jump to navigation

તમારો ‘પરિચય’ આપશો? February 23, 2007

Posted by ઊર્મિસાગર in સર્જનક્રિયા.
16 comments

આપણને કોઇ અજાણ્યું મળે, અને ‘કેમ છો?’ તો પુછે (જે આપણે આગળ પુછી લીધું છે!), પણ એનાથી ય આગળ વધીને એમ પુછે કે ‘તમારો પરિચય આપશો?’  તો આપણે શું કહેશું?  સ્વાભાવિક રીતે જ આપણે આપણું નામ, ગામ ને ઠામની વિગતો આપવા લાગી જશું… પરંતુ એજ સવાલ જો કોઇ કવિને પુછીશું તો આપણને એકદમ અલગ જ જવાબ મળશે! 

કવિ ‘સૈફ’ પાલનપુરી પોતાનો પરિચય એમની ગઝલમાં આવી રીતે આપે છે…

અમારી જિંદગીનો આ સરળ સીધો પરિચય છે,
રુદનમાં વાસ્તવિકતા છે ને હસવામાં અભિનય છે.

કવિ ‘શૂન્ય’ પાલનપુરી પણ એમની ગઝલમાં પોતાનો પરિચય આપતા જણાવે છે કે…

પરિચય છે મંદિરમાં દેવોને મારો,
અને મસ્જિદોમાં ખુદા ઓળખે છે.

(કોઇ બીજા કવિની પણ આવી પરિચય આપતી રચના હોય તો અહીં જરૂર જણાવશો!) 

આપણે પણ આવી જ રીતે આપણો પરિચય આપવાનો પ્રયત્ન કરીએ તો? 
અહીં આપણે કોઇ નામ, ગામ કે ઠામની માહિતી આપવાની જરૂર નથી, માત્ર કાવ્યાત્મક પરિચય આપીએ…

એક વખત કાવ્યમાં પરિચય આપવાની કોશિષ કરવા જતાં મારાથી એક મુક્તક લખાઇ ગયેલું…

એમ તો કોઇનેય મારો પરિચય નથી આ જગમાં,
તારા સ્મરણોને મારું સરનામું ક્યાંથી મળતું હશે?


પણ છતાં પરિચય તો ન જ આપી શકાયો… હવે ફરી તમારી સાથે જરૂર કોશિષ કરીશ!

તો ચાલો, આપણે કાવ્યમાં એકબીજાનો પરિચય મેળવીએ!

એક શેર, મુક્તક, ગઝલ, કાવ્ય કે ગીત… કોઇ પણ રીતે…

* * *