સ્વાતંત્ર્ય… આઝાદી… August 10, 2007
Posted by ઊર્મિસાગર in સર્જનક્રિયા.14 comments
મિત્રો, બુધવારે 15 મી ઑગષ્ટ છે… ભારતનો સ્વાતંત્ર્ય દિવસ. એ માટે સૌ મિત્રોને આગળથી હાર્દિક વધાઈ અને આપણને સૌને સ્વાતંત્ર્ય દિવસની ખૂબ ખૂબ મંગલ શુભકામનાઓ…!!

ગણતંત્ર દિવસ નિમિત્તે આગળ જાન્યુઆરીમાં મેં અહીં દેશભક્તિ અને શહીદી વિષય આપ્યો હતો… પરંતુ, ઘણા મિત્રોને કદાચ “શું લખું?” ની મુંઝવણ થઈ હશે, એટલે માત્ર 2-3 રચનાઓ જ મળી હતી. કાંઈ વાંધો નઈં… હોતા હૈ, હોતા હૈ…. કાયમ જ કાંઈ કવિતાદેવી આપણા ઉપર થોડા રીઝાઈ જતા હોય? મારા પર પણ નથી રીઝાતા ઘણીવાર…
આજે હું દેશભક્તિ અને શહીદી તો નહીં (એ વિષય પર લખવું હોય તો ઉપર આપેલી લિંક પર ક્લિક કરો!) પરંતુ થોડો રીલેટેડ વિષય જ આપું છું… સ્વાતંત્ર્ય અથવા આઝાદી !! અને આ આઝાદી કે સ્વાતંત્ર્યતા માત્ર દેશની જ નહીં હોં… કોઈની કે કંઈની પણ હોઈ શકે… વ્યક્તિગત પણ હોઈ શકે અને દેશની પણ હોઈ શકે…
કવિલોકનાં દિલીપભાઈ પટેલ આઝાદી વિશે કહે છે કે…
બહાર ખાદી અંદર ગાદી કાં વદે વાણી ‘હું ગાંધીવાદી’ ?
હીંસક મીજાજી સ્વાર્થ તેજાબી દેખ દાઝી દેશ આઝાદી
મિત્ર વિવેકની બે ગઝલોમાંથી આઝાદી શબ્દોનાં ત્રણ શેર મળ્યાં છે, એ મમળાવીએ…
ન હોય કોઈ જ્યાં બંધન ત્યાં કેવી આઝાદી ?
જો વહેવું હોય તો કાંઠા વગર શું છૂટકો છે ?
એક શંકામાં બરફ થઈ જિંદગી થીજી ગઈ,
શક્ય આસ્થાના કિરણમાં બસ હવે આઝાદી છે.
સોયમાં દોરો થઈ આજન્મ સંગાથે રહ્યાં,
કેવું બંધન છે, ખરી જ્યાં બંનેને આઝાદી છે !
તો ચાલો, મિત્રો તૈયાર છો ને? અને આ વખતે આપણે માત્ર લઘુકાવ્યો જ લખીએ તો..?!! આજે આપણે આઝાદી કે સ્વાતંત્ર્યનાં શબ્દો ઉપર કોઈ પણ શેર, પંક્તિ, મુક્તક, હાઇકુ કે મુક્તપંચિકા જેવા નાના જ કાવ્યો લખીએ… ગુડ લક (ટુ મી ટુ!)!!
* * *

