આવજો, પ્રિય દાદા! July 3, 2007
Posted by ઊર્મિસાગર in પ્રકીર્ણ.4 comments
પ્રિય મિત્રો,
જ્યારે આ બ્લોગ મેં શરૂ કર્યો હતો ત્યારે નિલમ આંટી અને પછી સુરેશ દાદા મારી સાથે હતા… લગભગ બે જ મહિનામાં નિલમ આંટીએ તો એમના અંગત કારણોસર આ બ્લોગ છોડવો પડ્યો હતો… પણ દાદા મને આ સહિયારા કાર્યમાં હંમેશા સાથ આપતા રહ્યા હતા અને એ માટે હું એમની ઘણી જ આભારી છું. પરંતુ ઊંઝાના રંગે રંગાયેલા આપણા દાદાને હવેથી અહીં સાર્થ-જોડણીમાં લખવું ફાવ્યું નહીં અને એ જ કારણોસર એમણે આ બ્લોગ પરથી જૂન 26નાં રોજ રાજીનામું આપ્યું છે, જેનું મને ખૂબ દુ:ખ હોવા છતાં એમની માન્યતાને માટે મને માન છે… અને આ બે જોડણીમાં લખવાનું એમનું સંકટ હું ખૂબ સારી રીતે સમજી શકું છું… અને એટલે જ અંતરથી એમની ઈચ્છાને માન આપ્યું છે.
મને ખબર છે કે ‘સહિયારું સર્જન’ એ દાદાનો અતિ પ્રિય બ્લોગ છે એટલે એનાથી અલગ ભલે થયા હોય પણ દાદા અહીંથી દૂર તો બિલકુલ રહી શકવાના જ નથી એની મને ખાત્રી છે જ. અને હું તો ઈચ્છું જ છું કે દાદા પરોક્ષ રીતે મારી સાથે જ રહે… અન્ય સલાહ સૂચનો તથા કાવ્ય-સર્જનનાં વિષયો માટેનાં સૂચનો પણ મને હંમેશા આપતા રહે!
આજે ભલે હું આ બ્લોગનાં સંચાલનમાં એકલી પડી ગઈ છું, પરંતુ મને એ ખ્યાલ પણ છે જ કે ગયેલા સાથીઓનો પરોક્ષ સાથ અને મારા પ્રિય વાંચક-મિત્રોનો સાથ તો મને કાયમ રહેવાનો જ છે!
વ્હાલા દાદા, ગુજરાતી બ્લોગ-જગતમાં તમારું યોગદાન તો નોંધપાત્ર છે જ અને રહેવાનું જ… સાથે સાથે તમે જે પણ કાર્ય કરો એમાંથી આપણને સૌને દુર્લભ એવો આત્મસંતોષ અને આનંદ હંમેશા તમને મળતાં રહે એવી આ દીકરીની શુભેચ્છાઓ સહ… પ્રણામ!!
અસ્તુ.

