લાગણીનો સંબંધ જૂન 29, 2007
Posted by ઊર્મિ in સર્જનક્રિયા.7 comments
આપણે ત્યાં ભલેને એવું કહેવાતું હોય કે પારકા એ પારકા, પરંતુ લાગણીનો સંબંધ એ લોહીનાં સંબંધ કરતાં પણ વધુ ઘેરો હોય છે એવું મારું માનવું છે. જો કે આમ તો એ બંને સંબંધોની એકબીજા સાથે કોઈ તુલના થઈ શકે જ નહીં… બંનેના રૂપ અલગ છે, સૂર અને તાલ પણ અલગ છે. તમને થશે કે આ સંબંધમાં પણ સૂર અને તાલ? હા, સૂર અને તાલ દરેક સંબંધમાં અને એની અભિવ્યક્તિમાં મોજૂદ હોય જ છે. અને તો યે આપણે લોહીનાં સંબંધ વગર તો કદાચ જીવી શકીએ, પરંતુ લાગણીનાં સંબંધની જો આપણા જીવનમાંથી બાદબાકી કરવામાં આવે તો પછી જીવનમાં જીવવા જેવું જ શું રહે? જીવન તો જાણે યંત્રવત બનીને જ રહી જાય ને?! કોઇ પણ માટે લાગણીનાં સંબંધ વગર જીવવું તો શક્ય જ નથી. તમારું શું માનવું છે?
આમ તો સૌથી મોટો લાગણીનો સંબંધ એટલે કે પ્રેમનો સંબંધ! પરંતુ અહીં માત્ર એક સ્ત્રી અને એક પુરુષનાં લાગણીનાં પ્રેમસંબંધની વાત નથી… એ સંબંધ તો હોઇ શકે છે બે મિત્રો વચ્ચેની લાગણીનો સંબંધ, અથવા તો કોઇ પડોશીનાં નાનકડા બાળક સાથે બંધાઇ ગયેલો લાગણીનો સંબંધ, અથવા તો કોઇને ધર્મનાં માતા-પિતા કે ધર્મનાં ભાઇ-બહેન તરીકે થયેલી લાગણીનો સંબંધ… લાગણીનાં સંબંધનું કોઇ પણ રૂપ અને રંગ હોઇ શકે! પરંતુ એ પણ એટલું સાચું છે કે આ સંબંધ જેટલો ઘેરો હોય છે એટલું જ ઘેરું હોય છે એના તરડાવા કે તૂટવાનું દર્દ પણ!
લાગણીનાં સંબંધ વિશે રીડગુજરાતી પર આ બે લેખો ખાસ વાંચવા જેવાં છે…
પોતાનાં-પારકાં -જયવદન પટેલ અને બે શબ્દોનો સંબંધ – ગિરીશ ગણાત્રા
મિત્રો, તમારે માટે લાગણીનો સંબંધ એટલે શું, એ જરા બતાવશો? હા, અહીં કાવ્યરૂપે જ તો…!! અને કાંઇ યાદ ન આવે તો આપણી ગુજરાતી ભાષા સાથે પણ આપણો લાગણીનો જ સંબંધ છે ને?! અથવા તો આ ‘સહિયારું સર્જન’ સાથેનો તમારી લાગણીનો બંધાયેલો સંબંધ… 🙂
લાગણીનાં સંબંધ વિશે મિત્ર રાજીવની એક રચના જોઈએ…
લાગણીનાં સંબંધ વિશેની ઘણી રચનાઓ આપણે ઘણીવાર બ્લોગ-જગતમાં માણી છે… પરંતુ મને અત્યારે યાદ નથી આવતી. એટલે શોધવા કરતાં ચાલોને લખવાનું જ શરૂ કરીએ… 🙂
અને મિત્રો, ભૂલશો નહીં… આપણે લાગણી વિશે નહીં (હા, એ વિષય પણ કો’કવાર આપીશું!) પણ લાગણીનાં સંબંધ વિશે લખવાનું છે હોં!!
