jump to navigation

સંકલિત: પ્રેમ એટલે- ફેબ્રુવારી 14, 2007

Posted by ઊર્મિ in કાવ્યો, ગઝલો, પંક્તિ/શેર, મુક્તકો, મુક્તપંચિકા, લધુકાવ્યો, સંકલિત, સૉનેટ, હાઇકુ.
trackback

પ્રિય મિત્રો,

heartballoonpreview.gif

પ્રેમનો આ દિવસ મુબારક હો સૌને!
ઇચ્છાઓ ફળે સૌ તમારી તમોને!
એક જ દિવસ તે વળી હોતો હશે પ્રેમનો?
જરૂરત આ દિ’ની છે હર દિન અમોને!
 

થોડા દિવસ પહેલાં અમે અહીં વિષય આપ્યો હતો- પ્રેમની કાવ્યાત્મક વ્યાખ્યા કરવાનો… જેમાં ભાગ લેનારા સર્વ મિત્રોનો ખુબ ખુબ આભાર… 

આવો, આપણે માણીએ પ્રેમની અલગ અલગ વ્યાખ્યાઓ…
(હજી પણ બીજા મિત્રોએ અહીં ભાગ લેવો હોય તો કોમેંટ-વિભાગમાં પોતાની રચના રજૂ કરી શકે છે.)

સર્જનક્રિયાની આગળની પોસ્ટ:  તમારા માટે ‘પ્રેમ એટલે’ શું?

* * *

આપણે આ બે કાવ્યોથી શરૂઆત કરી હતી…

પ્રેમ એટલે કે,
સાવ ખુલ્લી આંખોથી થતો મળવાનો વાયદો.
સ્વપ્નમાં પળાય એવો કાયદો…
 

પ્રેમ એટલે કે,
તારા ગાલોના ખાડામાં ડૂબી જતા મારા ચોર્યાશી લાખ વહાણોનો કાફલો !

ક્યારે નહીં માણી હો,
એવી કોઈ મોસમનો કલરવ યાદ આવે,
એ પ્રેમ છે.
દાઢી કરતા જો લોહી નીકળે ને ત્યાંજ કોઈ પાલવ યાદ આવે,
એ પ્રેમ છે.

પ્રેમ એટલે કે,
સાવ ઘરનો જ એક ઓરડો… ને તોય આખા ઘરથી અલાયદો…

કાજળ આંજીને તને જોઉં તો તું લાગે,
એક છોકરીને તે શ્યામવર્ણી
વાદળ આંજીને જોતાં એવું લાગ્યું કે,
મને મૂકી આકાશને તું પરણી..

પ્રેમમાં તો ઝાકળ આંજીને તને જોવાની હોય
અને ફૂલોમાં ભરવાનો હોય છે મુશાયરો…

પ્રેમ એટલે કે…
સાવ ખુલ્લી આંખોથી થતો મળવાનો વાયદો.

(મુકુલ ચોક્સી)

*

મને શી ખબર
કે
પ્રેમ એટલે
આંખોથી એકમેકને પુછાયેલા
ખારા ખારા પ્રશ્નો !

(પન્નાબેન નાયક)

હવે આપણે જોઇએ આપણા મિત્રોએ મોકલાવેલ પ્રેમની વ્યાખ્યાઓ અને રચનાઓ…

* * *

ફલોરિડા યુનિવર્સિટીમાં વિજ્ઞાનનાં અધ્યાપક તરીકે શિક્ષણ આપતા કવિ શ્રી ડૉ. દિનેશભાઇ શાહે અમારા આમંત્રણને સ્વીકારી નીચેની કૃતિ મોકલાવી હતી…  આભાર દિનેશભાઇ!

– લઘુકાવ્ય –

પ્રેમ એટલે

પ્રેમ એટલે સમય વહેતો અટકી જાય તેવી લાગણી !
પ્રેમ એટલે કશું ન જોઇએ તેવી માગણી !
પ્રેમ એટલે કુરબાન થઈ જવાની લાગણી !
પ્રેમ એટલે જીવન સાર્થક થયાની લાગણી ! 

