jump to navigation

પિતા, પપ્પા, જનક, તાત, બાપુ, … બાપ રે!!! June 15, 2007

Posted by ઊર્મિસાગર in સર્જનક્રિયા.
5 comments

રવિવારે ફાધર્સ ડે છે, જેની સૌ મિત્રોને આગળથી જ પિતૃદિનની ખૂબ ખૂબ શુભકામનાઓ!  માતૃદિન વખતે આપણે આપણી મમ્મીને યાદ કર્યા, તો પછી પિતૃદિન પર પિતાને ભૂલી જઇએ તો થોડું ચાલે, બરાબરને?  આજે આપણે પિતા વિશેની જ કાવ્યરચનાઓ લખીએ…

father_daughter_beach.jpg

એમ તો માતા-પુત્રનો અને  પિતા-પુત્રીનો પ્રેમ થોડો વધારે સ્પેશ્યલ હોય છે… રામાયણકાળમાં જનકરાજા જેવા પિતા કે ખુદ વેદો પણ જેના ચરણોમાં આળોટે એવા વિદ્વાન હતા, અને એ જ્યારે પુત્રી સીતાને લગ્ન પછી વિદાય આપે છે ત્યારે પુત્રીનાં પ્રેમમાં એ વિદ્વાન પિતા એ પણ ભુલી જાય છે કે પોતે કોણ છે… અને એક થાંભલો પકડીને નાના બાળકની જેમ કલ્પાંત કરે છે! (પૂ. શ્રીમોરારીબાપુની કથામાં આ પ્રસંગ સાંભળવો એ પણ લ્હાવો છે!)  આપણે દીકરી વિષય પર આગળ પિતા-પુત્રીના પ્રેમની વાત કરી હતી… ’દીકરી વ્હાલનો દરિયો’ જેવું જ બીજું એક પુસ્તક છે… ‘થેંક યૂ પાપા’ !  એ પુસ્તકમાંથી પ્રાર્થના જહાનો એમના પિતા ભાગ્યેશ જહાં વિશે લખેલો એક લેખ વાંચો રીડગુજરાતી પર… સંસ્કૃતથી સંસ્કૃતિ સુધીના માણસ… મારા પપ્પા!    જો કે, પિતા-પુત્રનાં સંબંધો પણ એટલાં જ દિવ્ય હોય શકે છે… અને ક્યાંક ક્યાંક એ પણ જોવા મળે જ છે! 

તો ચાલો, આપણે પણ પિતા વિશેની આપણી ભાવનાને કાવ્યાત્મક બનાવીએ…

આપણા મિત્ર હિમાંશુ ભટ્ટની ફાધર્સ ડે પર પોતાના દીકરાને લખેલી કવિતા ખુબ જ સરસ છે…

બેટા,
ક્યારેક મને થાય છે,
કે બધું છોડીને ચોવીસે કલાક
તારી પાસે જ રહું
તું મને જોઈને ‘ડેડી, ડેડી’ કરજે
અને પછી મને બીજા કોઇ પણ titles ની
આકાંક્ષા નહીં રહે…
  આખી કવિતા અહીં વાંચો!

આ તો થઇ એક પિતાએ પુત્રને લખેલી કવિતા… પણ મિત્રો, આપણે તો આપણા પપ્પા - આપણા પિતા વિશેની કવિતા લખવાની છે હોં!

આજે મને બીજી કોઇ કવિતા પિતા વિશે મળી નહીં…. તમે શોધવામાં મદદ તો કરશો જ ને?!!

ચાલો મિત્રો, હાથમાં જલ્દી કાગળ ને પેન લો… અથવા કોમપ્યુટરનાં કી-બોર્ડ પર હાથ ચલાવવા માંડો.. નહીંતર હું મારા પપ્પાને કહી દઇશ હોં!!  :-D

* * *