jump to navigation

હું એપ્રિલ 20, 2007

Posted by સુરેશ in સર્જનક્રિયા.
trackback

આપણે ‘તું’ આવે તેવી રચનાઓ ભેગી કરવાનો અથવા રચવાનો પ્રયાસ કર્યો. આ બહુ મુશ્કેલ કામ હતું – ‘હું‘ ને બાકાત રાખવાનું. બહુ કાળજીથી આપણી જાતને બાકાત  રાખવા પ્રયાસ કર્યો.

પણ  ‘તું’ને આપણે કવિતામાં મૂકીએ એટલે તે જણાવનાર તરીકે આપણી જાત અભિપ્રેત થઇ  જ જાય –  ન લખીએ તો પણ ! કેટલું બધું દુષ્કર કામ છે – ‘હું’ ને બાકાત રાખવાનું? !  ચાલો ત્યારે હવે આ ‘હું‘ ભાઇ કે બહેનની જ આરાધના કરીએ !

હું જાઉં છું.  હું જાઉં છું. ત્યાં આવશો કોઇ નહીં.
સો સો દિવાલો બાંધતાં ત્યાં ફાવશો કોઇ નહીં.
–  અજ્ઞાત કવિ

હું કરું. હું કરું એજ અજ્ઞાનતા
શકટનો ભાર જેમ શ્વાન તાણે.
– નરસિંહ મહેતા

સૂતાં હશો તો ખ્વાબમાં આવી જઇશ હું.
સારા બદનમાં ફૂલ થઇ મહેંકી જઇશ હું
.   – કૈલાસ પંડિત

અહીં ઇશ પોતાને માટે ‘હું’ બોલે;
રમે ‘હું’ અને ‘હું’ જ ‘હું’ ને રમાડે
. – પ્રફુલ્લ દવે

અને મારી ત્રણ રચનાઓ…

હે રામ! હે રામ! કેમ ન દીસતા રામ?
આંખો મારી અંધ બની, હું કાંઇ ન ભાળું રામ! – હે રામ…
 

કેટકેટલાં અંતર કાપું,
છતાં નથી હું સહેજ ખસ્યો
.

ધારો કે, ધરી પાંખ હું ઉડી શકું આકાશમાં શાનથી;
ધારો કે, બની મસ્ત હું ઘુમી શકું, જ્યાં ચાહું ત્યાં તાનથી;
કિલ્લોલું, સરતો રહું, ગણગણું, ગીતો મઝાનાં વળી;
પ્હાડો, જંગલ, કંદરા, સરવરો, સરિતા તટો મોજથી.

અને…. ઊર્મિની એક રચના (આ ‘હું ‘ માટે ખાસ બનાવેલી ! ) –

આ ક્ષણને માણવા હું ય નિજ અંતરમાં ગુંડાણો,
ઊર્મિના સાગરમાં આવી હું ય ક્યાંક ખોવાણો,

ચાલો, હવે આ સરળ કામ કરીને કેમ છો?! થી શરુ કરેલી આ શ્રેણીની પૂર્ણાહૂતિ કરીએ.

જાણીતા કવિઓની અથવા આપણી પોતાની રચનાઓ… ખજાના-શોધ અથવા સર્જનક્રિયા !

* * *

ટિપ્પણીઓ»

1. Shah Pravin - એપ્રિલ 20, 2007

‘હું’ની રમત,
‘હું’માં ‘હું’ વસે,
‘હું’થી ‘હું’ સુધી જવું,
એ જ આ ‘હું’ની
છે આરાધના.

2. Shah Pravinchandra Kasturchand - એપ્રિલ 20, 2007

હું જાઉં છું હું જાઉં છું ———–

કવિ સ્વ. શ્રી કલાપી.

========================

3. vijayshah - એપ્રિલ 20, 2007

હું મારા હુંમાંથી નીચોવાઇને…

ઘડીયાળના કેદખાનામાં
સમયને પુરી દઇ
સુંદર દેહલતાથી
નૃત્યની કો ભંગીમાને મૂર્ત કરતી
તુ મને છાપામાં આવતી
“જોઇએ છે”ની જાહેરખબરોની જેમ
લલચાવે.
હું સ્થિતપ્રજ્ઞ મુનિની જેમ
તટસ્થ નિષ્ક્રિય રહેવા ચહું
પેલી ચકલીનો ટકટકારો
આંધળી ચાતળ*ની જેમ બંને બાજુ ફાંફા મારે
આવેગનાં વંટોળ
અચાનક આધાર મળતા
પગે વીંટળાઇ ગઇ
પેલી આદમની જંગાલીયત
જ્યારે ઇવે પાંદડુ પહેર્યુ
તંગ બનતી મગજની નસો..ધીમે ધીમે
હું મારા હુંમાંથી નીચોવાઇને…
ઓઢાડુ વસ્ત્રો
ને તુ ઘડીયાળનાં પીંજરેથી
મુક્ત મેનાની જેમ
ખીલખીલાટ

*ચાતળ = બીન ઝેરી સાપનો એક પ્રકાર
(‘હું એટલે તમે’ 1977માં પ્રસિધ્ધ થયેલ મારા પ્રથમ કાવ્ય સંગ્રહમાંથી)

4. Rajiv - એપ્રિલ 20, 2007

“રાજીવ” ને પુછયુ કે તુ કોણ છે?
અને જવાબ મલ્યો…

હું એક બંધ હૃદયનો ધબકાર છુ..
હું એક સુકાયેલી નદીનો કીનાર છુ…

હું એક અંધારી રાતનો ચંદૃ છુ..
હું મારાજ મૃત્યુનો આક્રંદ છુ…

હું મારા દુશ્મનોની જીત છુ..
હું સુર-અવાજ વીહીન એક ગીત છુ…

– રાજીવ

5. chetan framewala - એપ્રિલ 21, 2007

હું નથી કાઠી ફકત,એવું કહી એ કરગરે.
છું હું બંસી પ્રેમની,કોઈ મને હોઠે ધરે.

સત્ય છું હું એટલે, કડવાશ છે મુજમાં; છતાં
અંતરે ઊતારશો તો દૂધમાં સાકર ભળે.

હું ને છોડે જો તું ચેતન , પામશે તું સુખ બધાં
ને નફામાં જીવ તુજ, ભવ લાખ ચોર્યાશી તરે..

જય ગુર્જરી,

ચેતન ફ્રેમવાલા

6. chetan framewala - એપ્રિલ 21, 2007

હું હવે મુજને કદી મળતો નથી.
શોધતાં યે હું હવે જડતો નથી !

આંખ હું બીડું ને બસ, પામું તને
તેથી તો ચેતન હવે ખપતો નથી.
****************************

હું નહીં તો તું હશે, શોધો મને
ભીતરે ઊંડે કશે શોધો મને.

મારા દ્વારે હું જો તમને ના મળું!
તો દિશા ખોલો દશે, શોધો મને.

પ્રેમ નાં ગબે બોલ મુજને પણ કહો,
જડ મહીં ચેતન થશે, શોધો મને!

જય ગુર્જરી,
ચેતન ફ્રેમવાલા

7. જય - એપ્રિલ 21, 2007

બેબસ દેખૈયા નુ એક મુક્તક:

વિકટ પંથે વિચરતાં ન ડરૂં હું
ખુશીથી કંટકો પર સંચરૂં હું
પડે છે દુ:ખ અપરંપાર તોયે-
કોઈ દિન થાય પાછો નવ ધરૂં હું

મનહરલાલ ચોક્સી

જીવન્-ઉપાસનાની સદા ધૂન છે મને
હું જિંદગીનો એક નવો દ્રષ્ટિકોણ છું
મારી વિચાર-જ્યોત મને માર્ગ આપશે
છું એકલવ્ય, હું જ અને હું જ દ્રોણ છું

8. Shah Pravin - એપ્રિલ 22, 2007

‘હું’ ને ‘હું’ વચમાંનું અંતર,
કાપવા કરું જંતર-મંતર.

9. ઊર્મિસાગર - એપ્રિલ 22, 2007

તારામાં ક્યાંક ખોવાઇ ગયેલી હું,
મળી નહીં ક્યારેય પાછી મને હું.

10. જય - એપ્રિલ 22, 2007

મુસાફિર પાલનપુરી

કવિ છું ભોગવું છું આગવી રીતે હું જીવનને
મધુરપ જ્યાં ચહું ત્યાં એક્ધારી મેળવી લઉં છું
મળે છે એક પળ જો કોઈની મોહક નજર મુજથી
તો હું એમાંથી વર્ષોની ખુમારી મેળવી લઉં છું

નવલ દવે

જોઈ લ્યો કેવો ગજબ જંગ થઈ ગયો
હું જ મારી જાતથી દંગ થઈ ગયો
લઈ અરીસો હાથમાં ને જરા જુઓ
હું તમારા રૂપનો રંગ થઈ ગયો

રમેશ પટેલ

હસ્તરેખા સ્પષ્ટ બનતી જાય છે
આ ક્ષણો પણ સ્તબ્ધ બનતી જાય છે
હું શ્વસું છું શબ્દને આ ખંડમાં
ને હવા નિ:શબ્દ બનતી જાય છે

પ્રવીણ સોલંકી

હું તારા પ્રેમને કોઈ ગજથી માપી ન શક્યો
તેં મને દુ:ખ દીધાં તોયે સંતાપી ના શક્યો
હે ખુદા! આપણે મગરૂર એટલાં હતા કે
હું કંઈ માંગી ન શક્યો, તું કંઈ આપી ન શક્યો

ભગવતીકુમાર શર્મા

રેત છું પણ શીશીમાં ખરતો નથી
શૂન્યતાને ‘હું’ વડે ભરતો નથી
મારા પડછાયા કરે છે ઘાવ પણ
હું સમય છું એટલે મરતો નથી

11. deepak parmar - એપ્રિલ 29, 2007

રંગબેરંગી ઉંચા આકાશમાં,
આમ-તેમ ઝોલા ખાતો,
હા! હુ પતંગ છું.

એક હાથથી બીજા હાથમાં,
શુક્ક્લ નામે પીંખવાતો,
હા! હુ પતંગ છું.

બીજાના પેંચની રમતમાં,
આખરે હુંજ કપાતો,
હા! હુ પતંગ છું.

રોડમાં,મેદાનમાં,ધાબામાં,
બસ! હુંજ લુંટાતો,
હા! હુ પતંગ છું.

જીવનના છેલ્લા દીવસોમાં,
કોઈ ઝાડ કે તારમાં અટવાતો,
હા! હુ પતંગ છું.

ના મન હોય મારું ઉડવામાં,
કુંચો કરી ખુણામાં ફેકાતો,
હા! હુ પતંગ છું.

“દીપ”ને આ જગતમાં,
બસ! હુંજ સમદુઃખી લાગતો,
હા! હુ પતંગ છું.

દીપક પરમાર (“દીપ”)


Leave a comment