પ્રેમ એટલે ઓરડી જેમાં સૃષ્ટી સારી સમાણી !
પ્રેમ એટલે દોરડી જેણે ગાગર ને કુવે ડુબાડી !
પ્રેમ એટલે ભવેભવ ભેગા થવાની માગણી !
પ્રેમ એટલે તારી અને મારી મીઠી કહાણી !

(દિનેશ ઓ. શાહ)

ઉપરોક્ત કૃતિમાં પ્રેમને વ્યાખ્યાયિત કરવા માટે દોરેલા ‘દોરડી અને ગાગર’નાં નાનકડા સુંદર ચિત્રને વધુ કંડારીને એમણે પ્રેમમાં થતાં સમર્પણનાં ભાવોને વાચા આપતી ગઝલની આ મૂર્તિ પણ મોકલાવી હતી!

– ગઝલ – 

દોરી-ગાગરનો પ્રેમ

દોરી-ગાગરના પ્રેમની વાતો ના એ કોઇએ જાણી,
લઈ દોરી ને ગાગર ગોરી જળ કુવે ભરવા ચાલી

ના ડુબે તો ધડ પછાડી ગાગર કુવામાં ડુબાડી
આંસુડા પાડે કંઇ દોરી ગાગર શાને આપત્તિ ભારી?

ધીરે રહીને નીકળી ગાગર પાણીથી છલકાતી
કુવા ઘાટે બેઠો મુસાફર તરસ્યો થાક્યો ભારી

ખોબો ભરીને પાણી પીતો, મલકતું ગાગર ભારી
આશીષ દેતો તરસ્યો મુસાફર ગાગર કહે સુણ દોરી

દોરી વહાલી જીવતર આખું રહીશું હાથ હાથમાં ઝાલી
જીવતાં જીવતાં ભરીએ દલડાં સૌના સંતોષે ભારી !

(શ્રી દિનેશભાઇની જીવનઝાંખી અહીં વાંચો…)

* * *

મિત્ર વિવેકની પ્રેમને વ્યાખ્યાયિત કરતી (મારી અતિ પ્રિય) ગઝલ…

– ગઝલ –

પ્રેમ છે

શ્વાસમાં વિશ્વાસ જ્યાં ભેળો મળે એ પ્રેમ છે,
આશનો અવકાશ જ્યાં પણ શૂન્ય છે એ પ્રેમ છે.

હક, અપેક્ષા, શક, અહમ્ ના પંકની વચ્ચેથી કોઈ,
પદ્મ સમ નિર્મળ અગર ખીલી શકે એ પ્રેમ છે.

બેકરારી વસ્લમાં, પીડા વિરહમાં કત્લની,
એટલું સમજી શકો કે કેમ છે એ પ્રેમ છે.

‘તું નથી’ ની વાસ્તવિક્તા કષ્ટ દેતી બંધ થઈ,
શ્વાસમાં, ઉચ્છવાસમાં બસ, તું વહે એ પ્રેમ છે.

બાદબાકી તારી, તારા સ્પર્શ, યાદો, સાથની,
શેષ મારામાં પછી જે પણ બચે એ પ્રેમ છે.

શબ્દ થઈ મુજ શ્વાસમાં બસ તું સદા વહેતી રહે,
આ ગઝલ શબ્દો નથી કંઈ, આ જે છે એ પ્રેમ છે.

રાત આખી બેકરારી થઈ મને ડંસતી રહે,
ને સવારે શબ્દ થઈ ચૂમે મને એ પ્રેમ છે.

 (ડૉ. વિવેક ટેલર)

* * *

– મુક્તક –

(શાર્દૂલ વિક્રીડિત)

માતા હરખે બાલુડાં નિરખીને, કિલ્લોલતાં – પ્રેમ ના?
મસ્તાનો મય પ્યાલીથી મલપતો, એ કેમ હો પ્રેમ ના?
શું ના પ્રેમ રતિક્રીડા રસભરી, વ્હાલા અને વ્હાલીની?
સંભવ ના કદી પ્રેમને પરખવો, પ્રેમ એટલે પ્રેમ છે.
 

