jump to navigation

ચાલો ઉજવીએ… ‘સહિયારું સર્જન’ બ્લોગની પ્રથમ વર્ષગાંઠ!! September 2, 2007

Posted by ઊર્મિસાગર in પ્રકીર્ણ, સમાચાર.
13 comments

મિત્રો, આજે આપણા આ ‘સહિયારું સર્જન’ બ્લોગની પ્રથમ વર્ષગાંઠ છે…!!  તો કંઇક સ્પેશ્યલ તો હોવું જ જોઈએ ને?  હા, હા… કંઇક વધારે સ્પેશ્યલ જ પેશ કરું છું હું આજે, પરંતુ એ પહેલાં હું મારું થોડું લેક્ચર પણ આપી દઉંને જરા..!   બસ થોડુંક જ લાંબુ… વધારે નહીં હોં, (લગભગ) પ્રોમિસ!  :-) 

આજે હું મારા તમામ વાંચકમિત્રો, ભાવકમિત્રો અને સર્જકમિત્રોનો અંતરની ઊર્મિથી ખૂબ ખૂબ આભાર માનું છું, કે આપણા આ સહિયારા સર્જનમાં આપ સૌ હંમેશા મારી સાથે રહ્યા… મૌલિક સર્જન કરતાં રહ્યાં… અને મને તથા બીજા સર્જકોને હંમેશા પ્રોત્સાહન આપતા રહ્યા… આપ સૌના સાથ વગર આ બ્લોગની સફળતા બિલકુલ શક્ય જ ન’હોતી.  આશા રાખું છું કે આપ સૌનો સાથ મને હંમેશા આવી જ રીતે મળતો રહેશે. 

સૌપ્રથમ હું મારા મિત્ર નીલમબેન દોશીનો આભાર માનું છું કારણ કે એમના લીધે જ મને આ બ્લોગ બનાવવાની પ્રેરણા મળી હતી… એમણે એમનાં બ્લોગ પર વાંચકોને સર્જન કરવાનું આમંત્રણ આપતી એક પંક્તિ મૂકી હતી… ‘હું તો પીળું થયેલ એક પાંદડુ’ … જેના પરથી મને આ બ્લોગ બનાવવાનો વિચાર આવ્યો હતો… અને શરૂ શરૂમાં તો એમણે મારા સાથી તરીકે સાથ પણ આપ્યો હતો… અને હજી પણ ભાવક અને સર્જકમિત્ર બની સાથ અને પ્રોત્સાહન આપે જ છે… આભાર નીલમઆંટી!   શ્રીસુરેશભાઈ જાનીએ અહીં આપેલા યોગદાનને પણ નજર-અંદાજ કરી શકાય એમ નથી… 9-10 મહિનાનાં એમનાં અવિરત સહયોગ બદલ હું એમની ખૂબ જ આભારી છું!!

મિત્રો, તમને યાદ તો હશે જ કે ‘સહિયારું સર્જન’ થીમ ઉપર પંચમભાઈએ મને એક પંક્તિ આપી હતી… (આભાર પંચમભાઈ!) જેના પરથી મેં સૌને એક-એક પંક્તિ લખવાનું આમંત્રણ આપ્યું હતું અને ઘણા મિત્રોએ ખૂબ સરસ છાંદસ-અછાંદસ પંક્તિઓ પણ લખી હતી… એનું સંકલિત બનાવવાનું અને એમાંથી એક ગીત બનાવવાનું કામ ઘણા વખતથી મેં જાણી જોઈને જરા અભરાઈ પર મૂકી દીધુ હતું.  કારણ? 

