jump to navigation

સર્જનક્રિયા-૬: સમય September 15, 2006

Posted by સુરેશ in સર્જનક્રિયા.
trackback

‘સમયનો સાદો નિયમ છે, કે અટકતો નથી,
નિયમ છે પ્રેમનો સાદો, કદી યે ટકતો નથી,
તમારો સાદો નિયમ છે, કે સૌને ભટકાવો,
ને મારો સાદો નિયમ છે, કે હું ભટકતો નથી.’

-કુતુબ ‘આઝાદ’

—————————————————-

     ‘સમય’ વિશેના શેર આપણે ભેગા કરીશું. પોતાના સર્જન પણ ચાલશે અને બીજાના સંગ્રહ કરેલા પણ. જો બીજાના હોય તો શાયરનું નામ જરૂર લખજો. જો ના ખબર હોય તો ‘અજ્ઞાત’ એમ લખજો.

      ચાલો દરિયા કિનારે છીપલાં વીણવા લાગી જઇએ !

Advertisements

Comments»

1. "UrmiSaagar" - September 16, 2006

ઉજાસને ખોબામાં ભરતા મને જોઇને,
મુઠ્ઠીભર અંધકાર વેરી ગયો સમય.

રણને તરસથી તરફડતું જોઇને,
ઝાંઝવાનાં જળ પીરસી ગયો સમય.

ઝાંકળને પંપાળતા તડકાને જોઇને,
આકાશ વાદળીયું કરી ગયો સમય.

તારી ને મારી વચ્ચેની ઇમારતને,
પળમાં ધરાશયી કરી ગયો સમય.

જિંદગીને દુ:ખના દરિયામાં ડુબોવીને,
સુખનો એક અવસર આપી ગયો સમય.

‘ઊર્મિસાગર’

આપના અભિપ્રાયો અહીં આપશો…
http://urmi.wordpress.com/2006/06/21/samay/

2. nilam doshi - September 16, 2006

કણ કણ બની વેરાતો સમય…
સપનાઓમાં વિખેરાતો સમય
રેતી સમ હથેળીમાંથી સરતો સમય,
બંધ મુઠીમાં કદી સચવાતો સમય
સાતતાળી દઇ સદા છટકતો સમય
યાદોની કરવતથી કપાતો સમય
પારાની જેમ દદડતો સમય
પલપલ રંગ બદલતો સમય
વ્યસ્તતાના વાઘા પહેરી ફરતો સમય
‘હાશકારા’થી સદા આઘો રહેતો સમય
અહમના હાથપંખાથી વીંઝાતો સમય
સ્મરણોના ખાલીપાથી નીતરતો સમય
સ્ટેચ્યુ કહેતા યે ન થંભતો સમય
પ્રસૂતિગૃહથી સ્મશાન સુધીનો રસ્તો સમય.

નીલમ દોશી.

3. Chetan Framewala - September 17, 2006

સમય-સમય બલવાન હૈ,
નાહી મનુષ્ય બલવાન ,
કાબે અર્જૂન લૂટીયો,
વોહી ધનૂષ વોહી બાણ …
અગ્નાત …

લંબચોરસ ઓરડામાં એક સમય ઘૂંટાય છે,
વક્ર રેખાઓ શ્રણોની શ્વાસમાં છેદાય છે.
શક્યતાનું એક પણ વર્તુળ નથી પુરું થતું,
હરશ્રણે કંપાસ ની તીણી અણી ભોંકાય છે..
******************
માછલી માછલી ભીંગડાં ભીંગડાં ને ચળકતો સમય
ને કિનારા પર હવાનો મંદ પગરવ સાંભળું છું;
લોહી વચ્ચેથી નીકળીને નાઠો ‘નયન’ નાગડો પૂગડો
કેટલાં વર્ષો વીત્યાં તો પણ હજી હું ખળભળું છું….
*****************
આ અનાદિ સમયના તટે હું ઊભો,
મારા પડછાયાઓ છટપટે, હું ઊભો.

સાંજના તરફડાટો શમ્યા ના શમ્યા,
રાતની યાદ લઈ પોફટે હું ઊભો.
**********************
નયન હ. દેસાઈ..

*******************************
સમયની જાળની વચ્ચે હું સપડાઈ નથી સકતો,
સ્થિતિ-સંજોગનાં બંધનમાં જકડાઈ નથી શકતો;
જગત મારા જીવનના આયના જેવું છે, જેમાં હું-
પ્રતિબિંબ જોઉં છું પણ કેદ પકડાઈ નથી શકતો..

બરકત વિરાણી’ બેફામ’
*******************

સમયના થાળમાં જે જે કંઈ વાનગી આવી,
થયું; તારી જે ફરમાઈશ અને પરવાનગી આવી.

ગઝલ જાહેર માં છેડી, નજરઝીણી કરી જોયું,
ચહેરા પર સહુના, વાત વહેતી ખાનગી આવી….

મકરન્દ દવે
*****************************

સમયના હાથને કઈ રીતે ઠેલશો પાછો?
એ માત્ર ચીજ તે તમનેય વ્હાલી હોઈ શકે.
રમેશ પારેખ..
*********
હું તો ફૂંક હળવી હવાનું ઘરેણું
સમયની જરા સામે મૂકી દો વેણું
મનોજ ખંડેરિયા.
*****************
તું સમયને આંબવાનું છોડી દે,
રાત-દી’ ફંફોસવાનું છોડી દે.
જે લખ્યું છે, એટલું ‘ચેતન’ મળે!
હસ્ત-રેખા માંઝવાનું છોડી દે..

જય ગુર્જરી,
ચેતન ફ્રેમવાલા…

4. સુરેશ જાની - September 17, 2006

મારી રચના વાંચો –

http://kaavyasoor.wordpress.com/2006/07/04/samay/

5. સુરેશ જાની - September 17, 2006

કુતુબ ‘આઝાદ’ની આખી ગઝલ –

સંધ્યાની જેમ ક્ષણમાં ઢળી જાય છે સમય.
સદ્-ભાગી કો’ક ને જ ફળી જાય છે સમય.

રહેશો ના કોઇ ક્ષણ, આ સમયના ગુમાનમાં
ઢળતા પવનની જેમ સરી જાય છે સમય.

ક્યારેય કોઇ એકનો થઇને રહ્યો નથી
રાજા અને નવાબનો બદલાય છે સમય.

‘આઝાદ’ અણઉકેલ, સમસ્યા છે આ સમય
સમજી શકે છે તેમને સમજાય છે સમય .

આ ગઝલ મનહર ઉધાસ ના ‘આવાઝ’ આલ્બમમાં સાંભળી શકશો. બહુ જ સરસ અને શાંત લય છે.

6. Jiten - September 17, 2006

samay no sado niyam che ke atakto nathi
roku suraj ne sanje dhal vathi, pan e na rokay
savarna aasha na kiran sathey ugvathi e chuk to nathi…
rutu aave ne rutu jay pan loco na badlay
bhanave game te path suraj pan manas samajtoj nathi.

7. nilam doshi - September 17, 2006

સમયનો સાદો નિયમ છે કે અટકતો નથી,
રોકુ સાંજે સૂરજને ઢળવાથી,પણ રોકાતો નથી,
સવારે આશાના કિરણ સાથે ઉગવાનું ચૂકતો નથી,
રૂતુ આવે ને રૂતુ જાય,સમય બદલાતો નથી,
ભણાવે ગમે તે પાઠ સૂરજ,પણ માણસ સમજતો નથી.

જીતેન મહેતા.

8. પંચમ શુક્લ - September 17, 2006

આ ટુચકા ટચાક ખૂલે, ટુચના ઘણા રૂપો,
સમયના કાંતણે ક્ષણોની ગૂંચનાં ઘણા રૂપો.

9. પંચમ શુક્લ - September 17, 2006

કિટ કિટક ટક ટક કરે,
બેપગ સમય ઝટપટ ઝરે.

10. Jayshree - September 17, 2006

મને આટલું બધું આપ્યું
છતાંય, સમય –
મારી પાસે
કંઇ પણ રહેવા દેતો નથી

તું તો સદીઓનો માલિક છે
પરંતુ
જેને મારી કહી શકું એવી
એક પળ રહેવા દેતો નથી

11. shivshiva - September 18, 2006

સમય કેમ
પરખાય રે
સરતો રેતી સમ
ન પકડાય
ન નીરખાય

12. સુરેશ જાની - September 18, 2006

બની આઝાદ જ્યારે માનવી નીજ ખ્યાલ બદલે છે.
સમય જેવો સમય આધીન થઇને ચાલ બદલે છે.
– રજની પાલનપુરી

13. વિવેક - September 21, 2006

કેટલા વરસો પછી મેં જાળ નાંખી છે !
આ સમયની માછલી પકડાય તો આવું.
-મનિષ પરમાર

અજંપો અજંપો અજંપો નર્યો,
સમય ! તેં કીડી થઈને ચટકો ભર્યો.
ફરી હાથ મૂક્યો મેં તારા ખભે,
ફરી પાછો આજે હું ખોટો ઠર્યો.
– વિવેક

14. સુરેશ જાની - October 3, 2006

તમને સમય નથી અને મારો સમય નથી.
કોણે કહ્યું કે આપણી વચ્ચે પ્રણય નથી.
– બેફામ

હું નથી પૂછતો હે સમય! કે હજી તું ગુજારીશ દિલ પર સિતમ કેટલા?
એટલું પ્રેમથી માત્ર કહી દે મને, જોઇએ તારે આખર જખમ કેટલા?
-શૂન્ય પાલનપુરી

15. Mohammedali Bhaidu"wafa" - October 25, 2006

સમય __મોહમ્મદઅલી ભૈડુ’વફા’
(ગઝલ)

ઘડિયાળના કાંટા ઉપર ફેલાયલો સમય.
પ્રતિક્ષા તણી આખો મહીઁ રેલાયલો સમય.

રણમા રહી સદીઓ પછી એ રેત થઇ ગયો,
તે યાદના કો,કાફ્લે વીઁટળાયલો સમય.

એ પીગળે આંખો મહી લઇ વેદનાનો ભાર,
ઘર ઘર અને ગલીઓ મહીઁ લૂટાયલો સમય.

એને તમે પાછો કદી રોકી નહીઁ શકો,
વહેતા વહેણને નાભિએ ખુઁપાયલો સમય..

ઇતિહાસના કો આયને ડોકાશેએ કદી,
યાદોતણા મખમલ મા છૂપાયલો સમય.

જ્યારે મને કહેશો તમે આવી જઈશ ‘વફા’
હુઁ કઁઇ નથી કો,જામથી ઢોળાયેલો સમય.

__મોહમ્મદઅલી ભૈડુ’વફા’
બ્રામ્પટન,કેનેડા 23અઓકટો.2006

16. સંકલિત: ‘સમય’ « સહિયારું સર્જન - November 3, 2006

[…] આગળની પોસ્ટ:  સર્જનક્રિયા-૬: સમય […]

17. pravina Kadakia - November 4, 2006

સમય
સરળ સરતો સમય
પાણીના રેલા સમ અભય
ભીડમાં ન અટવાતો
એકલતામાં ન મુંઝાતો
અંધારે ન અથડાતો
અજવાળે આલિંગાતો
કદીયે ન બંધાતો
કસમય કે સમય
સમઝદાર
મઝેદાર
યાદગાર


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: