jump to navigation

‘ગઝલ’ વિશે ગઝલ લખીએ… માર્ચ 26, 2008

Posted by ઊર્મિ in સર્જનક્રિયા.
40 comments

મિત્રો, આજે આપણે ‘ગઝલ’ વિશેની ગઝલોની વાતો કરીએ… અને ‘ગઝલ’ વિષય પર ગઝલ લખવાની કોશિશ પણ કરીએ.

ગઝલ વિશેની ગઝલની વાત કરીએ એટલે સૌપ્રથમ તો આદિલભાઈની આ ગઝલ તરત જ આપણા દિલોદિમાગ પર સવાર થઈ જાય છે…

જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે,
ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે.

આખી ગઝલ અહીં વાંચો…

જેને ગીતો લખવા વધુ પસંદ છે એવા મુકેશ જોષી પણ ગઝલ વિશે લખે છે કે…

આ બધાયે લોક માટે ગીત હું લખતો રહ્યો
ફક્ત એના કાન માંહે સૂરવા આપી ગઝલ

આખી ગઝલ અહીં વાંચો… 

ગઝલ વિશેનો અંકિત ત્રિવેદીનો પણ એક શેર છે, કે…

આ ગઝલ છે, એની રીતે બોલશે,
કોઈ સાધો, કોઈ આરાધો નહીં.
મિત્ર વિવેકની ગઝલ વિશેની ગઝલ જોઈએ…

મેં શ્વાસ તારા નામનો ઊંડો લીધો જરા,
લોહીના પાને-પાને ત્યાં તો ઊભરી ગઝલ.

આખી ગઝલ અહીં વાંચો…

અને ગઝલ વિશેની ગઝલ લખવાની મારી પણ એક કોશિશ… એક કવિમિત્રએ મને કહ્યું હતું કે ગઝલ વિશેની ગઝલ લખવી એ ખૂબ જ અઘરી બાબત છે… અને એટલી બધી સફળ તો નહીંૢ છતાંયે મેં પણ કોશિશ તો કરી જ છે… ‘ગઝલ’ વિશેની ગઝલ લખવાની !! 

આ ફરી શું યાદ આવ્યું કે ફરી ફૂટી ગઝલ?
કે પછી કુંપળ વિરહની થઈ ફરી મ્હોરી ગઝલ?!

આખી ગઝલ અહીં વાંચો…

મિત્રો, ‘ગઝલ’ વિશેની ગઝલ છે એટલે છંદમાં હોય તો વધુ સારું… એમ પણ જે છંદમાં હોય એને જ તો ગઝલ કહેવાય ને…! નહીંતર તો એને માત્ર કવિતા જ કહેવાય…!  જો તમને છંદ ન આવડતો હોય તો વાંધો નહીં પરંતુ કમ સે કમ કાફિયા અને રદીફ જાળવી રાખવા વિનંતી… બની શકે તો ‘ગઝલ’ રદીફ રાખી, તમે કોઈ પણ કાફિયાની ગઝલ લખી શકો છો.

તો ચાલો મિત્રો…. તૈયાર છો ને, ગઝલ લખવા માટે ??

સંકલિતઃ ‘વિવેક’ માર્ચ 16, 2008

Posted by ઊર્મિ in સંકલિત.
6 comments

ગયા વર્ષે મિત્ર વિવેકનાં જન્મદિવસ નિમિત્તે લખાયેલી મિત્રોની કાવ્યાત્મક શુભેચ્છાઓ… આ વર્ષના જન્મદિવસની શુભેચ્છાઓ સાથે…

vivek.jpg

આ વિષય ઉપર હજી પણ બીજા મિત્રોએ રચના લખવી હોય તો નીચે કોમેંટમાં લખી શકે છે!

સર્જનક્રિયાની આગળની પોસ્ટ:  ‘વિવેક’

(વધુ…)

તમે કોઇના પ્રેમમાં પડ્યા છો? તો પ્રેમમાં પડવું કેવું લાગ્યું? ફેબ્રુવારી 14, 2008

Posted by ઊર્મિ in સર્જનક્રિયા.
47 comments

મિત્રો, ફરીથી પ્રેમનાં આ દિવસ માટે મારી હાર્દિક શુભકામનાઓ…

પ્રેમ… માત્ર અઢી અક્ષરનો જ આ શબ્દ છે… પરંતુ એને સાંભળતા જ આપણને જાણે ગલગલિયા થવા માંડે છે…  અને આપણા મન-હૃદયની બેકઅપ રીલ્સમાંથી કોઈ એક ખાસ ચહેરો એની મેળે જ રીટ્રીવ થઈને આપણી નજર સમક્ષ તરવરી ઉઠે છે.  પ્રેમ વિશે જગતમાં લાખો-કરોડો પુસ્તકો અને કવિતાઓ લખાયા હોવા છતાં આજે પણ લેખકોનો અને કવિઓનો કદાચ સૌથી પ્રિય વિષય પ્રેમ જ છે.  ‘સંદેશ’નાં આજના જ એક લેખમાં મેં હમણાં જ વાંચ્યું કે રસાયણ વિજ્ઞાનની દૃષ્ટિએ “પ્રેમ જાગતાં જ શરીરમાં ચોક્કસ રાસાયણિક ફેરફારો થવા લાગે છે. તે ફેરફારોથી તનમનમાં જે ઝણઝણાટીનો કે વીજળી વહેતી હોય જેવો અનુભવ થાય છે તે એટલો બધો અજબ અને સમજાવી ન શકાય તેવો હોય છે કે બીજા વધારે યોગ્ય શબ્દ ન મળવાથી આપણે તેને ‘પ્રેમ’ નામ આપ્યું છે.”  આખો રસપ્રદ લેખ વાંચવા જેવો છે હોં! ચાલો, હવે વધુ વાતો કરી કરીને તમને બોર કરવાનું બંધ કરું અને સીધી આજનાં વિષય ઉપર જ આવું છું… 🙂  કારણ કે પ્રેમ વિશે આમ પણ શ્રી સુરેશ દલાલ કહે છે કે,

રાત દિવસનો રસ્તો વાલમ ખૂટે નહિ તો કેમ?
તમે પ્રેમની વાતો કરજો, અમે કરીશું પ્રેમ…

પ્રેમનાં આજનાં આ ખાસ દિવસ નિમિત્તે મને થયું કે ચાલો આજે હું તમને બધાને જરા પૂછી લઉં કે તમે કદી કોઇના પ્રેમમાં પડ્યા છો ખરા? અને જો પડ્યા હોવ તો પ્રેમમાં તમને કેવું કેવું લાગ્યું? શું શું અનુભવ થયો? ………… હમ્મ્મ્મ… બોલતી બંધ થઈ ગઈ ને તમારી?!  🙂  ખરેખર, પ્રેમની અનુભૂતિનો વિષય જ કંઈક એવો છે કે એનાં પર જો લખવું હોય (અને પ્રેમનું ચાલે તો જ) તો આખેઆખું પ્રેમપુરાણ પણ લખાઈ શકે, નહીંતર તો ઘણીવાર બસ મૌન જ થઈ જવું પડે…  અને તમારે મને જવાબમાં નિબંધ લખીને નથી આપવાનો હોં, પરંતુ કવિતા લખીને આપવાની છે!  તમને યાદ તો હશે જ કે ગયા વર્ષે વેલેંટાઇંસ ડે ઉપર આપણે તમારે માટે પ્રેમ એટલે શું? વિષય પર ઘણા કાવ્યો લખ્યા હતા… અને એ બધા કાવ્યો પ્રેમની સુંદર સુંદર વ્યાખ્યારૂપે હતા… પણ આ વખતે તમારે મારા આ સવાલનાં જવાબરૂપે જ કવિતા લખવાની છે:  “તમે કોઇના પ્રેમમાં પડ્યા છો? તો પ્રેમમાં પડવું કેવું લાગ્યું? “  એ જરૂર યાદ રાખીએ કે અહીં આપણે ‘પડવાની’ એટલે કે નીચા ઉતરવાની વાત નથી કરતાં, પરંતુ આપણી બોલચાલની ભાષા પ્રમાણે પ્રેમમાં પડવાની વાત કરીએ છીએ… નહીંતર આ ‘પ્રેમમાં પડવા’ વિશે તો કવિવર શ્રી રવીન્દ્રનાથ ટાગોર પણ ટકોર કરે છે કે  પ્રેમ કદી પાડે નહીં, પ્રેમ તો ઉન્નત બનાવે !

મિત્રો, આજે આપણે પ્રેમની વ્યાખ્યા વિશે નહીં પરંતુ આપણે કોઈને કરેલા પ્રેમનાં અનુભવ વિશે લખવાનું છે… ખાસ તો એ કે, પ્રેમમાં પડ્યા પછી તમને કેવું લાગ્યું?  શું પાનખરમાં જ વસંત આવી ગઈ હોય એવું લાગ્યું ખરું?  તમારી દુનિયા જ ઉલટી-પુલટી થઈ ગઈ હોય એમ લાગ્યું? કે પછી બાકીની આખી દુનિયા?  24 કલાકનો દિવસ થઈ ગયો હોય એવું લાગ્યું (નિંદર ન આવવી) કે પછી 24 કલાકની રાત (આખો વખત સ્વપ્નમાં)?  કોઈ જેનો ઉપચાર ન કરી શકે એવો કોઈ રોગ ભરાઈ ગયો હોય એવું લાગ્યું કે પછી કોઈ રોગનો તમને ઉપચાર મળી ગયો હોય એમ લાગ્યું?  તમારા પગ નીચેથી ધરતી સરકી ગયાનો અનુભવ થયો કે હવામાં ચાલી કે ઉડી શકવાનો?  કંઇક અણમોલ મળી જવા જેવો અનુભવ થયો કે પછી ખુદ ખોવાઈ જવાનો?  હા, તમને આ બધા કરતાં કોઈ જુદો જ અનુભવ થયો હોય એવું પણ બની શકે…  મારું તો માનવું છે કે પ્રેમમાં ક્યાં કદી કોઈ પડતું હોય છે?!… એ તો બસ, પડી જવાય છે… અને એકવાર જો પડી ગયા તો પછી મન-બુદ્ધિને બાજુએ મૂકી માત્ર વહેવાનું જ હોય છે અને એ પણ તરવાનો પ્રયત્ન કર્યા વગર…! 