આમ પૂછો તો કારણ કાંઈ જ નહીં, અને આમ પૂછો તો કારણ નહીં જ આપું, કારણ મને ગમે છે!  (ઉછીનો લીધેલો ડાયલોગ! ) અરે નહીં નહીં… હું કારણ પણ જરૂર આપીશ.  મુખ્ય કારણ તો એ જ હતું કે હું અત્યારે છંદ શીખું છું એટલે મને થયું હતું કે જ્યારે હું પૂરું શીખી લઈશ, ત્યારે જાતે જ થોડી પંક્તિઓને છંદમાં મઠારીશ અને એક સહિયારું-ગીત બનાવીશ… અને હવે થોડો થોડો આ છંદનો કાંઠો ચડ્યો છે ખરો, પરંતુ ઘડો તો હજી ઘણો જ કાચો છે… હજી તો ઘણો તપાવવાનો મારે એને… અને પાકો બનાવવાનો છે!  

હા, તો હું આપણા સહિયારા ગીતની વાત કરતી હતી…  પહેલાં તો મિત્રોએ મોકલેલી ઘણી બધી પંક્તિઓ(લગભગ 26-27 કુલ પંક્તિઓ)માંથી મેં થોડી પંક્તિઓને છંદમાં ગોઠવીને મઠારી હતી… અને આમા મુખ્ય વાત તો એ હતી કે મેં ઘણા વખત આગળથી જ (લગભગ 5-6 મહિના પહેલાંની) આ બધી પંક્તિઓને કોઈનાં પણ નામ લખ્યા વગર જ એક જગ્યાએ એકઠી કરી હતી… પરંતુ કામ થઈ શક્યું ન’હોતું એટલે થોડા દિવસ પહેલાં જ એને મઠારી અને એટલી બધી પંક્તિઓ હતી કે ગીતને ટુંકાવવા થોડી કડીઓ પસંદ કરવી જરૂરી હતી… કડીઓની પસંદગી કરતી વખતે 1-2 પંક્તિ સિવાય એ ખ્યાલ રહ્યો ન’હોતો કે પસંદગી પામેલી કઈ પંક્તિ કોની છે… મતલબ કે દરેક પંક્તિને પૂરો ન્યાય આપવાની પ્રામાણિક કોશિશ કરી છે… અને એમાંય વળી એકદમ સાચ્ચું તો એ જ છે કે પસંદગી પામેલી મોટા ભાગની પંક્તિઓની સૂરત બદલાઈ ગયેલી છે અને એટલે એક જ પંક્તિમાં કદાચ બીજી ઘણી પંક્તિઓનો વિચાર સમાયો હોય એવું પણ બને!  અને આમ આ ગીત ભાગ લીધેલા સૌ સર્જકમિત્રોનું, વાંચક-મિત્રો કે ભાવકમિત્રોનું… એટલે કે આપણા સૌનું સહિયારું જ ગીત છે!  છાંદસ કરેલી પંક્તિઓ મેં ફાઇનલ કરવા માટે મિત્ર વિવેકને બતાવી ત્યારે એમણે મને થોડી પંક્તિઓને જરા વધુ સારી રીતે મઠારી આપી અને પોતાની એક પંક્તિ પણ આપી… તેમ જ આ ગીત-ગઝલની કડીઓ પસંદ કરવામાં પણ એમણે એમનો થોડો સમય આપીને મને ઘણી જ મદદ કરી છે…  એ માટે હું મિત્ર વિવેકનો જેટલો આભાર માનું એટલો ઓછો જ છે… આભાર મિત્ર વિવેક!

તો મિત્રો, આજે સંકલિત-પોસ્ટની સાથે સાથે આ રહ્યું આપણું સહિયારું ગીત… ‘સર્જન સહિયારું’ !! 

* * *

સહિયારું ગીત: કરીએ સર્જન સહિયારું September 2, 2007

Posted by ઊર્મિસાગર in ગીત.
9 comments

~ કરીએ સર્જન સહિયારું ~

થોડું તારું, થોડું મારું કરીએ સર્જન સહિયારું,
આમ અલગ ને આમ અડોઅડ ભમીએ વનવન સહિયારું.

શબ્દોની લ્હાણી કરીએ તો મળે કાવ્યના નજરાણાં,
શબ્દો શબ્દો પંક્તિ પંક્તિ, થાશે સર્જન સહિયારું.