સુરેશ દાદાએ જ્યારે પ્રેમનું આ સૉનેટ લખ્યું ત્યારે મેં એમને કહેલું કે ‘પણ દાદા, આમાં પ્રેમ એટલે અથવા પ્રેમ છે એવો કોઇ શબ્દ નથી આવતો’ …અને મારી એ જીદને માન આપીને એમણે ઉપરોક્ત મુક્તક લખ્યું હતું…. પરંતુ છતાંયે એમનું આ ‘સનેડો’ સૉનેટ અહીં રજૂ કરવાની લાલચ હું રોકી ન શકી!

– સૉનેટ –

સનેડો (વસંત તિલકા)

માનો તમે મજનુ કે લયલા જ માત્ર,
ફર્હાદ કે શીરીં વળી પદને જ પાત્ર?

કે શેણી કો વિરહિણી ઝૂરતી સખાને,
પ્રેમી ગણો અમર વિશ્વ મહીં જ શાને?

માતા ચહે તનયને શું ન પ્રેમથી સૌ?
ને તાત શું ન ચહતા નિજ સુતને હા?
નિજ મિત્ર કાજ અરપી, ખુદ પ્રાણ દેતા
મિત્રો ઘણા જગતમાં સહુએ ય જોયા

વળી દેશદાઝ થકી શીશ કપાવતા હા!
ભડવીર સૈનિક ઘણા દીસતા ધરામાં
ધૂણી ધખાવી, ન કદી દિન-રાત જોતા,
વિજ્ઞાનના પ્રહરી સૌ સમયે પ્રકાશ્યા.

સર્વાંગ સ્નેહ શુભનો નથી કો સીમાડો.
પાયા સમો જીવનનો સ્વજનો ! સનેડો.

(સુરેશ જાની) 

* * *

– લઘુકાવ્ય –

પ્રેમ એટલે?

? . , ; : () * ‘?’ આવું બધું હોય કેમ?
પ્રેમ એટલે પ્રેમ, પ્રેમ, પ્રેમ, પ્રેમ, બસ પ્રેમ અને પ્રેમ.
સતત વહેતું નિર્મળ ગંગાજળ; પ્રેમ એટલે ગંગા જેમ.
પ્રેમ એટલે નર અને નારી નહીં; પશુ-પક્ષી નહીં કેમ?
પ્રેમ એટલે હું,તમે,સહુ; હોય સહુનું જેમાં કુશળક્ષેમ.
પ્રેમ એટલે પ્રેમ, પ્રેમ, પ્રેમ, પ્રેમ, બસ પ્રેમ અને પ્રેમ!

(પ્રવીણચંદ્ર કસ્તુરચંદ શાહ)

* * *

– લઘુકાવ્ય –

પિટ્સબર્ગની તે ઠંડી રાત 

પછીની સવારને શું કહેવુ?
પ્રકૃતિએ ઓઢી બર્ફીલી ચાદર
ટીવી કહે -17 ડીગ્રી ફેરન્હાઇટ ની શીતલતા
અને રુમમાં 70ડીગ્રી ફેરન્હાઇટ્ની ઉષ્મા..
રૂમની અંદર અને બહાર આટલો તફાવત?
જિંદગીમાં પણ કદાચ…
તું જો હોય આસપાસ તો 70 ડીગ્રી ફેરનહાઇટ?
અને તું જો ના હોય તો -17 ડીગ્રી ફેરનહાઇટ?
હેપી વેલંટાઇન… સખી..
પ્રેમ એટલે તારી મારા ઉપરની અસર
મારો તારા વિનાની કલ્પનાનો અવસર…

(વિજય શાહ)

* * *

– ગઝલ –

પ્રેમના નામ પર સૌને છેતરી જાઉ છું હું હવે
નજર ને હ્રદયથી સૌના ઉતરી જાઉ છું હું હવે

