jump to navigation

ચંદ્ર May 4, 2007

Posted by સુરેશ in સર્જનક્રિયા.
22 comments

ચંદ્ર - કવિઓના પ્રિય વિષયોમાંનો એક.  આખા વિશ્વના સાહિત્યમાં ચંદ્ર કવિઓનો પ્રિય રહ્યો છે.  કેવી કેવી કલ્પનાઓ આપણા કવિઓએ કરી છે……  ચંદ્ર, ચાંદ કે શશીને પોતાની રચનાઓમાં વાપરીને!animated_moon.gif

ગુજરાતના રાજવી કવિ કલાપી કહે છે …… 
ઢળતી થઇ તો ઢળતી જ થશે,
રજની મહીં ચંદ્ર ઉગે ને ઉગે;
હજુ દિવસ છે,ફુલડાં લઇ લે,
ફરી લે, રમી લે, હસી લે તું સખે!
“  

નિનુ મઝુમદારની આ સજીવારોપણની ચરમસીમા જેવી કવિતામાં ચન્દ્રને વાદળીઓમાં થોડી ઝપકી મારી લેતો બતાવ્યો છે….  
એક સુસ્ત શરદની રાતે
…..
ભમતી’તી આછી વાદળીઓ, કંઇ ધ્યેય વિના અહીંયાં તહીંયાં;
ચંદાએ દીવો ધીમો કરી મલમલની ચાદર ઓઢી લીધી
.”

કવિશ્રી સુંદરમ્ તો વળી ચંદ્રનો ઉપયોગ વ્યાકરણમાં અનુસ્વાર સમજાવવા કરે છે !
હું બિંદુ સુંદર માત શારદને લલાટે ચંદ્ર શું,
મુજને સદા યોજો સમજથી, ચિત્ત બનશે ઈંદ્ર શું
.”

ઉદયન ઠક્કર તો વળી સળગવાની વાતમાં ચંદ્રનો ઉપયોગ કરે છે !  -
આ સળગવું, આખરે, શું ચીજ છે?
ચાંદ પૂછે કોડિયાને, કાનમાં
.”

જલન માતરીનો અંદાજ તો વળી સાવ નીરાળો છે, તેમણે તો અવકાશયાત્રા  પણ કવિતામાં લાવી દીધી…….
ચાલો એ રીતે ભાર ઓછો થશે, આ પૃથ્વીનો,
સૂણ્યું છે, ધનપતિઓ ચંદ્ર પર રહેવા જવાના છે.

અને બાળકાવ્યોમાં તો ચન્દ્ર જોઇએ જ ને?
તારા ચાંદાને લઈ આવો
તારા રૂપા ગેડી લાવો

અને…..
ચાંદામામા ચાંદામામા, વાદળમાંથી આવો સામા.
અમને પ્રિય કુરતા પા’જામા, તમને તો રૂપેરી જામા
.”

આપણા બ્લોગર સાથીદાર વિશાલ મોણપરા સિતારાને ય સાથે લાવે છે !
પૂનમની રાત છે અને ચંદ્ર નથી ઊગ્યો?
ચિંતા ન કરો સિતારા! એ આવે છે.

નવસારીના પણ અત્યારે ગુડગાંવમાં કામ કરતા બ્લોગર કુણાલ પારેખને ચંદ્ર પણ ક્ષણભંગુર લાગે છે.  

નથી સૂર્ય,ચંદ્ર,પ્રુથ્વી કશું જ સતત…
નથી અસતતા સિવાય અહીં કશું જ સતત
…”

મારી એક રચનામાં મેં ચાંદની અને માતાની શીતલતાને સરખાવવા ચંદ્રનો ઉપયોગ કર્યો હતો -
ચંદ્ર સંગ મ્હાલતી, વળી ઓસરી જતી,
શીતલ ને નમણી આ, ચાંદની ચળાતી થઇ.
  “

તો મિત્રો! આ અઠવાડીયે આપણે ચન્દ્ર, ચાંદ કે શશી વિશે રચનાઓ બનાવીશું?  આમ તો કાવ્યનો કોઇ પણ પ્રકાર ચાલે, પણ જુગલકાકાએ આટલી બધી મહેનત કરીને આપણને છંદો શીખવાડ્યા છે તો તેમાંનો કોઇ અક્ષરમેળ છંદ વાપરીને રચનાઓ બનાવીએ તો તેમને બહુ આનંદ થશે, અને આપણને પણ મગજની સારી કસરત થશે.

* * *