jump to navigation

‘તઝમીન’ બનાવો ડિસેમ્બર 21, 2006

Posted by સુરેશ in તઝમીન, સર્જનક્રિયા.
35 comments

         તઝમીન એ ગંભીર પ્રકારનું કાવ્ય સ્વરૂપ છે. મૂળ અરબી શબ્દ પરથી ઉતરી આવેલા આ પ્રકારમાં સ્વીકૃતિ અને શણગારની વિભાવના હોય છે. તઝમીનકારે કોઇ પણ ગઝલકારનો એક શેર, મત્લા કે મક્તા પસંદ કરીને મૂળ શેરના ભાવ, ભાષા, ઝમીન વિ. ને અનુરૂપ ત્રણ મૌલિક પંક્તિઓ પોતે જોડવાની હોય છે. આ પરકાયા પ્રવેશ જેવું દુષ્કર કાર્ય છે! મૂળ શેરના ભાવ-વિશ્વ સાથે તઝમીનકાર એ રીતે એકાકાર થઇ જાય છે, કે ‘નહીં સાંધો નહીં રેણ’ . આમ જોડેલી ત્રણ પંક્તિઓ મૂળ શેર સાથે સમરસ થઇ જાય છે. ક્યાંય થાગડ થીગડ કે ગચિયાં દેખાતા નથી! સમગ્ર તઝમીન સંઘેડાઉતાર કલાકૃતિ તરીકે નીપજી આવે છે.
ડો. રશીદ મીર

ઘણી તઝમીનોના સર્જક જનાબ ‘રાઝ’ નવસારવી   ની બે તઝમીનો નીચે આપી છે.
————————————————-
મરીઝ

લાખ ચિંતામાં છું હું કોને મળું?
સૌ કહે છે આપ મોંઘા થઇ ગયા!
————–
તઝમીન
હું જ પોતાને વહન કરતો રહું,
કોણ છે મારા સમું જેને કહું,
કોઇ કેડી પણ નથી કે ત્યાં વળું,
લાખ ચિંતામાં છું હું કોને મળું?
સૌ કહે છે આપ મોંઘા થઇ ગયા!
——————————————————
બરકત વીરાણી ‘બેફામ’

’બેફામ’તો યે કેટલું થાકી જવું પડ્યું
નહીંતર જીવનનો રાહ છે,ઘરથી કબર સુધી.
————
તઝમીન
આખા જીવનનો થાક છે માની જવું પડ્યું,
સંબંધ કંઇક તૂટતા તૂટી જવું પડ્યું,
બે ચાર શબ્દો બોલતા હાંફી જવું પડ્યું,
’બેફામ’તો યે કેટલું થાકી જવું પડ્યું
નહીંતર જીવનનો રાહ છે,ઘરથી કબર સુધી.
———————————————————

નીચે બે શેર આપ્યા છે.

જનાબ ‘રાઝ’ નવસારવી

રણમાં રૂદન સમાન દશા જિંદગીની છે.
ને મોત અટ્ટહાસ્ય કરે છે શહેરમાં.
—–
જનાબ અમૃત ‘ઘાયલ’

ગુસ્સે થયા જો લોક તો પથ્થર સુધી ગયા,
પણ દોસ્તોના હાથ તો ખંજર સુધી ગયા.

 _____________________________________________

હવે આ ચાર શેરમાંથી કોઇ એક, બે, ત્રણ કે ચારે ચાર (!) શેર પર ‘તઝમીન’ બનાવવા આપ સૌને ઇજન છે.

સંકલિત: ‘નામ- ઉપનામ એક સાથે’ ડિસેમ્બર 14, 2006

Posted by સુરેશ in ગઝલો, રુબાઇ.
5 comments

              6 ઠ્ઠી ડીસેમ્બરે આપણે ગુજરાતી સાહિત્યમાં   ‘નામ-  ઉપનામ એક સાથે’   હોય તેવા સર્જનોની  શોધ ખુલ્લી મૂકી હતી. આ ઘણા જ મુશ્કેલ કામને બહુ સારો પ્રતિસાદ મળ્યો છે, અને તે માટે ભાગ લેનાર સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર.
            એક તો કવિતામાં ઉપનામ કે તખલ્લુસ વાપરીને લખતા કવિઓ ઓછા, અને ઉપનામ વાપર્યા પછી નામની શી જરૂર એમ માનનારા વધારે. આથી જ આ શોધ ઘણી કઠણ હતી. નીચે આવી રચનાઓ સંકલિત કરી છે. ઘણામાં નામ નહીં લખવાનો ભાવ પણ કવિઓએ પ્રદર્શિત કર્યો છે. (વધુ…)

ત્રણ શબ્દો: લય, સ્તર/સ્તરો અથવા લયસ્તરો ડિસેમ્બર 12, 2006

Posted by ઊર્મિ in સર્જનક્રિયા.
7 comments

મિત્રો, હમણાં જ ચોથી ડિસેમ્બરે લયસ્તરોને બે વર્ષ પૂરાં થયા… લયસ્તરોને ખુબ ખુબ અભિનંદન!  મારા માનવા પ્રમાણે, આપણા આ ગુજરાતી બ્લોગ જગતમાં લયસ્તરોનું સ્થાન ખરેખર અનોખું છે.

વળી, બે વર્ષનાં બાળકને આપણે કોઇને કોઇ ભેટ તો આપવી જ પડે ને?!!!  તો લયસ્તરોને ભેટરૂપે આજનાં વિષયના આ ત્રણ શબ્દો: લય, સ્તર/સ્તરો અથવા લયસ્તરો !! 

તો આ બે શબ્દો (લય અને સ્તર/સ્તરો) અથવા એક શબ્દનો (લયસ્તરો) ઉપયોગ કરી તમે કોઇ પણ રચનાઓ બનાવી શકો છો… શેર, મુક્તક, હાઇકુ, મુક્તપંચિકા, કાવ્ય/ગઝલ, કે કંઇ પણ…

અહીં પ્રસ્તુત છે લયસ્તરોને બીજા જન્મદિવસ પર શુભેચ્છારૂપે પાઠવેલી મારી એક મુક્તપંચિકા…

અભિનંદન,
ઓ બે વર્ષનાં
બાળક! નામ એવા
જ ગુણ તારા
છે, લયસ્તરો!

તો ચાલો, આપ સૌ પણ લખવા માટે તૈયાર છો ને?!!

નામ – ઉપનામ એક સાથે !! ડિસેમ્બર 6, 2006

Posted by સુરેશ in મુક્તકો.
8 comments

“જીવનનું પૂછતા હો તો જીવન છે ઝેર ‘ઘાયલ’  નું
    છતાં હિમ્મત જુઓ કે નામ ‘અમૃતલાલ’ રાખે છે. “

અહીં આદરણીય કવિએ પોતાનું નામ અને ઉપનામ એક જ શેરમાં સાથે આપ્યું છે.

આજે એક નવી શોધ સૌની સામે ખુલ્લી મુકું છું.

જાણીતા શાયરોના આવા શેર આપણે શોધીશું, જેમાં આ રીતે તેમણે પોતાની ઓળખ આપી હોય.