આંસુઓ સિવાય કઇ આપ્યુ નથી જગને મે
પ્રેમના નામથી એટલેજ ડરી જાઉ છું હું હવે

અને છતાં નથી સમજ્યો પ્રેમને “રાજીવ”
સમજવા સાચા પ્રેમને મરી જાઉ છું હું હવે

ડુબાડ્યા કૈંકને પ્રેમના સાગરમા મધદરિયે
પાપ પર “રાજીવ” મારા રડી જાઉ છું હું હવે

ઉપરોક્ત ગઝલ જ્યારે રાજીવે મોકલી ત્યારે મેં એમને વિષયની સમજ આપતી કોમેંટ લખીને મોકલી હતી કે ‘પ્રેમમાં તમને શું મળ્યું છે, એ નથી લખવાનું… પરંતુ તમારા માટે પ્રેમ શું છે, એ લખવાનું છે!’  અને એના જવાબમાં રાજીવે વધુ એક શેર અને એક કવિતા મોકલી હતી…

– શેર – 

પ્રેમ સાગરને તરવામાં કાગળ ને કલમ બધા ટુંકા લાગે
પ્રેમ વિષે લખવા બેસુને મને આ શબ્દો બધા સુકા લાગે

– કવિતા –

પ્રેમ એટલે આશ,
પ્રેમ એટલે શ્વાસ…

પ્રેમ એટલે
આપણી વચ્ચેનો આ અતુટ વિશ્વાસ…

પ્રેમ એટલે
આપણા અલગ-અલગ સપનાઓને
એક તાંતણે બાંધવાનો પ્રયાસ…

પ્રેમ એટલે
એક મેકના મન તરફ, મન માટે
જીદંગીભરનો સુંદર પ્રવાસ…

પ્રેમ એટલે
આપણે બે હતા હવે એક થયા
જાણે આ ધરતી ને આકાશ…

પ્રેમ એટલે
તને ઓઢુ, તને પહેરુ, તને શ્વસુ
તું જ છે સદા મારી આસ-પાસ…

પ્રેમ એટલે
હજી નથી કરી શક્યો વ્યાખ્યા
“રાજીવ” પ્રેમમાં રહી ગઇ કચાશ…

(રાજીવ ગોહેલ )

* * *

– પંક્તિ –

પ્રેમ એટલે હાજર હોય યા ગેરહાજર
કશીશ કદીયે ના કરમાય
અહેસાસ હરદમ અનુભવાય.

– લઘુકાવ્ય –

પ્રેમ એટલે જેમાં સોદો ન હોય
પ્રેમ એટલે જેનાં મોલ ન હોય
પ્રેમ એટલે જેમાં સ્વાર્થ ન હોય
પ્રેમ એટલે જે ઝરણાં સમાન પવિત્ર હોય
પ્રેમ ને દિશા ન હોય
પ્રેમ ને રંગ ન હોય
પ્રેમ ને સ્વાદ ન હોય
પ્રેમમાં માન યા અપમાન ન હોય
પ્રેમમા આશા યા નિરાશા ન હોય
પ્રેમ તો શાશ્વત હોય.

(પ્રવિણા કડકિયા)

* * *

– કવિતા –

પ્રેમ એટલે શાશ્વત લાગણીઓનું અસીમ સોપાન
પ્રેમ એટલે કલાત્મક ઊર્મિઓનું આવરણ
પ્રેમ એટલે મૌન તરંગોને પ્રેમી તરફ પહોંચાડતું સાધન
પ્રેમ અટલે ગણિત વગરનું આત્મ-સમર્પણ

પ્રેમ એટલે ગહન પણ અવર્ણનીય આનંદની પરાકાષ્ઠા
પ્રેમ એટલે જીવનની ગઝલ ને ઘેલી લાગણીઓથી ઓપતો
પ્રેમ એટલે સમયાન્તરે વધુ ને વધુ નવપલ્લવિત થતો ઊર્મિઓનો મેળો
પ્રેમ એટલે એક્બીજાંને પરસ્પર ખોવાડી દેતો શ્રુંગારમય રસ

પ્રેમ એટલે સ્નેહના અમૃતબિંદુઓની અમર્યાદિત સરવાણી
પ્રેમ એટલે મનનાં ઊંડા મહાસાગરમાં ઉદ્ભવતાં પરિણય ના દિવ્ય મોતી
પ્રેમ એટલે શેરડીનો મીઠો રસ જે ક્ક્ત પ્રેમીઓ જ સમજી શકે
પ્રેમ એટલે બે દિલોની લાગણીઓનુ સુભગ મિલન

