jump to navigation

‘મળે ન મળે’ – શ્રી આદિલજીને 71માં જન્મદિનની શુભકામનાઓ… મે 18, 2007

Posted by ઊર્મિ in સર્જનક્રિયા.
trackback

આદરણીય શ્રી આદિલ મંસૂરીજીને એમનાં 71માં જન્મદિવસે ‘સહિયારું સર્જન’ અને સૌ મિત્રો તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને મંગલ શુભકામનાઓ સહિત… પ્રણામ!

adil_mansuri_pic.jpg

આમ તો શ્રી આદિલ સાહેબ માટે મારે કાંઇ કહેવું, એટલે નાના મોંએ મોટી વાત કરવા જેવું લાગે…  છતાંયે હું પ્રયત્ન કરવાની ગુસ્તાખી કરું છું.

ઉર્દૂ અને હિન્દીની તો મને બહુ ખબર નથી, પરંતુ ગુજરાતી ગઝલોને આધુનિકતાનાં રંગે રંગનાર આજના ગઝલ-સમ્રાટ એટલે આપણા સૌના લાડિલા શ્રી આદિલજી!  એમણે ગઝલને ક્યારેય લખી જ નથી, માત્ર શ્વસી જ છે- એમ કહું તો જરાયે અતિરેક નહીં જ હોય!  એવો જ કંઇક અણસાર એમનો આ શેર પણ આપી જાય છે…

ગમે ત્યારે ગઝલ જીવનની પૂરી થઈ જશે ‘આદિલ’,
રદીફ ને કાફિયા ઓળંગીને મકતા સુધી આવો.

‘ગઝલનાં આયનાઘર’માં રહેતાં શ્રી આદિલજી ભલે બધાને પ્રત્યક્ષ ‘મળે ન મળે’, પરંતુ લગભગ હર ગઝલરસિકોનાં હૃદયમાં ગઝલ બનીને ધડકતા તો હોય જ છે… એમનો ગઝલ-પ્રેમ પણ ખરેખર અદભૂત અને દાદ માંગી લે એવો છે.  ગઝલગુર્જરી.કોમ વેબસાઇટ એ શ્રી આદિલજીની નિ:સ્વાર્થ ગઝલ ચાહનાનું જ એક પ્રતિક છે. 

ગઝલની શરૂઆત કેવી રીતે થઇ હશે? એ વિશેની એમની કલ્પનાએ એક જબરદસ્ત ચમત્કૃતિ સર્જી દીધી છે!

જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઇ હશે,
ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઇ હશે.

(આ અને એમની બીજી ઘણી રચનાઓ વાંચો લયસ્તરો પર)

શ્રી આદિલજી પોતાનો ગઝલ-પ્રેમ આવી રીતે છતો કરે છે…

જી હા, આદિલ તો તખલ્લુસ માત્ર છે,
નામ, ધંધો, ધર્મ ને જાતિ ગઝલ.

પોતાને 100% ગુજરાતી ગણાવતા આ શાયર કહે છે કે,

આ ગઝલનાં આયનાઘરમાં કદમ મૂકો અને
ગુર્જરી સોળે સજી શણગાર વચ્ચે આવશે.

વળી, જ્યારે તેઓ ગઝલનું સર્જન નહીં પણ કોઇ ગઝલ-દેવીની આરાધના કરતાં હોય એમ કહે છે કે,

બીજા ઈલ્કાબો મળે કે ના મળે,
એ તો ગુજરાતી ગઝલનો દાસ છે.

ત્યારે તો ખરેખર એમને સાષ્ટાંગ પ્રણામ કરવાનું મન થઇ જાય છે!!

નદીની રેતમાં રમતું નગર મળે ન મળે,
ફરી આ દૃશ્ય સ્મૃતિપટ ઉપર મળે ન મળે.
 

(આ આખી ગઝલ આપ ટહુકા પર સાંભળી શકો છો!)

