jump to navigation

દીકરી June 1, 2007

Posted by ઊર્મિસાગર in સર્જનક્રિયા.
14 comments

આજે કાવ્યસર્જન માટે કયો વિષય મુકવો એ મને સવારથી સુઝતું જ ન્હોતું… એટલામાં એક ઈમેલનાં જવાબમાં જુગલકાકાની એક સ્નેહભરી ઈમેલ મારી મદદે આવી પહોંચી… જુગલકાકાની આ પ્રેમાળ પંક્તિ મારા હૃદયને ખૂબ જ સ્પર્શી ગઈ…  (આભાર જુકાકા!)  

દીકરીની લાગણી જરી ના ચોળાય–
દીકરી તો આંખની પાંપણ કહેવાય !!

અને પછી મને થયું કે વાહ, આ તો મને કેવો સરસ વિષય મળી ગયો આજના કવિતાસર્જન માટેનો…!!  આપણે ત્યાં દીકરીને તો કાયમ પારકી થાપણ જ માનવામાં આવી છે… છતાં મારી નિજ અનૂભુતિથી કહું તો દીકરી (જેને હોય એને માટે) જેટલું પોતાનું અને અંગત (ખાસ કરીને પિતા માટે તો) કદાચ બીજું કોઇ નહીં હોય… દીકરો પણ નહીં!!

ચાલો, આપણે સૌ પણ જુગલકાકાની જેમ દીકરી વિશે કાવ્યાત્મક અનૂભુતિઓ લખીએ… 

girl_in_park.jpg

હા, એ પહેલાં થોડી દીકરી વિશેની રચનાઓ જોઈએ… અને તમને બીજી બીજા કવિઓની દીકરી વિશેની રચનાઓની જાણ હોય તો અહીં જણાવી શકો છો!

પૂજ્ય સંત શ્રી મોરારીબાપુ કહે છે કે દીકરી દેવો ભવ! (રીડગુજરાતી પર આ લેખ ખાસ વાંચવા જેવો છે!) 

કવિ મકરંદ દવે કહે છે કે…

વિધાતાએ દીકરી ઘડીને, ત્યારે ખૂબ ખાંતે
કસબી હાથેથી એણે કરી કમાલ!

કવિ ઉદયન ઠક્કર દીકરી વિશેની એમની ત્રિપદીની એક રચનામાં આમ કહે છે…

દીકરીએ  પ્હેરતાં  પ્હેરી  લીધાં
મારાં ચંપલ, માપ ખોટું નીકળ્યું
એનું પગલું, સ્હેજ મોટું નીકળ્યું
 

આપણા નીલમબેન દોશીએ તો દીકરી વિશેની એમની અનૂભુતિમાંથી આખું ભાવવિશ્વ રચી નાંખ્યું!!  તમે જો વાંચ્યુ ના હોય તો જરૂર વાંચજો… અને એમનાં ભાવવિશ્વની દરેક ગલીમાંથી પસાર થતાં જો તમે ભીંજાયા વિનાના રહો તો જ નવાઈ લાગશે!! 

અને ‘દીકરી વ્હાલનો દરિયો’ પુસ્તક તો ખાસ વાંચવા જેવું છે! 

તો ચાલો મિત્રો… લખવા માંડીએ આપણે દીકરી વિશે…!! 

હું ચાલું કરું??   દીકરી એટલે દીકરી એટલે… બસ દીકરી !!!  :-)
(હા, હું પણ તમારી સાથે જ છું… એટલે આનાથી વધુ પ્રયત્ન જરૂર કરીશ!)

* * *