jump to navigation

મેહુલીયો સપ્ટેમ્બર 21, 2007

Posted by ઊર્મિ in સર્જનક્રિયા.
trackback

મિત્રો, આમ તો આપણે આગળ મેઘરાજાનાં આગમન વખતે જૂનમાં જ ‘વરસાદ’ વિષય આપ્યો હતો… અને આપણા બધા કહ્યાગરાં અને પ્યારા મિત્રોએ ખરેખર અહીં આપેલા શબ્દ ‘વરસાદ’ને જ બરાબર પકડી રાખ્યો હતો… આભાર મિત્રો!   🙂   એટલે આજે મને થયું કે અહીં પહેલા જો ઝરમર ઝરમર વરસાદ વરસ્યો હોય તો આજે ધોધમાર મેહુલીયો કેમ ના વરસે ?!!   ખબર નહીં કેમ, પણ જ્યારે હું વરસાદ શબ્દ બોલું છું ત્યારે મને એ જરા ધીરગંભીર વડીલ જેવો લાગે છે, અને જ્યારે મેહુલીયો શબ્દ બોલું છું તો મને એ એકદમ બાળક જેવો તોફાની, નખરાળો અને ધોધમાર લાગે છે…!!  તમને શું લાગે છે મિત્રો??  😕

ચોમાસાની ઋતુ જ્યારે હવે વિદાય થવાની તૈયારીમાં જ છે ત્યારે મેઘરાજાને વિદાય આપવા માટે આપણે આજે ફરીથી અહીં વરસાદની જ કવિતા લખીએ, પરંતુ ગંભીર વરસાદની નઇં હોં… તોફાની, નખરાળા ને ધોધમાર મેહુલ કે મેહુલીયાની કવિતા… ચાલશે ને?!  (એમ તો તમે પણ મને ભવિષ્યનાં વિષયો વિશે સૂચન આપી શકો છો હોં મિત્રો!)

આજે જ મેં મારા ગાગરમાં સાગર બ્લોગ પર કવિ કિરણ ચૌહાણનું મેહુલીયો આયો ગીત મૂક્યું છે… અને એનું સંગીત પણ મેહુલીયાએ જ… આઇ મીન, મેહુલ સુરતીએ આપ્યું છે… 🙂

મોરી ગાગરમાં દરિયો છલકાયો, 
કે બેની મારે રુદિયે ધોધમાર મેહુલીયો આયો…

આખું ગીત અહીં વાંચો અને સાંભળો…

હમણાં થોડા દિવસ પહેલાં જ મેં નખરાળા મેહુલીયા પર એક ગીત લખ્યું હતું… (હા, આ વખતે મેં જરા અંચઈ કરી લીધી છે!)

ઓ મેહુલીયા…
તું બહુ નખરાળો…

ક્યારેક ઝરમર વરસે…
ક્યારેક ધોધમાર વરસે…

આખું ગીત અહીં વાંચો…

મિત્ર વિવેકે એક મજાનું વરસાદી બાળગીત લખ્યું છે… એમાં એણે તોફાની મેહુલીયાને તો નથી બોલાવ્યો, પણ બાળકો સાથે એમાં રમતાં-રમતાં ભીંજાવાની મજા તો તમને જરૂર આવશે!

ચાલ ને ભેરુ ન્હાવાને, વરસાદની મોસમ છે,
ધરતી સાથે વાદળના સંવાદની મોસમ છે.

છરાવાળી તારી હોડી,
મારી સીધી-સાદી;
કોની હોડી આગળ જાશે,
ચાલીએ છાતી કાઢી

આખું ગીત અહીં વાંચો…

અને મેહુલીયાનું નામ આવે ત્યારે કવિ શ્રીઅવિનાશ વ્યાસનું આ ગીત તો શેં ભૂલાય?!  ‘વરસાદ’ વખતે યાદ કરાવ્યું જ હતું પણ આજે ફરીથી યાદ કરાવી દઉં…

કાનમાં પવન કહીને ચાલ્યો- કે હે આવે મેહુલિયો રે!
ધીખરતી ધરતીને માથે ભીનો ભીનો વીંઝણલો ઢાળ્યો.
દૂર દૂર દૂર દખ્ખણના ઢોલ વાગ્યાઃ મસ્ત મેહુલિયો આયો રે !

તો ચાલો મિત્રો, તૈયાર થઈ જાવ… બાળક બની મેહુલીયા સાથે થોડું તોફાન કરવા માટે… અને હા, તમે જો પૂરતો પ્રયત્ન કરશો તો મેહુલીયો અવશ્ય તમારી કવિતામાં પણ પધારશે જ હોં… અને એમ તો ભીંજાવાની મજા જ કંઇ ઓર હોય છે પરંતુ જો તમારે ભીંજાવું ના હોય તો છત્રી ખોલીને કવિતા લખવા બેસજો… કારણ કે આ તોફાની મેહુલીયાનો કાંઇ ભરોસો નઇં… એ તમારી કવિતામાં ધોધમાર વરસે ય ખરો…!  અને જ્યારે વરસે ત્યારે ય કાંઇ ભરોસો નઇં કે કવિતાનાં કયા સ્વરૂપે વરસે…?!!  🙂

ટિપ્પણીઓ»

1. Harish Dave - સપ્ટેમ્બર 21, 2007

મેહુલિયાને ભાળી મુક્તપંચિકાને મસ્તી ન ચડે તેવું બને?

