jump to navigation

‘ધારો કે…’ ફેબ્રુવારી 16, 2007

Posted by સુરેશ in સર્જનક્રિયા.
trackback

શ્રી જગદીશ જોશી કહે છે કે:

ધારો કે એક સાંજ આપણે મળ્યા, અને આપણે હળ્યા
પણ આખા આ આયખાનું શું?

આખી રચના વાંચવા અહીં ‘ક્લીક’ કરો.

વળી શ્રી ભાગ્યેશ જહા કહે છે :

ધારો કે ફૂલ કો’ક ચૂંટે ને સાચવે, ને આપે ને સુંઘે તો સારું.
ધારો કે એક દિ’ની જિંદગીમાં મળવાનું, થોડું લખાય તો ય સારું.
પણ ઉપવનમાં ઝુરવાની હોય જો સજા, તો મળવાનાં ખ્વાબોનું શું?

આખી રચના વાંચવા અહીં ‘ક્લીક’ કરો.

ધારો કે, આ ઇંટરનેટ ની શોધ ના થઇ હોત… ધારો કે, આ બ્લોગો બનાવાય એવું કોઇને સુઝ્યૂં જ ન હોત… ધારો કે ‘ઊર્મિ’ ને આ ‘સહિયારું સર્જન’ નો બ્લોગ બનાવવાનો વિચાર જ ન આવ્યો હોત… અથવા ધારો કે, આપણી મનમાનિતી વ્યક્તિ આપણી જીવનસાથી બની જાય… અથવા ધારો કે, આપણું વાંછિત આપણને મળી જાય… અથવા ધારોકે આપણા હાથમાં આકાશના તારાઓ આવી જાય તો…?!

ઘણું બધું આપણે ધારી શકીએ. પણ એ ધારેલું ન થાય તો મુંઝાઇએ નહીં, વળી નવું બીજું કંઇ ધારી લઇએ!  નવા સપનાં અને નવા પ્રયત્નો….

આ અઠવાડીયામાં આપણે મોકળું મન રાખીને આપણી ધારણાઓને છૂટ્ટો દોર આપવાનો છે.  ભલે ને તે ધારણાઓ સફળ ન થાય!!

માત્ર ધારવાની જ મજા માણીએ,
ચાલો સહિયારું સર્જન કરીએ…
“ધારો કે…”  થી શરુ કરીએ !!!

ચાલો, હું જ શરુઆત કરું છું – મારી એક તરોતાજા, ખુશનૂમા રચનાથી –

( શાર્દૂલ વિક્રીડિત )
ધારો કે, ધરી પાંખ હું ઊડી શકું આકાશમાં શાનથી;
ધારો કે, બની મસ્ત હું ઘુમી શકું, જ્યાં ચાહું ત્યાં તાનથી;
કિલ્લોલું, સરતો રહું, ગણગણું, ગીતો મઝાનાં વળી;
પ્હાડો, જંગલ, કંદરા, સરવરો, સરિતા તટો મોજથી.

જેને જેમ અને જે લખવું હોય તે લખવાની છૂટ છે. પણ બની શકે તો સંસ્કૃત છંદમાં લખવા પ્રયત્ન કરીને આપણી મહાન પરંપરાઓને ઉજાગર કરવાની ધારણા રાખીએ તો?

* * *

ટિપ્પણીઓ»

1. સુરેશ જાની - ફેબ્રુવારી 16, 2007

પંખી બનું, ધારો કે હું, આજ ગગનમાં,
ઉડતો રહું, સરતો રહું, આજ આ નભમાં.

દૂર દૂરે, ડુંગરા પર, ભમતો રહું રે,
વન વન ફરું , સેર કરું, હરિત બાગમાં.

આમ ફરું, તેમ ફરું, મસ્ત બનીને,
ગામ તણી ગલી ઘુમું, સહજ શ્વાસમાં.

પવનની હું હોડ કરું, વીર બનીને,
નદી કેરાં નીર ચૂમું, ઘડીક વારમાં.