જ્યારે અનિવાર્ય સંજોગોમાં એમણે પોતાનું વતન અમદાવાદ છોડવું પડેલું ત્યારે એ સાબરમતીની હવાને શ્વાસોમાં ભરતાં ભરતાં એમના હૃદયમાંથી ઉઠેલી એક તીવ્ર ચીસ, એટલે આ ‘મળે ન મળે’ ગઝલ!!  જે આજે તો એમનાં નામનો પર્યાયસમી બની ગઇ છે.  જ્યારે આ ગઝલને કોઇ પણ વાંચે છે ત્યારે એમની વેદના આ ગઝલમાં અચૂક અનુભવાય છે.  બર્મિંગહામનાં એક મુશાયરામાં જ્યારે એમણે ‘મળે ન મળે’ ગઝલ રજૂ કરેલી ત્યારે કાર્યક્રમને અંતે એક બહેને આવીને એમને કહેલું, ‘આદિલભાઇ, આ કાવ્ય સાંભળીને હું રડી પડી.’ ત્યારે અત્યંત સાહજિકતાથી એમણે કહેલું કે ‘બહેન, મેં એ રડતા રડતા જ લખેલું!’

આજના મોટાભાગનાં ગઝલકારોનું એવું દ્રઢ માનવું છે કે પોતાની ગઝલમાં સદા નૂતન પ્રયોગ કરનાર શ્રી આદિલજીએ ગુજરાતી ગઝલને એક વિશિષ્ઠ આધુનિક વળાંક આપ્યો છે, જેમાં એમણે પરંપરાને પણ સાચવી લીધી છે. 

અમેરીકાનાં વસવાટ પછી કોમ્પ્યુટરાઇઝ યુગને પણ તેઓ એમની ગઝલોમાં લઇ આવ્યા છે…

જ્યાં સુધી પંપાળીએ માઉસને,
પૂંછડી એ ફેરવે કી-બોર્ડ પર.

કોઇ દિવસ ઢાઈ અક્ષર ક્યાં લખે ઈ-મેલમાં,
દુનિયાભરનાં વાઇરસ એ મોકલે ઈ-મેલમાં.

કેટલીયે તોફાની રચનાઓ પણ એમણે એટલી જ સાહજિકતાથી રચી છે…

ચાલતા રહીએ તિમિરમાં પ્યાસ લૈ,
કો’ક નાકે ચાની લારી આવશે.

કેન કોકાકોલાનું કોઠે ચડ્યું,
શેરડીનો તાજો રસ ભૂલી ગયા.

કવિ શ્રી રઇશ મણિયાર શ્રી આદિલજી વિશે કહે છે કે…

હું એની એની ધૂળથી માથું ભરી લઉં આજે,
ફરીથી આવો કવિ માતબર મળે ન મળે!

વળી આગળ એ કહે છે કે, “આધુનિકતાના અભિનિવેશથી ઊભરાતા સમકાલીન અને અનુગામી શાયરોની ફૌજ વચ્ચેનો વળાંક એટલે આદિલ મંસૂરી.  ગુજરાતી ગઝલ-ઈતિહાસની સમયરેખાનું આ એક એવું બિંદુ છે જેના પર આખા ગિરાગુર્જરીના ગઝલવારસાનું સમતુલન ટેકવાયેલું છે. આ બિંદુની વાત કર્યા વગર સિંધુની વાત થઇ શકે નહીં.”

શ્રી સુરેશ દલાલનું કહેવું છે કે “આદિલ જેવો ગઝલકાર વરસે બે વરસે નહિ પણ પચીસ પચાસ વર્ષે મળે તો મળે.”

શ્રી આદમ ટંકારવી કહે છે કે “ગુજરાતી ગઝલને ગુજરાતી કવિતાના મુખ્ય પ્રવાહ સાથે જોડવાનું યુગવર્તી કામ આદિલ મંસૂરીએ કર્યુ.”

જેમનાં આગ્રહથી શ્રી આદિલજીએ ગુજરાતી ગઝલ લખવાની શરૂઆત કરી હતી એ શ્રી ચિનુ મોદી કહે છે કે “આદિલ ગુજરાતી ગઝલનાં સ્તંભોમાંના એક છે… આદિલે માત્ર ગુજરાતી ગઝલને જ નહીં, ગુજરાતી કવિતાને પણ પરંપરાની ચુંગાલમાંથી છોડાવી હતી.”

શ્રી આદિલજી વિશે જેટલું લખીશ એટલું સિંધુમાં માત્ર એક બિંદુ જેવડું જ લાગશે… એટલે ફરીથી જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ સાથે હું અહીં જ વિરમું છું.

(આભાર ગઝલગુર્જરી.કોમ!)

* * *

થોડા દિવસ પહેલાં મેં ઈ-મેલથી ઘણા મિત્રોને શ્રી આદિલજીનાં જ શબ્દો ‘મળે ન મળે’ આજના વિષય તરીકે અગાઉથી જ આપ્યા હતા… આ શબ્દોને રદીફ તરીકે અથવા તો કોઇ પણ રીતે ઉપયોગ કરી શ્રી આદિલજીનાં જન્મદિવસ નિમિત્તે એમને માટે કવિતા-સર્જન કરવાનું ઈજન હતું… એ જ ઈજન આજે અહીં સૌને જાહેરમાં અમે ફરીથી આપીએ છીએ…

હવે આપણે જોઇએ… આપણા થોડા મિત્રોએ શ્રી આદિલજીને માટે મોકલાવેલી રચનાઓ અને શુભેચ્છાઓ…

*

ઘડી છે હાથમાં તારા, ફરી મળે ન મળે.
જગત-વમળ મહીં સાચી ધરી મળે ન મળે.

રમે રમતો ભુંડી, જહાંને જેર કરવાને.
શિશુના ખેલ સુગંધો ભરી મળે ન મળે.

મળ્યા નસીબમાં સંબંધ, તેને સાચવજે,
ત્યજીશ તેમને, ધારી પરી મળે ન મળે.

કદી ભુતકાળમાં પાછી નજર કરીશ નહીં.
વીતી જે પળ ગઇ જરી સરી, મળે ન મળે.

કલ્પના ત્યાગ, સપનાં છોડ, આંખ ખોલી દે.
નજર સમક્ષની આ તક ખરી મળે ન મળે.

ઘણું જીવ્યો ‘સુજાણ’ જિંદગીને વાગોળી.
જીવનના રણ મહીં તારો હરિ મળે ન મળે.

(સુરેશ જાની, ટેક્સાસ)

*

આ, દિલની વાત !

[ શિખરિણી ]

નદીની રેતીમાં નગર રમતું જોઈ, તમને
જવાનું ના રુચ્યું; ભીનીભીની સુગંધો શ્વસનમાં
ભરી ઊંડી; જોઈ લીધ નજર મીઠી સ્વજનની;
ગ્રહી લીધું આંખે ઘર, ગલી,ભીંતો,બારી-સઘળું
વિચારી કે સંધું ફરી કદી મળે કે નવ મળે !!

તમે તો સંબંધો રડી રડી લીધા, એમ સમજી
મળે એ ના પાછા કબર થકીયે !આદિલ ! ભલા,
તમે તો આંખોમાં હમસફર થાવા લઈ લીધા
ચહેરાઓ ! માથું કીધું વતનની ધૂળથી ભર્યું !

તમે ઉપાડ્યો જે પગ ધરતીથી આ વતનની,
અને મેલ્યો એને નવતર ભૂમિમાં જઈ, ભલે.
લીધું-દીધું જે કૈં વતનનું બધું ચોગુણ થયું !!

ભલે માનો માનો, ગયું બધુંય પાછું નવ મળે;
પરંતુ, જાણો ? એ ગયું ન, રહ્યું, વાધ્યું હર પળે !!

(જુગલકિશોર વ્યાસ, અમદાવાદ)

*

નદીનું નીર થોડું મેં નયનમાં મારા વાળી લીધું,
નગરનું દ્રશ્ય થોડું મેં સ્મૃતિમાં કૈદ કરી લીધું,
વતનને ય જો, થોડું શ્વાસમાં મારાં ભરી લીધું,
‘મળે ન મળે’ની અટકળમાં ‘આ દિલે’ મેળવી લીધું.

