લાગણીનો સંબંધ June 29, 2007
Posted by ઊર્મિસાગર in સર્જનક્રિયા.trackback
આપણે ત્યાં ભલેને એવું કહેવાતું હોય કે પારકા એ પારકા, પરંતુ લાગણીનો સંબંધ એ લોહીનાં સંબંધ કરતાં પણ વધુ ઘેરો હોય છે એવું મારું માનવું છે. જો કે આમ તો એ બંને સંબંધોની એકબીજા સાથે કોઈ તુલના થઈ શકે જ નહીં… બંનેના રૂપ અલગ છે, સૂર અને તાલ પણ અલગ છે. તમને થશે કે આ સંબંધમાં પણ સૂર અને તાલ? હા, સૂર અને તાલ દરેક સંબંધમાં અને એની અભિવ્યક્તિમાં મોજૂદ હોય જ છે. અને તો યે આપણે લોહીનાં સંબંધ વગર તો કદાચ જીવી શકીએ, પરંતુ લાગણીનાં સંબંધની જો આપણા જીવનમાંથી બાદબાકી કરવામાં આવે તો પછી જીવનમાં જીવવા જેવું જ શું રહે? જીવન તો જાણે યંત્રવત બનીને જ રહી જાય ને?! કોઇ પણ માટે લાગણીનાં સંબંધ વગર જીવવું તો શક્ય જ નથી. તમારું શું માનવું છે?
આમ તો સૌથી મોટો લાગણીનો સંબંધ એટલે કે પ્રેમનો સંબંધ! પરંતુ અહીં માત્ર એક સ્ત્રી અને એક પુરુષનાં લાગણીનાં પ્રેમસંબંધની વાત નથી… એ સંબંધ તો હોઇ શકે છે બે મિત્રો વચ્ચેની લાગણીનો સંબંધ, અથવા તો કોઇ પડોશીનાં નાનકડા બાળક સાથે બંધાઇ ગયેલો લાગણીનો સંબંધ, અથવા તો કોઇને ધર્મનાં માતા-પિતા કે ધર્મનાં ભાઇ-બહેન તરીકે થયેલી લાગણીનો સંબંધ… લાગણીનાં સંબંધનું કોઇ પણ રૂપ અને રંગ હોઇ શકે! પરંતુ એ પણ એટલું સાચું છે કે આ સંબંધ જેટલો ઘેરો હોય છે એટલું જ ઘેરું હોય છે એના તરડાવા કે તૂટવાનું દર્દ પણ!

લાગણીનાં સંબંધ વિશે રીડગુજરાતી પર આ બે લેખો ખાસ વાંચવા જેવાં છે…
પોતાનાં-પારકાં -જયવદન પટેલ અને બે શબ્દોનો સંબંધ – ગિરીશ ગણાત્રા
મિત્રો, તમારે માટે લાગણીનો સંબંધ એટલે શું, એ જરા બતાવશો? હા, અહીં કાવ્યરૂપે જ તો…!! અને કાંઇ યાદ ન આવે તો આપણી ગુજરાતી ભાષા સાથે પણ આપણો લાગણીનો જ સંબંધ છે ને?! અથવા તો આ ‘સહિયારું સર્જન’ સાથેનો તમારી લાગણીનો બંધાયેલો સંબંધ… :-)
લાગણીનાં સંબંધ વિશે મિત્ર રાજીવની એક રચના જોઈએ…
લાગણીનાં સંબંધ વિશેની ઘણી રચનાઓ આપણે ઘણીવાર બ્લોગ-જગતમાં માણી છે… પરંતુ મને અત્યારે યાદ નથી આવતી. એટલે શોધવા કરતાં ચાલોને લખવાનું જ શરૂ કરીએ… :-)
અને મિત્રો, ભૂલશો નહીં… આપણે લાગણી વિશે નહીં (હા, એ વિષય પણ કો’કવાર આપીશું!) પણ લાગણીનાં સંબંધ વિશે લખવાનું છે હોં!!
* * *


ઊર્મિ, તમે આ લાગણીની અને સંબંધની વાતો કરી, તો મને મારા ઘણા ગમતા બે પુસ્તકો યાદ આવી ગયા :
1) સંબંધોનું મેનેજમેંટ (પ્રેમ એટલે કે ખુલ્લા પરબિડીયામાં મુકેલો સરનામા વિનાનો પત્ર)
2) લાગણીઓનું મેનેજમેંટ (તમારા અંગત ખજાનાની ચાવી કોઇને સોંપતા પહેલા)
બંને પુસ્તકોના લેખક - સૌરભ શાહ.
લાગણી ___મોહંમદઅલી’વફા’
બેચાર ભીના શબ્દથી રીઝવી છે લાગણી.
હસ્યાં જરા એ આંખથી પલળી છે લાગણી.
એનો લિબાસે રેશમી ને મિજાઝે રેશમી
આંખો તણા કુંડા મહીં ઉછરી છે લાગણી.
એને કદી કો રીતથી ના જરા છંછેડશો
છે શાહજાદી મનતણી જબરી છે લાગણી..
નારાજગી પાષાણની વજ્ર્તા લઇને ફરે,
ને આમતો ફૂલો જ્યમ નમણી છે લાગણી.
એના સમંદરની ગહનતા કોણ મેળવે ‘વફા’
એતો હ્રદયના સાત કોઠે ઉતરી છે લાગણી.
___મોહંમદઅલી’વફા’
લાગણીને બાજરીની જેમ લોકો લણતા રહે,
ખેતરોમાં ચાડિયાની જેમ બસ ફરતા રહે.
પાસે આવીને ગલગલિયા કરીને જતાં રહે,
તમે સળવળ્યા કરો ને એ દૂરથી જોતા રહે.
આ ભૂખ્યા દિલની
બસ એક જ માગણી
સદાય મળ્યા કરે
એક તારી જ લાગણી
ઠંડાગાર સંબંધો વચ્ચે
મળે હૂંફ ભરી છાવણી
આ સરોવર આખરે ઠલવાયના
વરસાદી લીલાશ પણ સૂકવાયના
લાગણી ઝબકોળી પીધી ઝેરમાં
સંબંધોને વાંસમાં ફૂંકાયના
સરહદ વિનાના છે લાગણી અને પ્રેમ
સ્વાર્થ વગરના છે લાગણી અને પ્રેમ
મતલબ વિનાના છે લાગણી અને પ્રેમ
ગણતરી વગરના છે લાગણી અને પ્રેમ
દ્વેષ વિનાના છે લાગણી અને પ્રેમ
તિરસ્કાર વગરના છે લાગણી અને પ્રેમ
રોષ વિનાના છે લાગણી અને પ્રેમ
અંતરની ભીનાશ વધારે છે લાગણી અને પ્રેમ
ક્દાચ લોહીના સંબંધ વગરના હોઈ શકે લાગણીના સંબંધો,
ત્યારે માનવતાની મહેક છલકાવે છે લાગણી અને પ્રેમ
અભિનંદન, ગુજરાતી ભાષાને સુંદર રીતે કોમ્પુયટર પર રજુ કરવા માટે,