* * *
વ્હાલા ‘વરસાદ’ને કવિતામાં ઢાળીયે… જૂન 22, 2007
Posted by ઊર્મિ in સર્જનક્રિયા.20 comments
બે દિવસ પહેલાંજ એક ટહુકો સંભળાયો ત્યારે જ મને ય ખબર પડી કે ગ્રીષ્માનાં ત્રાસમાંથી સૌને છોડાવવા માટે દેશમાં ક્યાંક ક્યાંક હવે મેહુલીયો મહેરબાન થવા માંડ્યો છે… આમ તો આજ સુધી વરસાદ પર, વરસાદના ઉન્માદ પર, અને વરસાદમાં યાદ આવતા વ્હાલમ પર કેટલાય ગીતો, ગઝલો લખાયા છે, અને લખાતા રહેશે… વરસાદની મૌસમ છે જ એવી, કે કવિતા લખવાનું મન થઇ જાય. ભલે એ ઝીણો ઝરમર વરસાદ હોય, કે પછી સાંબેલાધાર… (આ મુશળધાર વરસાદમાં સાંબેલું ક્યાંથી આવ્યું? તમને ખબર હોય તો કહેજો હોં જરા !! 🙂 )
આપણા એક બ્લોગરમિત્ર પ્રતિક નાયકે તો મુંબઈમાં મેહુલીયાને કેમેરામાં કેદ કરી લીધો (પણ આપણને બતાવ્યો નથી!)… જો કે, સાથે સાથે એને ય ઘણી યાદો ઘેરી વળી… પણ પ્રિયતમાની નહીં હોં! સુરતનાં ભજીયા, ચા, અને સુરતી લોચાની…! 🙂
જગજીતસિંગની ઘણીજ પ્રખ્યાત પેલી ગઝલ તો બધાએ સાંભળી જ હશે… वो कागझकी कश्ती, वो बारिश का पानी… નાનપણના એ વરસાદની, અને એ કાગળની હોડીની યાદો તો કાયમ માનસપટ પર એ હોડીની જેમ જ હંમેશા તરતી રહેવાની જ…
તો યુવાનીના વરસાદ સાથે કોણ જાણે કેમ, પણ વ્હાલપને સીધો સંબંધ છે…
મને ભીંજવે તું તને વરસાદ ભીંજવે
ભગવતીકુમાર શર્મા તો કહે છે કે – પ્રિયતમા નહીં તો વરસાદ જ નહીં..
એમની જ બીજી એક રચનામાં પ્રિયતમ અને વરસાદનો નાતો કંઇક જુદી રીતે દર્શાવ્યો છે.
અઢી અક્ષરનું ચોમાસું, ને બે અક્ષરના અમે;
ખોટ પડી અડધા અક્ષરની, પૂરી કરજો.. તમે!
ન્હાનાલાલ કવિનાં આ બે ગીતો સાંભળીને તો આપણાથી પણ ઝરમર ઝરમર વરસી જ જવાય છે…
ઝરમર ઝરમર મેહુલો વરસે આછે નીર :
ઊને આંસુ નયનો ભીંજે,
એવાં એવાં ભીંજે મારા ચીર
અને
ઝીણા ઝરમર વરસે મેહ,
ભીંજે મારી ચૂંદલડી :
એવો નીતરે કૌમારનો નેહ,
ભીંજે મારી ચૂંદલડી.
આ સાથે ગુજરાતીના પાઠ્યપુસ્તકમાં ભણેલી એક કવિતા યાદ આવે છે…
આભમાં ઝીણી ઝબૂકે વીજળી રે,
કે ઝીણા ઝરમર વરસે મેહ, ગુલાબી…
નહીં જાવાનું વેરણ ચાકરી રે. !!
