તમારા માટે ‘પ્રેમ એટલે’ શું? February 9, 2007
Posted by ઊર્મિસાગર in સર્જનક્રિયા.29 comments
મિત્રો, વેલેન્ટાઇન્સ ડે હવે થોડા જ દિવસમાં દેખા દેશે… અને ત્યારે સૂકાયેલા ઝાડ પર વસંતમાં જેમ કૂંપળો ફુટી નીકળે એમ ફુટી નીકળશે ચોતરફ બસ જ પ્રેમ જ પ્રેમ… કંઇ કેટલાયે રૂપોમાં… જ્યાં જ્યાં નજર આપણી ઠરે, ત્યાં ત્યાં બધું જ પ્રેમનાં લાલ રંગે રંગાઇ ગયું હશે… કેટલાંયે બિચારા દિલો તો પ્રદર્શનમાં પણ ટીંગાઇ જશે!! પણ મને હંમેશા એમ લાગેલું કે વર્ષનો માત્ર આ એક જ દિવસ પ્રેમનો દિવસ કેમ? અને પ્રેમનો તે વળી દિવસ નક્કી થતો હશે? એ વાત કોઠે બહુ જચતી નહીં… એટલે મેં એ દિવસનો ઇતિહાસ પણ વાંચી નાંખેલો. તોયે એમ તો થાય જ છે કે કાશ, આ વેલેન્ટાઇન્સ ડે રોજ નહીં (અતિ લોભ પણ સારો નહીં ને!) તો કમ સે કમ અઠવાડિયામાં બે-ત્રણ વાર… કે પછી એકાદ વાર તો જરૂર આવવો જોઇએ, બરાબરને?!! ખેર, આપણે તો આપણા વિષયની વાત કરીએ…

પ્રેમ એ એક અનુભૂતિ છે, અને એને કોઇ પણ વ્યાખ્યામાં બાંધવું શક્ય જ નથી… પ્રેમની અનુભૂતિ વર્ણવતા શબ્દો પણ અંતે તો સઘળાં મૌનમાં જ સમાઇ જાય છે. મને લાગે છે કે આપણા કવિઓએ પણ પ્રેમનું વર્ણન કરતાં કરતાં ક્યારેક તો કલમને જરૂર મુકી દેવી પડી હશે! અને તેમ છતાં, આજે આપણે પ્રેમની વ્યાખ્યા કરવાની ગુસ્તાખી કરીએ!
આજે આપણે સૌ પ્રેમ વિશેની પોતપોતાની વ્યાખ્યાઓ અહીં રજૂ કરીશું… હા, કાવ્યાત્મક રીતે જ તો… પણ કોઇ પણ સ્ટાઇલમાં ચાલશે… શર્ત માત્ર એટલી જ કે તમારી રચનામાં ‘પ્રેમ એટલે’ અથવા ‘પ્રેમ છે’ શબ્દ અવશ્ય આવવો જોઇએ! મઝાની વાત તો એ છે પેલી ગાણિતીક વ્યાખ્યાઓની જેમ અહીં રજૂ થયેલી પ્રેમની કોઇ પણ વ્યાખ્યાઓ ખોટી નહીં પડે!!
પ્રેમની વ્યાખ્યા શ્રી મુકુલ ચોકસી શું કરે છે, તે આપણે જોઇએ…
પ્રેમ એટલે કે,
સાવ ખુલ્લી આંખોથી થતો મળવાનો વાયદો.
સ્વપ્નમાં પળાય એવો કાયદો…
પ્રેમ એટલે કે,
તારા ગાલોના ખાડામાં ડૂબી જતા મારા ચોર્યાશી લાખ વહાણોનો કાફલો !
આ આખું ગીત વાંચો અને સાંભળો… ટહુકા પર…
તો વળી, પન્નાબેન નાયક તો પ્રેમ વિશે એકદમ ટૂંકમાં જ કહી દે છે કે…
મને શી ખબર
કે
પ્રેમ એટલે
આંખોથી એકમેકને પુછાયેલા
ખારા ખારા પ્રશ્નો !
(સાભાર… અમીઝરણું પરથી)
તમારા માટે પ્રેમ એટલે… ? તમારો જવાબ તો તમારે જ આપવાનો છે…!!
તો મિત્રો, ચાલો… અહીં આપણે સૌ ભાગ લઇએ, લખીએ અને માણીએ પ્રેમની અલગ અલગ વ્યાખ્યાઓ!!
* * *

