jump to navigation

સંકલિત: રદીફ-કાફીયા એક… ‘પ્રકારે પ્રકારે’! જુલાઇ 11, 2007

Posted by ઊર્મિ in ગઝલો, સંકલિત.
trackback

આ વિષય ઉપર હજી પણ બીજા મિત્રોએ રચના લખવી હોય તો અહીં નીચે કોમેંટમાં લખી શકે છે!

આગળની પોસ્ટ:  રદીફ-કાફીયાને એક જ રાખી, ગઝલ લખીએ ‘પ્રકારે પ્રકારે’!  

* * *

આપણે ‘મરીઝ’ સાહેબની આ રચનાથી શરૂઆત કરી હતી…  

જીવનભરના તોફાન ખાળી રહ્યો છું, ફકત એના મોંઘમ ઇશારે ઇશારે,
ગમે ત્યાં હું ડુબું , ગમે ત્યાં હું નીકળું, છે મારી પ્રતીક્ષા  કિનારે કિનારે.


જીવન કે મરણ હો એ બન્ને સ્થિતિમાં, ‘મરીઝ’ એક લાચારી કાયમ રહી છે.
જનાજો જશે તો જશે કાંધે કાંધે, જીવન તો ગયું છે, સહારે સહારે.

આખી રચના અહીં સાંભળો… 

*

બીજા જાણીતા કવિઓની રચનાઓ પણ જોઈએ…

*

કવિશ્રી માધવ રામાનુજ ની એક રચના…  

હળવા તે હાથે ઉપાડજો રે અમે કોમળ કોમળ,
સાથ રે ફૂલડાં ઢાળજો રે અમે કોમળ કોમળ.

ઊના તે પાણીડે ઝારજો રે અંગ કોમળ કોમળ,
ખેપનો થાક ઉતારજો રે અમે કોમળ કોમળ.

કેડિયે કોયલ ગૂંથજો રે અમે કોમળ કોમળ,
ફૂમતે મોર ગહેકાવજો રે અમે કોમળ કોમળ.

કેવા જીવ્યાના અભરખા રે હતા કોમળ કોમળ,
ફૂલના પોઢણ સાથરા રે કેવા કોમળ કોમળ.

*

મનુભાઇ ત્રિવેદી ‘સરોદ’/‘ગાફિલ’ બે રચનાઓ…

જુદી જિંદગી છે મિજાજે – મિજાજે;
જુદી બંદગી છે નમાજે – નમાજે.

છે એક જ સમંદર, થયું એટલે શું ?
જુદા છે મુસાફર જહાજે – જહાજે.

આખી રચના અહીં વાંચો…

કદી આંખ ચૂવે અમસ્તી અમસ્તી,
કદી આંખ જુવો તો મસ્તી જ મસ્તી.

આ આખી રચના કોઇ પાસે હોય તો અહીં જણાવશો…

*

હવે આપણા સૌ મિત્રોની રચનાઓ જોઈએ…

*

– ગઝલ – 

અમે એના એ,તમે એના એ,ઘર પણ એજ.
તો અવાજો કેમ નીકળે છે જુદા પ્રકારે પ્રકારે.

સૂરજ એજ,ચંદ્ર એજ,તારા પણ એના એજ.
તો કેમ વહેલાં મોડાં થાય છે સવારે સવારે?

પ્રીતની લીધી દીધી અમે તો કસમ ઉઘાડેછોગ.
તો રાતે પ્રીતડી ને કલહો કેમ આ સવારે સવારે?

છતાં ય જીવી લીધું;ને ઘર પણ વસાવી દીધું.
સુખદુખ,કલહપ્રેમ, રહ્યાં સાથમાં પ્રકારે પ્રકારે.

કરો છો પૂજા જે પ્રભુની સૂતાં પહેલાં ને પ્રભાતે;
હોય કેમ એનું રૂપ અલગ ધર્મોના પ્રકારે પ્રકારે?

પ્રવીણ એમાં અચરજ શાનું? એતો એમજ હોય.
આ એનું,આ તેનું.લખ્યું ભાગ્યમાં પ્રકારે પ્રકારે.

(શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ)

*

– ગઝલ –

કહ્યું સાકીને ‘તું મજા લે! મજા લે!’
ઉપેક્ષા મળી લો! ટપાલે ટપાલે.

હતી આશ થાશે, મિલન કો’ મધુરું,
વિદા ગીત ગાયું ‘ખમી લે! ખમી લે! ‘

મળ્યા, ના મળ્યા ઉત્તરો જ્યાં મને ત્યાં,
નવી સો સમસ્યા, સવાલે સવાલે.

મળી ગમગીની, હર કદમ પર અરેરે!
મળ્યા રક્ત ટપકાં, ગુલાલે ગુલાલે.

મથું ચીરવા ગમ વ્યથા કેરી રાતો,
મળી મેશ મુજને મશાલે મશાલે.

હતો સુસ્ત, બેજાન, હરદમ અટૂલો,
નિરર્થક એ વાતો ‘રમી લે! રમી લે!’

હવે શું કરીશું, મથીને, જીવીને?
ભરી આહ બોલ્યો: ‘રજા લે! રજા લે! ‘

(સુરેશ જાની)

*

– ગઝલ –

એ મને સંભારતાં સંભારતાં
રૂપને શણગારતાં શણગારતાં

આ ક્ષણોનો સ્વાદ મીઠો થૈ ગયો
યાદને મમળાવતાં મમળાવતાં

જિંદગી વીતી પગથિયે એમના
બારણું ખખડાવતાં ખખડાવતાં

શું ખબર મારી જશે ખંજર મને
પીઠને પસવારતાં પસવારતાં

ખેંચતાણોમાં અહં તૂટી ગયો
હું પણું વિસ્તારતાં વિસ્તારતાં

જિંદગીનો જામ ખાલી થૈ જશે
સત્યને સ્વીકારતાં સ્વીકારતાં

હું અચંબામાં કે એ ખુદ નીકળ્યા
આ ગઝલ લલકારતાં લલકારતાં

(ડૉ. નીરજ મહેતા)

*

– ગઝલ –

કેટલાયે યત્નો કર્યા છે મેં ભુલવાના તને,
તોય તુ યાદ આવ્યા કરતી વાતે વાતે.

જાણી ગયો છું અર્થ હું ઈંતજારનો હવે,
શમણાંઓ બધા ચૂકી ગયો છું રાતે રાતે.

તડપાવી ગયું છે તારુ મૌન એવુ તો મને,
ઝાંઝવાના દિલાસા પી ગયો છું જાતે જાતે.

નથી અપેક્ષા કે કોઈ સંબંધમાં તુ મળે,
પામી ગયો છું તને પ્રેમના નાતે નાતે.

‘હરેશ’ને મોહ ક્યા છે કે તાજમહલ જ જડે,
કોતરી છે તારી છબી દિલની ભાતે ભાતે.

(હરેશ પ્રજાપતિ)

* * *

ટિપ્પણીઓ»

No comments yet — be the first.

Leave a comment