મા May 11, 2007
Posted by ઊર્મિસાગર in સર્જનક્રિયા.10 comments
રવિવારે મધર્સ ડે છે… બધાને એડવાન્સમાં ‘હેપી મધર્સ ડે!’
આ દિવસ આપણે આખું અઠવાડિયું જ મનાવીએ તો? તો ચાલો તૈયાર થઇ જાવ પોતપોતાની મમ્મીને માટે કવિતા લખવા… ‘મા’ - આ એક જ શબ્દ જો આપણે હૃદયથી ઉચ્ચારીયે તો એક પ્રકારની ઠંડક મહેસૂસ થાય છે, ક્ષણભર માટે જાણે આપણી સમગ્ર પીડા હરી લે છે એ ‘મા’… આપણે ગમે તેટલા મોટા અને મહાન થઇ જઇએ, માથી આગળ તો કોઇ જઇ શકતું નથી… રાજા ય નહીં અને રંક પણ નહીં… પછી ભલે એ ‘મા’ કોઇ રાજરાણી હોય કે પછી કોઇ ઝૂંપડીમાં રહેનારી એક અભણ અને ગરીબ હોય… અને એક નાના બાળક માટે તો મા એટલે એની આખી દુનિયા… ‘મા વિના સૂનો સંસાર (હા, જેમ ખાંડ વિના મોળો કંસાર)’! મા એ દેવકીની જેમ જનની પણ હોય શકે, અને મા એ યશોદા પણ હોય શકે… અને વળી, ‘મા’ ને ક્યાં જાત-પાત હોય છે?!! એ તો બસ, માત્ર ‘મા’ જ છે!! જેને માટે ખુદ શ્રી ગણેશજી પણ પોતાનું માથું ધરી દે છે….!
આજે આપણે મા-માવડી-મમ્મી-જનની-જનેતા-બા વિશે કંઇક લખીએ… માતા-પુત્ર કે માતા-પુત્રી વિશે.. અથવા તમારી ‘મા’ તરીકેની આસ્થા જે કોઇ વ્યક્તિમાં પણ હોય એના વિશે પણ તમે લખી શકો છો… તમારી ‘મા’ની અનુભૂતીને વાચા આપતી કોઇ પણ વાત આપ અહીં કાવ્યમાં રજૂ કરી શકો છો…
મને તો મા કે મમ્મી શબ્દ આવે એટલે પહેલું ગીત આ જ યાદ આવે… મને ખાતરી છે તમને પણ મોટેભાગે તો આ જ ગીત યાદ આવતું હશે…
મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ,
એથી મીઠી તે મોરી માત રે…
જનની રે જોડ સખી, નહીં જડે રે લોલ…
થોડા વખત પહેલાં જયશ્રીએ ‘ટહુકા’ પર કવિશ્રી ઈન્દુલાલ ગાંધીનાં બે કાવ્યો રજૂ કર્યા હતા, જે મને ખૂબ જ ગમ્યાં હતાં…
અમૃત ભરેલું અંતર જેનું, સાગર જેવડું સત્,
પૂનમચંદના પાનિયા આગળ ડોશી લખાવે ખત,
ગગો એનો મુંબઇ કામે;
ગીગુભાઇ નાગજી નામે.
આખું ગીત અહીં વાંચો અને સાંભળો… આંધળી માનો કાગળ
ફાટ્યાં-તૂટ્યાં જેને ગોદડી ગાભાં, આળોટવા ફૂટપાથ,
આંધળી ડોશીનો દેખતો દીકરો, કરતો મનની વાત.
વાંચી તારાં દુ:ખડાં માડી ! ભીની થઈ આંખડી મારી.
આખું ગીત અહીં વાંચો અને સાંભળો… દેખતા દીકરાનો જવાબ
બીજી ‘મા’ વિશેની કોઇ પણ રચના હોય તો આપ અહીં મુકી શકો છો…
તો ચાલો, આપણી મમ્મીને આ વખતે મધર્સ ડે ગીફ્ટ આપવા આપણે બધા એક-એક કવિતા જ લખી નાંખીએ… આનાથી સુંદર ગીફ્ટ વળી બીજી કઇ હોય શકે? ખરુને મિત્રો?!
* * *