(ઊર્મિસાગર, ન્યુ જર્સી)

*

ગઝલ-સમ્રાટના શુભ જન્મદિને
ઉર્મિઓ પ્રગ્ટે છે શબ્દાકારે;

કસબી ગઝલના આદિલજીને
શુભેચ્છાઓ દે છે દિલની આજે.

સુગંધ શ્વાસમાં લઇ ફરે નગરને
શબ્દ મૌનની ધુમ મચાવે;

ધૂળ માથે લઇ ફરે વતનને
પૂર્વથી પશ્ચિમ સિધ્ધિ લહેરાવે.

અનોખા અગ્રણી આ ગઝલકારને,
શુભેચ્છાઓ ફરી ફરી વંદન સાથે!

———————————————-

છેલ્લે છ્ન્નુની સાલમાં આદિલભાઇના સાઠમાં જન્મદિને સુરેશ દલાલે
લખેલા શબ્દો ટાંકીને વિરમીશ.”આદિલની ગઝલના રેશમી પોત
પર કલ્પનનુ બારીક નક્શીકામ છે.એમની ગઝલોમાં શબ્દ-રમત
કે કરામત નથી. આદિલને વાંચો તો તમે સુખથી બેચેન થઇ શકો
અને ચેનથી દુ:ખી થઇ શકો. આદિલ જેવો ગઝલકાર વરસે
બે વરસે નહિ પણ પચીસ પચાસ વરસે મળે તો મળે.”

(દેવિકા ધ્રુવ, હયુસ્ટન)

*

તમે લખો છો ગઝલ કાગળ ઉપર,
અમે સ્થાપીએ દિલના પડળ ઉપર,
આવી ગઝલ ફરી મળે ના મળે.

તમે છલકાવો સાગર ગઝલનાં,
અમે વીણીએ મોતી, કિનારે ઉભાં,
આવી ગઝલ ફરી મળે ના મળે.

કહું છું શબ્દોને, પરોવાઇ જજો,
આદિલની કોઇ ગઝલમાળમાં,
આવી ગઝલ ફરી મળે ના મળે.
રૂડો અવસર આપ્યો છે ‘ઊર્મિ-સાગરે’,
આદિલ તમને અમારી,
શત શત શુભેચ્છાઓ,
આજના શુભ દિને,
આવો અવસર ફરી મળે ના મળે.

(પ્રવિણ શાહ)

*

સંગતની મહેફિલ મળે ન મળે
દુનિયાભરની સંપત્તિ મળે ન મળે
પ્રેમભરી એક નજર મળે તો બસ
જીવનભરની પરિતૃપ્તિ મળે ન મળે

યુવાનીની રંગત મળે ન મળે
મૈત્રીની મહેક મળે ન મળે
આનંદની એક લહેર મળે તો બસ
ઐશ્વર્યનો વિલાસ મળે ન મળે

(જય ભટ્ટ, ફિલાડેલ્ફીયા)

*

આદિલ સાહેબ,
તમારી કૃતિઓ વાંચી-માણીને મોટા થયાં…
તમને વખાણીને અમે અમારી વાણીને પાવન કરતાં
આવ્યાં અને આજે જ્યારે તમને શુભેચ્છાઓની સાથે
વંદન પણ કરવાની તક મળે અને એને જવા દઈએ
તો માં સરસ્વતીની આરાધના પૂર્ણ ન ગણાય…

તમારા એક ચાહક તરફથી આ બે પંક્તિ
તમારી વર્ષગાંઠ નિમિત્તે સ્વીકારજો..

અહીં-આજ માણી લો આ શાયરી અને ગઝલ,
આદિલના જેવી શાયરી ફરી મળે ના મળે….

શુભેચ્છા-સહ વંદન કરી લઉં આજ અહીં તમને,
કંઈક અર્પવાની તક આ ભવમાં મળે ના મળે…

God Bless You… Take Care…

(કુણાલ પારેખ, ગુરગાંવ)

*

આવી અમદાવાદી નગરી મળે ના મળે
બાર દરવાજા ભઠીયાર ગલી મળે ના મળે

કિલ્લો ભદ્રનો રાણી હજીરો ઝુલતા મિનારા
ને બાવા માણેકનાથની મઢી મળે ના મળે

રઢીયાળા નોરતાની રાતો તાજીયાના ઝુલુસો
ગાંઠીયા જલેબી ભજીયા કઢી મળે ના મળે

તુટી રહ્યો છે સ્નેહનો સેતું સાંધો કોઇ સાંધો
પછી બે કાંઠાને જોડતી કડી મળે ના મળે

ધરા ગુર્જરી ગોદ કેમ કરી વિસરાઈ “નારાજ”
શિયાળો ઉનાળો સાવનની હેલી મળે ના મળે

(બીમલ/બાબુ રબારી રુપાલ, ગાંધીનગર)

*

આદરણીય આદિલજી…
જન્મદિનની હાર્દિક શુભેચ્છાઓ….

(જયશ્રી ભક્ત, લોસ એંજેલસ)

*

આદિલ સાહેબને જન્મદિવસે વધાઇ અને શુભેચ્છાઓ…
જન્મદિન મુબારક.

(નીલમ દોશી, ભરૂચ)

*

રાજીવ ગોહેલની શુભકામનાઓ,
એના બ્લોગ ઉપર શ્રી આદિલજીની એક ગઝલ સાથે…

*

HAPPY BIRTH DAY
and
SNEHVANDAN

(Ashalata Desai)

*

ટિપ્પણીઓ»

1. Mohammedali'wafa' - મે 18, 2007

He did not write hindi gazal.It is Urdu .Better we understand the difference of Urdu and Hindi.The Urdu collection of Adil saheb’Hashraki subhe darakhshan ho..’is transliterated in hindi,for the fans who could not rad directly urdu.Adil saheb originally started writing in urdu Ihave mentioned it in the discussion of his gazal ‘Kamine kutte’
wafa

2. વિવેક - મે 18, 2007

શ્રી આદિલ મન્સૂરીજીને જન્મ દિનની હાર્દિક શુભેચ્છાઓ….

तुम जियो हज़ारों साल, सालके दिन हो पचास हज़ार…

3. naraj - મે 18, 2007

HAPPY Birth Day to Janab Adil Mansuri

4. પંચમ શુક્લ - મે 18, 2007

આધુનિક ગુજરાતી ગઝલના પ્રણેતા….
આદરણીય આદિલ સાહેબને
જન્મદિનની હાર્દિક શુભેચ્છાઓ.

5. સુરેશ જાની - મે 18, 2007

બહુ જ સરસ પોસ્ટ બનાવી છે.
આદીલજીની સર્જકતા તને ફળી છે.

6. pravinash1 - મે 18, 2007

આદિલ અને ગઝલ એક બીજામાં ગુંથાયા છે
શોધવાનો ઠાલો પ્રયત્ન અધિક ગુંચવાયા છે

7. deepak parmar - મે 18, 2007

આદીલ’ ના શેર સાંભળી આશ્ચર્યથી કહ્યું,
ગઇકાલનો આ છોકરો,શાયર બની ગયો.

મારી પ્રિય ગઝલ… ‘ આદીલ’ સાહેબને જન્મદિવસની શુભકામનાઓ…

8. Mohammedali'wafa' - મે 18, 2007

ઉર્દુ,ગુજરાતીના યુગપ્રવર્તક મહાન ઈંનસાન અને શાયર જનાબ ‘આદિલ મનસુરી” સાહેબને સલામ સહિત.અર્પણ.અલ્લાહ જલ્લેશાનહુથી દૂઆ છે કે અલ્લહ એમને વધુને વધુ તંદુરસ્તી અતા ફરમાવે.અને લાંબુ આયુષ્ય અર્પણ કરે અને હજી ઉર્દુ,ગુજરાતી ને એમની નિગરશાતનાં અમૂલ્ય મોતીઓ લણવાની તમન્ના પુરી પાડે.