તો ચાલો મિત્રો, તૈયાર છોને?! આજે આપણે આ વરસાદને સંઘરવા માટે આપણા શબ્દોનો વરસાદ વરસાવીને આ ‘સહિયારું સર્જન’નાં નેવાણાંમાં મુકેલી કવિતાની ડોલમાં ભરીયે… (સીધેસીધું કહું? વરસાદની કવિતા લખીએ! 🙂 )
* * *
પિતા, પપ્પા, જનક, તાત, બાપુ, … બાપ રે!!! જૂન 15, 2007
Posted by ઊર્મિ in સર્જનક્રિયા.5 comments
રવિવારે ફાધર્સ ડે છે, જેની સૌ મિત્રોને આગળથી જ પિતૃદિનની ખૂબ ખૂબ શુભકામનાઓ! માતૃદિન વખતે આપણે આપણી મમ્મીને યાદ કર્યા, તો પછી પિતૃદિન પર પિતાને ભૂલી જઇએ તો થોડું ચાલે, બરાબરને? આજે આપણે પિતા વિશેની જ કાવ્યરચનાઓ લખીએ…
એમ તો માતા-પુત્રનો અને પિતા-પુત્રીનો પ્રેમ થોડો વધારે સ્પેશ્યલ હોય છે… રામાયણકાળમાં જનકરાજા જેવા પિતા કે ખુદ વેદો પણ જેના ચરણોમાં આળોટે એવા વિદ્વાન હતા, અને એ જ્યારે પુત્રી સીતાને લગ્ન પછી વિદાય આપે છે ત્યારે પુત્રીનાં પ્રેમમાં એ વિદ્વાન પિતા એ પણ ભુલી જાય છે કે પોતે કોણ છે… અને એક થાંભલો પકડીને નાના બાળકની જેમ કલ્પાંત કરે છે! (પૂ. શ્રીમોરારીબાપુની કથામાં આ પ્રસંગ સાંભળવો એ પણ લ્હાવો છે!) આપણે દીકરી વિષય પર આગળ પિતા-પુત્રીના પ્રેમની વાત કરી હતી… ‘દીકરી વ્હાલનો દરિયો’ જેવું જ બીજું એક પુસ્તક છે… ‘થેંક યૂ પાપા’ ! એ પુસ્તકમાંથી પ્રાર્થના જહાનો એમના પિતા ભાગ્યેશ જહાં વિશે લખેલો એક લેખ વાંચો રીડગુજરાતી પર… સંસ્કૃતથી સંસ્કૃતિ સુધીના માણસ… મારા પપ્પા! જો કે, પિતા-પુત્રનાં સંબંધો પણ એટલાં જ દિવ્ય હોય શકે છે… અને ક્યાંક ક્યાંક એ પણ જોવા મળે જ છે!
તો ચાલો, આપણે પણ પિતા વિશેની આપણી ભાવનાને કાવ્યાત્મક બનાવીએ…
આપણા મિત્ર હિમાંશુ ભટ્ટની ફાધર્સ ડે પર પોતાના દીકરાને લખેલી કવિતા ખુબ જ સરસ છે…
બેટા,
ક્યારેક મને થાય છે,
કે બધું છોડીને ચોવીસે કલાક
તારી પાસે જ રહું
તું મને જોઈને ‘ડેડી, ડેડી’ કરજે
અને પછી મને બીજા કોઇ પણ titles ની
આકાંક્ષા નહીં રહે… આખી કવિતા અહીં વાંચો!
આ તો થઇ એક પિતાએ પુત્રને લખેલી કવિતા… પણ મિત્રો, આપણે તો આપણા પપ્પા – આપણા પિતા વિશેની કવિતા લખવાની છે હોં!
આજે મને બીજી કોઇ કવિતા પિતા વિશે મળી નહીં…. તમે શોધવામાં મદદ તો કરશો જ ને?!!
ચાલો મિત્રો, હાથમાં જલ્દી કાગળ ને પેન લો… અથવા કોમપ્યુટરનાં કી-બોર્ડ પર હાથ ચલાવવા માંડો.. નહીંતર હું મારા પપ્પાને કહી દઇશ હોં!! 😀
* * *
સૂર્ય, સુરજ જૂન 8, 2007
Posted by સુરેશ in સર્જનક્રિયા.10 comments
આપણે ચન્દ્ર અને ધરતી શબ્દો વાપરી રચનાઓ બનાવી અને માણી.
હવે આ બન્નેના જનક સૂરજદાદાને ભૂલી જઇએ તે કેમ ચાલે?
પૃથ્વી પરની સમગ્ર જીવસૃષ્ટિ અને પર્યાવરણના એ તો ચાલક છે.
કવિશ્રી. પૂજાલાલ કહે છે –
” સૂરજદેવે આંખ ઉઘાડી, હિંગળોકશી ઉગતે પ્હોર.
બીવડાવીને રાત ભગાડી, મૂકી કાજળકાળી ઘોર. ”
અને રાજવી કવિ કલાપી …
અને કિશોરસિંહ સોલંકીનું તાન્કા વાંચો –
વસંત આવી
ઝાંખરને ડાળે ! ત્યાં
સુક્કા પરણે
ઓસબિંદુમાં સૂર્ય
બેઠો સેવે રણને.
અને આપણા લાડીલા શ્રી. અવીનાશ વ્યાસ ને સાંભળો –
માડી તારુ કંકુ ખર્યું ને સુરજ ઊગ્યો
જગ માથે જાણે પ્રભુતાએ પગ મૂક્યો.
અને મનોજ મુની કહે છે –
હવે જુઓ આપણા બ્લોગર ભાઇઓ શું કહે છે –
સુરજ થવાને મથતું એક રજકણ છે મારી અંદર
ખુદથીય અજાણ્યું એવું એક જણ છે મારી અંદર – પ્રણવ ત્રિવેદી
પ્રાત:કાળે આવશે ઉગતો સુરજ
દિલ મહીઁ કિરણોના બીબાં ઢાળીયે. – મહમ્મદઅલી ભેડુ ‘વફા’
આ સમયની ગીચતા, ઇંતજારીમાં ભળે
તો સમયનો સૂર્ય પણ ખૂબ મોડેથી ઢળે – નીરજ મહેતા
તું ઝગમગાટ રોશની, ઘોર તમસમાં ય તું,
તું તાપ સૂર્ય નું ધોમધખ ,શીતળ ચાંદની ય તું. – ચેતન ફ્રેમવાલા
ચાલો મિત્રો , આ અઠવાડીયે આપણે સુર્યદેવનું આહ્વાન કરીએ – રચનાઓ બનાવીએ
સુરજ, સૂર્ય, રવિ, ભાનુ ….. શબ્દો વાપરીને.
અને બનાવતાં ન ફાવે તો ….. ફરીથી નવી …… ખજાના શોધ ……
દીકરી જૂન 1, 2007
Posted by ઊર્મિ in સર્જનક્રિયા.17 comments
આજે કાવ્યસર્જન માટે કયો વિષય મુકવો એ મને સવારથી સુઝતું જ ન્હોતું… એટલામાં એક ઈમેલનાં જવાબમાં જુગલકાકાની એક સ્નેહભરી ઈમેલ મારી મદદે આવી પહોંચી… જુગલકાકાની આ પ્રેમાળ પંક્તિ મારા હૃદયને ખૂબ જ સ્પર્શી ગઈ… (આભાર જુકાકા!)
દીકરીની લાગણી જરી ના ચોળાય–
દીકરી તો આંખની પાંપણ કહેવાય !!
અને પછી મને થયું કે વાહ, આ તો મને કેવો સરસ વિષય મળી ગયો આજના કવિતાસર્જન માટેનો…!! આપણે ત્યાં દીકરીને તો કાયમ પારકી થાપણ જ માનવામાં આવી છે… છતાં મારી નિજ અનૂભુતિથી કહું તો દીકરી (જેને હોય એને માટે) જેટલું પોતાનું અને અંગત (ખાસ કરીને પિતા માટે તો) કદાચ બીજું કોઇ નહીં હોય… દીકરો પણ નહીં!!
ચાલો, આપણે સૌ પણ જુગલકાકાની જેમ દીકરી વિશે કાવ્યાત્મક અનૂભુતિઓ લખીએ…
હા, એ પહેલાં થોડી દીકરી વિશેની રચનાઓ જોઈએ… અને તમને બીજી બીજા કવિઓની દીકરી વિશેની રચનાઓની જાણ હોય તો અહીં જણાવી શકો છો!
પૂજ્ય સંત શ્રી મોરારીબાપુ કહે છે કે દીકરી દેવો ભવ! (રીડગુજરાતી પર આ લેખ ખાસ વાંચવા જેવો છે!)
કવિ મકરંદ દવે કહે છે કે…
વિધાતાએ દીકરી ઘડીને, ત્યારે ખૂબ ખાંતે
કસબી હાથેથી એણે કરી કમાલ!
કવિ ઉદયન ઠક્કર દીકરી વિશેની એમની ત્રિપદીની એક રચનામાં આમ કહે છે…
દીકરીએ પ્હેરતાં પ્હેરી લીધાં
મારાં ચંપલ, માપ ખોટું નીકળ્યું
એનું પગલું, સ્હેજ મોટું નીકળ્યું
આપણા નીલમબેન દોશીએ તો દીકરી વિશેની એમની અનૂભુતિમાંથી આખું ભાવવિશ્વ રચી નાંખ્યું!! તમે જો વાંચ્યુ ના હોય તો જરૂર વાંચજો… અને એમનાં ભાવવિશ્વની દરેક ગલીમાંથી પસાર થતાં જો તમે ભીંજાયા વિનાના રહો તો જ નવાઈ લાગશે!!
અને ‘દીકરી વ્હાલનો દરિયો’ પુસ્તક તો ખાસ વાંચવા જેવું છે!
તો ચાલો મિત્રો… લખવા માંડીએ આપણે દીકરી વિશે…!!
હું ચાલું કરું?? દીકરી એટલે દીકરી એટલે… બસ દીકરી !!! 🙂
(હા, હું પણ તમારી સાથે જ છું… એટલે આનાથી વધુ પ્રયત્ન જરૂર કરીશ!)
* * *