પ્રેમ એટલે કશા પણ આડંબર વગર વધુ ફુલતો પારસ્પરિક ભાવ
પ્રેમ એટલે સનાતન ભારતીય સંસ્કૃતિ ની અમુલ્ય ભેટ
પ્રેમ એટલે આત્મિયતા નું સદૈવ મૈત્રીમાં પરિણમતું અખંડ ઝરણું
પ્રેમ એટલે નટખટ અને તોફાની ભાવ જે ફૂલે માત્ર લૂંટાતી વખતે

પ્રેમ એટલે ‘કલાપી’ના કાવ્ય-પુષ્પોની માળા પહેરાવી પ્રણયનો એકરાર

(જય ભટ્ટ)

* * *

– મુક્તપંચિકા –

પ્રેમ એટલે
તમ હૈયામાં
ભૂસકો મારી, વ્હાલા!
છબછબિયાં-
ની મઝા, મઝા!

– 

પ્રેમ એટલે
ખળખળતું
કો’ ઝરણું વહેતું
જીવન કેરા
સહરા માંહે!

(હરીશભાઇ દવે)

* * *

– મુક્તક –

પ્રેમ એટલે આંખમાં આંખ નાખીને કરવાની વાત
વાત કંઈ ન હોય તે છતાં યે વાત કરવાની વાત
પ્રેમ પાડે છે જિંદગીમાં એવી સુંદર સલૂણી ભાત
‘ફાટે પણ ફીટે નહીં’ એવી પ્રેમના પટોળાની ભાત

(જયદીપ ટાટમિયા)

* * *

– લઘુકાવ્ય –

પ્રેમ એ શાશ્વત , નથી એને કોઈ કુંડાળું,
નથી કોઈ મીડું, નથી કોઈ મથાળું,
પ્રેમ કોઈ શબ્દમાં, બંધાયેલો નથી,
પ્રાણી માત્રમાં! જીવ, જીવમાં એ વિશાળ!!

(વિશ્વદીપ બારડ)

 * * *

– ગઝલ –

ન હો તમે જો કને સખી તો, બધે તમારા વિચાર આવે,
ડગર ડગર પર નજર નજર માં બધે તમારો ચિતાર આવે.

લટ્ક મટકતી લટો તમારી, ને ગાલ પર જે ભંવર ભર્યા છે,
કદી એ ખેંચે કદી ડુબાડે, જો યાદ એની લગાર આવે.

તમારી સુરખી, તમારું ચિતવન, સ્મરણ સ્મરણ પર અસર તમારી,
કદી ધરા પર, કદી ગગન માં, બધે તમારો ખુમાર આવે.

સખી, એ ખૂણો ક્યાં વિશ્વનો છે, ન હો ફિકર જ્યાં મને કશાની?
તમારે પાલવ, જ્યાં ચાંદ ઉગે, તમારા સ્મિતે સવાર આવે…

આ મોહ શાનો? આ ચાહ શું છે? આ પ્રેમ શુ છે? આ રાહ શું છે?
કરી રહ્યો છું , તે શોધ શું છે? કદી કદી એ વિચાર આવે…

(હિમાંશુ ભટ્ટ)

* * *

– હાઇકુ –

પ્રેમ એટલે,
હર વ્યાખ્યાથી પર-
ઊર્મિનું હેમ!

– કાવ્ય –

પ્રેમ એટલે-

પ્રેમ એટલે હું નહીં…
પ્રેમ એટલે તું ય નહીં…
પ્રેમ એટલે-
‘હું’ થી ‘તું’ સુધી પહોંચવાની પ્રણયની નાનકડી કેડી…

પ્રેમ એટલે મોસમનો વરસાદ નહીં…
પ્રેમ એટલે વસંતનો શણગાર નહીં…
પ્રેમ એટલે-
પાનખર-રણે ઝઝૂમીને ફૂટી નીકળેલી એક કુંપળ…

પ્રેમ એટલે કૃષ્ણ જ નહીં…
પ્રેમ એટલે રાધા જ નહીં…
પ્રેમ એટલે-
કૃષ્ણની વાંસળીમાંથી રેલાતાં રાધાની ઊર્મિનાં સૂર…

પ્રેમ એટલે કહેવા જેવી વાત નહીં…
પ્રેમ એટલે સુંદર શબ્દોની લાશ નહીં…
પ્રેમ એટલે-
અંતરમાં થતો મૌન ઊર્મિનો મઘમઘાટ…

– ગઝલ –

એ પ્રેમ છે!

