બાળકૃષ્ણ September 7, 2007
Posted by ઊર્મિસાગર in સર્જનક્રિયા.16 comments
થોડા દિવસ પર જ જન્માષ્ટમી હતી… અને સૌ મિત્રોએ ખૂબ પ્રેમ અને ભાવથી ઉજવી જ હશે… અને અહીં આપણે પણ શ્રાવણ મહિનામાં શિવજીની શબ્દપૂજા કરી હતી, તો પછી આપણા નટખટ કન્હૈયાને કેમ ભૂલાય? આજે આપણે કન્હૈયાને આપણા શબ્દોમાં બાંધવાનો પ્રયત્ન કરીએ તો?!… જો કે, આમ તો એ નખરાળો કાનુડો યશોદામૈયાએ બાંધેલા બંધનમાં પણ બંધાયો નથી, પણ આપણે કમ સે કમ પ્રયત્ન તો કરીએ જ ને… ન બંધાય તો કાંઇ નહીં કે પછી કદાચ એવું પણ બને ને, કે એ આવીને એની મેળે જ આપણા કાવ્યમાં બંધાઈ જાય?!!
તો ચાલો આજે આપણે લખીએ… બાળ કન્હૈયા અને એની બાળલીલા વિશેની કવિતાઓ… તમારે એને જે નામથી બોલાવવો હોય એ નામથી બોલાવી શકો છે… કૃષ્ણ, કાળીયો, કા’નો, કન્હૈયો, ઘનશ્યામ, નંદકિશોર, યશોદાનંદન… અરે, એના એટલા નામો છે કે એના બધ્ધા નામો લખવાથી જ એક કવિતા લખાઇ જશે…

અને આમ તો કાનાને યાદ કરો એટલે રાધારાણી પણ એની મેળે જ આપણી યાદમાં રૂમઝૂમ કરતાં આવી જાય છે… પરંતુ બની શકે તો આપણે આજે માત્ર બાળ કન્હૈયાની જ કવિતાઓ જ લખીએ… કૃષ્ણ-રાધાનાં પ્રેમનો વિષય આપણે ફરી કોકવાર જરૂરથી રાખીશું.
નરસિંહ મહેતાનાં આ અત્યંત લોકપ્રિય કૃષ્ણગીતથી કોણ અજાણ્યું હોય શકે? જે આપણે સૌ નાનપણમાં શાળાઓમાં ભણ્યા જ છીએ…
જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે
જાગશે તને મારશે મને બાળ હત્યા લાગશે…
આખું ગીત ટહુકા પર વાંચો અને સાંભળો…
બાળ કન્હૈયાનું એક મને ખૂબ જ ગમતું ગીત…
કાનજી તારી મા કે’શે પણ અમે કાનુડો કે’શું રે
એટલું કે’તા નહીં માને તો ગોકુળ મે’લી દેશું રે
આ વખતે આનાથી વધારે રચનાઓ હું શોધી કરી શકી નથી… સોરી હોં! :-) પરંતુ તમને બાળકૃષ્ણની વધુ રચનાઓ મળે કે ખબર હોય તો અહીં જરૂરથી મૂકી શકો છો…
આગળ એકવાર મેં કન્હૈયા પર થોડી મુક્તપંચિકાઓ લખી હતી… જેમાંની એક,
કરે તું મને
પગપ્રહાર,
બનાવે જો સુંદર
ફરી, તો બનું
હું પણ કુબ્જા!
તો ચાલો મિત્રો, હવે તમે પણ કાનુડાનું આવાહન કરો… તમારી કલમમાં (કે કી-બોર્ડમાં)!! અને લખો કોઇ લઘુકાવ્ય, મુક્તપંચિકા, હાઇકુ કે કાંઇ પણ…
જય શ્રીકૃષ્ણ!

