jump to navigation

સંકલિત: ‘સમય’ નવેમ્બર 3, 2006

Posted by ઊર્મિ in કાવ્યો, ગઝલો, મુક્તકો, મુક્તપંચિકા, લધુકાવ્યો, સંકલિત.
trackback

આ વિષય ઉપર હજી પણ બીજા મિત્રોએ રચના લખવી હોય તો નીચે કોમેંટમાં લખી શકે છે!

આગળની પોસ્ટ:  સર્જનક્રિયા-૬: સમય

* * * 

-મુકતક- 

સમયનો સાદો નિયમ છે, કે અટકતો નથી,
નિયમ છે પ્રેમનો સાદો, કદી યે ટકતો નથી,
તમારો સાદો નિયમ છે, કે સૌને ભટકાવો,
ને મારો સાદો નિયમ છે, કે હું ભટકતો નથી.

-ગઝલ –

સંધ્યાની જેમ ક્ષણમાં ઢળી જાય છે સમય,
સદ્-ભાગી કો’ક ને જ ફળી જાય છે સમય.

રહેશો ના કોઇ ક્ષણ, આ સમયના ગુમાનમાં,
ઢળતા પવનની જેમ સરી જાય છે સમય.

ક્યારેય કોઇ એકનો થઇને રહ્યો નથી,
રાજા અને નવાબનો બદલાય છે સમય.

‘આઝાદ’ અણઉકેલ, સમસ્યા છે આ સમય,
સમજી શકે છે તેમને સમજાય છે સમય.

(કુતુબ ‘આઝાદ’)

* * *

-મુકતક-

સમય-સમય બલવાન હૈ,
નાહી મનુષ્ય બલવાન ,
કાબે અર્જૂન લૂટીયો,
વોહી ધનૂષ વોહી બાણ.

(અજ્ઞાત)

* * *

-મુકતકો-

લંબચોરસ ઓરડામાં એક સમય ઘૂંટાય છે,
વક્ર રેખાઓ શ્રણોની શ્વાસમાં છેદાય છે.
શક્યતાનું એક પણ વર્તુળ નથી પુરું થતું,
હરશ્રણે કંપાસ ની તીણી અણી ભોંકાય છે.

માછલી માછલી ભીંગડાં ભીંગડાં ને ચળકતો સમય
ને કિનારા પર હવાનો મંદ પગરવ સાંભળું છું;
લોહી વચ્ચેથી નીકળીને નાઠો ‘નયન’ નાગડો પૂગડો
કેટલાં વર્ષો વીત્યાં તો પણ હજી હું ખળભળું છું.

-શેર-

આ અનાદિ સમયના તટે હું ઊભો,
મારા પડછાયાઓ છટપટે, હું ઊભો.

સાંજના તરફડાટો શમ્યા ના શમ્યા,
રાતની યાદ લઈ પોફટે હું ઊભો.

(નયન હ. દેસાઈ)

* * *

-શેર-

તમને સમય નથી અને મારો સમય નથી.
કોણે કહ્યું કે આપણી વચ્ચે પ્રણય નથી.

-મુકતક-

સમયની જાળની વચ્ચે હું સપડાઈ નથી શકતો,
સ્થિતિ-સંજોગનાં બંધનમાં જકડાઈ નથી શકતો;
જગત મારા જીવનના આયના જેવું છે, જેમાં હું-
પ્રતિબિંબ જોઉં છું પણ કેદ પકડાઈ નથી શકતો.

(બરકત વિરાણી’ બેફામ’)

* * *

-શેર-

સમયના થાળમાં જે જે કંઈ વાનગી આવી, થયું;
તારી જે ફરમાઈશ અને પરવાનગી આવી.

(મકરન્દ દવે)

* * *

-શેર-

સમયના હાથને કઈ રીતે ઠેલશો પાછો?
એ માત્ર ચીજ તે તમનેય વ્હાલી હોઈ શકે.

(રમેશ પારેખ)

* * *

-શેર-

હું તો ફૂંક હળવી હવાનું ઘરેણું
સમયની જરા સામે મૂકી દો વેણું

(મનોજ ખંડેરિયા)

* * *

-શેર-

બની આઝાદ જ્યારે માનવી નીજ ખ્યાલ બદલે છે.
સમય જેવો સમય આધીન થઇને ચાલ બદલે છે.

(રજની પાલનપુરી)

* * *

-શેર-

કેટલા વરસો પછી મેં જાળ નાંખી છે !
આ સમયની માછલી પકડાય તો આવું.

(મનિષ પરમાર)

* * *

-શેર-

હું નથી પૂછતો હે સમય! કે હજી તું ગુજારીશ દિલ પર સિતમ કેટલા?
એટલું પ્રેમથી માત્ર કહી દે મને, જોઇએ તારે આખર જખમ કેટલા?

(‘શૂન્ય’ પાલનપુરી)

* * *

-મુકતક-

અજંપો અજંપો અજંપો નર્યો,
સમય! તેં કીડી થઈને ચટકો ભર્યો.
ફરી હાથ મૂક્યો મેં તારા ખભે,
ફરી પાછો આજે હું ખોટો ઠર્યો.

(ડૉ. વિવેક મનહર ટેલર)

* * *

-ગઝલ –

ઉજાસને ખોબામાં ભરતા મને જોઇને,
મુઠ્ઠીભર અંધકાર વેરી ગયો સમય.

રણને તરસથી તરફડતું જોઇને,
ઝાંઝવાનાં જળ પીરસી ગયો સમય.

ઝાંકળને પંપાળતા તડકાને જોઇને,
આકાશ વાદળીયું કરી ગયો સમય.

તારી ને મારી વચ્ચેની ઇમારતને,
પળમાં ધરાશયી કરી ગયો સમય.

જિંદગીને દુ:ખના દરિયામાં ડુબોવીને,
સુખનો એક અવસર આપી ગયો સમય.

(ઊર્મિસાગર)

* * *

-કાવ્ય-

કણ કણ બની વેરાતો સમય…
સપનાઓમાં વિખેરાતો સમય
રેતી સમ હથેળીમાંથી સરતો સમય
બંધ મુઠીમાં કદી સચવાતો સમય
સાતતાળી દઇ સદા છટકતો સમય
યાદોની કરવતથી કપાતો સમય
પારાની જેમ દદડતો સમય
પલપલ રંગ બદલતો સમય
વ્યસ્તતાના વાઘા પહેરી ફરતો સમય
‘હાશકારા’થી સદા આઘો રહેતો સમય
અહમના હાથપંખાથી વીંઝાતો સમય
સ્મરણોના ખાલીપાથી નીતરતો સમય
‘સ્ટેચ્યુ’ કહેતાં યે ન થંભતો સમય
પ્રસૂતિગૃહથી સ્મશાન સુધીનો રસ્તો સમય.

(નીલમ દોશી)

* * *

-મુકતક-

તું સમયને આંબવાનું છોડી દે,
રાત-દી’ ફંફોસવાનું છોડી દે.
જે લખ્યું છે, એટલું ‘ચેતન’ મળે!
હસ્ત-રેખા માંઝવાનું છોડી દે.

(ચેતન ફ્રેમવાલા)

* * *

-લધુકાવ્ય-

સમયનો સાદો નિયમ છે કે અટકતો નથી,
રોકુ સાંજે સૂરજને ઢળવાથી,પણ રોકાતો નથી,
સવારે આશાના કિરણ સાથે ઉગવાનું ચૂકતો નથી,
રૂતુ આવે ને રૂતુ જાય,સમય બદલાતો નથી,
ભણાવે ગમે તે પાઠ સૂરજ,પણ માણસ સમજતો નથી. 

(જીતેન મહેતા)

* * *

-શેર-

આ ટુચકા ટચાક ખૂલે, ટુચના ઘણા રૂપો,
સમયના કાંતણે ક્ષણોની ગૂંચનાં ઘણા રૂપો.

કિટ કિટક ટક ટક કરે,
બેપગ સમય ઝટપટ ઝરે.

(પંચમ શુકલ)

* * *

-લધુકાવ્ય-

મને આટલું બધું આપ્યું
છતાંય, સમય –
મારી પાસે
કંઇ પણ રહેવા દેતો નથી.
તું તો સદીઓનો માલિક છે
પરંતુ
જેને મારી કહી શકું એવી
એક પળ રહેવા દેતો નથી.

(જયશ્રી ભક્તા)

* * *

-મુક્તપંચિકા- 

સમય કેમ
પરખાય રે!
સરતો રેતી સમ,
ન પકડાય,
ન નીરખાય.

(નીલા કડકિયા)

* * *

-ગઝલ-

ઘડિયાળના કાંટા ઉપર ફેલાયલો સમય.
પ્રતિક્ષા તણી આખો મહીઁ રેલાયલો સમય.

રણમા રહી સદીઓ પછી એ રેત થઇ ગયો,
તે યાદના કો,કાફ્લે વીઁટળાયલો સમય.

એ પીગળે આંખો મહી લઇ વેદનાનો ભાર,
ઘર ઘર અને ગલીઓ મહીઁ લૂટાયલો સમય.

એને તમે પાછો કદી રોકી નહીઁ શકો,
વહેતા વહેણને નાભિએ ખુઁપાયલો સમય.

ઇતિહાસના કો આયને ડોકાશેએ કદી,
યાદોતણા મખમલ મા છૂપાયલો સમય.

જ્યારે મને કહેશો તમે આવી જઈશ ‘વફા’
હુઁ કઁઇ નથી કો,જામથી ઢોળાયેલો સમય.

(મોહમ્મદઅલી ભૈડુ’વફા’)

* * *

-ગઝલ-

સમય ભુલાવે ભાન, એવું કહો છો મારા ભાઇ!
હતા કદીયે ભાનમાં? તે ભુલીયે પાછા ભાઇ?

સમય સમયની બલિહારી છે, એવું કહો છો ભાઇ!
સમય આવે ને મન ઊઠે, એમેય બને છે ભાઇ!

સમય વર્તે સાવધાન, તે ભારી બંકા ભાઇ !
શેરને ય માથે સવાશેર છે, તે પણ સાચું ભાઇ!

સમયનાં વાજાં સમયે વાગે, તે તો સાચું ભાઇ!
સંકટનાં પડઘમ ના શમતા, તેનું શું કરવું ભાઇ?

સમય જતાં સહેવાશે, એવું કહો છો ભાઇ!
પણ મારા દિલની આ ઊલઝન, શેં કદિ ન ઊલઝે ભાઇ?

કોઇને માટે નથી અટકતો, સમય તે સાચું ભાઇ!
પગલે પગલે અટકાવી દે, તેનું શું કરવું ભાઇ?

શ્વાનનો ય સમય આવશે, એવું કહો છો ભાઇ!
રાહ એની શેં જોવી? મુજને સમઝાવો ભાઇ!

ક્યારે ય કોઇનો થયો નથી, આ સમય, મારા ભાઇ
ખયાલ બદલું તો તને ય નાથું, એ પણ સાચું ભાઇ!

સમય સમય બલવાન છે, તે તો સાચું ભાઇ!
પણ નિર્બલકે બલ રામ છે, તે પણ સાચું ભાઇ!

(સુરેશ જાની)

* * *

ટિપ્પણીઓ»

1. vijayshah - નવેમ્બર 4, 2006

સમય ને સમયનુ કામ કરવા દીધુ તો
સમયની સાથે સમયની ફરિયાદ ગઇ.

સારો કે ખરાબ સમય હોતો નથી કદી
અપેક્ષા પ્રમાણ જ તો ખરો આધાર છે

સમય તો વાત કહેતો ટીક ટીક કરતા
દરેકે દરેક સમય આવે છે, જતો રહેવા

સમય વર્તે સાવધાન એ વાત સર્વ સાચી
સમય વિના વરસેલ મેહ, વ્યર્થ તે પાણી
-વિજય શાહ

2. Bharat Pandya - નવેમ્બર 5, 2006

સમયને રોકો નહી ,સમય રોકાશેે નહી
ક્ષણ ગઈ તે પાછી કદી ડોકાશે નહી

ક્ષ્ણોને તોળો નહી,ક્ષણો ને બસ માણો
બુધ્ધી ના ત્રાજવએ એ તૉળાશે ન્હી

સારું છે ગયેલ સમય કદી પાછો નથી ફરતો
ફરી એ વીતેલી ખુશીઓ હવે જીરવાશે નહી

સમય તો છે રેતી જેવૉ એને પકડશો નહી
બાંધી રાખો એને તોયે ઝાલ્યો ઝલાશે નહી

અતી બલવાન છે પ્રકૃિત છે ‘હસરત’ સમયની
કોઇની શેહ રાખી નથી, તારી પણ રાખશે નહી

ભરત પંડ્યા.

3. Amit pisavadiya - નવેમ્બર 14, 2006

સમય વહ્યો
મુજ મન મહી ઘા
વધતો રહ્યો.

4. Devika Dhruva - જાન્યુઆરી 8, 2007

સમયના સામર્થ્યની વાત સહજ નથી
સમય ઘડીયાળના ફરતા કાંટા નથી
સમય વીતીને કદી પાછો વળતો નથી
કે ભાવિની વીતક કદી કહેતો નથી.
સમય તિથિ-વારમાં વહેંચાતો નથી
કે કોઇની મુઠીમાં કદી બંધાતો નથી
સમય આંસુથી યે રોકાતો નથી
કે સ્મીતથી કદી છેતરાતો નથી.

5. Devika Dhruva - જાન્યુઆરી 8, 2007

નથી…,નથી…,નથી.નો આ સમય શું છે ?
સમય તો અનન્તની વિસ્મયલીલા છે.
સમય અનાદિથી સરતી અવિરત ધારા છે.
સમયને જિરવવો જિગરનું કામ છે.
સમય તો ક્ષણ ક્ષણની સમજ છે.
સમય ઇશ્વરના સામર્થ્યનો અંશ છે.

6. Shah Pravin - એપ્રિલ 29, 2007

******
સમય ક્યારે ય હાર્યો નથી, થાક્યો નથી,
ક્ષણ વાર એ વિચારવા રોકાયો નથી.
******
ભૂતકાળને શું વાગોળવા બેઠા તમે,
ગયો સમય પાછો કોઇનો આવ્યો નથી.
******


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: