મેહુલીયો September 21, 2007
Posted by ઊર્મિસાગર in સર્જનક્રિયા.13 comments
મિત્રો, આમ તો આપણે આગળ મેઘરાજાનાં આગમન વખતે જૂનમાં જ ‘વરસાદ’ વિષય આપ્યો હતો… અને આપણા બધા કહ્યાગરાં અને પ્યારા મિત્રોએ ખરેખર અહીં આપેલા શબ્દ ‘વરસાદ’ને જ બરાબર પકડી રાખ્યો હતો… આભાર મિત્રો! :-) એટલે આજે મને થયું કે અહીં પહેલા જો ઝરમર ઝરમર વરસાદ વરસ્યો હોય તો આજે ધોધમાર મેહુલીયો કેમ ના વરસે ?!! ખબર નહીં કેમ, પણ જ્યારે હું વરસાદ શબ્દ બોલું છું ત્યારે મને એ જરા ધીરગંભીર વડીલ જેવો લાગે છે, અને જ્યારે મેહુલીયો શબ્દ બોલું છું તો મને એ એકદમ બાળક જેવો તોફાની, નખરાળો અને ધોધમાર લાગે છે…!! તમને શું લાગે છે મિત્રો??
ચોમાસાની ઋતુ જ્યારે હવે વિદાય થવાની તૈયારીમાં જ છે ત્યારે મેઘરાજાને વિદાય આપવા માટે આપણે આજે ફરીથી અહીં વરસાદની જ કવિતા લખીએ, પરંતુ ગંભીર વરસાદની નઇં હોં… તોફાની, નખરાળા ને ધોધમાર મેહુલ કે મેહુલીયાની કવિતા… ચાલશે ને?! (એમ તો તમે પણ મને ભવિષ્યનાં વિષયો વિશે સૂચન આપી શકો છો હોં મિત્રો!)

આજે જ મેં મારા ગાગરમાં સાગર બ્લોગ પર કવિ કિરણ ચૌહાણનું મેહુલીયો આયો ગીત મૂક્યું છે… અને એનું સંગીત પણ મેહુલીયાએ જ… આઇ મીન, મેહુલ સુરતીએ આપ્યું છે…
મોરી ગાગરમાં દરિયો છલકાયો,
કે બેની મારે રુદિયે ધોધમાર મેહુલીયો આયો…
આખું ગીત અહીં વાંચો અને સાંભળો…
હમણાં થોડા દિવસ પહેલાં જ મેં નખરાળા મેહુલીયા પર એક ગીત લખ્યું હતું… (હા, આ વખતે મેં જરા અંચઈ કરી લીધી છે!)
ક્યારેક ઝરમર વરસે…
ક્યારેક ધોધમાર વરસે…
મિત્ર વિવેકે એક મજાનું વરસાદી બાળગીત લખ્યું છે… એમાં એણે તોફાની મેહુલીયાને તો નથી બોલાવ્યો, પણ બાળકો સાથે એમાં રમતાં-રમતાં ભીંજાવાની મજા તો તમને જરૂર આવશે!
ચાલ ને ભેરુ ન્હાવાને, વરસાદની મોસમ છે,
ધરતી સાથે વાદળના સંવાદની મોસમ છે.
છરાવાળી તારી હોડી,
મારી સીધી-સાદી;
કોની હોડી આગળ જાશે,
ચાલીએ છાતી કાઢી
અને મેહુલીયાનું નામ આવે ત્યારે કવિ શ્રીઅવિનાશ વ્યાસનું આ ગીત તો શેં ભૂલાય?! ‘વરસાદ’ વખતે યાદ કરાવ્યું જ હતું પણ આજે ફરીથી યાદ કરાવી દઉં…
તો ચાલો મિત્રો, તૈયાર થઈ જાવ… બાળક બની મેહુલીયા સાથે થોડું તોફાન કરવા માટે… અને હા, તમે જો પૂરતો પ્રયત્ન કરશો તો મેહુલીયો અવશ્ય તમારી કવિતામાં પણ પધારશે જ હોં… અને એમ તો ભીંજાવાની મજા જ કંઇ ઓર હોય છે પરંતુ જો તમારે ભીંજાવું ના હોય તો છત્રી ખોલીને કવિતા લખવા બેસજો… કારણ કે આ તોફાની મેહુલીયાનો કાંઇ ભરોસો નઇં… એ તમારી કવિતામાં ધોધમાર વરસે ય ખરો…! અને જ્યારે વરસે ત્યારે ય કાંઇ ભરોસો નઇં કે કવિતાનાં કયા સ્વરૂપે વરસે…?!!