અરે! આ તો સપન હતું, ખબર પડી જ્યાં,
ધમ્મ દઇ પાછો પડ્યો આ જ જગતમાં.

2. ઊર્મિસાગર - ફેબ્રુવારી 16, 2007

દાદા, ધમ્મ દઇને પલંગની નીચે તો નથી પડી ગયા ને?!! 🙂

3. દિનેશ ઓ. શાહ - ફેબ્રુવારી 16, 2007

– કુમકુમના સૂરજનું શું? –

ધારો કે કાદવમાં મારા પગ ખુંચાયા, ન પાછા વળાય તો શું?
જોઉં રે કાદવમાં કમળ મલકતું, એ વેદના મારી ન સમજે તો શું?

ધારો કે કાળા વાદળ ઘેરાયા, ને વરસ્યા વાદળ કોરી ભોમ પર
પાણી ભરાયાં મારી ઝુપડીમાં ચારકોર, હવે ભડકે બળે તો’ય શું?

ધારોકે અમાસનાં અંધારા ઉતયાઁ, આભે તારલાઓ ઉમટે તો શું?
લાખો તારલા આપી ન શકે ચાંદની,એ વાત ના સમજે તો શું?

ધારો કે સાંજે સુરજ જેમ મારો, કુમ કુમનો સૂરજ આથમ્યો
કાલે સવારે ફરી ઉગશે સુરજ, મારા કુમકુમના સૂરજનુ શું?

ધારો કે ફુલડાને ડાળિયો ઝુલાવતી, ફરી વાગે વસંતની વાંસળી
વષોઁથી રોતી, ઝુરાપાને ઝુરતી, મારી મુંગી આ વેદનાનું શું?

દિનેશ ઓ. શાહ, ગેઇન્સવીલ, ફ્લોરીડા, યુ.એસ્.એ.

4. bansinaad - ફેબ્રુવારી 18, 2007

સરી જતી યુવાની ને ધારો કે રોકી શકું

મળી છે યુવાની પણ સરી જાય છે ધસમસતા પૂર ની માફક,
ધારો કે એને હું રોકી શકું સમય ના વહેણ માં ખોવાઈ જતી

બનાવું લાગણીઓને કલમબદ્ધ કમ્પ્યુટર પર ઈંટરનેટ થકી,
બહેલાવું વિચારોને સમાંતર મિત્રોના અહેસાસ વડે

બનું હું સ્નેહનું અવિરત ઝરણું હોસ્પીટલના દરદીઓમાં
ફેલાવું અવિચળ જ્ઞાન-જ્યોત વિદ્યાર્થીઓના પ્રેમાળ હૈયામાં

ફરૂં હું આ વિશ્વમા સૌંદર્યનું રસપાન અતિઉર આનંદે,
ન મોકો હું ગુમાવું સેવાનો દરેક જીવ માં ઈશ ને નિહાળતો

સમજું હું પ્રેમ ના પવિત્ર ઝરણાં ને હૃદય ના શુદ્ધ ભાવોથી,
અર્પું સ્નેહની અમૃતાંજલિ મારાં પ્રેમ ને દિવ્ય ભાવો થી

માંગુ હું સાથ મિત્રોનો જીવન સાગર માં થી પામવાં મોતીને,
થતું અલભ્ય દર્શન મૈત્રીનું ને રહેતું ચિરંતન યુવાનીની મહેફિલમાં

મળી છે યુવાની પણ સરી જાય છે ધસમસતા પૂર ની માફક,
ધારો કે એને હું રોકી શકું સમય ના વહેણ માં ખોવાઈ જતી

5. સુરેશ જાની - ફેબ્રુવારી 18, 2007

ધારોકે, મુજ પાદ કાદવ મહીં ખૂંપી ગયા હો અને,
હું પાછો ન ફરી શકું, ખૂંપી રહું, ખૂંપ્યા કરું ભારથી.
તે જોઇ વળી પદ્મ કો મલકતું, જાણે નહીં મુજ વ્યથા;
એ શું છે દુનિયા તણી નીતિ અરે! કે ભાગ્ય છે માહરું ?

દિનેશભાઇની ઉદાર પરવાનગીથી તેમની રચનાની પહેલી કડીનું શાર્દૂલીકરણ (!) કર્યું છે. આ બ્લોગ એક વર્કશોપ છે એટલે આવું બધું ક્ષમ્ય ગણાયને?

જો આ ચેષ્ઠા કોઇને પણ ગમી હોય તો તેમને ઇજન છે કે બાકીની કડીઓ નું શાર્દૂલ વિક્રીડિતમાં રૂપાંતર કરવાના આ અભિયાનમાં સાથ પુરાવે.

6. pravinash1 - ફેબ્રુવારી 21, 2007

ધારો કે કે ઈશ્વરે માનવનું સર્જન ન કર્યું હોત તો શું
ધારો કે સાગર મીઠો અને શાંત હોત તો શું
ધારો કે માનવ માનવને સમજી શકતો હોત તો શુ
ધારો કે વસુધૈવકુટુંબકમ ની ભાવના જગે પ્રવર્તિત હોત તો શું
ધારો કે પ્રેમ નું સામ્રાજ્ય સારા જગે છાયું હોત તો શું

7. Bansinaad - ફેબ્રુવારી 25, 2007

[…] સર્જન પર વાંચો અન્ય કલાત્મક ભાવો ‘ધારો કે’ ના એક સુંદર વિષય પર No Comments so far Leave a comment RSS […]

8. ઊર્મિસાગર - માર્ચ 9, 2007

ધારો કે એક ફેરો સાથે ફરું, હું તુજમાં ભળું,
પણ, ચોર્યાસી લાખ ફેરાનું શું?

ધારો કે રોજ રોજ ધારણા ધરું, આજ છંદને મળું,
પણ, રોજ એ સંતાય એનું શું?

ધારો કે મને ભણાવે તું, ને હું ય ઉઠા ભણું,
તને એકડો ય ન આવડે એનું શું?

ધારો કે હું ના કાંઇ જ કરું, ના અટકળ કરું,
પણ, ધારવાની ધારણાનું શું?

ધારો કે રોજ એક ગાંઠ વાળું હું- એક ઊર્મિ છળું,
પણ, આખા ઊર્મિના સાગરનું શું?

9. Shah Pravin - માર્ચ 25, 2007

ધારો કે,
એક સાંજ ઢળે ને સપનાના સૂરજ ઉગે,
પહાડ ફાટે, નદીઓ ભરખાય,
દરિયા ઉડે આકાશ, ત્યાં જ
સૂરજ આળસ મરડે,
જળ-સ્થળ, સ્થળ-જળ …
ને પછિ આકાર એકે ના મળે,
એક સાંજ ઢળે ને સપનાના સૂરજ ઉગે,
ને સૂરજ ઉગે નવો,
ને પછિ નવા જળ-સ્થળ-વાયુ,
નવા આકાશ, નવી ક્ષિતિજો,
નવા પહાડ, ઝરણાં, નદીઓ,
નવા જન્મો, નવા સંબંધો,
નવું જીવન, ને ‘અવિ’ નવા ઉમંગો,
એક સાંજ ઢળે ને સપનાના સૂરજ ઉગે.

10. lajja - માર્ચ 26, 2007

ખુબ જ સરસ ચએ.ધરોકે.. અવિ કવિતા હુ વરમ્વર વાચી શકુ

11. સંકલિત: ‘ધારો કે…’ « સહિયારું સર્જન - પદ્ય - ઓગસ્ટ 17, 2007

[…] આગળની પોસ્ટ:  ‘ધારો કે…’ […]

12. utsav raval - ડિસેમ્બર 4, 2009

vah vah …………..

aap sahu na aa Comments

pache hu to su kav pan man thay 6 k jo

hu aa સહિયારું સર્જન jot to hu pan kya ધારો na kari sakat

aaj ni aa sam khubj saras 6 mara mate


Leave a comment