હું શબ્દોથી જો કહું તને કે પ્રેમ છે, એ પ્રેમ છે?
જે ઊર્મિને મઢવાને શબ્દો કમ પડે, એ પ્રેમ છે!

સાથનો અહેસાસ દુરતામાં રહે એ પ્રેમ છે.
મિલનની જો પ્યાસ મિલનમાં રહે એ પ્રેમ છે.

દે ભલે ને, દુ:ખ વિરહનું કાળજે નાશૂર બની,
સ્મિત બનીને અશ્રુમાં આવી ભળે એ પ્રેમ છે.

અપેક્ષાની છાસને અહર્નિશ વલોવ્યા કરો,
ભાવનાનું જે પછી ગોરસ બચે એ પ્રેમ છે.

મારું નથી, તારું નથી, અસ્તિત્વ તો છે સાથનું,
સમજણ એવી ક્યાંકથી આવી ચડે એ પ્રેમ છે.

પળે પળે ચણાયેલાં આ ભૂતકાળનાં ખંડહરો,
એકાદ પળ આવી ફરી ચણતર કરે એ પ્રેમ છે.

આવે કદી જો ઓટ મારા ઊર્મિના સાગર મહીં,
તુજ યાદની પૂનમ ફરી ભરતી ભરે એ પ્રેમ છે.

(ઊર્મિસાગર)

* * *

ટિપ્પણીઓ»

1. Professor Dinesh O. Shah - ફેબ્રુવારી 14, 2007

પ્રિય મીત્રો,

આજની બધી જ કવિતાઓ મને એક પોટલક દીઝટઁ પાટીઁ ની યાદ આપે છે. બધી જ કવીતાઓ પ્રેમની સુંદર વ્યાખ્યાઓ છે.
આજે ઘણી જ વાનગીઓ ખાધી તેનો આનંદ અને સંતોષ છે. આપણા યજમાન , ઊઁમીઁ બેનનો ખુબ ખુબ આભાર. તે પણ ખુબ સારા
કવીયત્રી છે, તેઓને ખુબ ખુબ શુભેછાઓ અને આભાર પાઠવુ છું.

દિનેશ ઓ. શાહ, ગેઇન્સવીલ, ફ્લોરીડા, યુ.એસ.એ.

2. nilam doshi - ફેબ્રુવારી 14, 2007

ઘણું બધુ વાંચી નાખ્યું પ્રેમ વિષે. હવે શું લખવું?મૌન અનુભુતિ….બસ.
“તમે કરજો પ્રેમની વાતો ..અમે કરીશું પ્રેમ”

3. Neela Kadakia - ફેબ્રુવારી 14, 2007

પ્રેમ એટલે
ઝીણા ઝીણા કો
ઝરમરતાં મેઘ
કેરું ઝીલાતું
મીઠુંશું બુંદ

પ્રેમ એટલે
મન મીઠાશ
મનનો એકરાર
મન માધુર્ય
મન લાલિત્ય

4. shivshiva - ફેબ્રુવારી 14, 2007

હવે લખો શિવજી પર ‘મહાશિવ રાત્રિ’ સ્પેશિયલ

આરોહમાં તું
અવરોહ તું
ૐકારનો નાદ તું
સંગીત દાતા
તાલ લય તું

હે, ગંગધારી
હે, ત્રિપુરારી
પૂછું શિશ નમાવી
હું નમનની
છું અધિકારી?

તુજ ભક્તિની
સામે ઝુક્યાં આ
શીશ અમારાં, તુજ
શિવ શક્તિને
પ્રણામ મારાં

– નીલા

5. Jatin Naik - ફેબ્રુવારી 14, 2007

કોઈ પન જ્ગ્યા એ, કોઈ પન સમયે, કોઈનિ પન સાથે આતમિયતા થઈ જાય એ પ્રેમ. આપને જ્યારે કોઈને મલીએ અને આપને વાત કરવાનુ મન થાય,વાત કરવાથી આનંદ થાય,એની દરેક ક્ર્રીયા ગમે,દિલ ખોલીને વાત કરવાનુ મન થાય એ સાચો પ્રેમ.
જેને સાચો પ્રેમ મલી જાય તેને જીન્દ્ગી જીવવાની ગની મજા આવે.ગમતો સાથ હોય તો દરેક સુખ – દુખનો સામનો કરી સકાય.