ચાલો, માણીએ મસ્ત મસ્ત મુક્તપંચિકાઓ મેહુલિયા પર …
* * * * * * * *

મેહુલિયો શું?
તોફાની ફોરાં!
ને છત્રીનો કાગડો!
હાડકાં ભાંગે!
સંધાય દિલ!

* * * * * * *

તમારી છત્રી
બંધ રાખશો?
મેહુલિયાને પણ
વરસવાની
મઝા તો આવે!

….. . … . ………. હરીશ દવે અમદાવાદ

2. shivshiva - સપ્ટેમ્બર 22, 2007

તારે મેહુલિયા કરવા તોફાન
અમારા લોક્ની જાયે છે જાન

3. dinesh patel, atlanta - સપ્ટેમ્બર 23, 2007

સાંજ સબૂરી અટારી માથે વાછટ દેતો આયો રે
હળવેથી જોઉં ત્યાં આંખે મેહુલિયો છંટાયો રે

એકલ મનના સીમાડાઓ વનમા છોડી દીધા’તા
છૂટા છૂટા સાજનના શમણાઓ વગડે સૂતા’તા
યાદ બચી કોઇ વાત નથી પણ વા વંટોળ વિંટાયો રે….

શેરી,સરોવર,બાગ,બહારે ચંપો કેળ થૈ ખીલ્યા’તા
અલપઝલપ પાંપણ પલકારે ઝાકળ ફૂલ ફૂલ ઠાર્યા’તા
દશે દિશામાં ગોરંભાવી મેહુલિયો વિંઝાયો રે….

મીઠી એની જાત અડપલી,અડપલાની હેલી રે
સપનાના ભારા બંધાયા લીલાશ ફરફર ફોરી રે
સરસર વરસ્યો મેહુલિયો બહુ મનમાં મનને ભાવ્યો રે….

4. Shirish Kamdar - સપ્ટેમ્બર 23, 2007

Man muki ne varsyo to pan hu na bhinjano
Varas varas varsyo to pan hu na bhinjano

Vijli chamaki ne garji pan hu na bhinjano
bas ek j tipu teni aankh ma joi hu bhinjano

Yad tari mane bhinjve kem karine na thambhe aa Mehulyo!

5. Pravin H. Shah - સપ્ટેમ્બર 23, 2007

કે આવ્યો મેહુલીયો
વાદળ ગરજે, વીજળી ચમકે
કે આવ્યો મેહુલીયો
આવે ધીમી ધાર, પછી મૂશળધાર
કે આવ્યો મેહુલીયો
ધરતી ભીંજાય, અંબર હરખાય
કે આવ્યો મેહુલીયો
નદીઓ છલકાય, ખેડૂત રિઝાય
કે આવ્યો મેહુલીયો
ઝૂકે ડાળ ડાળ, ઝૂમે બાળ બાળ
કે આવ્યો મેહુલીયો
કૃષ્ણ કરે સ્મિત, ગોપી ગાય ગીત
કે આવ્યો મેહુલીયો
વિરહની વિદાય, મિલન હો સદાય
કે આવ્યો મેહુલીયો
સૌને મળે પ્રીત, જીવન-સંગીત
કે આવ્યો મેહુલીયો

6. pravinash1 - સપ્ટેમ્બર 24, 2007

મેહુલિયા તારા એવા તોફાન
મુજને પલાળેને ભુલું ભાન

સવાર સાંજનું તનેન જ્ઞાન
ક્યરે આવશે તુજને શાન

7. Bhavna Shukla - સપ્ટેમ્બર 25, 2007

મેહુલાના માઁડ હજી ભણકારા વાગ્યાને મારા
મનના મોરલીયાતો નાચે થૈ થૈ,
ઝરમર ઝરમર તમે આવી વરસો ને વળી
શ્રાવણની એક સાઁજ સાથે લૈ લૈ.
ફાગણીયા કેસૂડાને સાચવી રાખ્યો તો મારી
સેથીમા સિન્દુરી સરગમ થૈ ગૈ,
રઁગોળી મારી મહી ખૂટ્યા છે રઁગ કે પછી
ઓછા પડે છે સાવ તમને દૈ દૈ.
ઊચી ડાળીના કોઇ નીચેરા પાન પર
ઝાકળનુ બુન્દ કેમ અટક્યુ જૈ જૈ,
વસમી આ વાત સાવ સહેવી એ કેમ અને
કોને અધરાતે જઇ કહીયે હે ભૈ.
ઝરણાને આઁગણે આવી ઉભા ને પછી
સ્વાભાવિક ભીઁજાવુ કહીને નૈ નૈ,
અઁતરની આરતના પારખાય કરવાને
કારણ પણ શોધવા મનને રૈ રૈ.