તેરે બચપનકો જવાનીકી દૂઆ દેતી હું
દૂઆ દે કર પરેશાન સી હોજાતી હું.
_સાહિર લુધ્યાંન્વી

અમારા રકતથી નહાતું નગર મળે નમળે.
ચિરાયેલાં ગરીબોના જિગર મળેન મળે.

નિહાળીલો દશા ઉર્દુના પહેલા શાયરની
પછી ભાંગેલ તે ‘વલી’ ની કબર મળે ન મળે.

જઈ જોઈ જરા લો એહસાન જાફરી નું મકાં,
પછી કો શાયરનો આવો હસર મળે ન મળે.

હવે કાંકળિયે ફવ્વારા ખૂન ના રોપો
બને વણજાર ની કોઈ નજર મળે ન મળે.

જલાવો સાબરમતીને કયાંક રોકીને
પછી એ રામના નામનું રટણ મળે નળે.

ભરી લીધું વતનની રેતથી તમે માથું
પછી શું ખબર ‘આદિલ’ અવસર મળે મળે.

‘વફા’વતન ની મહોબ્બત હિસ્સો ઈમાન તણો ફ
રી પાછી અમોને રંગીન કદર મળે નમળે.
_મોહંમદઅલી’વફા’

चेहरा छूपाके हमतो शहर से निकल गये
खूने कतील कब तलक खामोश ही रहता.

लावा की तरह फैला शहरकी नब्ज नब्ज में
मरजाता है ईंनसान मगर ये नही मरता.
__________’’वफा’
વધુ માટે જૂઓ: બઝમે વફા बझ्मे वफा Bazme wafa بزمِ وَفاَ
http://bazmewafa.wordpress.com/

9. Tasneem - મે 18, 2007

Dear Dad,

Happy Birthday!!!!!

Thank you for writing ‘ka bahu lisso hato lapsee gayo’.. for me.

Hopefully, some day you can teach the kakko to Aliya.

10. Kauser Mansuri - મે 18, 2007

Dear Pappa,

Wish you a very HAPPY BIRTHDAY!

Thanks for being a great dad!! J

Kauser, Husain, Humaira, Sarah and Adnaan

11. Bansinaad - મે 19, 2007

[…] કવિ પરીચય  અને ‘મળે ન મળે’ – શ્રી આદિલજીને 71માં જન્મદિન… No Comments so far Leave a comment RSS feed for comments on this post. TrackBack URI […]

12. NITIN & PRATIMA - મે 19, 2007

Happy 71st B’Day Dear Mr. Aadil or say heart please come here mane you always r in the hearts of the people who loves shairi.
bye the way my daughter and your daughter Taz r very close friends.
That’s y I get and opportunity to wish you a verry Happy Birthday.
My husband also wishes u the best.

13. ઊર્મિસાગર - મે 19, 2007

અમારી ભાવનાને માન આપી બ્લોગર ભાઇ બહેનોએ આજની ટપાલોમાં જે ઉત્સાહ અને ભાવ પ્રગટ કર્યા તેનો પ્રતિસાદ આદરણીય આદિલજીએ નીચે મુજબ પાઠવ્યો છે –
————————————————————————–
આદરણીય ઊર્મિસાગરજી ,

આપે, સુરેશભાઇ જાની અને સર્વ શૂભેચ્છકો, મિત્રો સ્વજનોએ લાગણીભર્યા શબ્દો, શિઘ્ર કાવ્યરચનાઓની અમી વર્ષા દ્વારા નેટ ઉપર જે ગુલાલ ઉડાવી ઉજવણી કરી, તે બદલ હૃદયપૂર્વક સર્વનો ઋણી છું.

ખૂબ ખૂબ આભાર સાથે એક તાજા ગઝલના થોડાક શેર….