પ્રેમમાં પડવાનાં અનુભવ વિશેની કવિતાનાં આપણે થોડા ઉદાહરણો જોઈએ…

પ્રેમમાં પડવાની વાત આવે એટલે મને આ બે ગીતો વગર વિચાર્યે જ યાદ આવી જાય… તુષારભાઈ તો કહે છે કે પ્રેમમાં પડવાની આપણને ખબર પણ ક્યાં પડતી હોય છે!

ના તને ખબર પડી, ના મને ખબર પડી,
કે હું પ્રેમમાં પડ્યો કે તું પ્રેમમાં પડી;
કારણમાં આમ કઇ નહીં, બે આંખ બસ લડી,
ને હું પ્રેમમાં પડ્યો કે તું પ્રેમમાં પડી.
ના તને ખબર પડી -તુષાર શુક્લ  (સાંભળો)

અને ત્યારે મુકેશભાઈ આપણને ‘પ્રેમ થઈ ગયો છે’ ના ભ્રમથી સાવધ રહેવાનું પણ સૂચવે છે… કહે છે કે સંભાળજો મિત્રો, તમને જે પ્રેમ લાગતો હોય, ખરેખર એ તમારો માત્ર વ્હેમ તો નથી ને ?? 

હું પડ્યો છું પ્રેમમાં કે તું પડી છે પ્રેમમાં,
કે પછી એવું નથી બંને છીએ કોઇ વ્હેમમાં…
તમે કોઇ દિવસ પ્રેમમાં પડ્યા છો ? – મુકેશ જોષી

અખિલ શાહની  કવિતા ‘લયસ્તરો’ પણ મૂકતી વખતે ધવલભાઈએ લખ્યું હતું કે “પ્રેમ કરવો અને પ્રેમ-કવિતાઓ લખવી એ અલગ બાબત છે.”  અને સાથે સાથે કોમેંટમાં પંચમભાઈએ પણ એ વિશે ખૂબ સુંદર વાતો લખી હતી જે વાંચવા લાયક છે.  એ કવિતામાં કવિ પહેલાં એમને શું શું થયું એમ કહે છે, પછી અંતમાં જણાવે છે કે આ બધું થયું એનું કારણ એ છે કે મને

“…

બીજું કાંઈ થયું
નથી,
મને પ્રેમ થયો છે.”
પ્રેમ અને કવિતા – અખિલ શાહ

અને આ પ્રસંગે પ્રેમની પરિભાષા જેવાં પેલા હરણ-હરણીને તો કેમ ભૂલાય?   
લગે પ્રીત કે બાણ -સંકલિત

રીડગુજરાતી પર મેં એક રસપ્રદ લેખ પણ વાંચ્યો હતો, જે તમને પણ જરૂર ગમશે…
તમે કોઈને પ્રેમ કર્યો છે ? – જયવદન પટેલ

હમણાં જ મિત્ર વિવેકે પ્રથમ પ્રેમને અનુભવતી એક નારીની સૂક્ષ્મ સંવેદનાનું ખૂબ જ સુંદર શબ્દ-ચિત્ર દોર્યુ છે… મેળામાં ઉભેલી વિવેકનાં ગીતની નાયિકા પ્રથમ દૃષ્ટિનાં પ્રેમને અનુભવતા કહે છે કે-

ખૂંટે ખોડાઈ ઊભી ઠેરની ઠેર હું,
                                  ભીતર તો થઈ ગ્યું ચકડોળ;
ધ્રમ્મ-ધ્રમ્મ ચહુ ઓર લોહીમાં ઢબુકે
                                       ‘વાંહે આવ્યો તું’નો ઢોલ.
નજર્યુંની વાગી ગઈ ફાંસ…

આમ તો મેં પણ ગયા મહિને જ ગઝલરૂપે એક પ્રેમપત્ર લખ્યો હતો, પરંતુ કદાચ એમાં પ્રેમમાં પડવાનાં અનુભવની વાત ન્હોતી… અને પ્રેમમાં પડેલી સખીનાં એકરાર વિશેની ‘હું છલકાઈ ગઈ‘ ગઝલ પણ લખી હતી, પરંતુ છતાંયે હજી મને લાગે છે કે મારે જે વાત કહેવાની હતી એ તો રહી જ ગઈ! (પ્રેમની બાબતમાં પણ શું આવું જ નથી હોતું?!)  મતલબ કે મિત્રો, હું પણ આ વખતે તમારી સાથે જ છું હોં… તમારી સાથે જ પ્રેમમાં પડવાનાં અનુભવને લખવાનો પ્રયત્ન કરીશ (વળી, દરેકની જેમ આ તો મારો પણ પ્રિય વિષય છે) !

