jump to navigation

મિત્ર એટલે? August 3, 2007

Posted by ઊર્મિસાગર in સર્જનક્રિયા.
27 comments

મિત્રો, આ રવિવારે 5મી ઑગષ્ટે ઇંટરનેશનલ ફ્રેંડશીપ ડે છે…એ માટે આપ સૌ મિત્રોને ’સહિયારું સર્જન’ તરફથી આગળથી જ ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ…  Wishing you a very Happy Friedship Day!!   આશા છે કે આપણી આ સહિયારી મિત્રતા આપણા સહિયારા સર્જનો વડે બસ આવી જ રીતે કાયમ ટકી રહે…!! 

આજનો વિષય આપવા માટે પણ મને ખૂબ જ નજીકનાં એક મિત્રએ જ યાદ દેવડાવ્યું છે… એ માટે એ મિત્રનો પણ ખૂબ આભાર!

friends-cats-large.jpg

તો આજનો વિષય છે: તમારે માટે મિત્ર એટલે શું?  તમે મિત્ર કોને કહો છો? …. અને આમ તો આવા પ્રશ્નો આપણને કોઈ પૂછે એટલે આપણે તરત જ બોલી ઉઠીએ કે… જે સુખ અને દુ:ખ- બંનેમાં કાયમ સાથે રહે એ સાચો મિત્ર! 

શેરીમિત્રો સો મળે, તાળીમિત્ર અનેક,
જેમાં સુખ-દુઃખ વામીએ, સો લાખનમાં એક.  (
કવિ?? ખબર નથી…)

અને આ પંક્તિઓ તો હું નાનપણથી સાંભળતી આવી છું…

મિત્ર એવો શોધવો ઢાલ સરિખો હોય,
સુખમાં પાછળ પડી રહે, દુ:ખમાં આગળ હોય….
(સ્મરણથી લખ્યું છે)

પરંતુ શું સાચો મિત્ર આટલી વ્યાખ્યામાં બંધાઈ જાય છે ખરો?  અને ખરું પૂછો તો જેટલાં મિત્રો હોય એટલી મિત્રતાની વ્યાખ્યાઓ પણ હોઈ શકે… મિત્ર કૃષ્ણ અને રામ જેવો રાજા પણ હોઈ શકે, તો સુદામા અને ગુહ જેવો રંક પણ… કે પછી દુર્જનોમાં પણ દૂર્યોધન અને કર્ણ જેવી મૂલ્યવાન મિત્રતા મળી આવે છે… આમ તો મારા મંતવ્ય મુજબ,  મિત્રતા અને પ્રેમ એકબીજા વિના સંભવી શક્તા જ નથી… પ્રેમમાં પણ મિત્રતા જરૂરી છે, અને મિત્રતામાં પણ પ્રેમ હોવો એટલો જ જરૂરી છે… હા, એની માત્રાઓ અને એની વ્યાખ્યાઓ જરૂર અલગ અલગ હોય છે… જો કે, પ્રેમની જેમ જ મિત્રતામાં મળેલો દગો પણ ખૂબ જ દુ:ખદાયી અને આજીવન ભૂલી ન શકાય એવો હોય છે… અને આવા મિત્રતામાં દગો પામેલાંઓને શોધવા પણ બહુ દૂર જવું પડે એમ નથી!!   સોરી મિત્રો, આપણે તો અહીં સારા મિત્રો અને નિર્મળ મિત્રતાની વાત લખવી છે…  તો ચાલો, આ વિષયમાં તમને બહુ મોટ્ટું મોટ્ટું ભાષણ આપ્યા વિના હું મારી મૂળ વાત પર જ આવું છું… :-)

મિત્રતા અને મિત્ર ઉપર આપણે થોડી રચનાઓ જોઈએ…

કવિ મુસાફિર કહે છે… (આ તો મારું અતિ પ્રિય મુક્તક છે!!)

તાંદુલી તત્વ હેમથી ભારે જ થાય છે,
કિંતુ મળે જો લાગણી ત્યારે જ થાય છે.
જ્યાં ત્યાં કદીય હાથ ના લંબાવ; ઓ હૃદય !
મૈત્રીનું મૂલ્ય કૃષ્ણને દ્વારે જ થાય છે.
 

લયસ્તરો ઉપર મિત્ર વિવેકે સરસ મજાનાં ત્રણ સંકલનો મિત્ર અને મિત્રતા ઉપર મૂક્યા છે એ જરૂર વાંચજો મિત્રો…

અને આ મિત્ર વિવેકે તો પડઘા સાથે ય મિત્રતા કરી છે… સાચ્ચું કહું છું હોં, આ લ્યો વાંચી જુઓ…

મને જો મૌન દો તો બોલકું એ પણ બની બેસે,
કરી છે પડઘાં સાથે મિત્રતા એવી અમે, યારો !

ગયા વર્ષે મિત્ર અમિતે રીડગુજરાતી પર મિત્રની પરિભાષા નામનો સુંદર લેખ લખેલો… એ પણ વાંચવા જેવો છે. 

ગયા વર્ષે આ જ મિત્રતાના દિવસે મેં પણ એક મુક્તક લખેલું… જે સુરતી મિત્રોને તો બહુ જ ગમેલું… :-)

સગાંઓ, સંબંધી, સર્વ કુટુંબી,
દાળ, ભાત, શાક ને જાણે રોટલી;
મૈત્રીની સગાઇ સાવ અનોખી, 
અથાણાં, પાપડ ને મિઠાઇની પોટલી.

આટલું બસ છે ને પ્રેરણા મેળવવા માટે??   એક્ચ્યુઅલી તો મિત્ર અને મિત્રતા વિશે લખવા માટે તમે તમારા કોઇ પ્યારા મિત્રને અચાનક મુલાકાત આપી સરપ્રાઇઝ કરી દ્યો ને… અથવા તો એક ફોન જ કરી દ્યો… ઘણા વખતે…  જો કર્યો ના હોય તો… પછી જુઓ તમને કેવી સરસ લખવાની પ્રેરણા મળી રહે છે એ…. ચાલો, હું પણ હવે ફોન કરવા જ જાઉં છું… પ્રેરણા મેળવવા સ્તો!!  સદ્ ભાગ્યે મિત્રો અને મિત્રતાની મૂડીમાં હું તો ખૂબ જ ધનિક છું!!  તમે પણ છો ને??!!  :-)

પરંતુ મિત્રો, તમે તમારા મિત્રને મળી લ્યો પછી અહીં તમારી મિત્રતા ઉપર એક કાવ્ય લખવાનું છે, એ વાત ભૂલી ના જતા હોં !! 

ફરીથી, આ મિત્રતાનાં દિવસની સૌ મિત્રોને વધાઈ…!

* * *