થાકી જશો શરીરેની સાથે ફરી ફરી
હોવાપણાનો ભાર નહીં જીરવી શકો.

મિત્રો ને શત્રુઓથી બચી નીકળો પછી,
પડછાયાનો પ્રહાર નહીં જીરવી શકો.

મૃત્યુનો ઘા કદાચ તમે જાવ જીરવી
જીવનનો બેઠ્ઠો માર નહીં જીરવી શકો.

મૂકીએ ગઝલના ચોકે બનાવીને બાવલું,
માથે સતત હગાર નહીં જીરવી શકો.

– ‘આદિલ’ મન્સૂરી

14. આભાર, આદિલજી! « સહિયારું સર્જન - પદ્ય - મે 19, 2007

[…] દીકરા અને દીકરીએ પણ અહીં હાજરી નોંધાવ…અમારા આનંદને ચરમ સીમાએ પહોંચાડી દીધો […]

15. ઈ-મેલમાં -આદિલ મન્સૂરી « ઊર્મિનો સાગર - મે 19, 2007

[…] શ્રી આદિલજીના જન્મદિવસ નિમિત્તે સહિયારું સર્જન પર ‘મળે ન મળે’ પરથી કાવ્ય લખવા આમંત્ર…!! […]

16. raeesh maniar - મે 19, 2007

મારા પ્રિય શાયર આદિલસાહેબને નિરામય દીર્ઘાયુની શુભેચ્છાઓ
રઇશ મનીઆર

17. Shah Pravin - મે 20, 2007

પ્રિય શાયર આદિલસાહેબને જન્મદિવસની અનેક શુભેચ્છાઓ!

“કોઇના નામનું રટણ ચાલે,
જ્યાં સુધી શ્વાસની ધમણ ચાલે.
સૂર્ય ચાલે અને હરણ ચાલે,
પગ ઉપાડું તો સાથે રણ ચાલે.
ત્યાં સુધી ચહેરો રાખજો ખૂલ્લો,
જ્યાં સુધી ચન્દ્રનું ગ્રહણ ચાલે.
એક ક્ષણ તો સમુદ્ર જંપી જાય,
એક ક્ષણ જે ઘડી ઝરણ ચાલે.
ઊંઘવાનું કબરમાં છે આદિલ,
જિંદગીભર તો જાગરણ ચાલે.”

એમનું જ પુષ્પ એમને ચરણે ધરું છું.
આભાર.

18. જય - મે 20, 2007

આદિલભાઈને જન્મદિવસ નિમિત્તે ખુબ ખુબ શુભેચ્છાઓ..
માનવીય જીવનના સંવેદનોની વાચા આપતી ગઝલોમાં ઘણી જીવનકથાઓ સમાયેલી હોય છે..આ સુંદર પોસ્ટમાં એનાં જરૂર દર્શન થાય છે.

19. Deepsamarpan - મે 21, 2007

Bhari lo swas man ani sugandh no dario
Wish YOU all the best and many many returns of the Day! Adilbhai

20. batul mansuri - મે 22, 2007

dear dad, may 18/2007
happy birthday
Thanks for everything you did for me.
wish you all the best dad.
from: batul,saeed,azima,shazia,aisha mansuri

21. KALPESH BHATT - ઓગસ્ટ 28, 2007

I AM LOOKIG GUJARATI KAKO FOR MY KIDS.
THX
K.BHATT.

22. Pradipsinh zala - જૂન 4, 2008

Vanchi lo aadil ne. fari aavi gazal male na male.

23. ગાગરમાં સાગર » Blog Archive » ઝાકળ ઉડી ગયું અને ડાઘાં રહી ગયા… શ્રી આદિલભાઈને શ્રદ્ધાંજલી ! - નવેમ્બર 6, 2008

[…] સુખદ આશ્ચર્ય આપ્યું હતું. એ પહેલાં એમનાં 71માં જન્મદિવસની પોસ્ટ નિમિત્તે માત્ર એકવાર એમની સાથે ઈમેલથી વાતચીત […]


Leave a comment