લખવુતો ગનુચે પન સમય નથી. અતો મને ખાસ કહેવામા અવ્યુ હતુ એટલે સમય કાઢીને લખુ છુ. ગુજરાતી બ્લોગમા પહેલી વાર લખતો હોવાથી થોઠિ વાર લાગી. ફરી લખવા પ્રયત્ન કરીસ.

6. bansinaad - ફેબ્રુવારી 15, 2007

અઝીઝ ટંકારવી લખે છે, ‘જિંદગીના કોઈ વળાંક પર બે હૈયા મળે અને એ પળે જ એમની આંખોમાં મીઠો ઝબકારો થાય, એકબીજાં સાથે હૈયાની આપલે થાય, પછી?’

વાંચો મુકેશ જોશી ના શબ્દોમાં
પૂછ્યા વિના આંખમાં મારી રાત એણે ગુજારી,
મેઘધનુષે જ્યારથી મારી કાળજા લગ કટારી

ઊર્મિ ને મારે એટલું જ કહેવાનું કે બસ આ રીતે જ તારી કલમ અને કવિતાની મૈત્રીનો રસાસ્વાદ હરહમેંશ મળતો રહે અને સાથે સાથે તારા કાવ્યફૂલો એક સુંદર પુસ્તક બની ને આવે જેથી દુનિયાના ગ્રંથાલયો ના બગીચામા એની સુમધુર સુવાસ ચિરંતન પથરાયા કરે. જય

7. Bansinaad - ફેબ્રુવારી 16, 2007

[…] વાંચો સહિયારૂં સર્જન પર ‘તમારા માટે ‘પ્રેમ એટલે’ શું?’ અને મારી કવિતા ‘પ્રેમ […]

8. જિજ્ઞાસા વિહંગ જાની - ફેબ્રુવારી 18, 2007

પ્રેમ એટલે…
જ્યારે પાંખો વગર ઊડી શકાય,
જ્યારે હલેસાં વગર પણ નાવ હંકારાય,
પ્રેમ એટલે…
ફક્ત કળી નહીં પણ કાંટાંમાંથી ય સુગંધ આવે,
માત્ર દુઃખ નહીં, પણ સુખ પણ આંસું લાવે.
પ્રેમ એટલે…
સામાજિક સંકુચિતતા એક ઝાટકે તોડે,
લાગણીઓના પૂરમાં મન પૂર હડપે દોડે.
પ્રેમ એટલે…
સતત સાન્નિધ્ય નહીં પણ ક્ષણભરનો મિલાપ,
શબ્દો નહીં પણ દિલથી ગવાતો આલાપ.
પ્રેમ એટલે…
આંખોની અરમેલી, હોઠોનાં હાવભાવની કથા,
મનગમતી મુશ્કેલી, સર્વસ્વ સોંપ્યાની પ્રથા.
પ્રેમ એટલે…
પાગલપન અને પવિત્રતાનો સુંદર સંગ્ગમ,
રહે અમર, કરે પ્રેમ ગુંજન એવું ‘વિહંગ’

9. ek friend - ફેબ્રુવારી 23, 2007

prem aetle aapne game tya hoy ane sama vara ne matra yad kariye ane shama vara aapra shathi ne jem fon vage ane avaj shambharay tem tene lagavu joeye ke aapane temane bolavya che ane jo te tart jabki ne jage jem shapna ma jagiye tem lagvu joeye to tene shacho prem kevay. mane eglish aavadato nathi. mate sorry

10. niraj - જૂન 26, 2007

બહુ કરે છે લોકો વાતો પ્રેમ નિ
પણ કોને ખબર છે કે આ તો છે વાતો વહેમ નિ,

આન્ખ થિ આન્ખ મડિ એટ્લે સમ્જે છે નિશાનિ પ્રેમ નિ
પન એ નિશાનિ મા સર્વશ્વ લુટાવિ ને રહિ ગયા છે કેટ્લાય સહેજ થિ,