8. saryu - સપ્ટેમ્બર 26, 2007

ગાજવીજ અને વરસાદ.રાહ જોતી નજરુ બારણે જઈ જઈને અથડાય. અંતે ટપ ટપ ટીપાનો ગમતો અવાજ.

નીતરતી સાંજ

આતુર આંખોરે મારી બારણે અથડાય
વાટે વળોટે વળી દ્વારે અફળાય

ગાજ વીજ વર્ષા ને વંટોળો આજ

કેમ કરી આવે મારા મોંઘેરા રાજ!

અરે! થંભોને વાયરા આગંતુક આજ
રખે એ ન આવે તમ તાંડવને કાજ

મૌન મધુ ગીત વીના સંધ્યાનુ સાજ
ઉત્સુક આંખોમાં ઢળે ઘનઘેરી સાંજ

વિખરાયા વાદળા ને જાગીરે આશ
પલ્લવ ને પુષ્પોમાં મીઠી ભીનાશ
ટપટપ ટીપાથી હવે નીતરતી સાંજ
પિયુજીના પગરવનો આવે અવાજ

9. Pravin H. Shah - સપ્ટેમ્બર 27, 2007

સખી! મારે મેહુલીયાની મ્હેર.
વાદળ લાવી પિયરથી,
મારે સાસરે રેલમછેલ,
સખી! મારે મેહુલીયાની મ્હેર.
તળાવ લાવી પિયરથી,
મારે સાસરે નદીઓની રેલ,
સખી! મારે મેહુલીયાની મ્હેર.
ગુલાબ લાવી પિયરથી,
મારે સાસરે મોગરાની વેલ,
સખી! મારે મેહુલીયાની મ્હેર.
ઘોડા લાવી પિયરથી,
મારે સાસરે મોર ને ઢેલ,
સખી! મારે મેહુલીયાની મ્હેર.
માવતર મૂક્યું પિયરમાં,
મારે સાસરે મમતાના મહેલ,
સખી! મારે મેહુલીયાની મ્હેર.
ભાઇ જેવો દિયર મારો,
મારે નણદી જાણે સહેલ,
સખી! મારે મેહુલીયાની મ્હેર.
મારા હીરા જેવા દિલ પર
પાડે, સાજન પ્રીતના પહેલ,
સખી! મારે મેહુલીયાની મ્હેર.

10. Pinki - સપ્ટેમ્બર 27, 2007

રેઇનકોટ,
છત્રીને તાડપત્રી,
વરસાદ છે ??

pahela lakhelu haaiku muku chhu…

chalshene urmi !!

11. nilam doshi - સપ્ટેમ્બર 28, 2007

મેઘ એટલે
ધરાને આલિંગન
આસમાનનું
નીલમ

સંબંધોની મૌસમના પહેલા વરસાદમાં આપણે ભીંજાતા હતા..ત્યારે..
મને કયાં જાણ હતી કે તેં રેઇનકોટ પહેર્યો છે ?

કયાંક વાંચેલુ છે. યાદ નથી…પણ મારું નથી એ જરૂર યાદ છે.

બીજુ પણ એક સરસ યાદ આવી ગયું..

પહેલાં વરસાદનો મુને કાંટો લાગિયો ને હું પાટૉ બંધાવવા ચાલી…

12. manvant - ઓક્ટોબર 4, 2007

મેહુલો ગાજે …ને …માધવ નાચે !
રુમઝુમ વાગે પાય ઘૂઘરડી…….!
આખું ગીત લખેલું હોવાથી મોઢે નથી.

13. ચાલો આજે દરિયે જઇએ… « સહિયારું સર્જન - પદ્ય - ઓક્ટોબર 6, 2007

[…] trackback હમણા થોડા દિવસો પહેલા જ આપણે અહીં મેહુલીયો બોલાવ્યો હતો, યાદ છે ને […]

14. BHARAT SUCHAK - મે 20, 2009

વરસાદ
આવરે વરસાદ …આવરે વરસાદ
જરા જોરથી વરસ,મુસળાધાર વરસ.
ગાજ વિજ સાથ વરસ,અંધરાધાર વરસ.
તારા આગમન ની તો તૈયારી પુરી થઇ છે
તને જોઇને ગરમીતો ખુબ દુર ભાગી ગઇ છે
મોર કળા ક્રરે,દડકો ડ્રાવ ડ્રાવ ક્ર્રે
બાળકો ખુસીથી જોરથી ચીચીયારી પાડૅ છે
તારા આગમનથી તો ધરામાં હરીયાલી થઇ છે

ભરત સુચક


Leave a comment