તો મિત્રો, ચાલો ઘણા વખતે ફરી કલમ ઉઠાવીએ… આઈમીન કી-બોર્ડ પણ આંગળીઓ મૂકીએ (પરંતુ હા, એ પહેલાં થોડું મગજને… આઈમીન હૃદયને પણ દોડાવીએ હોં) અને શરૂ કરી દઈએ પ્રેમનાં અનોખા અનુભવની મોઘમ વાતોને કાવ્યમાં વર્ણવવાનું… છાંદસ-અછાંદસ કોઈ પણ રચનાઓ… તો તમે બધા લખવાનું શરૂ કરો છો ને?!!

ગુજરાતી પદ્યનું સહિયારું સર્જન પુન: શરૂ… ફેબ્રુવારી 14, 2008

Posted by ઊર્મિ in પ્રકીર્ણ.
12 comments

વ્હાલા મિત્રો,  આજનાં આ વ્હાલના દિવસે આપ સૌને મારા વ્હાલથી વ્હાલ-મુબારક… એટલે કે Happy Valentines Day!! 🙂

ઘણા વખતથી સમયનાં અભાવે સ્થગિત થઈ ગયેલા આપણા આ ‘સહિયારું સર્જન – પદ્ય’ બ્લોગને હું ફરીથી આજથી શરૂ કરું છું… એ પણ આજના જ આ પ્રેમનાં દિવસે… વળી, ભૂતકાળમાં કાયમ મળતો રહેલો આપ સૌનો સાથ અને સહયોગ ભવિષ્યમાં પણ હંમેશા મને અવિરત મળતો રહેશે એવી અંતરમાં અપેક્ષા પણ છે જ.

પહેલાં હું દર શુક્રવારે અહીં એક વિષય આપતી હતી, પરંતુ હાલમાં આવર્તન ઘટાડીને મહિનામાં એક વખત વિષય આપવાનું નક્કી કર્યું છે… પરંતુ આપ સૌ મિત્રોનો જો અવિરત સાથ મળતો રહેશે તો ભવિષ્યમાં કદાચ મહિનામાં બે નવા વિષયો આપવાનું પણ વિચારી શકાય… જોકે, ત્યારની વાત ત્યારે… પરંતુ અત્યારે તો, આજથી જ અહીં મળતા રહીશું… મહિનામાં એકવાર… લગભગ મધ્ય-માસે… એક નવા જ વિષયની સાથે…

આટલા વખતનાં વણકહ્યા વિરામ બદલ તમે મને માફ કરશો ને મિત્રો?!!

તો ચાલો, આજે એક નવા અને પ્રેમનાં સુંદર વિષયથી જ શરૂઆત કરીએ: તમે કોઇના પ્રેમમાં પડ્યા છો? તો પ્રેમમાં પડવું કેવું લાગ્યું?  (આખી પોસ્ટ વાંચલા લિંક પર ક્લિક કરો.)

સંકલિત: ફાગણ… કેસૂડાં… હોળીનાં રંગો… નવેમ્બર 2, 2007

Posted by ઊર્મિ in મુક્તપંચિકા, લધુકાવ્યો, સંકલિત, હાઇકુ.
12 comments

આ વિષય ઉપર હજી પણ બીજા મિત્રોએ રચના લખવી હોય તો નીચે કોમેંટમાં લખી શકે છે!

સર્જનક્રિયાની આગળની પોસ્ટ:  ફાગણ… કેસૂડાં… હોળીનાં રંગો… (વધુ…)

પ્રેમમાં પડેલી એક છોકરીને પ્રશ્નો પૂછીએ… ઓક્ટોબર 26, 2007

Posted by ઊર્મિ in સર્જનક્રિયા.
36 comments

મિત્રો, ગયા અઠવાડિયાની આપણી સહિયારી રજા કેવી લાગી? એ જરૂર જણાવશો…

ખબર નહીં કેમ, આજે મને થયું કે પ્રેમમાં પડેલી કોઇ છોકરી મને સામે મળે તો, પહેલાં તો એને જોઈને જ ખબર પડી જાય, કે આ બેન કેમ હવામાં ઉડે છે, પણ મારે એનાં હૈયાની વાત જાણવી હોય તો હું કેવી રીતે જાણી શકું?  એને જ પૂછું?? હા, કદાચ એને જ પૂછું કે… બેન, તું તારી સંવેદનાઓ મને થોડીવાર ઉછીની આપ, તો હું એને જરા મારા કાગળ પર કંડારી લઉં… પણ પછી થયું કે એના કરતાં તો હું એ છોકરીને કવિતા લખીને જ બધા પ્રશ્નો પૂછુ…. જેવાં કે- ‘સખી, તને પ્રેમમાં શું શું થાય છે? કેવું કેવું લાગે છે?  શું દિવસ દિવસ જેવો લાગે છે ખરો? રાત રાત જેવી લાગે છે ખરી? દિવસ અને રાતનાં અંતરમાં તને ખબર પણ પડે છે ખરી?  અલી, તું કેમ આવી થઈ ગઈ છે?  અને કારણ વગર પાગલની જેમ કેમ મલકાયા કરે છે?  આટલા વર્ષોથી સંભાળી રાખેલું બિચારું પેલું તારું દલડું… એને કોઇ લઈ ગયું છે ને તોયે તું મલકે છે? સાવ ડોબી છે તું તો… ‘  વગેરે વગેરે… 🙂   આ તો મારા મનમાં ઉભા થયેલાં પ્રશ્નો છે, તમે કોઇ બીજા પ્રશ્નો પણ પૂછી શકો છો… 

અને તમને મારા આવા સવાલો વાંચીને થોડી થોડી ગુદગુદી તો થવા જ માંડી હશે, મિત્રો… (મને ય થાય છે!)  🙂 પણ પ્રેમ છે જ એક એવી અદભૂત અને દિવ્ય અનૂભુતિ કે એનું નામ માત્ર લેવાથી જ જાણે મેઘધનુષ્યનાં રંગો અંદર-બહાર ચોતરફ વેરાઈ જાય… તો પછી પ્રેમમાં પડેલી પેલી છોકરીની હાલત શું થતી હશે?  બસ, આપણે એ જ વાત એ જ છોકરી ને કવિતા લખીને પૂછવાની છે… અને આજે તો આપણે એ છોકરીને માત્ર સવાલો જ પૂછવાનાં છે હોં…  એ છોકરી બનીને એના જવાબો પણ  આપણે જ કોઇ વખત આપીશું, બરાબર ને?!!ek_chhokari.jpg

મને યાદ છે, કે કોલેજનાં દિવસોમાં (કોઇ લૌટા દે મેરે બીતે હુએ દિન!) મારી એક પ્રિય સખી એક છોકરાનાં પ્રેમમાં પડી ગઈ હતી… પણ ત્યારે મને શ્રી માધવ રામાનુજનાં આ ગીત વિશે ખબર જ ન્હોતી, નહીંતર પ્રેમમાં પડેલી એ સખીને હું સીધા સાદા પ્રશ્નો પૂછવાની જગ્યાએ મારો સ્પેશ્યલ રાગડો તાણીને આ ગીતથી જ પ્રશ્નો પૂછતે કે…

સૈયર, તારા કિયા છુંદણે, મોહ્યો તારો છેલ, કહેને? 
સૈયર, તારા કિયા ફૂલની લૂમીઝૂમી વેલ, કહેને?

આખું ગીત સાંભળો… ‘ગાગરમાં સાગર’ પર…

તો ચાલો મિત્રો, આજે પ્રેમમાં પડેલી એ છોકરીને આપણે પ્રશ્નો પૂછીએ… કવિતામાં સ્તો!  પણ શું પૂછીએ?  એ તો હવે તમારે જે પૂછવું હોય એ તમે તમારી કવિતામાં જ પૂછો ને..!!   હું યે કોશિષ કરું…!!

ગઝલ કે ગીત કાંઇ પણ લખી શકો છો…!

આજે સહિયારી-રજા…!! ઓક્ટોબર 19, 2007

Posted by ઊર્મિ in સમાચાર.
2 comments

આજે સહિયારું સર્જન પર સહિયારી-રજા રાખી છે…!  🙂

કેમ?  (અરે, આવો અઘરો સવાલ તે કંઇ પૂછાતો હોય? શું તમે પણ…)
બસ, એમ જ….!!!
માની લ્યો ને, કે આવતી વિજયાદશમીની જ આજે રજા છે!! 

ખાનગીમાં કહું? નવરાત્રીમાં (મનમાં ને મનમાં જ) ગરબે ઘૂમી ઘૂમીને આ અઠવાડિયે મને હોશ જ નથી રહ્યા… કંઇ પણ લખવાનાં! 🙂

તમે સૌ નવરાત્રીમાં ગરબે ઘૂમવા જાવ છો ખરા ને? 

સૌ મિત્રોને (બાકી રહેલી) શુભ નવરાત્રી…
અને એડવાંસમાં, શુભ વિજયાદશમી…  શુભ ઘારી પડવો… આઇ મીન, શુભ ગુડી પડવો!  🙂

ચાલો મિત્રો, આવતા અઠવાડિયે મળીએ… ફરી અહીં… એક નવા જ વિષય સાથે…!

* * *

પાંદડુ…પાન…પર્ણ… ઓક્ટોબર 12, 2007

Posted by ઊર્મિ in સર્જનક્રિયા.
16 comments

અમેરીકામાં અત્યારે પાનખરે પગરણ માંડી દીધા છે… હવે માત્ર લીલાં-લીલાં નહી, પરંતુ લાલ-પીળાં-કથ્થાઈ પાંદડાંઓ રસ્તા પર પણ ઉડાઉડ કરવા માંડ્યા છે…!  અને રંગબેરંગી પર્ણોથી સજ્જ વૃક્ષો જાણે કે (કમ સે કમ મને તો) દીક્ષા લેવા પહેલાં સોળે-શણગાર અને ભવ્ય-અલંકારોથી સજ્જ થયેલી સુંદર જૈન-કન્યા જેવા લાગે છે… કારણ કે ટૂંક સમયમાં જ આ પર્ણો વિનાના વૃક્ષો પર માત્ર એક જ રંગ હશે- પાનખરનો રંગ!   (કોઇ જૈન-મિત્ર આનું બીજું કંઇ અર્થઘટન ના કરે!) 

મિત્રો, ‘પાનખર’ વિષય આપણે ગયા વર્ષે જ આપ્યો હતો… એટલે આ વખતે આપણે વિષય રાખીએ- પાંદડુ…પાન…પર્ણ…!

જો કે, જ્યારે આ બ્લોગ શરૂ કર્યો હતો ત્યારે નીલમઆંટીએ એમનાં બ્લોગ પર એક પંક્તિ આપી હતી- “હું તો પીળું થયેલ એક પાંદડું“, એનું સંકલિત ત્યારે મેં ઉદાહરણરૂપે આ સહિયારું સર્જન પર સૌપ્રથમ પોસ્ટ કર્યુ હતું… કોઇ પણ નવો વિષય આપવાની શરૂઆત કરવા પહેલાં!  આ તો માત્ર મને એ ‘પીળું પાંદડુ’ યાદ આવ્યું, એટલે અહીં ટપકાવી દીધું… નહીંતર આજનાં વિષયને એ પોસ્ટ સાથે કોઇ લેવાદેવા નથી હોં… આપણે તો આજે કોઇ પણ રંગનાં પાંદડા રંગીએ…!

fall_view2.jpg

અને પાનખરનું નામ આવે અને મને આ પંક્તિઓ તરત જ યાદ આવે…. 

પીપળ પાન ખરંતા હસતી કુંપળીયા,
મુજ વીતી તુજ વિતશે ધીરી બાપુળીયા…

(આ કવિતાને શોધવાની ઘણી કોશિષ કરી, પરંતુ ક્યાંય મળી નહીં… તમને કોઇને મળે તો મને જરૂરથી મોકલાવશો! )

અને પાંદડુ કે પાન માટે પણ ઘણા કાવ્યો લખાયા છે…

જેમ કે, શ્રી અવિનાશ વ્યાસનું એક ગીત…

પાંદડુ લીલું ને રંગ રાતો
હે જી મારી મહેંદીનો રંગ મદમાતો….

અને શ્રી ર.પા.ની ગઝલનો એક શેર…

પાંદડું કેવી રીતે પીળું થયું કોને ખબર ?
એટલે કે ઝાડમાંથી શું ગયું કોને ખબર ?

તો મિત્રો, આપણે સૌ પણ આ પાનખરનાં રૂપાળાં, લોભામણાં અને અલ્પજીવી રંગોમાંથી થોડી પ્રેરણા લઈ… આપણા આ કવિતાનાં ઝાડને (કે છોડને) રંગબેરંગી શબ્દોથી શણગારીશું ને?!! 

તો ચાલો સૌ શબ્દોની પીંછી લઈને…

ચાલો આજે દરિયે જઇએ… ઓક્ટોબર 6, 2007

Posted by ઊર્મિ in સર્જનક્રિયા.
18 comments

હમણા થોડા દિવસો પહેલા જ આપણે અહીં મેહુલીયો બોલાવ્યો હતો, યાદ છે ને ?

તો મેહુલીયો જ્યાંથી આવે, એ દરિયાને ભુલી જઇએ એ ચાલે ?

મોરી ગાગરમાં દરિયો છલકાયો,
કે બેની મારે રુદિયે ધોધમાર મેહુલીયો આયો…

કોઇક જ એવું હશે કે જેને દરિયો વ્હાલો ના હોય, ભલે હોય એ કિનારો કે મધદરિયો. ( જો કે મધદરિયે એટલુ આસાનીથી નથી જવાતું કે જેટલી આસાનીથી દરિયાકિનારે જવાય છે 🙂 )

મારા જેવા કેટલાય એવા હશે, જેના માટે દરિયો એ પાણી, રેતી, છીપ અને પવનથી કંઇક વિશેષ છે.

beautiful-ocean.jpg
‘ડી’ નું આ સુંદર લઘુકાવ્ય કંઇક એવું જ કહી જાય છે.

મારો પરિવાર એટલે
સાંજ…

દરિયો…
રેતી…

ઉદાસી..

અને
હું..

દરિયાને કવિતામાં ઢાળવામાં કવિઓએ પણ જરાય કંજૂસઇ નથી કરી. કેટલીક કવિતાઓ દરિયા પર જ લખાઇ છે… કહેવાય છે ને, જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ. એક દરિયા માટે આપણા કવિઓએ કેવી કેવી કલ્પનાઓ કરી છે !

કોઇને દરિયો જોઇને સાંવરિયો યાદ આવે…

અમે દરિયો જોયો ને તમે યાદ આવ્યા,
અમે દરિયો ખોયો ને તમે યાદ આવ્યા.

( કવિ : ભાગ્યેશ જહા )

તો કોઇ તો દરિયાને જ સાંવરિયો કહી દે…

દરિયો રે દરિયો રે મારો સાંવરિયો
દરિયામાં ડૂબી ડૂબી જાઉં,
હું તો બાવરી… બાવરી ઓ…

( કવિ : મહેશ શાહ )

આમ ભલે રણ અને દરિયો દૂર દૂર રહ્યાં… પણ આપણી કવિતામાં ઘણીવાર એ ભેગા જોવા મળે હોં..beautiful-ocean2.jpg

ક્યાંક દરિયો અને ક્યાંક રણની કથા
જિંદગી એટલે, આવરણની કથા.

( કવિ : ડો. મહેશ રાવલ )

આંખોમાં દરિયો થઇ છલકાવું હોય
અને સહરાની જેમ પછી બળવું પડે

( કવિ : રવિન્દ્ર પારેખ )

અને કવિ દત્તાત્રય ભટ્ટ તો રણ ને જ રેતનો દરિયો કહે છે.

રેતનો દરિયો અહર્નિશ વિસ્તરે,
ઝાંઝવાં ટોળે વળે મારી ભીતર.

પ્રણયગીતોમાં તો દરિયો કેવો સરસ રીતે છલકાય છે…

દરિયાના મોજાં કંઇ રેતીને પૂછે, ‘તને ભીંજાવું ગમશે કે કેમ ?’;
એમ પૂછીને થાય નહીં પ્રેમ.

( કવિ : તુષાર શુક્લ )

સાંવરિયો રે મારો સાંવરિયો
હું તો ખોબો માગું ને દઈ દે દરિયો !

( કવિ : રમેશ પારેખ )

અને ઝવેરચંદ મેઘાણીના આ હાલરડામાં તો દરિયાને સૂતા બાળક સાથે સરખાવ્યો છે.

દરિયો ડોલે રે માઝમ રાતનો, હે….ઝૂલે જાણે પારણે મારો વીર રે,
મધરાતે માતા રોતા વીરાની દોરી તાણતી.

ચલો… બહું થયું… આમ જ જો એક એક કરીને દરિયાના ગીતો અહીં મુકી દઇશ તો ક્યાંક આ કમ્યુટર સ્ક્રીન ભીનો થઇ જશે…. 😀

હવે આગળનું કામ તમારું.. એટલે કે તમને દરિયાના ગીતો ભેગા કરવાનું નથી કહેતી, દરિયા પર ગીત, કવિતા, ગઝલ, શેર લખવાનું કહું છું. પણ યાદ રાખજો હોં, કે આપણે દરિયો શબ્દ પકડી રાખ્યો છે. આમ તો સાગર, સમુદ્ર, સિંધુ, જલધી… કેટલાય નામો છે.. પણ એ બધાની વાત પછી ક્યારેક…

આજે તો બસ…. દરિયો … દરિયો… દરિયો…. હો દરિયો….

ગુજરાતી બ્લોગ, બ્લોગર અને બ્લોગીંગ સપ્ટેમ્બર 28, 2007

Posted by ઊર્મિ in સર્જનક્રિયા.
20 comments

મિત્રો, થોડા દિવસ પહેલાં 23મી સપ્ટેમ્બરે ગુજરાતી બ્લોગર-મિત્રોની સૌપ્રથમ મિટીંગ અમદાવાદ ખાતે યોજાઈ હતી… જ્યાં જુગલકાકાએ સૌ મિત્રોને પ્રેમથી કચોરી, સમોસાં અને આઈસ્ક્રીમ પણ ખવડાવ્યા હતા (અમારું પાર્સલ હજી મળ્યું નથી જુકાકા!)… મિટીંગમાં મળેલા સૌ મિત્રોને હાર્દિક અભિનંદન અને (મારા જેવા) ન મળી શકનારાઓને ભવિષ્યમાં મળી શકવા માટે તેમ જ ભવિષ્યનાં મહાસંમેલન માટે શુભકામનાઓ!  મિટીંગનો અહેવાલ તો આપણને પિંકી, જુગલકાકા અને અન્ય મિત્રોએ સમયસર આપ્યા જ કર્યો હતો… અને એની પૂરી વિગતો આપ સૌ જુગલકાકાના બ્લોગ પર વાંચી શકો છો.

આજે અહીં કવિતાનાં વિષયની જગ્યાએ હું ગુજરાતી બ્લોગ, બ્લોગર અને બ્લોગીંગની વાત કેમ કરવા બેસી ગઈ હશે… એવું જ વિચારો છો ને તમે?!!  🙂  તો મિત્રો, એ એટલા માટે કે આજનો વિષય જ મેં એ રાખ્યો છે… ગુજરાતી બ્લોગ, બ્લોગર અને બ્લોગીંગ!!  હવે એના વિશે શું લખવું અને કેવી રીતે કવિતા-જેવું-કંઇ લખી શકાય એવું તમે મને ના પૂછતા હોં… આ તો મને જેવો વિચાર આવ્યો એવો જ મેં એને અહીં ટપકાવી દીધો… બાકી, મારી પણ આજ મૂંઝવણ છે!! 

હા, પણ કવિતા-સર્જન માટે જેવો આ વિષય સૂઝ્યો, એવી જ મને યાદ આવી… આપણા પ્રિય બ્લોગર-મિત્ર નીલમ આંટીએ ગયા વર્ષે લખેલી ‘વિશ્વગુજરાતી’ નામની એક કવિતા…

શુભેચ્છાઓનો કૃત્રિમ વરસાદ
અને વહેવારિયા શબ્દોનું વહાલ
ન ખપે મને………
હું તો ઝંખુ “
અંતરની વાણી”
કરી “
સર્જન સહિયારૂ”
થનગની રહું ભૂલકાઓના “કલરવ” થી
“હાસ્યના દરબાર” થી રહું મલકી,
“રીડ ગુજરાતી” રીડ કરી
શિવશિવા ની કરું ઝાંખી
“જયદીપ ના જગત” થી
કરું સહેલ કાશ્મીરની….
“મારું જામનગર” તો રહ્યું સદા પોતીકું
નજરોને “વિશાલ”કરી,
“લયસ્તરો”માં ડૂબકી મારું
“વાતચીત” કે “સંમેલન” સાથે સંકળાઇ
“અમીઝરણા” માં “ઉર્મિસાગર”થી છલકાઇ
“વિવેક”ની નીરક્ષીર વૃતિ સાથે
“વિજય” પ્રસ્થાન કરી…
“મોરપિચ્છ” નો કરી સંગાથ..
કરું પ્રયત્ન પહોંચવાના સદા…….
“પરમ સમીપે”.

બીજી એક રચના પણ મને યાદ આવે છે, આપણા વ્હાલા બ્લોગર-મિત્ર જુગલકાકાની

સુત્રે મણિગણા ઈવ (અનુષ્ટુપ છંદ)

‘નેટ’ની દોરીએ કેવાં પ્રોવાયાં આપણે  સહુ
માળાના મણકા જેવા, સ્નેહના બંધને  બહુ !

‘વેબ’નું વિસ્તર્યું જાળું તાંતણા તાંતણા થકી,
વિશ્વને ભરડો લેતું, હૈયાં સૌ સાંધતું  નકી.

સમયો સૌના નોખા, નોખી નોખી ઋતુ,અને
નિયમો, સહુને નોખા રીવાજો, દેશ-દેશને.

છોને વ્યવસાયે  વ્યસ્ત, ત્રસ્ત  સંસારસાગરે,
તો ય આ ”નેટડે” મસ્ત સૌ છલકે નિજ-ગાગરે!

વિવિધા આટલી ઝાઝી, ટેન્શનો આટલાં નર્યાં;
તો ય આ “વેબડો” સૌને રાખે ઉલ્લાસથી ભર્યાં!

વિસ્તર્યાં વિશ્વમાં આ સૌ, ઈલેક્ટ્રોનીક્સનાં જીવ
સંધાયાં એક સૌ ભાષા-સુત્રે મણિગણા ઇવ !!

હવે આ પ્રકારની કવિતા બીજા કોઇએ લખી હોય એવું મને તો યાદ નથી આવતું…

અને યાદ કરવા કરતાં, ચાલો ને મિત્રો, આપણે જ લખવા માંડીએ…

ગુજરાતી બ્લોગ, બ્લોગર અને બ્લોગીંગ વિષય પર….