જાન લેવા ને દેવા તૈયાર થઇ જાય છે લોકો પ્રેમ મા
પન કોને ખબર છે કે જિન્દગિ નથિ મલ્તિ એમ કોઇ ના રહેમ થિ,

માતા પિતા ને પન વિસરિ ને છોડિ દે છે લોકો પ્રેમ મા
નથિ સમજ્તા કે જનમ દાતા નહિ મલે બિજા ,પ્રેમ તો ઘણા મલિ જસે નસિબ થિ..
–niraj.

11. Kavita Mauary. - જુલાઇ 7, 2007

પ્રેમ કરે છે બધા ને દગો પણ ,
પ્રેમ સાચો હોય ને ખોટો પણ ,

વયની ક્યાં મયાઁદા હોય પ્રેમમાં,
પ્રેમ આંધણો હોય ને દેખીતો પણ.

12. Ramesh Patel - માર્ચ 1, 2008

ઝરમર ઝરમર સંધ્યાએ, મન મોરલાનો ગેહકાટ હતો
એ ભીંનીભીંની સુગંધે, ધરતી આજ ખુશહાલ હતી

ઊંચી મેડીએ ભીંના અંગે,સ્નેહલ સાજનનો સથવાર હતો
મેઘ ધનુષના રંગે પ્રીતડી,હરખ ધરી છલકાતી હતી

વ્યોમ વાદળો હરખપદૂડા,પ્રેમ રાસડે રમતા હતા
છબછબ કરતી છૂપી પ્રીતડી મદહોશે મલકાતી હતી

વરસાદના ભીંના ઉમંગે,આંખોમાં પ્પાર તરવરતો હતો
છમછમ નાદે ઝાંઝર સાદે,હથેલીઓ મેઘ ધારાને ઝીલતી હતી

શરમાળી ટપલી દેતા વાલમ,ઘેલી આલમ સંગ રમતા હતા
મિલનના મધુર ઉમળકે,ભાન ભૂલેલી મસ્તી ખીલતી હતી

નયન હોઠના મીઠા કામણ,જીવન ઝૂલાએ ઝૂલતા હતા
કાજળ કાળી ભાવ છલકતી,રાત રઢીયાળી હસતી હતી

હોઠના જામ છલકી છલકી,વાવાઝોડાના એંધાણ દેતા હતા
ભીંનીભીંની અંગ સુગંધે,રંગીલી યુવાની તરબોળ હતી

ધરતી નો એ સાદ હતો, આતો મારો રંગીલો વરસાદ હતો
કોણે કિધું એ વરસાદ હતો,એતો યૌવનનો ઉભરાટ હતો

રમેશ પટેલ(આકાશદીપ)

13. devdutt - માર્ચ 17, 2008

જોઇ રહ્યો છું છેલ્લા મહીનાનાં મોબાઈલ બિલો બધા,
આટલી બધી વાતો કોની સાથે કરાય છે?

પહેલા તો મગનુઁ નામ મરી નહોતી પાડતી
કેમ વળી અચાનક ‘ફકરા’ બોલાય છે?

SMS ના Reply થતા હતા ફટાફટ Y અને N માઁ,
હવે તો ‘Yahoo Chat’ કરવા રાતના બાર વગાડાય છે !

હતો Jeans નો colour…. Blue, Blue ને Blue,
ક્યારથી વળી સલવાર – કમીઝનાઁ ‘નવરઁગ’બદલાય છે?

Collegeમાઁ ‘Bunk’ ને મગજ ‘Blank’ રહે છે,
પણ એ ચોક્ક્સ કહેવુઁ પડે હોઁ,
મમ્મી પપ્પાનાઁ સવાલોનાઁ જવાબ,
બહુઁ વિચારીને અપાય છે !!

14. raju parmar - એપ્રિલ 16, 2008

if you are jatin naik or if you have contact details of jatin naik of surat living at saoujanya , ghod dod road surat . son of maganlal naik please email me his details. I am his college freid raju parmar


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: