jump to navigation

સંકલિત: પતંગ એપ્રિલ 25, 2007

Posted by ઊર્મિ in કાવ્યો, ગીત, મુક્તકો, સંકલિત, હાઇકુ.
trackback

આ વિષય ઉપર હજી પણ બીજા મિત્રોએ રચના લખવી હોય તો નીચે કોમેંટમાં લખી શકે છે!

આગળની પોસ્ટ: ચાલો, આપણે ય કાવ્યોનાં પતંગો ચગાવીએ !

* * *

ઉદાહરણ તરીકે આ એક રચના આપી હતી…

શ્રી રમેશ પટેલ ‘પ્રેમોર્મિ’ પતંગ અને દોરીની ઉપમા આપી લખે છે…

સખી રે મારી તું તો પતંગ ને હું દોર,
કાપી ના કાપે એવી જોડ…

આખી રચના વાંચો… ઊર્મિનો સાગર પર…

* * *

હવે આપણે આપણા સૌની રચનાઓ માણીએ…

*

– મુક્તક –

બની પતંગ ઉડુ આભે, બાંધી દોર ને પવનને સહારે,
કે બનું પતંગીયું ઉડુ ફુલો મહીં મુજ પંખના સહારે,
ભલે ન જુવે સૌએ મને કે ઉંચે ઉડે પેલો પતંગ,
આનંદ છે હૈયે ઘણો સુંદર ફુલો મહીં રમવા તણો.

(દિનેશ ઓ. શાહ)

* * *

– કાવ્ય –

કહેને સખી આ ઉતરાણે શું કરીશ?
ફિરકી પકડીશ કે ઉડાડીશ પતંગ

ઠુમકા મારી મારીને હાથ દુખશે,
તો ય નહિ ચઢે તારી ફાંકડી પતંગ!

ગરમા ગરમ ઢીલી તલસાંકળી ખા,
ચાલ ચઢાવી દઉં તારી ફાંકડી પતંગ!

આ ખેંચણીયા પડોશી ખેંચે તે પહેલા,
લે સહેલ સખી ચઢી ફાંકડી પતંગ!

કાશીબોર થાળ લઇ આવ્યો નાનકો,
કાઇપો તેંતો પેલો મોટો ચવ્વો પતંગ!

અરે ઝુંટણીયો આવ્યો લૈને લંગર જો,
સંભાળ સખી જરા તારી ફાંકડી પતંગ!

અરે! શું થયુ? ક્યારે લાગ્યો’તો પેચ!
કેમ રે કપાઇ ગઇ તારી ફાંકડી પતંગ!

જિંદગી પણ આવી આપણી રોજ ,
ચગીયે ને કપાઇએ બની કટી પતંગ!

(વિજય શાહ)

* * *

– લઘુકાવ્ય –

ઊંચે આભે તું વિસ્તરતો’તો
ને પાંખ પ્રસારી ચોગમ તું ફરતો’તો.
પણ જ્યાં દોર કપાયો
કે તું અડવડિયા ખાતો’તો
ને ધરતીના છોરુની વચ્ચે
ચરર ચરર ચિરાતો’તો.
જીવન તારું જોઈ
મનમાં કૈં કૈં થાતું’તું
કે જ્યાં દોર તૂટ્યો સાથ તણો
કે સહુનું આવું થાતું’તું.

(પ્રવીણચંદ્ર શાહ)

* * *

– મુક્તક –

ભલે મારી આકાશે ના વિહરે પતઁગ
ટીચકી મારી મારી હૈય ભરુઁ ઉમઁગ
ભલે કાઈપો છે ન સાઁભળે પતઁગ
દિલ દિમાગ તરબતર એવો અનેરો ઉમઁગ

(પ્રવિણા કડકીયા)

* * *

– મુક્તક –

દોરી લીધી ને કિન્ના બાંધી
ઠમકો માર્યો ને ગતિ લીધી
રહ્યો સવાલ ‘સંક્રાંતિ’ ને અંતે
ઢાલને આ કન્યા કોણ બાંધશે???

(સર્જિત અમીન)

* * *

– કાવ્ય –

મારી ભીતર ઉડે છે એક ક્લ્પનાની પતંગ

મારી ભીતર ઉડે છે એક ક્લ્પનાની પતંગ,
લાગણીઓ ના સહારે એ ઉડતી પતંગ
પ્રેમ ના ધબકારે એ આંબતી પતંગ

મારી ભીતર ઉડે છે એક આશાની પતંગ,
વિશ્વાસ ની સંગાથે એ ઉછળતી પતંગ
અરમાનોની વણઝાર લઈ ને ઉડતી પતંગ

મારી ભીતર ઉડે છે એક મૈત્રીભાવની પતંગ
સમભાવની ઓથે એ મલકાતી પતંગ
ગુજરાતી બ્લોગર્સ ને સાથે લઈ ઉડતી પતંગ

મારી ભીતર ઉડે છે એક શાયરી ની પતંગ
પ્રેમીશાયરો સાથે ઉડતી એ ઘેલી પતંગ
હૈયાની હળવાશ ને મૈત્રી થી ભીંજવતી એ પતંગ

મારી ભીતર ઉડે છે એક પ્રેમ ની પતંગ
અમી-ઉલ્લાસની છોળો ઉડાવતી એ પતંગ,
કપાઈ ને પણ આનંદ રેલાવતી એ પતંગ

(જય ભટ્ટ)

* * *

– મુક્તક –

તંગ કરતી પતંગ કોઈને, કાપી કોઈનો પતંગ,
દોરી કોઈની કાચી,એને લેપમાં લેતી પતંગ,
આ જીવનની જાળ કંઈક આવીજ ભાસે,
ચગે કોઈનો પતંગ તો ફુદડી ફરતો કોઈનો પતંગ.

(વિશ્વદીપ બરડ)

* * *

– મુક્તક –

સંબંધોના આકાશે ઉડી’તી મારા પ્રેમની પતંગ,
ચગાવી’તી તમે જ મારા શમણાંની રૂડી પતંગ,
સ્નેહ-દોરીની ઢીલ આપવાનું કાં ચૂક્યા, વ્હાલા?!
જુઓ, ભટકે છે હવે મુજ ઊર્મિની આ કટી પતંગ!

(ઊર્મિસાગર)

* * *

– હાઈકુ –

ધાબા ઉપર
સંધાયા,તૂટ્યા તાર
ફીરકી શાંત.

આકાશે ચગે
હૈયું ; દોર કોઈની
ફીરકી વીંટે.

આકાશ-ધાબે
કપાયેલા પતંગે
સંધાયાં હૈયાં.

(જુગલકીશોર વ્યાસ)

* * *

– ગીત –

ઢઢ્ઢો જો ટટ્ટાર, ઊભો રે’,
ફસક્યો તો તે પણ ફસકે છે,
છે કમાન તો પહોળી છાતી,
ને છટકી તો નહીં કોઇનો,

જાતજાતના રંગ રૂપ છે,
નાના મોટા કંઇ માપ છે.
કોઇ પાવલો, કોઇ અડધીયો,
પટાદાર વળી આંખેદાર છે,

કોઇ ઘેંસીયો, કોઇ ફૂદડીયો
કોઇ ઝીલ, કોઇ છટાદાર છે.
હોય મોટો એ ભડભાદર તો,
કંઇ ટુક્કલને સ્ હેલ દેત છે.

કન્ના બાંધો તો જ કાબુમાં
નહીં દોર તો વહે લ્હેરમાં,
ગીન્નાયો તો વજન માંગતો
ઘવાય તો પટ્ટા માગે છે.

પવન પડે તો આવે પાછો,
ઠમકા મારે રહે હવામાં
બીન હવામાં ગોથ મારતો,
પવન ભરાય તો ફાટી જાય છે.

ઢીલ પેચ લે, વળી ખેંચીને,
શત્રુને તે મા’ત કરે છે.
કદી પેચમાં કપાઇ જાતો,
સમીર સાથ તે વહી જાય છે.

કહી વારતા ચતુર સુજાણ સૌ !
પતંગની કે મારી તમારી ?

(સુરેશ જાની)

* * *

ટિપ્પણીઓ»

1. deepak parmar - એપ્રિલ 29, 2007

રંગબેરંગી ઉંચા આકાશમાં,
આમ-તેમ ઝોલા ખાતો,
હા! હુ પતંગ છું.

એક હાથથી બીજા હાથમાં,
શુક્ક્લ નામે પીંખવાતો,
હા! હુ પતંગ છું.

બીજાના પેંચની રમતમાં,
આખરે હુંજ કપાતો,
હા! હુ પતંગ છું.

રોડમાં,મેદાનમાં,ધાબામાં,
બસ! હુંજ લુંટાતો,
હા! હુ પતંગ છું.

જીવનના છેલ્લા દીવસોમાં,
કોઈ ઝાડ કે તારમાં અટવાતો,
હા! હુ પતંગ છું.

ના મન હોય મારું ઉડવામાં,
કુંચો કરી ખુણામાં ફેકાતો,
હા! હુ પતંગ છું.

“દીપ”ને આ જગતમાં,
બસ! હુંજ સમદુઃખી લાગતો,
હા! હુ પતંગ છું.

દીપક પરમાર (“દીપ”)


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: