શું લખું? July 27, 2007
Posted by ઊર્મિ in સર્જનક્રિયા.trackback
ગયા શુક્રવારે મેં એક પંક્તિ આપી હતી… “આપણો સંબંધ ખૂટ્યો, શું કરું?”… એ જ છંદ, કાફિયા અને ‘શું કરુ?’ રદીફ લઈને ગઝલ, શેર કે પંક્તિ લખવાનું આમંત્રણ હતું… પરંતુ એક સ્નેહી મિત્રએ મને જણાવ્યું કે ‘શું કરું?’ ‘શું કરું?’ માં ઘણું મગજ ઘુમાવ્યુ પરંતુ કશું લખાયું જ નહીં… અને મેં એમને જવાબ પણ આપ્યો કે, ‘લખવાનું મને કંઇ સુઝતું નથી, શું કરું?’ એવું જ કંઇક લખી દ્યો ને મિત્ર?!
જો કે, એ મિત્રનાં કહેવા સાથે હું પણ સન્મત છું કે ઘણીવાર મારી મચડીને આયાસો કરવાથી કશું લખાતું જ નથી… અને જે લખાય છે એ કદાચ એટલું અસરકારક નથી હોતું… પરંતુ કાંઇ નહીં મિત્રો, આ તો આપણી પોતાની જ પોએટ્રી વર્ક-શોપ છે એટલે કોઈ સખત બંધન નથી… આપેલા વિષયમાં તમે છંદ, અને કાફિયાની થોડી છૂટછાટ પણ લઈ શકો છો! બસ, તમારી કવિતા આપેલા વિષયથી બહુ અળગી ન થાય, એનું બને એટલું ધ્યાન રાખવાની કોશિશ કરવી… પછી તો જેવી કવિતામાતાની ઈચ્છા કે એમણે કેવી રીતે અને ક્યાં પધરામણી કરવી છે!!
હા, તો એ મિત્રની ન લખી શકવાની દુવિધાને લીધે મને આજે વિચાર આવ્યો કે આ વિષય પણ બહુ જ મજાનો છે હોં… કે ‘શું લખું?’ !!! આપણને સૌને ઘણીવાર કશુંક ન લખી શકવાની દુવિધા અને એની પીડા પણ ક્યારેક થતી હોય છે… મને પણ ઘણીવાર થાય છે
… અને તમને પણ ક્યારેક ક્યારેક તો થતી જ હશે…. તો આજે આપણે આપણી એ દુવિધા અને પીડાને જ વાચા આપવાની એક કોશિશ કરીએ તો…?
મને બરાબર યાદ છે કે મિત્ર વિવેકે એકવાર ‘શું લખું?’ ની દુવિધામાં આખી એક ગઝલ લખી નાંખેલી…
નવા વર્ષની હું કથા શું લખું ?
શરીર એ જ, વસ્ત્રો નવાં, શું લખું ?
મિત્રો, શું તમને પણ ક્યારેક કંઈક ન લખી શકવાની દુવિધા સતાવે છે ખરી?? તો ચાલો, એ જ વિષય પર આજે આપણે કંઇક લખી નાંખીએ… કોઇ પણ બંધારણની છાંદસ – અછાંદસ રચના…
પણ મને વિચાર આવે છે કે આ ‘શું લખું?’ વિષય ઉપર આખરે હું શું લખું?
…
(કારણ કે મેં આ વખતે બિલકુલ અંચઈ નથી કરી હોં… પહેલેથી ખરેખર કંઈ જ લખી નથી રાખ્યું!)
* * *

-: લખવો છે એક પ્રેમપત્ર :-
ઝાકળના ટીપાંની
કરું સ્યાહી,
ઝળકે જેમાંથી
પારદર્શકતા લાગણીની…
ગુલાબની પાંખડીઓ પર
લખું કંઇક એવું,
પરબિડીયું ખુલે,
ને અસ્તિત્વ મહેંકે…
વળી,
પહેરાવું કવિતાના વાઘા
મારા એ શમણાંને એવા,
કે ભેગા ભાળી આપણને
સૂર્ય સવારનો રોજ મલકે…
પણ લખું તો યે શું લખું ?
ક્યાં છે લાગણીની એ ઉત્કટતા સમજનાર ?
ક્યાં છે શબ્દોની એ સુંદરતા મૂલવનાર ?
અને તો યે
લખવો છે મારે
લાગણીભીનો
એક પ્રેમપત્ર…!!
તલવાર પર શું લખું? __મોહંમદાલી’વફા’
ગઝલ
તૂટી ગયે લા તાર પર શું લખું?
ભટકી ગયેલા પ્યાર પર શું લખું?
શબ્દોતણી આખી જમાત ક્રોધશે,
તુજ પાંપણોની ધાર પર શું લખું?
વાવી દીધી હોઠો ઉપર વારતા
આંખો તણા અણસાર પર શું લખું?
ઉતરી ગયું કો’ તીર આવી સોસરું,
એતો કહો તલવાર પર શું લખું?
ફૂલો ઉપર ખૂશ્બુ બધી ચીતરી,
બાકી રહેલા ખાર પર શું લખું.?
જીતો ઉપર પણ કોદિ લખ્યું નહી,
મુજને કહો આ હાર પર શું લખું.?
એતો રહે પરદા તણી ઓઠે ‘વફા’
અદમ વ અઝલ દિલદાર પર શું લખું.?
27July2007-07-27
અદમ=જે હમેશાથી છે(ખુદા) વ=અને અઝલ= જે હમેશા રહેશે(ખુદા)
ગાગાલગા,ગાગાલગા.ગાલગા
`સહિયારું સર્જન`ને ઘણી ઘણી શુભેચ્છાઓ અને આપ સૌ સાચા કવિમિત્રો પ્રત્યે થોડા ઇર્ષાભાવ સાથે, હળવા હૈયે આટલું…
લખવાના વિચાર માત્રથી આવે જ્યાં લખલખું,
કલમ બોળું કે જાત ઝબોળું, લખું તો શું લખું?
અમથું, જરી, હેતથી કોઈ પૂછે તોય ધખધખું,
મનડું દોડે આડું ને અવળું, લખું તો શું લખું?
થોડું ગબડે આ ગાડું, ત્યાં ફરી આવે ડખડખું,
જરા અજવાળું ત્યાં ફરી ધબ્બ કાળું, શું લખું?
ભીંસ વધે, રીસ ચડે, કલમ ને કાગળ બેય કરડે,
પણ મૂળમાં જ બધું ડહોળું ત્યાં લખું તો શું લખું?
જમીન લખું?
દોલત લખું?
શું લખું? તારા નામે
લખું સૂરજ,
ચંન્દ્ર ને તારા.
મન મુંઝાય,
દિલ દુભાય,
શું લખું તને કાન?
બંસી-નાદે તું
ગોકુળ આવ.
શું લખું?
શું લખું? શું લખું? મનમાં એવું થયા કરે,
આજે લખુ કાલે લખીશ એવું મન કાયમ કહ્યા કરે.
લખુ લખાશે કે લખાયું એવું કાંઈક બની ગયું,
મનનું મનમાં ના રહેતા કાંઈક આજે કહી જવાયું.
ઉર્મીબેનનો અણસાર ને વિજયભાઈ નો પ્રેમ,
લાવ્યા સર્જકોની સંગાથે હૈયે રાખી કાયમ હેત.
મનમાં લાગી માયા ને કલમ બનાવે કાયા,
પ્રદીપ,પ્રદીપ કરતાં આજે હું પરદીપ બની રહું.
હેત માગું હામ ધરી હું પ્રેમ કાયમ મળ્યા કરે,
વર્ષા હેતની વરસ્યા કરેને પ્રેમ સૌનો મળ્યા કરે.
પત્ની ઝગડી ગઈ પિયર શું લખું?
પડે છે ખાવાની તકલિફ શું લખું?
વિચારો આવે ઘણા બંઘ બારણે પણ
ક્લમ રિસાઈ ગઈ ‘ચમન’ શું લખું?
ચીમન પટેલ ‘ચમન’
રીસામણાં
વહે નયનોથી આંસુ તે ખાળ તું
લખે અક્ષરો શું જાણુ કે’ શું લખુ?
સખી મનની સંવેદના જાણ તું
મને સમજાયે ના હવે શું લખુ?
મળે હ્ર્દયે આઘાત જે માન તું
અજ્ઞાન વ અંધારે તુ કે’ શું લખું?
સખી અમને ના શીખ પ્રીત્યુંની
નડે અમને રીસામણું શું લખુ?
લગાલ લગાગા ગાલગા ગાલગા
આખો દિવસ ઘણું કામ રહે છે, શું લખું?
ઘરે બધાંની સેવા કરવી પડે છે, શું લખું?
છોકરાંઓને હોમ વર્ક કરાવવું પડે છે, શું લખું?
નવું બધાં કરતાં મોટું ઘર લેવું છે, શું લખું?
રાત્રે ટી.વી. પર સીરીયલો તો જોવી જ છે, શું લખું?
‘મીસ યુનીવર્સ’ જોવાનું તો ભૂલાય કેમ? શું લખું?
વેકેશન તો લેવું જ રહ્યું, ડીનરે તો જવું જ રહ્યું, શું લખું?
સાસુ, વહુ અને નણંદની વાતો તો કરવી જ રહી, શું લખું?
બેસબોલ અને ક્રિકેટની મેચો જોયાં વગર તો ચાલે કેમ, શું લખું?
હવે તમે જ કહો કે હું ક્યારે લખું, શું લખું?
[...] સહિયારું સર્જન (http://sarjansahiyaaru.wordpress.com/2007/07/27/sarjankriya46_shu_lakhu/ ) ખરેખર કેવી મજાની પ્રવૃત્તિ છે, એનો [...]
હાથમાં કલમ છે અને સામે કોરો કાગળ
બસ તમારા ખ્યાલમાં ખોવાઈ છું શું લખું
તમને મળવાની આશા પુર્ણ થઈ
હૈયાના ભાવ દર્શાવવા શું લખું
જાત ઓગળે, શ્વાસ ઓગળે,
આસ ઓગળે, પાસ ઓગળે
તોય કશું ના ખાસ ઓગળે
શું લખું…
એક આપણી વાત ઓગળે
અને સમંદર સાત ઓગળે
તોય કશું ના ખાસ ઓગળે
શું લખું…
આકાશે અંધાર ઓગળે
ભીતરનો અજવાસ ઓગળે
તોય કશું ના ખાસ ઓગળે
શું લખું
વર્ષો જૂનો સાદ ઓગળે
ઓચિંતિ કોઇ યાદ ઓગળે
તોય કશું ના ખાસ ઓગળે
શું લખુ
ન લખ્યું લખવાટાણે, આ અ-ટાણે શું લખું?
ન જીવાયું જીવવાટાણે, આ શ્વાસે શું લખું?
જેના નામે ભવ તરું, એના નામે શું લખું ?
જેના નામે નભ નભે, નામ એનું શું લખું ?
યાદ એને કોણ કરે? એની યાદ શું લખું ?
આ લખ્યું મારે માટે, એને માટે શું લખું ?
પળ આવી પળ ગઈ, પળ માટે શું લખું ?
જે થયું દરમિયાનમાં, એના માટે શું લખું ?
વહ્યા’તા, હવે સુકાયા, સ્વ. અશ્રુ શું લખું ?
તું જ કારણ બંનેનું, બોલ, કારણ શું લખું ?
શબ્દો કહે બહુ થયું, વધું હવે તો શું લખું ?
ઓ મનડાં, જીદ છોડ, બહુ થયું, શું લખું ?
- કુણાલ
વર્ષોના હિસાબ પળવારમાં
શું લખું
જૂઠની આ દુનિયામાં સચ્ચાઇ
શું લખું
કલમના કાજળ મને અભડાવે
શું લખું
દિલથી જલાવ્યા તે દીપ દઝાડે
શું લખું
લાગણીના દરિયા ડૂબાડે
શું લખું
મારી આશાનું કિરણ અંધારે
શું લખું
સંબંધોના સમીકરણો ના સમજાયે
શું લખું
એક પછી એક દિવસ ને રાત
ઊગે છે ને આથમે છે, ને
સમય એમ જ વહી જાય છે.
રોજ વિચારું છું તને કઈંક લખું,
પણ શું લખું? શું લખું!
જ્યાં કલમ જ સાથ દેતી ના હોય!
રોજ કલમ હાથમાં ઊપાડું છું
ને જેવું તારું લખું છું,
મારી કલમ બની જાય છે પીછી!
જેવું તારા ગામનું નામ લખું છું,
આ કલમ બની જાય છે રસ્તો!
તને મન ગમતી મોસમ યાદ કરું,
ને કલમ બની જાય છે વસંત!
તને ગમતાં ફૂલનું નામ લખતાં,
એ બની જાય છે સુગંધ!
અને આપણી જુદાઇની એ પળ
યાદ કરતાં એ બની જાય છે આંસું!
લાખ ચાહું, તોય તને શું લખું?!
જીવનનો હેતુ
July 10, 2007 Edit
શું મારા લખવાથી કવિતાને ફેર પડશે?
શું મારા જોવાથી ફૂલોને ફેર પડશે?
શું મારા સુણવાથી સૂરોને ફેર પડશે?
શું મારી ભક્તિથી ભગવનને ફેર પડશે?
તોય કોણ મને દોરે આ અણજાણે આરે!
ને કોણ મને ખેંચે છે અંતર અંધારે!
ને કોણ મને બોલાવે શાંતિના સૂરે!
ને કોણ મને બહેકાવે ભીની સુગંધે!
હું જ એક સૂક્ષ્મ અંશ પ્રકૃત્તિ ધારાની
હું જ એક મુખ્ય અણું સર્જન કરનારાની
મારા આ જીવતરમાં સર્જકતા ભરવાની
અમૂલ આ જીવનનો રસથાળ ધરવાની
[...] તૂટી ગયે લા તાર પર શું લખું? રૂઠી ગયેલા પ્યાર પર શું લખું http://sarjansahiyaaru.wordpress.com/2007/07/27/sarjankriya46_shu_lakhu/ [...]