દે ચપટી અલ્લાહ તું તારો, લે થોડો મારો તું ઈશ્વર,
થોડી-થોડી બંદગી કરીએ, થોડું કીર્તન સહિયારું.

તબલાંનું તક્-ધિન્ છે કોઈ, કોઈ સિતારના તાર અલગ,
તાલ, સૂર ને રાગ અલગ છે પણ છે ગુંજન સહિયારું.

એક બાગના છોડ અલગ છે, છોડ છોડ પર ફૂલ અલગ,
એક છે ખુશ્બૂ પવન-પવનમાં, એક છે ઉપવન સહિયારું.

ભૂમિ અલગ-અલગ હો તો પણ માથે તો એક જ આકાશ,
તન છો જોજન દૂર વસ્યા પણ ભીતર છે મન સહિયારું.

હાથ હાથમાં, શ્વાસ શ્વાસમાં, સૂરમાં સૂર મળે સૌનો,
મૃત્યુ મરવા ચાહે, એવું જીવીએ જીવન સહિયારું.

* * *

‘સહિયારું સર્જન’ બ્લોગ પર રચાયેલું પ્રથમ સહિયારું ગીત…

છંદવિધાન: ગાગાગાગા ગાગાગાગા ગાગાગાગા ગાગાગા

*

સંકલિત: ‘સર્જન સહિયારું’ September 2, 2007

Posted by ઊર્મિસાગર in ગીત, સંકલિત.
6 comments

‘સર્જન સહિયારું’ વિષય પર સૌ મિત્રોની મૂળ પંક્તિઓ માણો…

આગળની પોસ્ટ: ‘સહિયારું’ રદીફ અને કાફિયા સાથે એક સહિયારું ગીત(ગઝલ) બનાવીએ…

* * * 

થોડું તારું, થોડું મારું કરિયેં સર્જન સહિયારું,
આમ અલગ ને આમ અડોઅડ ભમિયેં વનવન સહિયારું.

(પંચમ શુક્લ)

તું તારું જીવે, હું મારું એ તે કેવું અલગારું?
તું જીવ મારું ને હું તારું જીવિયેં જીવન સહિયારું.

શબ્દોની લ્હાણી કરશું તો મળશે કાવ્ય-સાલિયાણું,
શબ્દો શબ્દો પંક્તિ પંક્તિ, થાશે સર્જન સહિયારું.

(ઊર્મિસાગર)

ચપટી તારો ખુદા દે, ચપટી મારો ઇશ્વર લે,
થોડી બંદગી કરીએ, થોડું ભજન સહીયારુ

(વિશાલ મોણપરા)

થોડું સારું,થોડું માઠું કરિયે વર્તન મજિયારું,
આમ અલગ ને આમ હારોહાર જીવીયે જીવન સહિયારું.

તારું શું? ને મારું શું? આખર સઘળું સહિયારું,
સાવ સમીપે આવ હરિહર, ધરીયે જીવન સહિયારું.

(રાજેશ્વરી શુક્લ)

અનંતની વાટે ચાલતા,લાવ કરીએ કંઇક નિરાળું
ફૂલો તારા,મારા હો ભલે, છે ઉપવન તો સહિયારૂ.

(નીલમ દોશી)

ભુલી જઈએ સૌ વેર ઝેર, વર્તન કરીએ સૌ ન્યારુ,
અંધકાર ગયો ! હાલ ભેરુ ! હવે તો થયુ છે ઊજીયારું.

જીવનના દુઃખોનો લાલ રંગ, અને ખુશીઓનો હરિયાળો,
ભેગા રંગો બન્ને ભરિયે, કરીએ ચિત્ર-સર્જન સહિયારું.

ઘરના ચાર ખુણા અલગ, અલગ બધાની વાતો,
ઓરડા ભલે હો જુદા જુદા, રસોડુ તો છે સહિયારું.

કોક નું સાચું, કોક નું ખોટું, પણ ગુંજન છે સહિયારું,
સરગમના સુર-તાલ અલગ છે, ૫ણ સંગીત તો છે સહિયારું.

(ભાવિન ગોહીલ)

મારું મારા બાપનું, ને તારું મારું સહિયારું
એમ વિચારું, ક્યાંથી થાશે આપણું સર્જન સહિયારું?

તારું સૌ તારું જ રહે, ને મારું પણ હો તારું જી;
એમ વિચારું ત્યારે થાશે, આપણું સર્જન સહિયારું.

(સુરેશ જાની)

આવો, બેસો, પીવો પાણી, ગુજરાતીનું નજરાણું ;
સત્ય, અહિંસા એકાદશ વ્રતો, છે ભારતનું સહિયારું.

(મનવંત પટેલ)

થોડું થોડું હૈયે હેત, થોડું થોડું હસીયે,
ધીરે ધીરે જીવીયે સખી છે જીવન સહિયારું.

આવાગમ ને હીંચતો શ્વાસોનો હીંડોળા શો,
ઠીંસ ધીરેરે દેજે સખી છે જીવન સહિયારું.

(વિજય શાહ)

ખેંચાઈ ના જાય લકિરો આ ધરતી ઉપર તું-તું-મૈ-મૈ માં -
ખોવાય ના જાય યુવા એ ત્રિરંગા ના ત્રણ અલગ અલગ ટુક્ડાઓમાં -
ક્યારેક ખાધી હતી આપણે જેની કસમો -
ત્રિરંગાના એ ત્રણે રંગોને મીલાવી ચાલો બનાવિયે એક અખંડ ભારત, સહિયારું.

(હિતાર્થ જાની)

તારા મનથી હું જાડો, મારા મનથી તું જાડી,
ચાલો કરીએ હળી-મળીને, ઓછું વજન સહિયારું.

(મનોજ મહેતા)

જોજનો દૂર છતાંય આપણે એ રીતે બંધાયા છીએ
જુદી જુદી ધરતી ભલે હો, છે આસમાન સહિયારું

(જયશ્રી ભક્ત)

ટૂકડા ટૂકડા ભેગા કરિયેં, બનશે મહેલો સપનાના,
હૂસ્ન ઈશ્ક ના કાચો માથી થાશે દર્પણ સહિયારું.

થોડા છાંટા ભેગા કરિયેં હેતલની મીઠી વાવે,
ના મારું ને ના તારું પણ એ છે અર્પણ સહિયારું.

ભેગા કરશું પથ્થર સાથે નાના હો કે મોટા,
બનશે પ્યારનું નાનું ઝુપડું કરિયેં ચરતણ સહિયારું.

(મુહમ્મદઅલી ભૈડુ’વફા’)

વન વન ભમશું ભોમિયા વિના,પંથે હોય ભલે કંટક કંકર,
તારી મારી મંઝિલ એક જ, ચાલ વગાડ તું સર્જનનું જંતર

(કલ્પનાબેન સ્વાદિયા)

પુરુષોએ યુગોથી સ્ત્રીઓને છેતરી છે,
એની મીલ્કત એની ને મારી સહીયારી છે !!

(ને ઈશ્વરે પણ ક્યાં બાકી રાખ્યું છે)

પરમ આનંદની ક્ષણો હતી અમારી સહીયારી,
ને પ્રસુતી ની પીડા ફકત મારી એકલીની છે.

(ભરત પંડ્યા)

હાથ હાથમાં, શ્વાસ શ્વાસમાં, સૂરમાં સૂર મળે સૌનો,
મૃત્યુ મરવા ચાહે, એવું જીવીએ જીવન સહિયારું.

(ડૉ. વિવેક મનહર ટેલર)

* * *

સર્જનમાં ભાગ લેવા માટે સૌ સર્જકમિત્રોનો ખૂબ ખૂબ આભાર…!

*