મળી આવે છે… આમ તો મારા મંતવ્ય મુજબ, મિત્રતા અને પ્રેમ એકબીજા વિના સંભવી શક્તા જ નથી… પ્રેમમાં પણ મિત્રતા જરૂરી છે, અને મિત્રતામાં પણ પ્રેમ હોવો એટલો જ જરૂરી છે… હા, એની માત્રાઓ અને એની વ્યાખ્યાઓ જરૂર અલગ અલગ હોય છે… જો કે, પ્રેમની જેમ જ મિત્રતામાં મળેલો દગો પણ ખૂબ જ દુ:ખદાયી અને આજીવન ભૂલી ન શકાય એવો હોય છે… અને આવા મિત્રતામાં દગો પામેલાંઓને શોધવા પણ બહુ દૂર જવું પડે એમ નથી!! સોરી મિત્રો, આપણે તો અહીં સારા મિત્રો અને નિર્મળ મિત્રતાની વાત લખવી છે… તો ચાલો, આ વિષયમાં તમને બહુ મોટ્ટું મોટ્ટું ભાષણ આપ્યા વિના હું મારી મૂળ વાત પર જ આવું છું… 🙂
મિત્રતા અને મિત્ર ઉપર આપણે થોડી રચનાઓ જોઈએ…
કવિ મુસાફિર કહે છે… (આ તો મારું અતિ પ્રિય મુક્તક છે!!)
તાંદુલી તત્વ હેમથી ભારે જ થાય છે,
કિંતુ મળે જો લાગણી ત્યારે જ થાય છે.
જ્યાં ત્યાં કદીય હાથ ના લંબાવ; ઓ હૃદય !
મૈત્રીનું મૂલ્ય કૃષ્ણને દ્વારે જ થાય છે.
લયસ્તરો ઉપર મિત્ર વિવેકે સરસ મજાનાં ત્રણ સંકલનો મિત્ર અને મિત્રતા ઉપર મૂક્યા છે એ જરૂર વાંચજો મિત્રો…
અને આ મિત્ર વિવેકે તો પડઘા સાથે ય મિત્રતા કરી છે… સાચ્ચું કહું છું હોં, આ લ્યો વાંચી જુઓ…
મને જો મૌન દો તો બોલકું એ પણ બની બેસે,
કરી છે પડઘાં સાથે મિત્રતા એવી અમે, યારો !
ગયા વર્ષે મિત્ર અમિતે રીડગુજરાતી પર મિત્રની પરિભાષા નામનો સુંદર લેખ લખેલો… એ પણ વાંચવા જેવો છે.
ગયા વર્ષે આ જ મિત્રતાના દિવસે મેં પણ એક મુક્તક લખેલું… જે સુરતી મિત્રોને તો બહુ જ ગમેલું… 🙂
આટલું બસ છે ને પ્રેરણા મેળવવા માટે?? એક્ચ્યુઅલી તો મિત્ર અને મિત્રતા વિશે લખવા માટે તમે તમારા કોઇ પ્યારા મિત્રને અચાનક મુલાકાત આપી સરપ્રાઇઝ કરી દ્યો ને… અથવા તો એક ફોન જ કરી દ્યો… ઘણા વખતે… જો કર્યો ના હોય તો… પછી જુઓ તમને કેવી સરસ લખવાની પ્રેરણા મળી રહે છે એ…. ચાલો, હું પણ હવે ફોન કરવા જ જાઉં છું… પ્રેરણા મેળવવા સ્તો!! સદ્ ભાગ્યે મિત્રો અને મિત્રતાની મૂડીમાં હું તો ખૂબ જ ધનિક છું!! તમે પણ છો ને??!! 🙂
પરંતુ મિત્રો, તમે તમારા મિત્રને મળી લ્યો પછી અહીં તમારી મિત્રતા ઉપર એક કાવ્ય લખવાનું છે, એ વાત ભૂલી ના જતા હોં !!
ફરીથી, આ મિત્રતાનાં દિવસની સૌ મિત્રોને વધાઈ…!
* * *